° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


જૉબ છોડીને બિઝનેસ કરાય જ નહીં

11 January, 2022 02:23 PM IST | Mumbai | Ruchita Shah

એક મધ્યમવર્ગીય પરિવારની આ માનસિકતાને તોડવાની હિંમત ઘાટકોપરની હિના ઠક્કરે કરી. નાસ્તા અને ખાખરા વેચવાના સ્ટાર્ટઅપને લૉકડાઉનમાં જ આકાર આપ્યો અને આજે કરોડોના ટર્નઓવર સાથે બિઝનેસ થાળે પડી ગયો છે

હિના ઠક્કર

હિના ઠક્કર

પોતાનું કંઈક હોવું જોઈએ એ વાત અને એ વિચાર જ્યારે હિના ઠક્કરને આવેલો ત્યારે નૅચરલી જ ઘરથી લઈને બહારના લોકોએ એનો વિરોધ કરેલો. નવા સ્ટાર્ટઅપ સાથે ઘણીબધી અનિશ્ચિતતાઓ જોડાયેલી હોય છે એટલે જે કરવું હોય એ સાથે-સાથે કરવાનું. નોકરી ચાલુ રહે અને સાઇડમાં કામ પણ ચાલુ રહે. એક કંપનીમાં એચઆર મૅનેજર તરીકે કામ કરતા હો ત્યારે તો નોકરીને દાવ પર મૂકીને બિઝનેસમાં આગળ વધવાની સલાહ સામાન્ય બુદ્ધિ ધરાવતી વ્યક્તિ પણ ન આપે. લોકોની સલાહ માનીને કોવિડ પહેલાં યોગ ચૅર, મોબાઇલ કવર જેવા પ્રોડક્ટને ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ પર વેચવાના પ્રયાસ હિના અને તેના હસબન્ડ કરી ચૂક્યાં હતાં પણ કંઈ વાત બની નહીં. એવામાં લૉકડાઉન આવ્યું. કમ્પલ્સરી વર્ક ફ્રૉમ હોમ હતું. થોડોક વધારાનો સમય મળવા માંડ્યો અને હિનાનું ક્રીએટિવ માઇન્ડ હવે કંઈક અલગ કરવું છે એ વિચારોમાં મંડી પડ્યું. અને એમાંથી સર્જન થયું રાહી ગુજરાતી સ્નૅક્સનું, જેનું અત્યારે સાત આંકડામાં ટર્નઓવર છે અને ભારતભરમાં ગુજરાતી ઑથેન્ટિક નાસ્તાને જે બ્રૅન્ડ દ્વારા પહોંચાડવાનું કાર્ય થઈ રહ્યું છે એ જ બ્રૅન્ડ શરૂ કરી છે હિના ઠક્કર અને તેના હસબન્ડ રાજ ઠક્કરે. 
પહેલું ડગલું
હિના ઠક્કરે લૉકડાઉનમાં ખાખરાનો સ્ટૉલ રસ્તા પર લગાવીને શરૂઆત કરી છે. તે કહે છે, ‘મારી ફૅમિલીના મોટા ભાગના લોકોને એ ગમ્યું નહોતું કે હું રોડ પર એક બાંકડો ગોઠવીને ખાખરા વેચવા માટે ઊભી રહું. જોકે મને કોઈ કામ ક્યારેય નાનું નહોતું લાગ્યું. વર્ષો પહેલાં ખાખરાનો બિઝનેસ હું ટ્રાય કરી ચૂકી હતી, પરંતુ ત્યારે મને એવો કોઈ ખાસ રિસ્પૉન્સ નહોતો મળ્યો. એ સમય બરાબર નહોતો પરંતુ લૉકડાઉનનો સમય મારા ખ્યાલથી પર્ફેક્ટ સાબિત થયો. એક જ અઠવાડિયામાં જે રિસ્પૉન્સ મળ્યો એની મેં કલ્પના પણ નહોતી કરી. લગભગ પંદર દિવસ આ રીતે સ્ટૉલ પર ખાખરા વેચ્યા પછી એને ઈ-કૉમર્સમાં લઈ જવાનો નિર્ણય લીધો. દેખીતી રીતે પરિવાર માટે આ બહુ જ મોટી વાત હતી. મારા પોતાના જ પેરન્ટ્સ મારો વિરોધ કરી રહ્યા હતા કે આટલી સરસ જૉબ છોડીને આ કામમાં લાગી છે. એ કામનો કોઈ ભરોસો નહોતો. બીજું, કોવિડમાં લોકોની નોકરી જોખમમાં હતી એ સમયે મારી સિક્યૉર્ડ જૉબ છોડવાનો નિર્ણય લઈ લીધો હતો. સ્ટૉલ શરૂ કર્યાના લગભગ એકાદ અઠવાડિયામાં જ આ નિર્ણય લઈ લીધો હતો મેં. મારા હસબન્ડે મને ખૂબ સપોર્ટ કર્યો. માર્કેટિંગમાં મારો અનુભવ હતો અને મારા હસબન્ડ તો ડિજિટલ માર્કેટિંગનું જ કામ કરતા હતા એટલે તેમને ઈ-કૉમર્સ ઇન્ડસ્ટ્રીનું સારુંએવું જ્ઞાન હતું.’
વેબસાઇટ બનાવી
હિના અને રાજે એક વેબસાઇટ ઑલરેડી બનાવેલી હતી, જેમાં તેઓ યોગ ચૅર વેચવાનાં હતાં. એ જ વેબસાઇટને તેમણે નાસ્તાની વેબસાઇટમાં કન્વર્ટ કરી નાખી. હિરના કહે છે, ‘હસબન્ડને વેબસાઇટ બનાવતા આવડે. ત્રણ દિવસમાં જ અમારું ઑનલાઇન પોર્ટલ શરૂ થઈ ગયું. અમે બધું જ ટ્રાયલ બેઝ્ડ કરી રહ્યાં હતાં. જે પરિણામ આવશે એ જોયું જશે એવો આત્મવિશ્વાસ હતો. બેશક, મહેનત બહુ જ કરી હતી. ખાખરામાંથી હવે નાસ્તા તરફ વળવું હતું. પહેલાં એનું માર્કેટ રિસર્ચ કર્યું. ક્વૉલિટી અને પૅકેજિંગ બન્ને મહત્ત્વનાં હતાં. વેબસાઇટ લૉન્ચ કરી ત્યારે માત્ર મુંબઈના જ ઑર્ડર સપ્લાય કરતાં હતાં. ઘણી ઍડ્વર્ટાઇઝમેન્ટ કરી સોશ્યલ મીડિયા પર. ફોટોશૂટ કર્યાં. મહેનતની સાથે અમારી સારી કિસ્મત પણ કહીશ કે પહેલા દિવસથી જ અમને સારો રિસ્પૉન્સ મળ્યો હતો.’
સમય બદલાયો
કોઈ પણ સક્સેસ સ્ટોરીઝમાં બહુ બધી અનસક્સેસફુલ સ્ટોરીઝ પણ સંતાયેલી હોય છે. હિના અને તેના હસબન્ડે એ નિષ્ફળતાનો સમય પણ જોયો છે. હિના કહે છે, ‘અમે મોબાઇલ કવરનો બિઝનેસ કર્યો, ટી-શર્ટનો બિઝનેસ કર્યો પણ એ નિષ્ફળ જવાનાં કારણો પર પછી બ્રેઇન સ્ટૉર્મિંગ કર્યું. શરૂઆતના ગાળામાં બ્રૅન્ડ વૅલ્યુ ઊભી કરવામાં મૅન્યુફૅક્ચરર સાથે ક્વૉલિટી ચેક પર કલાકો કામ કર્યું છે. અમુક સ્વાદ લૉક કરીને અમારી બ્રૅન્ડ માટે આ જ ટેસ્ટ મેઇન્ટેન કરવાના કૉન્ટ્રૅક્ટ બનાવ્યા. એ પછી પણ જ્યારે-જ્યારે કમ્પ્લેઇન્ટ આવી ત્યારે એના પર પણ સિન્સિયરલી કામ કર્યું. જેમ કે ઘણી વાર કુરિયરમાં પાર્સલ મોકલીએ અને કૅશ ઑન ડિલિવરી હોય તો છેલ્લી ઘડીએ તેઓ કુરિયર પાછું મોકલી આપે. ક્યારેક પ્રોડક્ટ કુરિયર દરમ્યાન ડૅમેજ થઈ જાય. આ બધું જ ધીમે-ધીમે શીખ્યાં. જેમ કે ખાવાની વસ્તુ છેલ્લી ઘડીએ પાછી મોકલે તો વેસ્ટ જાય એટલે કુરિયર કરતાં પહેલાં તેમને ખરેખર જરૂર છે એ કન્ફર્મ કરવા માટે એક કૉલ તેમને જાય એના માટે એક અલગથી માણસ જ અપૉઇન્ટ કરી દીધો. બીજું એ સમજાયું કે વ્યક્તિ જીભ પહેલાં આંખથી પ્રોડક્ટને પસંદ કરે છે એટલે પૅકેજિંગ પાછળ સારુંએવું સંશોધન કર્યું. હવે તો લગભગ સાત-આઠ લોકોનો સ્ટાફ છે.’
વૉટ નેક્સ્ટ?
એક સમયે દિવસના ૧૭-૧૮ કલાક કામ કરનારું આ કપલ હવે બેથી ત્રણ કલાક ચાલી રહેલા કામ પર અને બાકીના કલાકો એને એક્સપાન્ડ કરવાની દિશામાં કે હવે કંઈક નવું કામ શરૂ કરવાનું વિચારવામાં સમય પસાર કરી રહ્યું છે. હિસનાની જેમ હવે તો તેના હસબન્ડે પણ પોતાની જૉબ છોડી દીધી છે. હિાના કહે છે, ‘મારા હસબન્ડે પણ લગભગ આઠેક મહિનામાં જૉબ છોડીને આ બિઝનેસ જૉઇન કરી લીધો હતો. અત્યારે આખા ભારતમાં અમારા હૅન્ડમેડ અને ક્વૉલિટી પ્રોડક્ટ પાર્સલ થાય છે. જોકે અમારો ટાર્ગેટ ઇન્ટરનૅશનલ લેવલ પર જવાનો છે. કોઈક સારા ઇન્વેસ્ટરની શોધ ચાલુ છે. સાથે જ બીજા પણ અમુક સ્ટાર્ટઅપ આઇડિયાઝ પર અમે વિચારી રહ્યા છીએ. બ્રૅન્ડનું નામ તો રાહીગુજરાતીસ્નૅક્સ રાખ્યું છે એ વિશે પણ ઘણા લોકો અમને પૂછતા હોય છે. એમાં ‘રા’ મારા હસબન્ડના નામનું ઇનિશ્યલ છે અને ‘હી’ મારા નામનું. આમ રાહી નામ અમે અમારી બ્રૅન્ડનું રાખ્યું છે.’

11 January, 2022 02:23 PM IST | Mumbai | Ruchita Shah

અન્ય લેખો

બાળકોને ફૉરેન્સિક સાયન્સ શીખવે છે આ બહેન

ક્રાઇમના ઇન્વેસ્ટિગેશનમાં વપરાતા આ વિજ્ઞાનની ટ્રેઇનિંગ કિલનિકલ રિચર્સર અલોકી દોશી બાળકોને આપે છે જે તેમની નિરીક્ષણશક્તિ અને ક્રિટિકલ થિન્કિંગમાં જોરદાર ઉપયોગી સાબિત થઈ શકે એમ છે

25 January, 2022 05:47 IST | Mumbai | Ruchita Shah

ભાવતું ખાવું હોય તો એ ડાઇજેસ્ટ કરવાની તૈયારી રાખવાની

મન ભાવે એ બધું કૌશિકી ખાય છે એટલે જ દિવસમાં મિનિમમ બેથી અઢી કલાક વર્કઆઉટ કરે છે

25 January, 2022 05:27 IST | Mumbai | Rashmin Shah

૨૦ પર્સન્ટ વર્કઆઉટ અને ૮૦ પર્સન્ટ ડાયટ

‘સીઆઇડી’થી માંડીને ‘હર યુગ મેં એક આએગા - અર્જુન’ ને ‘સાવધાન ઇન્ડિયા’ જેવી સિરિયલો તો ‘સેકન્ડ મૅરેજ ડૉટ કૉમ’ અને ‘ધી પ્રીસેજ’ જેવી ફિલ્મો કરી ચૂકેલો વિશાલ માને છે કે ડાયટને સુધારી લેવામાં આવશે તો આપોઆપ બૉડી ઓરિજિનલ રૂપમાં આવવાનું શરૂ થઈ જશે

24 January, 2022 12:42 IST | Mumbai | Rashmin Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK