પ્રિયજનની જુદાઈ કે કાયમી વિદાયને કારણે શું વેદના થાય છે એની વિવિધ કવિઓની કલમે થયેલી અભિવ્યક્તિની આજે અનુભૂતિ કરીએ. કવિ બરબાદ જૂનાગઢી લખે છે...
પ્રતીકાત્મક તસવીર
સ્વજન જાય પછી પણ એ સ્મરણોમાં જીવંત રહે છે. ગોધરાના પ્રસિદ્ધ શાયર-સ્વરકાર રિષભ મહેતાને કોરોના અકાળે ભરખી ગયો હતો. આજીવન શિક્ષક, શાયર, સ્વરકાર, ભીતરના ભાવથી અને સ્વભાવથી પણ સમૃદ્ધ વ્યક્તિની વિદાય પછી તેમનાં ધર્મપત્ની કવયિત્રી ગાયત્રી ભટ્ટે અંજલિરૂપે સ્વરચિત કાવ્યસંગ્રહ તાજેતરમાં આપ્યો : ‘રે... રિષભ! અંજલિ અઢી અક્ષરની’. વિદાય થયેલી વ્યક્તિને પાછી બોલાવી શકાતી નથી, પણ આવી નોખી રીતે અંજલિ આપવાની નિસબતને અંતરનાં વંદન. પ્રિયજનની જુદાઈ કે કાયમી વિદાયને કારણે શું વેદના થાય છે એની વિવિધ કવિઓની કલમે થયેલી અભિવ્યક્તિની આજે અનુભૂતિ કરીએ. કવિ બરબાદ જૂનાગઢી લખે છે...
દિલને નથી કરાર તમારા ગયા પછી
નયને છે અશ્રુધાર તમારા ગયા પછી
ADVERTISEMENT
ચાલ્યા ગયા તમે તો બધી રોનકો ગઈ
રડતી રહી બહાર તમારા ગયા પછી
જીવનસાથીની વિદાય પછી અનેક નાની-નાની વાતો યાદ આવે. ક્ષુલ્લક ક્ષણોમાંથી નીપજેલો જીવનરસ આંખે આંસુ બનીને વળગે. સવારે ડાઇનિંગ ટેબલ પર બેને બદલે ચાનો એક જ કપ હોય. સામેની ખાલી ખુરસી પર હજી પણ પ્રિયજનનો આભાસ થયા કરે. સંદીપ પૂજારા આ વેદનાને વ્યક્ત કરે છે...
તારા ગયા પછી આ સફર એવી ચાલે છે
જાણે કે એક છિદ્ર પડ્યું ના હો નાવમાં!
શીખી રહ્યા છે લોકો બધા, જોઈને મને
કેવી રીતે જીવાય પળેપળ તનાવમાં!
અવારનવાર, પ્રસંગોપાત્ત કે વારતહેવારે આ યાદ વધારે જલદ બને. આનંદનો પ્રસંગ પતે પછી હૃદયના એક ખૂણે વિષાદ ફરી વળે. કોઈ સાથે હતું ને કોઈ સાથે નથી એ સ્થિતિ સ્વીકારતાં શીખવું પડે. સંતાન કે અન્ય સ્વજનનો સથવારો હોય તો ટકી જવાય. અન્યથા એકલું જીવવું બોઝલ લાગે. આદિલ મન્સૂરી એકાકી વ્યથા નિરૂપે છે...
ખુરસી, પલંગ, મેજ, કલમ, ચાંદ, ચાંદની
સઘળું ઉદાસ લાગે છે તારા ગયા પછી
ડૂબી ગયા છે આંખમાં આંસુના સાગરો
થીજી ગઈ છે દિલમાં ઉમંગોની ચાંદની
પ્રકૃતિએ એવી રચના ઘડી છે કે બે જણ એક થાય ત્યારે જીવનરથ હાંકી શકાય. બન્ને એકમેકના પૂરક બને. સંસારસાગરમાં એક જણનો હાથ હલેસાં મારતાં થાકી જાય તો બીજા જણનો હાથ તૈયાર હોય. વ્યક્તિગત પરિસ્થિતિને કારણે સૂર્યની સ્થિતિમાં શું ફરક આવી શકે એ ગિરીશ મકવાણા જણાવે છે...
તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે?
ઝળહળતો હોય સૂર્ય ને ઈવનિંગ થઈ શકે
દિવસ દરમ્યાન તો કામકાજમાં સમય વીતી જાય, પણ સાંજ પડે ને એકલતા ધસી આવે. નિરાંત સૌને વ્હાલી હોય છે, ફુરસદ સૌને ગમે છે; પણ એમાં એક જણ મિસિંગ હોય તો એનું રૂપાંતર પીડામાં થઈ જાય. બધું દૃશ્યમાન હોય છતાં કશુંક અદૃશ્ય નજર સામે તરવર્યા કરે. અગન રાજ્યગુરુ આ આભાસને આવરી લે છે...
અળગા થયા તો દોસ્ત! એ અહેસાસ થઈ ગયો
તારા તરફ લગાવ હજી ત્યાં ને ત્યાં જ છે
નીકળી ગયો છે તું જ હવા થઈને બાથથી
મારા તો બેઉ હાથ હજી ત્યાં ને ત્યાં જ છે
સુરેશ દલાલનું એક અછાંદસ કાવ્ય છે : ‘તારા વિના સૂરજ તો ઊગ્યો પણ આકાશ આથમી ગયું. તારા વિના ફૂલ તો ખીલ્યાં પણ આંખો કરમાઈ ગઈ. તારા વિના ગીત તો સાંભળ્યું પણ કાન મૂંગા થયા. તારા વિના... તારા વિના... તારા વિના... જવા દે, કશું જ કહેવું નથી. અને કહેવું પણ કોને તારા વિના?’ કશુંક કહેવું હોય પણ વાત હોઠો પર આવીને વિલીન થઈ જાય, બાહુપાશમાં હેતનું સ્થાન હવા લઈ લે. માંદગી આવે ત્યારે સમયસર દવા આપનાર, કાળજી લેનાર કોઈ ન હોય. નિમેષ પરમાર ‘બેહદ’ નિરીક્ષણ કરે છે...
તું નથી તો સાવ ખાલી જિંદગી
રસ વિનાની એક પ્યાલી જિંદગી
હા મને પણ સંગ તારી રાખજે
આમ કાં એકલ તું ચાલી જિંદગી
લાસ્ટ લાઇન
શ્વાસમાં સહવાસ તારો, સાચવ્યો છે મેં હજી પણ
એક દિવસ ખાસ તારો, સાચવ્યો છે મેં હજી પણ
હાજરી ના હોય છોને વાંસળી વાગે નિરંતર
સૂર બારેમાસ તારો, સાચવ્યો છે મેં હજી પણ
વેદના, સંવેદના, આંસુ અને પીડા ભરેલો
એ છલોછલ ચાસ તારો, સાચવ્યો છે મેં હજી પણ
દોડવાનું, હાંફવાનું, ક્યારનું છૂટી ગયું છે
મન મહીં પ્રવાસ તારો, સાચવ્યો છે મેં હજી પણ
બંધ આંખે થાય દીવો, થાય તારો સ્પર્શ તાજો
ભીતરે અજવાશ તારો, સાચવ્યો છે મેં હજી પણ
- ગાયત્રી ભટ્ટ
કાવ્યસંગ્રહ : રે... રિષભ! અંજલિ... અઢી અક્ષરની


