પંજાબી ફોકની વાત આવે ત્યારે બધા બલ્લે-બલ્લે કરીને ભાંગડા કરવા માંડે, પણ ભાંગડા એકમાત્ર પંજાબનો ફોક ડાન્સ નથી. પંજાબ પાસે પોતાના કહેવાય એવા બારથી વધારે ફોક છે, પણ પંજાબની બહાર માત્ર ભાંગડા પૉપ્યુલર થયા છે
થોડા સમય પહેલાં લંડનમાં સિખ ફેસ્ટિવલ દરમ્યાન સિખ ભાઈઓએ રસ્તા પર ગટકા ડાન્સ કર્યો હતો અને ત્યાંથી પસાર થનારા સૌ જોવા ઊભા રહી ગયા હતા.
આપણે વાત કરીએ છીએ ગરબાની. ગરબામાં વૈવિધ્ય એક્સપ્લોર કરવા તમારે અંતરિયાળ ગામોમાં જવું પડે જ્યાં આજે પણ ગરબાનાં અનેક ફૉર્મ સચવાયેલાં છે. અમે ખૂબ ફર્યા છીએ, અમે ખૂબબધું જોયું છે એટલે જ કહીએ છીએ કે જે આંખ સામે છે એટલું જ છે એવું માનવું બિલકુલ ભૂલભરેલું છે. આ ગેરમાન્યતા આપણે મનમાંથી કાઢવી જોઈએ. એવું નથી કે ગરબા માટે જ આપણા મનમાં આવી માન્યતા હોય. આપણે મોટા ભાગનાં નૃત્ય માટે એના પૉપ્યુલર થયેલા એક ફૉર્મને જ ફાઇનલ માનીએ છીએ. પંજાબ માટે આપણે ધારીએ છીએ કે ભાંગડા એ ત્યાંનો ફોક ડાન્સ, પણ આ અધૂરી વાત છે. પંજાબમાં બારથી વધારે ફોક ડાન્સ છે અને એમાં ગિધ્ધા, જુમર, માલવી, કિકલી અને ગટકાનો પણ સમાવેશ થાય છે. એ ડાન્સ જોઈને તમારું મન ખુશ થઈ જાય, તમે ઝૂમી ઊઠો, તમારા પગ આપોઆપ થિરકવા માંડે. પંજાબના જુમર ફોક ડાન્સનું તો નામ જ એના આ નેચરને કારણે પડ્યું છે. કહે છે કે જુમર ચાલતો હોય એ દરમ્યાન કોઈ માણસ પગ સરખા રાખીને બેસી કે ઊભો રહી શકે નહીં. તે પણ જુમર સાથે ઝૂમે જ ઝૂમે.
પંજાબી ફોકની જ વાત કરીએ તો તમે ગટકા જુઓ. એનો ઇતિહાસ પણ મેર કમ્યુનિટીના મણિયારા રાસ જેવો જ શૌર્યવાન છે. ગટકા હાથમાં લાકડી સાથે રમવામાં આવે છે. પહેલાં તો એ તલવાર સાથે રમવામાં આવતો, પણ ધીમે-ધીમે તલવારને દૂર કરીને એમાં લાકડીને સ્થાન મળ્યું છે. લાકડીથી માર્શલ આર્ટ્સ જેવા દાવ એ ગટકા ડાન્સના સ્ટેપ્સનો એક ભાગ છે. ગટકા રમતા હોય એ દરમ્યાન તમે એક સેકન્ડ પણ આંખ હટાવો તો તમે બે-ચાર સ્ટેપ્સ જોવાનું મિસ કરી જાઓ. ગટકા માટે તો એવું પણ કહેવાય છે કે આ ડાન્સ જોયા પછી જ ચાઇનીઝ લોકોએ માર્શલ આર્ટ્સમાં નાનચાકુની આર્ટ ઇન્ટ્રોડ્યુસ કરી, જે વાત અમુક અંશે સાચી પણ હોઈ શકે છે; કારણ કે સિખ લોકોના ગટકા ડાન્સનો ઉદય પાંચસો વર્ષથી પણ વધારે વર્ષો પહેલાં થયો છે, જ્યારે નાનચાકુ આર્ટ આવ્યાને બસ્સોથી વધારે વર્ષો નથી થયાં.
ADVERTISEMENT
ગટકા ડાન્સ પહેલાંના સમયમાં સિખ ગુરુકુળોમાં ગુરુ અને શિષ્યો સાથે કરતા અને એ જોવા આજુબાજુનાં રાજારજવાડાંઓ પણ આવતાં. હવાથી પણ વધારે ઝડપથી એનાં બદલાતાં સ્ટેપમાં જો કોઈ એકાદ પણ ભૂલ કરે તો ચોક્કસપણે એ ડાન્સ યુદ્ધમાં ફેરવાઈ જાય અને બે-ચાર જણનાં માથાં ફૂટે. જોકે ગટકા રમનારાઓને ક્યારેય વાગ્યું હોય એવું સાંભળવા મળ્યું નથી.
આપણા સૌ માટે અફસોસની વાત એ છે કે આપણે હજી સુધી ગટકા ડાન્સને ફિલ્મની સ્ક્રીન પર જોયો નથી અને એને કારણે આપણે એના વિશે વધારે જાણતા નથી, પણ જો તમે એ કે પછી પંજાબના બીજા જે કોઈ ફોક છે એ જુઓ તો તમે પણ એના પ્રેમમાં પડી જાઓ. ગટકાની વાત કહેવાનો અર્થ માત્ર એટલો કે તમારે ડાન્સને, ડાન્સના પ્રકારોને જાણવા હોય તો તમારે એ વિસ્તારને એક્સપ્લોર કરવો પડે. જો તમે એક જ જગ્યાએ બેસી રહો તો તમારી સામે આવે એને જ તમે અંતિમ માનીને બેસી રહો. આજે તો આપણી પાસે ઇન્ટરનેટ જેવી ફૅસિલિટી છે. ઇન્ટરનેટ અને રિયલિટી વચ્ચે જમીન-આસમાનનો ફરક છે જ છે, પણ તમે શરૂઆત તો ત્યાંથી કરી જ શકો છો અને બેઝિક જાણકારી કે પછી બેઝિક વાતો ત્યાંથી જાણી જ શકો છો. ગયા રવિવારે જેની વાત કરી હતી એ મણિયારો રાસ પણ યુટ્યુબ પર અવેલબેલ હશે. તમે જોઈ શકો છો અને ધારો કે તમને રૂબરૂ જોવાનું મન હોય તો તમે પોરબંદર કે પછી એની આસપાસના પંથકમાં કે પછી ગુજરાતમાં થતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જઈને એ જોઈ જ શકો છો.
આપણું ભારતીય કલ્ચર આઇસબર્ગ જેવું છે. આપણે જે જોઈએ છીએ કે જે માણીએ છીએ એ આ આઇસબર્ગની ટોચ માત્ર છે. હા, આપણે જે જોયું છે એ તો હજી બે-ચાર પર્સન્ટ માંડ છે. હવે તમે જ વિચારો કે જો આ બે-ચાર પર્સન્ટ પર આપણે દુનિયા આખીને આફરીન કરી શકતા હોઈએ તો પછી બાકીનું, જે હજી બહાર નથી આવ્યું કે જેને હજી ફોકસ નથી મળ્યું એ બધું બહાર આવે તો આપણું કલ્ચર કયા સ્તર પર લોકોને ખુશ કરી શકે અને કેટલું ખુશ કરી શકે? આ આખી વાત માત્ર એ જ કારણે થાય છે કે તમે તમારા કલ્ચરને એક્સપ્લોર કર્યા વિના જ સીધા ગરબા-સાલ્સાના ફ્યુઝન પર ચાલ્યા જાઓ તો એ આપણા કલ્ચરનું કેવું અને કેવડું અપમાન કહેવાય?!

