નામનો મહિમા એટલા માટે નથી કે તમારા ગયા પછી તમારું નામ એક અક્ષરનું ઇનિશ્યલ માત્ર થઈ જાય છે
પ્રતીકાત્મક તસવીર
લગ્નગાળો આવે ને મુંબઈના તાંબાકાંટા (કાલબાદેવી)ની દુકાનોમાં વાસણો પર મશીનથી નામ લખવાના અવાજો આવવા માંડે. ‘ફલાણા નિવાસી, હાલ મુંબઈ શેઠશ્રી...નાં સુપુત્ર/સુપુત્રીના લગ્નપ્રસંગે સપ્રેમ ભેટ તા : ...’ એમ લાંબુંલચક લખાવવામાં આવે. કુટુંબવાળા પોરસાઈને જોતા રહે કે વર્ષો સુધી આ વાસણ વાપરશે ત્યાં સુધી આપણને યાદ કરશે. નામની જોડણી બરાબર છે કે નહીં, બરાબર ઊંડું કોતરાયું છે કે નહીં એ પણ ચેક કરી લે. અને ખરેખર વર્ષો સુધી વાસણ પર નામ રહેતાં પણ ખરાં. હવે આવાં વાસણોનાં ‘ઠીકરાં’ આપવાનો રિવાજ નથી રહ્યો. ગિફ્ટ લેનારા હવે તમારું નામ નહીં પણ કઈ કંપનીની પ્રોડક્ટ છે એ જુએ છે. બ્રૅન્ડેડ પ્રોડક્ટ હોય તો આંખોમાં અહોભાવ દેખાય અને નહીં તો એ ગિફ્ટ બીજાને આપવામાં ચાલે.
નામનો મહિમા છે અને નથી. ‘છે’ એટલા માટે કે પોતાના નામનો ઉચ્ચાર વ્યક્તિ કલબલાટ અને કોલાહલમાં પણ સાંભળી લે છે. ગિફ્ટ-ટૅગ પર પોતાનું નામ સુંદર અક્ષરે લખે છે. સ્ટેજ પરથી પોતાનું નામ બોલાવાનું હોય તો એ માટે સતત કાન સરવા રાખે છે. કેટલાંક ડોનેશન્સ તો તક્તી પર નામ કોતરાય કે તખતા પરથી નામ બોલાય એ માટે જ આપવામાં આવે છે. કોને પોતાનું નામ પ્યારું નથી?
ADVERTISEMENT
નામનો મહિમા એટલા માટે નથી કે તમારા ગયા પછી તમારું નામ એક અક્ષરનું ઇનિશ્યલ માત્ર થઈ જાય છે. અને પછી ધીમે-ધીમે એ પણ રહેતું નથી. રસ્તાઓ, મકાનો, સભાગૃહો, હૉસ્પિટલો, સ્કૂલો, કૉલેજો વગેરેને અપાયેલાં દાતાઓનાં નામ ધીમે-ધીમે એક-બે અક્ષરોના ઇનિશ્યલ્સમાં સમાઈ જાય છે. મહાત્મા ગાંધી રોડ એમ. જી. રોડ થઈ જાય છે અને સરદાર વલ્લભભાઈ પટેલ રોડ SVP રોડથી જ ઓળખાય. ‘સર હરકિસનદાસ નરોત્તમદાસ હૉસ્પિટલ’ કેટલું લાંબુંલચક નામ લાગે? એટલે સર એચ. એન. હૉસ્પિટલ, ટૂંકું ને ટચ.
‘નામ છે તેનો નાશ છે’ એવો ઉપદેશ આપનારા સાધુ-મહારાજ, ભગવંતો પણ પોતાના નામ આગળ ધ.ધૂ. પ.પૂ. ૧૦૮/૧૦૦૮ ફલાણા ગિરિ, મહંત, સ્વામી, સાહેબ, સૂરીશ્વરજી વગેરે તો લખાવે જ છે. પણ સામાન્ય માણસ તો અમુક-તમુક જગ્યાના કે મંદિરના મહારાજશ્રી તરીકે જ તેમને ઓળખતો હોય છે.
આ વિષયના અનુસંધાનમાં જ નોબેલ પ્રાઇઝ વિનર કવિ પાબ્લો નેરુદાનો કિસ્સો ઘણો રસપ્રદ છે. આ કવિ લોકપ્રિય તો પછીથી થયા પણ એ પહેલાં તેમના કુટુંબને એ કવિતા લખે એ જ ગમતું નહોતું. એટલે તેમણે તેમના ગમતા ઝૅક કવિ ઝાન નેરુદાની અટક રાખીને પાબ્લો નેરુદાના નામે કાવ્યો લખ્યાં. પછી મૂળ નામનું તો અસ્તિત્વ જ ન રહ્યું. નામમાં શું રાખ્યું છે?! હશે ભાઈ.
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.
- યોગેશ શાહ


