અમેરિકાની ક્રિકેટ ટીમના કૅપ્ટનપદ સુધી પહોંચેલો મોનાંક પટેલ સ્કૂલમાં હતો ત્યારે દાદાએ અને પપ્પાએ તેની આવડતને પારખી લીધી હતી, કારણ કે તેઓ પોતે પણ ક્રિકેટ રમી ચૂક્યા હતા. જેને જીન્સમાં જ ક્રિકેટનો વારસો મળ્યો છે એવા મોનાંકની આણંદથી અમેરિકાની દાસ્તાન
મોનાંક અને તેના પપ્પા દિલીપ પટેલ
ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા વલ્લભવિદ્યાનગરની સ્કૂલમાં અભ્યાસ કરતો મોનાંક પટેલ ક્રિકેટ રમતો હોવાથી તેના દાદાને સ્કૂલ-ટીચરે ક્રિકેટ માટે કંઈક કહ્યું ત્યારે દાદાજીએ ટીચરને વિનમ્રતાપૂર્વક કહી દીધું કે મારો પૌત્ર ક્રિકેટ પહેલાં રમશે, પછી ભણશે. આજે એ પૌત્ર T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં જગતજમાદાર ગણાતા અમેરિકાની ક્રિકેટ ટીમનું કૅપ્ટનપદ શોભાવીને તેની ફૅમિલીને પ્રાઉડ ફીલ કરાવી રહ્યો છે.
મોનાંક જ્યારે સ્કૂલમાંથી ક્રિકેટ રમતો હતો ત્યારે તેના વિઠ્ઠલદાદા દરરોજ તેને ક્રિકેટના ગ્રાઉન્ડ પર લેવા-મૂકવા જતા હતા. તેઓ ઘણી વખત મોનાંકને રમતો જોતા હતા અને એ દાદાની ચકોર નજર આ હીરાને પારખી ગઈ હતી. આમ થવા પાછળનું કારણ એ પણ હતું કે મોનાંકના દાદા પણ ક્રિકેટ રમતા હતા એટલે પૌત્રના હીરને તેઓ પારખી ગયા હતા. જોકે દરેકના જીવનમાં ચડાવ-ઉતાર આવે છે એમ એક તબક્કે મોનાંકનું ક્રિકેટ પ્રત્યેનું પૅશન ઓછું થઈ ગયું હતું એટલે અમેરિકા જઈને પિતાના કઝિન સાથે રેસ્ટોરાં શરૂ કરી હતી. જોકે એક વર્ષ સુધી તેણે રેસ્ટોરાં ચલાવી, પણ મૂળ રહ્યો ક્રિકેટનો જીવ એટલે અમેરિકામાં પણ સ્થાનિક મૅચ રમવાનું છોડ્યું નહીં અને એમાં કાકા ચિંતન પટેલનો તેને સાથ મળ્યો. કદાચ મોનાંક પટેલે જો અમેરિકામાં ક્રિકેટનું પૅશન છોડી દીધું હોત તો તે આજે કદાચ રેસ્ટોરાંનો માલિક હોત કે કંઈક બીજું કામ કરતો હોત, પણ જેને જીન્સમાં જ ક્રિકેટનો વારસો મળ્યો છે એ મોનાંક પટેલની આણંદથી અમેરિકાની ક્રિકેટ ટીમના કૅપ્ટન સુધીની સફર રોચક રહી છે. એમાં તેના પપ્પા દિલીપ પટેલની ભૂમિકા મહત્ત્વની અને અદકેરી બની રહી હતી. તેમણે દીકરાને ક્રિકેટર બનાવવા માટે સપોર્ટ કરીને પોતાના અનુભવના આધારે તૈયાર કર્યો એટલું જ નહીં, ટીમમાં દીકરાના સિલેક્શનની તક વધુ ઊજળી બને એ માટે તેને માત્ર બૅટ્સમૅન ન રહેવા દઈને પોતાની માફક વિકેટકીપિંગ પણ ઘરેથી જ શીખવ્યું.
ADVERTISEMENT
મોનાંકે તેના ફેવરિટ ક્રિકેટર સચિન તેન્ડુલકરનો ફોટો ઘરમાં લગાવ્યો હતો
ગુજરાતના સમૃદ્ધ ગણાતા ચરોતર પંથકના આણંદ જિલ્લામાં વલ્લભ વિદ્યાનગર પાસે આવેલા મહેડાવ ગામના દિલીપ પટેલ વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે સ્થાનિક ટુર્નામેન્ટોમાં રમી ચૂક્યા છે. દીકરો T20 વર્લ્ડ કપ રમી રહ્યો છે એટલે તેની મૅચો જોવા અમેરિકા પહોંચેલા દિલીપ પટેલ ફોન પર ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહે છે, ‘મોનાંકના જીન્સમાં ક્રિકેટ ઊતર્યું છે. મારા પિતાજી વિઠ્ઠલભાઈ સ્પોર્ટ્સમૅન હતા. તેઓ ક્રિકેટ અને વૉલીબૉલ રમતા હતા. હું પોતે વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે સ્કૂલમાં અને યુનિવર્સિટીમાં ઇન્ટર કૉલેજ ટુર્નામેન્ટ સહિત સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટ બહુ રમ્યો છું. અમે આણંદ, વિદ્યાનગર, વડોદરા, અમદાવાદ સુધી ક્રિકેટ રમવા જતા. મોનાંકના કાકા ચિંતન પટેલ પણ ઑલરાઉન્ડર તરીકે ક્રિકેટ રમતા હતા એટલે ક્રિકેટ તેના જીન્સમાં આવ્યું છે.’
આજે ફાધર્સ ડે છે ત્યારે એક પિતા પોતાના બાળકમાં રહેલી શક્તિને ઓળખીને તેને એમાં આગળ લઈ જવા મહેનત કરે અને એક મુકામ સુધી પહોંચાડે એ સુખદ કિસ્સો જોવો હોય તો દિલીપ પટેલ અને મોનાંકનો કિસ્સો જોઈ શકો છો, કેમ કે મોનાંકને ક્રિકેટમાં રસ છે એવું જાણ્યા પછી તેમણે પોતાના ઘર પાસે જ દીકરાને પ્રૅક્ટિસ કરાવવાની શરૂઆત કરી હતી. દિલીપભાઈ કહે છે, ‘અત્યારે અમારી થર્ડ જનરેશન તમાકુનો બિઝનેસ સંભાળી રહી છે, પરંતુ મોનાંક વલ્લભવિદ્યાનગરની એન્જલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને ત્યાર બાદ સેમકોમ કૉમર્સ કૉલેજમાંથી બીબીએ સાથે ગ્રૅજ્યુએટ થયો એ દરમ્યાન સ્કૂલ-કૉલેજમાં તે બહુ ક્રિકેટ રમ્યો છે. ઍક્ચ્યુઅલી તે ચાર-પાંચ વર્ષનો હતો ત્યારથી તેને ક્રિકેટ રમવાનો શોખ જાગ્યો હતો. ઘરમાં તે ક્રિકેટ રમ્યા કરે. હું અને મારો ભાઈ પણ ક્રિકેટ રમતા હતા એ મોનાંક જોતો હતો. મને ખબર પડી કે દીકરાને ક્રિકેટમાં રસ છે ત્યારે મારા ઘરની બાજુમાં નેટ બાંધીને તેને મેં પ્રૅક્ટિસ કરાવવાની શરૂ કરી. તેને બૅટિંગનો બહુ શોખ હતો, પણ બૅટિંગની સાથે મેં તેને વિકેટકીપિંગ માટે પણ તૈયાર કર્યો. નાનપણથી જ તેને મેં કીપિંગ ચાલુ કરાવ્યું હતું. કેમ કે જો તે બૅટર તરીકે અને કીપર તરીકે હોય તો તેને રમવાના ચાન્સ વધુ રહે છે એટલે પહેલાંથી જ મેં તેને એ રીતે તૈયાર કરવાનું શરૂ કર્યું હતું.’
મોનાંકના દાદા વિઠ્ઠલભાઈ પટેલ
સિરિયસ રીતે એક ક્રિકેટર તરીકેની સફર મોનાંક પટેલે ક્યારથી શરૂ કરી એની વાત કરતાં દિલીપભાઈ કહે છે, ‘૧૩ વર્ષની ઉંમરથી તેની ક્રિકેટ-જર્ની શરૂ થઈ હતી. એ સમયે એક સમયના ભારતીય ટીમના ઓપનર અંશુમન ગાયકવાડ આણંદ આવ્યા હતા અને મોનાંકને રમતો જોયો એટલે તેમણે તેને અમદાવાદ બોલાવ્યો હતો. એ પછી તે ક્રિકેટ માટે સિરિયસ બન્યો અને સ્કૂલ-કૉલેજ કક્ષાની ટુર્નામેન્ટ ઉપરાંત ગુજરાત અન્ડર-16 અને ગુજરાત અન્ડર-19ની ટીમમાંથી પણ ક્રિકેટ રમ્યો છે. તેણે મહેનત કરી, સારું કોચિંગ મળ્યું અને સારો પર્ફોર્મન્સ કરતો હોવાથી તે અન્ડર-16 અને અન્ડર-19માં પણ રમતો હતો.’
દરેક વ્યક્તિના જીવનમાં ચડાવ-ઉતાર આવે છે એમ મોનાંક પટેલના જીવનમાં પણ એવું જ કંઈક બન્યું અને એની સાથોસાથ અમેરિકાની સફર શરૂ થઈ એની વાત કરતાં દિલીપભાઈ કહે છે, ‘એક તબક્કે અન્ડ-19 પછી મોનાંકનું પૅશન ઓછું થઈ ગયું હતું. અન્ડર-19 ક્રિકેટ રમ્યા પછી તે ૨૦૧૪માં અમેરિકા આવ્યો. ફૅમિમલી પાસે ગ્રીનકાર્ડ હતું એટલે તે સેટલ થવાનું વિચારીને અમેરિકા આવ્યો. સાઉથ કૅરોલિનાના ફ્લોરેન્સ ટાઉનમાં મારા કઝિન સાથે રેસ્ટોરાં ચલાવતો હતો. એક વર્ષ સુધી તેણે રેસ્ટોરાં તો ચલાવી, પરંતુ એની સાથોસાથ તેણે ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું. મારો ભાઈ ચિંતન પટેલ ન્યુ જર્સીમાં રહેતો હતો અને તે ક્રિકેટ રમતો હતો એટલે મોનાંકને પણ લોકલ લીગ મૅચ રમવા સાથે લઈ જતો. તે પહેલાંથી જ ક્રિકેટ રમતો હતો એટલે મોનાંકનો પર્ફોર્મન્સ જોઈને એક દિવસ તેના પર કૉલ આવ્યો અને ૨૦૧૮માં અમેરિકાની નૅશનલ ટીમમાં તે સિલેક્ટ થયો. સિલેક્શન થયા બાદ તેનો આત્મવિશ્વાસ વધ્યો અને ધીરે-ધીરે તેનો પર્ફોર્મન્સ ખીલતો ગયો અને આજે તે T20 ક્રિકેટ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં અમેરિકાની ટીમનો કૅપ્ટન છે. આ ઉપરાંત તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) જેવી MI ન્યુ યૉર્ક, MI એમિરેટ્સ વતી મૅચ રમી રહ્યો છે.’
મોનાંકના કાકા, તેનાં ફોઈ અને તેની બહેન આશ્વી પણ અમેરિકાના ટેક્સસમાં રહે છે. જોકે તેની મમ્મી પ્રાપ્તિ પટેલ આજે આ દુનિયામાં નથી, પણ દીકરાને મળેલી સફળતા તેઓ જોઈને ગયાં છે એ વિશે વાત કરતાં દિલીપભાઈ કહે છે, ‘કૅન્સરમાં તેની મમ્મી ૨૦૧૮માં મૃત્યુ પામી હતી. અમેરિકાની ટીમમાં મોનાંક સિલેક્ટ થયો એની તેને ખબર હતી એટલું જ નહીં, મૅચ રમવા ઓમાન ગયો અને ત્યાં મોનાંકે સદી ફટકારી હતી એ મૅચ પણ તેની મમ્મીએ ટીવી પર જોઈ હતી એટલે તેણે દીકરાને મેદાન પર રમતો જોયો છે અને ગર્વ મહેસૂસ કર્યો હતો.’
નવરાત્રિમાં ગરબા રમવાના શોખીન એવા દીકરાની સફળતાથી પિતા દિલીપ પટેલની છાતી ગજગજ ફૂલે છે અને દીકરા પાછળ કરેલી મહેનત એળે નથી ગઈ અને દીકરો પણ પોતાના દમ પર, પર્ફોર્મન્સ પર આગળ વધી રહ્યો છે એ જોઈને પિતાની આંખ ઠરી રહી છે એ વિશે વાત કરતાં દિલીપભાઈ કહે છે, ‘સ્વાભાવિક છે કે દીકરાની સફળતા પર ગર્વ થાય જ. તેનું સપનું ઇન્ડિયામાં પૂરું ન થયું, પણ અમેરિકામાં તેનું સપનું પૂરું થયું. પોતાની મહેનતથી ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમવાનું સપનું પૂરું થયું છે. મહેનત તેણે કરી છે અને દીકરાને આગળ વધારવા મેં, મારા પિતાજી, તેના કાકા ચિંતન સહિત ફૅમિલીએ પણ મહેનત કરી છે.’
મોનાંકના કાકા ચિંતન પટેલ
દિલીપ પટેલની જેમ મોનાંકના કાકા ચિંતન પટેલ પણ તેને દીકરાની જેમ સાચવે છે અને આગળ વધારવામાં રસ દાખવતા આવ્યા છે. અમેરિકાની ટીમ વતી વન-ડે મૅચ પણ રમનાર ચિંતન પટેલ કહે છે, ‘હું અહીં અમેરિકામાં ડાયમન્ડનું કામકાજ કરું છું પરંતુ પહેલાંથી જ હું લેફ્ટ આર્મ સ્પિન બોલર અને રાઇટી બૅટ્સમૅન તરીકે ક્રિકેટ રમતો હતો. ૨૦૦૫-’૦૬માં પાંચ દેશો વચ્ચે કૅનેડામાં ટુર્નામેન્ટ રમાઈ હતી એમાં હું અમેરિકાની ઇન્ટરનૅશનલ ક્રિકેટ ટીમમાંથી વન-ડે મૅચ રમ્યો છું. એટલે મોનુ અહીં અમેરિકા આવ્યો એ પછી હું તેની સાથે ઘણી મૅચ રમ્યો છું. ન્યુ જર્સીમાં જ અમે ૭ મૅચ રમ્યા હતા. અમેરિકાની ક્લબ ક્રિકેટમાં તે રમતો હતો. તેના પર્ફોર્મન્સના આધારે તેને અમેરિકાએ સિલેક્શન માટે બોલાવ્યો હતો. સિલેક્શન કૅમ્પમાં તેને તક મળતાં પહેલો અને બીજો કૅમ્પ તેણે પાસ કરી દેતાં તેની નૅશનલ ટીમમાં પસંદગી થઈ હતી. એક સમયે તે સૌરભ નેત્રાવળકરની કૅપ્ટન્સી હેઠળ પણ રમતો હતો.’
અમેરિકાથી ખાસ મુંબઈ ટ્રેઇનિંગમાં પણ મોનાંક પટેલ સહિતના ખેલાડીઓ આવ્યા હતા એની વાત કરતાં ચિંતનભાઈ કહે છે, ‘ઍક્ચ્યુઅલી અમેરિકન ક્રિકેટ બોર્ડવાળાઓએ મોનુ અને તેની સાથે બીજા ખેલાડીઓને ૨૦૨૧–’૨૨માં મુંબઈમાં પ્રવીણ આમ્રેના કોચિંગ ક્લાસમાં મોકલ્યા હતા. ત્યાં તેમણે કોચિંગ મેળવ્યું હતું. બૅટિંગ ટેક્નિક શીખવા મળી હતી અને એનો ફાયદો પણ થયો છે.’

