Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > દરેક પુરુષ ઝંખે છે કે તેની ગરિમા પણ જળવાઈ રહે

દરેક પુરુષ ઝંખે છે કે તેની ગરિમા પણ જળવાઈ રહે

Published : 24 July, 2023 03:00 PM | Modified : 24 July, 2023 03:22 PM | IST | Mumbai
Rajul Bhanushali

જોકે એ વિશે ભાગ્યે જ વિચાર પણ થતો હશે અને કદાચ એટલે જ આપણે ત્યાં ‘પુરુષદાક્ષિણ્ય’ જેવો શબ્દ નથી જ. તાજેતરમાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં હોટેલના બિલમાં પૈસા ઓછા પડતાં ઝંખવાયેલા પુરુષને એક સ્ત્રી કોઈને ખબર ન પડે એ રીતે પૈસા આપીને હાશકારો આપે છે. પુરુ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર



સોશ્યલ મીડિયા પર એક રીલ વાઇરલ થઈ હતી. કોઈ રેસ્ટોરન્ટમાં થોડાક જણ જમી રહ્યા છે. વેઇટર બિલ લઈ આવે છે. પુરુષ પોતાનું વૉલેટ કાઢે છે અને તેને સમજાય છે કે પૂરતા પૈસા નથી. એને હવે શું કરવું એવી અવઢવ થાય છે. બાજુની ખુરસીમાં બેઠેલી સ્ત્રી ચૂપચાપ પોતાના પર્સમાંથી પૈસા કાઢીને ટેબલ નીચેથી પેલા પુરુષના હાથમાં પકડાવી દે છે. આ કરતી વખતે એ અન્યો સાથે હસીને વાત કરવાનું પણ ચાલુ રાખે છે. કોઈને કશી જ ખબર પડતી નથી. ત્યારે પેલા પુરુષના ચહેરા પર વ્યાપેલો હાશકારો આપણને સ્પર્શી જાય છે. પોતે આટલા બધા લોકોની સામે છોભીલો પડતાં બચી ગયો એનો હાશકારો! આ બન્ને કોણ હતાં, તેમની વચ્ચે શું સંબંધ હતો, એ કોઈ પાર્ટી હતી કે પછી ફૅમિલી ગેટ-ટુગેધર એ બધી વાતો ગૌણ છે. મહત્ત્વનો માત્ર તેના ચહેરા પર વ્યાપેલો હાશકારો છે. અહીં પેલી સ્ત્રીએ પુરુષદાક્ષિણ્ય દાખવ્યું એમ કહી શકાય.
સાચું પૂછો તો આ ‘સ્ત્રીદાક્ષિણ્ય’ શબ્દ સ્ત્રીઓ સાથે ઋજુતા અને સન્માનપૂર્વક વર્તવાનું શીખવે છે. પરંતુ સામી બાજુએ આશ્ચર્યની વાત એ છે કે ‘પુરુષદાક્ષિણ્ય’ જેવો કોઈ શબ્દ જ આપણે ત્યાં નથી. તો શું પુરુષો સાથે ગમે તેમ વર્તી શકાય? સ્ત્રીઓની ભાવનાઓ ઘવાય છે તેમ પુરુષોની લાગણી શું નહીં ઘવાતી હોય? હવે જો ઉપર વાત કરી એમ બિલ સ્ત્રી ચૂકવે તો એમાં કશું જ ખોટું નથી. મે બી એ વ્યવસ્થા સ્ત્રીઓ જે-તે સમયે આર્થિક રીતે સ્વતંત્ર નહોતી એટલે કરવામાં આવી હશે અને એ જે-તે સમય પ્રમાણે યોગ્ય પણ ગણાતું હશે. પરંતુ હવે સમય બદલાયો છે. આ (ગેર)માન્યતા તોડવાની છે. તૂટી પણ રહી છે. 

દુરુપયોગ થાય
આ સંસ્કાર ગળથૂથીમાંથી મળેલા છે એમ જણાવીને કાંદિવલીમાં રહેતા જગદીશ રાજપુરોહિત કહે છે, ‘પણ ઘણી વાર સ્ત્રીઓ આનો દુરુપયોગ કરે છે. બસ કે મેટ્રોમાં મહિલા આરક્ષિત સીટ પર પુરુષ બેઠો હશે તો તેને ઉઠાડશે પણ સિનિયર સિટિઝનની સીટ પર મહિલા બેઠી હશે ને કોઈ વયસ્ક પુરુષ આવશે તો એ મહિલા નહીં ઊઠે. મારા વ્યવસાયને કારણે મારે બહારગામ ઘણું ફરવું પડે છે. અમારી ટીમમાં મહિલાઓ પણ છે. ક્યારેક કામનો ભાર વધુ હોય કે કંઈક એક્સ્ટ્રા કામ આવી જાય ત્યારે તેઓ ઘણી વખત ગુપચાવી જાય. થાકી જવાનાં બહાનાં કરીને અમારા પર નાખી દે. શું અમે નહીં થાકતા હોઈએ? ક્યારેક તો કહી જ દે કે આ અમારાથી નહીં થાય, તમે કરી નાખજો. શ્રમ અને જવાબદારીઓની વહેંચણી સરખી થવી જોઈએ પણ ટીમના પુરુષોના ભાગે કાયમ આ બન્ને વધુ જ આવે. તેમને ખબર છે કે સામેવાળા પુરુષને ગળથૂથીમાંથી સ્ત્રીદાક્ષિણ્ય શીખવવામાં આવ્યું છે, એ ના નહીં જ પાડી શકે. તકલીફ વેઠીને પણ મદદ કરશે જ. તેમનું એવું વલણ હોય કે તમે પુરુષ છો, તમને શું ફેર પડે છે! અમારે ત્યાં એક બહેન છે. કશુંક વધારાનું કામ આવી પડ્યું હોય ને તેમને ચીંધવામાં આવે તો એ રાડારાડી પર ઊતરી આવે અને ધરાર ન જ કરે, કોઈક બીજા પર નાખી દે. ઘણાં ઘરોમાં પતિ-પત્ની બન્ને વર્કિંગ હોય તો સ્ત્રી કમાય એ પૈસા તેના પોતાના અને પુરુષ કમાય એ ઘરના એવો સીન હોય.’ 



શીખવો બાળકોને
સ્ત્રીને વાત-વાતમાં ઉતારી ન પાડવી, અયોગ્ય દૃષ્ટિએ ન જોવું, સન્માન જાળવવું, ખોટા જોક્સ ન બનાવવા અને ફૉર્વર્ડ પણ ન કરવા, ઘરમાં જે સ્ત્રીઓ હોય તેમને અને બહાર તમારા સંપર્કમાં આવતી દરેક સ્ત્રીને આદર આપવો આ બધું સ્ત્રીદાક્ષિણ્યમાં આવે છે. તો સામે છેડે સ્ત્રીઓ પાસેથી પણ એ જ અપેક્ષા હોય. પુરુષદાક્ષિણ્ય જેવો શબ્દ શબ્દકોષમાં કે ચલણમાં ભલે નથી પણ એનો અર્થ એ નથી કે એથી સ્ત્રીને પુરુષો સાથે ઉદ્દંડતાથી વર્તવાની છૂટ છે. આગળ કહ્યું એમ પ્રેમ હોય કે માનસન્માન, આપશો એટલાં પામશો. જોકે એની ટ્રેઇનિંગ ઘરથી થવી જોઈએ. જગદીશભાઈ કહે છે, ‘મારી ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. મેં મારાં ચારે સંતાનોને સમાનતાના પાઠ ભણાવ્યા છે. તમે સ્ત્રી છો એટલે થોડો વધારાનો બેનિફિટ લેવો જ એવું જરૂરી નથી. ઘણી વખત ટ્રેનના પ્રવાસમાં સ્ત્રી જેન્ટ્સ ડબ્બામાં ચડી હોય અને ભીડમાં તેને ધક્કો પણ જો વાગી જાય તો ડબ્બામાં હાજર સર્વે પુરુષોને એટલા તુચ્છકાર અને તિરસ્કારથી જુએ કે એવું થાય કે ધરતી જગ્યા આપે તો એમાં સમાઈ જાઉં! કોઈ એકલદોકલ પુરુષ લંપટ હોઈ શકે, ડબ્બામાં હાજર બધા જ નહીં! સ્ત્રીઓને પણ ‘પુરુષદાક્ષિણ્ય’ના પાઠ ભણાવવાની સખત જ જરૂર છે.’


બદલાવ આવ્યો છે!
લોઅર પરેલમાં રહેતા બત્રીસ વર્ષના બાદલ પંચાલને અમે આ પ્રશ્ન પૂછ્યો. બાદલભાઈ કહે છે, ‘આજના સમયમાં આ શબ્દને મૂલવીએ તો દાક્ષિણ્ય શબ્દ બરાબર પણ એની આગળ તમે સ્ત્રી લગાડો કે પુરુષ, કોઈ ફરક પડતો નથી! ઍટ લીસ્ટ આપણે ત્યાં તો નથી જ પડતો. ધીમે-ધીમે આપણે ખરા અર્થમાં ઇક્વાલિટી તરફ આગળ વધી રહ્યા છીએ. જે-તે સમયે જરૂરતના હિસાબે આ શબ્દ કૉઇન થયો હશે. અગાઉ જેન્ડર રિલેટેડ ભેદભાવ હતા. સ્ત્રીઓને ઓછી આંકવામાં આવતી. તેના કામનું મૂલ્ય ઓછું આંકવામાં આવતું. આજની પેઢીનાં સ્ત્રીપુરુષ એકબીજાના મહત્ત્વને સમજે છે, એકબીજાનું માનસન્માન અને આદર જાળવે છે. વાત સમાનતાના લેવલ પર ચાલવી જોઈએ. અમારી પેઢી બધી જ જવાબદારીઓ સહિયારી ઉપાડે છે પછી એ ઘરનું કામકાજ હોય કે ખર્ચા હોય. ઈવન હવે તો મિત્રો હોય કે કલીગ્સ; જરૂર પડે એકબીજાને સહજતાથી હેલ્પ કરે છે, હેલ્પ માગે છે. એ ભેદ ઓગળી રહ્યા છે. સ્ત્રી હવે પોતે સ્ત્રી છે એ બાબતનો ઉપયોગ પોતાનું મહત્ત્વ સાબિત કરવા માટે નથી કરતી, આવડતથી મેળવે છે. ક્યારેક રસ્તે ચાલતાં કોઈને ધક્કો લાગી જાય કે ટ્રેન-બસની જર્નીમાં અજાણતાં વિજાતીય વ્યક્તિને સ્પર્શી જવાય તો એક હૂંફાળા સ્માઇલ સાથે સૉરી કહી દેવાથી વાત હળવાશથી સ્વીકારાઈ જાય છે. આપણે જે આપીએ એ જ રેસિપ્રોકેટ થાય. માન આપીને લેવાનું હોય છે.’
વાત સાચી છે. નવી પેઢીની વિચારધારા જુદી છે, વર્તન જુદું છે. કોઈ એકબીજાને ઓછું કે આછું સમજતા નથી. અત્યાર સુધી ઘડિયાળમાં જાણે એક જ કાંટો હતો અને એ માત્ર કલાકનો. પરંતુ હવે એમાં મિનિટના કાંટાનો ઉમેરો થઈ ગયો છે. સમાજની ગતિ બદલાઈ છે. જીવનની ગતિ પણ બદલાઈ છે. હા, હજી આજની યુવા અને એની આગલી પેઢીના વિચાર અને વર્તન વચ્ચે થોડોક ફરક છે તો શું થયું. આ ફરક પણ ઓગળી જશે. થોડાક વખતમાં બન્ને કાંટા એકસરખા થશે ત્યારે સર્વત્ર સમાનતા ફેલાઈ જશે. એ દિવસની રાહ જોઈએ. શરૂઆત તો થઈ જ ચૂકી છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2023 03:22 PM IST | Mumbai | Rajul Bhanushali

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK