Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > કૉલમ > > > તમારો ‘સ્પિરિચ્યુઅલ ઈગો’ તો જબરો હોં!

તમારો ‘સ્પિરિચ્યુઅલ ઈગો’ તો જબરો હોં!

21 May, 2023 02:40 PM IST | Mumbai
Dr. Nimit Oza | feedbackgmd@mid-day.com

આધ્યાત્મિક હોવાનો દાવો અને દેખાડો ન કરવો એ આધ્યાત્મિકતાની પહેલી શરત છે. જ્ઞાન, કર્મ કે ભક્તિયોગની સર્ચલાઇટના અજવાળામાં જેઓ પરમાત્માને ખોજવાનો પ્રયત્ન કરે છે તેમના પર ભરોસો રાખવો અને જેઓ પરમાત્મા જડી ગયાનો દાવો કરે છે તેમનો વિશ્વાસ ક્યારેય કરવો નહીં

પ્રતીકાત્મક તસવીર ધ લિટરેચર લાઉન્જ

પ્રતીકાત્મક તસવીર


ધ્યાન કરવાથી વિનમ્રતા, સૌમ્યતા અને શાંતિ આવવી જોઈએ. ફક્ત મનમાં જ નહીં, સ્વભાવ અને વર્તનમાં પણ. જો વાણી, વિચાર કે વર્તનમાંથી ‘હું-પણું’ કે નાર્સિસિઝમ નાબૂદ થવાને બદલે વધતું જાય તો સમજવું કે જે તમે કરીને આવ્યા છો એ કોઈ અધ્યાત્મ શિબિર નથી, એ ‘ઈગો ડેવલપમેન્ટલ ક્લાસ’ છે.

થોડા સમય પહેલાં બે સજ્જન મને મળવા આવેલા. મારા કન્સલ્ટિંગ રૂમમાં તેઓ બરાબર મારી સામે બેઠા હતા. મારી પાછળ રહેલી બુદ્ધની આકૃતિ જોઈને એમાંના એકે પૂછ્યું, ‘તમે વિપશ્યના શિબિર કરી છે?’


મેં કહ્યું, ‘ના, પણ હું દરરોજ મેડિટેશન કરું છું.’


બસ, મારો એ જવાબ સાંભળીને એ વડીલની ‘ઈગો ટ્રિપ’ એવી તો શરૂ થઈ કે પછી તેમણે અટકવાનું નામ જ ન લીધું. ‘ખાલી મેડિટેશન કરવાથી શું થાય?’, ‘મેં તો અત્યાર સુધીમાં પંદર-વીસ શિબિર કરી નાખી’, ‘હું તો હવે ત્રીસ-ત્રીસ દિવસ કરું છું, પણ તમે દસ દિવસથી શરૂઆત કરી શકો’.

પોતાની વિપશ્યના શિબિર, તેમણે કેળવેલી ધ્યાનસ્થ અવસ્થા અને મેળવેલી આધ્યાત્મિક ઊંચાઈનાં તેમણે અઢળક ગુણગાન ગાયાં. ક્યારેક સામેવાળાને ચૂપ કરવા માટે પણ હું તેમની સાથે સહમત થઈ જતો હોઉં છું! પણ આ કિસ્સામાં તો મારી સહમતી પછી પણ તેઓ ન અટક્યા. પોતે જે રીતે ધ્યાન કરે છે એ જ શ્રેષ્ઠ છે, ધ્યાન દરમિયાન તેમને થતી અલૌકિક ‘અનુભૂતિ’ કોઈ અન્ય ધ્યાનાર્થી કરી જ ન શકે અને મેડિટેશનમાં તેમના ‘લેવલ’ સુધી પહોંચવા માટે ખૂબબધી શિબિરો કરવી પડે ત્યાં સુધી તો બધું બરાબર હતું. જોકે હદ તો ત્યારે થઈ જ્યારે તેમણે અન્ય મેડિટેશન સંસ્થાઓ કે ધ્યાન શિબિરોને વખોડવાનું શરૂ કર્યું. ‘એ બધું તો બહુ ઉપરછલ્લું અને પ્રાથમિક સ્તરનું હોય છે.’ એનો અર્થ એમ કે જો તમારે આધ્યાત્મિક પરિમાણ કે ધ્યાન-વિશ્વમાં પ્રવેશવું હોય તો એ વડીલે ચીંધ્યા માર્ગ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી.


બહુ જ પ્રામાણિકતાથી કહું છું કે આ પ્રકારનો અનુભવ કંઈ પહેલી વાર નથી થયો. વર્ષોથી મેડિટેશન કરનારા, દરેક ધ્યાન શિબિર અટેન્ડ કરનારા કે પછી પોતાને ‘સર્વશ્રેષ્ઠ ધ્યાની’ માનનારા આવા કેટલાય લોકોને હું મળ્યો છું જેમના માટે ધ્યાન એક સ્પર્ધા છે, એક પ્રેસ્ટ‌િજ ઇશ્યુ છે, સોશ્યલ સ્ટેટસ છે. પોતાના અહમને પોષવાનું એક એવું માધ્યમ છે જેના બળ પર તેઓ જાતને અન્ય કરતાં સુપિરિયર સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. પરમ તત્ત્વની ખોજમાં કે માનસિક શાંતિની પ્રાપ્તિમાં તેઓ આપણા કરતાં અનેક ડગલાં આગળ છે એવું જતાવવા માટે તેઓ ધ્યાનસ્થ અવસ્થાના અનુભવો શૅર કરતાં હોય છે. મેડિટેશન કરવાથી જાતને અન્ય કરતાં સુપિરિયર સમજી લેવાની આ માનસિકતા માટે એક સુંદર શબ્દ છે - ‘સ્પ‌િરિચ્યુઅલ ઈગો’.

આ બધું સાંભળીને બહુ દુઃખ અને નિરાશા થાય છે કે જેઓ વિપશ્યના, મેડિટેશન કે બુદ્ધિઝમના ઍમ્બૅસૅડર થઈને ફરે છે તેઓ જ ધ્યાનને સમજ્યા નથી. જે મથામણ પાછળનો ઉદ્દેશ જ આપણા વિરાટ ઈગો પર બુલડોઝર ફેરવવાનો હોય એ જ પ્રવૃત્તિ જો આપણા ઈગોને વિસ્તારવા લાગે તો સમજવું કે આપણે ભટકી ગયા છીએ.

વિપશ્યના કે કોઈ અન્ય ધ્યાન શિબિરમાં થયેલા અનુભવોના આધારે જો તમે જાતને ગ્લૉરિફાય કરવાનો, કોઈ આધ્યાત્મિક શિખર સર કર્યાનો કે પછી કોઈ ગેબી માનસિક અવસ્થા ઉપલબ્ધ કર્યાનો પ્રચાર કરો છો તો એનો અર્થ એમ કે એ શિબિરમાંથી સ્પ‌િરિચ્યુઅલ ઈગો સિવાય તમે કશું જ પામ્યા નથી.

જે બુદ્ધિઝમના મૂળમાં જ અનત્તા કે અનાત્મન (Non-Self)નો સિદ્ધાંત રહેલો છે એ બુદ્ધિઝમ આજની તારીખે પણ સ્વનો વિનાશ કરવાનું જ શીખવાડે છે. Personal identity is delusion. આપણી ઓળખ જ આપણી સૌથી મોટી ભ્રમણા છે અને ઓળખને ખંખેરવાની યાત્રા એટલે અધ્યાત્મ. જે આપણી ઓળખને વધારે મજબૂત બનાવે કે આપણા અહમને પોષે એ પ્રવૃત્તિ ધ્યાન કે અધ્યાત્મ કઈ રીતે હોઈ શકે ?

ધ્યાન તો અંતરાત્મા અને પરમાત્મા વચ્ચે થતો એક એવો સીક્રેટ વાર્તાલાપ હોવો જોઈએ જેની જાણ બાજુવાળાને પણ ન થાય. એ દેખાડો કરવાની પ્રવૃત્તિ છે જ નહીં. જેમને પોતાનો આનંદ, શાંતિ અને નિરાંત ધ્યાનની અવસ્થામાં જ મળી જતાં હોય તેમણે તો પછી એ વિશે વાત કરવાની પણ જરૂર નથી રહેતી!

ધ્યાન એ કોઈ અભ્યાસક્રમ, ડિગ્રી કે ઉપલબ્ધિ નથી કે તમે તમારી સંસ્થા કે ટેક્નિકનો પ્રચાર કરો, કોઈ એક ચોક્કસ સંસ્થાની યોગ્યતા કે તમારી શ્રેષ્ઠતા પ્રસ્થાપિત કરો. જો કશું કરવું જ હોય તો ધ્યાનની સરળતા સમજાવો. કોઈ પણ હાઇ-ફાઇ ક્લબ કે સંસ્થાની મદદ વગર પણ ઘેરબેઠાં કઈ રીતે ધ્યાન કરી શકાય એ સમજાવો. ધ્યાન કરવાથી વિનમ્રતા, સૌમ્યતા અને શાંતિ આવવી જોઈએ. ફક્ત મનમાં જ નહીં, સ્વભાવ અને વર્તનમાં પણ. જો વાણી, વિચાર કે વર્તનમાંથી ‘હું-પણું’ કે નાર્સિસિઝમ નાબૂદ થવાને બદલે વધતું જાય તો સમજવું કે જે તમે કરીને આવ્યા છો એ કોઈ અધ્યાત્મ શિબિર નથી, એ ‘ઈગો ડેવલપમેન્ટલ ક્લાસ’ છે.

સરળતા, સહજતા, સ્વીકાર અને સમર્પણની ચરમસીમાએ પહોંચેલા એવા કેટલાય લોકોને હું મળ્યો છું જેમણે કોઈ શિબિર અટેન્ડ નહોતી કરી. Spiritual Materialism (આધ્યાત્મિક ભૌતિકતા) અને Practical Mysticism (સહજ અને સાંસારિક આધ્યાત્મિકતા) બન્ને અલગ બાબતો છે. આધ્યાત્મિક હોવાનો દાવો અને દેખાડો ન કરવો એ આધ્યાત્મિકતાની પહેલી શરત છે. જ્ઞાન, કર્મ કે ભક્તિયોગની સર્ચલાઇટના અજવાળામાં જેઓ પરમાત્માને ખોજવાનો પ્રયત્ન કરે છે તેમના પર ભરોસો રાખવો. જેઓ પરમાત્મા જડી ગયાનો દાવો કરે છે તેમનો વિશ્વાસ ક્યારેય ન કરવો.

21 May, 2023 02:40 PM IST | Mumbai | Dr. Nimit Oza

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK