હૃદયરોગ, હાઈ બ્લડ-પ્રેશર જેવી કેટલીક ફિઝિકલ કન્ડિશનમાં ભસ્ત્રિકા કરવાની રીત બદલાતી હોય છે. જોકે વિવિધ વેરિએશન સાથે વ્યક્તિની કૅપેસિટી પણ વધારી શકાય. આજે ભસ્ત્રિકાના વિવિધ પ્રકારો વિશે જાણીએ
ભસ્ત્રિકા પ્રાણાયામ : આમ જોવા જાઓ તો સાવ સિમ્પલ છે
ગયા બુધવારે આપણે ભસ્ત્રિકા પાછળના શાસ્ત્રીય આધાર અને વૈજ્ઞાનિક અભિગમ વિશે ચર્ચાઓ કરી. ભસ્ત્રિકા એક ડાયનૅમિક એટલે કે ગતિશિલ અભ્યાસ છે. ઝડપી ગતિથી ઊંડા શ્વાસ લેવાના અને છોડવાના એ સામાન્ય રીતે થતું ભસ્ત્રિકા છે. જોકે વ્યક્તિની શારીરિક સ્થિતિ અને ક્ષમતા મુજબ એની રીત અને પ્રકાર બદલી શકાય છે. ભસ્ત્રિકાના મૉડિફિકેશનથી પણ લોકોને લાભ થયાનું નોંધાયું છે. ભસ્ત્રિકા તમારા શ્વસનતંત્ર અને ચેતાતંત્રને પ્રત્યક્ષ અને ઇમિડિએટ અસર કરતું હોય છે.
કેવી રીતે કરશો?
ભસ્ત્રિકાની શરૂઆત હંમેશાં ધીમે-ધીમે કરવી અને પછી સ્પીડ વધારતા જવું.
lસૌથી પહેલાં પદ્માસન, સુખાસન અથવા તો ખુરશી પર બેસી જાઓ. બેસો ત્યારે તમારી કરોડરજ્જુ સીધી રહે, ખાસ કરીને કમરનો ભાગ સીધો રહે એ મહત્ત્વનું છે. તમારી ગરદન, મસ્તક અને કમરનો ભાગ એક લાઇનમાં રહેવો જોઈએ.
lહવે ધીમે-ધીમે શ્વાસ અંદર ભરો અને બહાર કાઢો. શરૂઆત ધીમે-ધીમે હોય અને પછી બળપૂર્વક તમારી ઝડપ વધારતા જાઓ. શરૂઆત તમે દસથી પંદર વાર કરી શકો અને છેલ્લા થોડાક શ્વાસ તમારી ક્ષમતા હોય એટલી ઝડપી રીતે લેવાના હોય. અહીં એ યાદ રાખજો કે શ્વાસ પૂરેપૂરો અંદર ભરવાનો અને બહાર કાઢવાનો છે. શ્વાસ અને ઉચ્છ્વાસ એમ બન્ને ક્રિયા તમે પૂરી સભાનતા સાથે કરતા હો છો ભસ્ત્રિકામાં. દરેક વખતે તમારે લુહારની ધમણને યાદ કરવાની. અગ્નિ પ્રગટાવવા માટે જે રીતે લુહાર પોતાની ધમણથી જોરજોરથી ફૂંક મારે છે એ જ રીતે ભસ્ત્રિકા થતું હોય છે.
lઅભ્યાસ પૂરો થયા પછી થોડીક ક્ષણો માટે શ્વાસ-ઉચ્છ્વાસની સાઇકલને અટકાવીને પંદરથી વીસ સેકન્ડ માટે સંપૂર્ણ સ્થિર બેસી જાઓ. એ પછી બીજો રાઉન્ડ શરૂ કરો. સામાન્ય રીતે ભસ્ત્રિકા કર્યા પછી શરૂઆતમાં કોઈને અમુક ક્ષણો માટે માથામાં ઝણઝણાટી થવી કે માથું ભારે લાગવું કે ચક્કર આવવા જેવાં સેન્સેશન થઈ શકે છે. આ જ કારણ છે કે એક રાઉન્ડ પૂરો થયા પછી તમે વીસથી ત્રીસ સેકન્ડ માટે સ્થિરતા રાખો અને પછી જ બીજો રાઉન્ડ શરૂ કરો.
અઢળક પ્રકારો છે
આગળ કહ્યું એમ ટટ્ટાર બેસીને ભસ્ત્રિકાને બન્ને નાસિકાથી કરવાની સામાન્ય રીત છે પરંતુ એ સિવાય પણ તમે ઘણી રીતે આ અભ્યાસ કરી શકો છો. યોગશિક્ષક સુશાંત સિંહ એની વિગતો આપતાં કહે છે, ‘એક નાસિકા બંધ કરીને બીજી નાસિકાથી ઝડપથી શ્વાસ અંદર, બહાર કરો એમ બન્ને નાસિકાથી એક પછી એક કરી શકાય. એવી જ રીતે શ્વાસ અંદર ભરો ત્યારે બન્ને હથેળીને કોણીથી સીધા કરીને ઉપર લઈ જાઓ અને ત્યારે મુઠ્ઠી ખુલ્લી રાખો અને શ્વાસ બહાર કાઢો ત્યારે ત્યારે હાથને કોણીથી બેન્ડ કરીને નીચે લઈ આવો એ પણ ખૂબ જ પૉપ્યુલર પ્રકાર છે ભસ્ત્રિકાનો. એ સિવાય તમે નાકથી શ્વાસ અંદર ભર્યો અને મોઢાથી ત્રણ વખત શ્વાસ બહાર કાઢો એ રીતે પણ ભસ્ત્રિકા પ્રાણાયામ કરી શકાતો હોય છે.’
મહત્ત્વપૂર્ણ ટિપ
શ્વાસ લેતી વખતે જ્યારે પણ નાસિકા બંધ કરવાની હોય ત્યારે નાસિકાના અગ્રભાગની બાજુમાં સહેજ સૉફ્ટ કહી શકાય એવો ભાગ છે ત્યાં સ્પર્શ કરવાથી નાસિકા બંધ થઈ જશે. તમારે જોરથી નાસિકાને દબાવવાની નથી અન્યથા એ નાકની વચ્ચેના પડદાને નુકસાન કરી શકે.
સાવધાની જરૂરી
હૃદયરોગ, હાઈ બ્લડ-પ્રેશર, હર્નિયા, પ્રેગ્નન્સી, માસિક ધર્મ વખતે, બ્રેઇન ટ્યુમર હોય, પેટમાં ચાંદાં પડ્યાં હોય, આંખમાં મોતિયો હોય તેમણે જાતે તો ભસ્ત્રિકા ન જ કરવું. ધીમે-ધીમે કોઈ અનુભવી શિક્ષકની હાજરીમાં તેમના માર્ગદર્શન મુજબ જ કરવું. ગરમીના સમયે જો ભસ્ત્રિકા કરશો તો એ પછી શીતલી અથવા શીતકારી જેવી કૂલિંગ પ્રૅક્ટિસ કરવી જરૂરી છે.
કેવા ફાયદા થાય?
પેટની ચરબી ઘટાડવા માટે ભસ્ત્રિકા કરનારાઓને ઘણો લાભ નોંધાયો છે. જોકે એના માટે નિયમિત અને સાચી રીતે અભ્યાસ થાય એ જરૂરી છે. વજન ઘટાડવા માટે પણ ભસ્ત્રિકા મહત્ત્વપૂર્ણ અભ્યાસ છે.
ફેફસાં મજબૂત થાય, વ્યક્તિની શ્વસન ક્ષમતા વધે અને ઑક્સિજનની ઍબ્સૉર્બ કરવાની શરીરની ક્ષમતા વધે. શ્વસનને લગતા રોગો હોય તેમને માટે ભસ્ત્રિકા ખૂબ ફાયદાકારક છે.
ઍન્ગ્ઝાયટી, ડિપ્રેશન, પૅનિક અટૅક જેવી માનસિક બીમારીમાં ભસ્ત્રિકા ફાયદો આપે છે.
ભસ્ત્રિકા પ્રાણાયામ બ્રેઇન તરફ બ્લડ-સપ્લાય વધારીને ત્યાં ઑક્સિજનનું પ્રમાણ વધારે છે જેને લીધે તમારું ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ એકદમ ફ્રેશ ફીલ કરે છે. હઠયોગ પ્રદીપિકા તો કહે છે કે આ પ્રાણાયામ તમારા શરીરના તમામ રોગો દૂર કરે છે.
તમારી સહનશક્તિને વધારે છે. તરત રીઍક્ટ કરનારા સ્વભાવવાળા વ્યક્તિઓમાં ધીરજનો ગુણ ભસ્ત્રિકાથી વિકસી શકે છે.
ચોમાસામાં અને શિયાળામાં શરીરમાં ગરમાટો લાવવા અને શરીરને વાઇરલ ઇન્ફેક્શનથી સુરક્ષિત રાખવા માટે ભસ્ત્રિકાને ખૂબ જ ઉપયુક્ત અભ્યાસ મનાય છે.
ગળાને લગતા, કફને લગતા રોગોમાં ભસ્ત્રિકા પ્રાણાયામથી ભરપૂર ફાયદો થાય છે.
જેમને ભૂખ ન લાગતી હોય, જેમની પાચનશક્તિ નબળી પડી ગઈ હોય, કબજિયાત રહેતી હોય તેમને માટે પણ ભસ્ત્રિકા પ્રાણાયામ લાભકારી છે.
ADVERTISEMENT
આ શ્વાસનો બગાડ નથી?
તમે સાંભળ્યું હશે ક્યારેક કે વ્યક્તિનું આયુષ્ય શ્વાસ ઉપર નિર્ભર છે એટલે કે તમને અમુક-તમુક ખરબ શ્વાસ સાથે જન્મ મળ્યો છે એટલે શ્વાસનો જે ક્વોટા આપણી પાસે છે એનો જો આપણે ઝડપથી ઉપયોગ કરી દઈએ તો એ જલદી ખાલી થઈ જાય અને આયુષ્યનાં વર્ષો પર એનો પ્રભાવ પડે. એટલે જ આપણે ત્યાં લાંબા, ઊંડા અને ધીમા શ્વાસ લેવાનું કહેવાતું આવ્યું છે અને એટલે જ યોગીઓએ કુંભકને ખૂબ મહત્ત્વ આપ્યું જ્યાં પ્રાણ ઊર્જાનું હલનચલન સંપૂર્ણ સ્થિર કરી દેવામાં આવે. તો પછી ભસ્ત્રિકામાં આટલા બધા શ્વાસો ઝડપથી લઈને આપણે શ્વાસનો બગાડ નથી કરતા? આ પ્રશ્નનો જવાબ જાણીતા આયુર્વેદાચાર્ય અને યોગાચાર્ય ડૉ. શરદ ભાલેકર આપે છે, ‘સામાન્ય રીતે ભસ્ત્રિકા જેવા ડાયનૅમિક પ્રાણાયામનો અભ્યાસ અમુક મિનિટ માટે હોય છે અને એ કર્યા પછીની જે આફ્ટર ઇફેક્ટ હોય છે એ તમારા શ્વાસને લાંબા સમય માટે વધુ ઊંડા અને ધીમા કરી દે છે. એટલે બે મિનિટ માટે ભસ્ત્રિકા કર્યા પછી આવનારા બે કલાક સુધી તમારું શ્વસન બહેતર બનવાનું હોય અને સુધરી જવાનું હોય તો એ બે મિનિટમાં તમે ઝડપી ગતિથી લીધેલા શ્વાસ-ઉચ્છ્વાસ નુકસાન નથી કરતા.’

