અમેરિકામાં કાયમ રહેવાની ઇચ્છા ધરાવનારાઓ માટે EB-5 પ્રોગ્રામ સારો પ્રોગ્રામ છે.
પ્રતીકાત્મક તસવીર
૧૯૯૦માં અમેરિકાએ એની એમ્પ્લૉયમેન્ટ બેઝ્ડ ચાર પ્રેફરન્સ કૅટેગરીઓમાં એક પાંચમી ‘એમ્પ્લૉયમેન્ટ બેઝ્ડ ફિફ્થ પ્રેફરન્સ કૅટેગરી’નો ઉમેરો કર્યો. એની હેઠળ અમેરિકાના નવા બિઝનેસમાં રોકાણ કરતા રોકાણકારને અને એની સાથે-સાથે તેની પત્ની યા પતિ અને એકવીસ વર્ષથી નીચેની વયનાં અવિવાહિત સંતાનોને ગ્રીન કાર્ડ મળી શકે એવો કાયદો ઘડ્યો. એ રોકાણકારે એ નવો બિઝનેસ જાતે ચલાવવાનો અને એમાં દસ અમેરિકન સિટિઝનોને ડાયરેક્ટ્લી ફુલટાઇમ નોકરીમાં રાખવાની શરત મૂકી.
આ પ્રોગ્રામને જોઈએ એવો પ્રતિસાદ ન મળ્યો એટલે ૧૯૯૨માં EB-5 રીજનલ સેન્ટર પ્રોગ્રામ ઘડવામાં આવ્યો, જેની હેઠળ રોકાણકારે અમેરિકાની સરકારે માન્ય કરેલા રીજનલ સેન્ટરમાં રોકાણ કરવાનું રહે છે. નવો બિઝનેસ ચલાવવાનો અને એમાં દસ અમેરિકનોને દરેક રોકાણકારદીઠ નોકરીમાં રાખવાની શરત યથાવત્ રાખી, રીજનલ સેન્ટરને છૂટ આપવામાં આવી કે તેઓ રોકાણકારદીઠ દસ અમેરિકનોને સીધી યા આકડતરી રીતે પણ નોકરીમાં રાખી શકે છે.
ADVERTISEMENT
EB-5 પ્રોગ્રામ હેઠળ રોકાણ કરતા રોકાણકારને અનેક ફાયદાઓ થાય છે. તેઓ અમેરિકામાં ગમે ત્યાં રહી શકે છે. જે ઇચ્છે એ કરી શકે છે. અમેરિકાની બહાર મનફાવે ત્યારે આવજા કરી શકે છે. એ માટે તેમણે વીઝા મેળવવાની જરૂરિયાત નથી રહેતી. ગ્રીન કાર્ડ મળેથી પાંચ વર્ષ બાદ તેઓ અમેરિકાના નાગરિક બનવાની પણ નૅચરલાઇઝેશનની પ્રક્રિયા દ્વારા અરજી કરી શકે છે. અમેરિકામાં નોકરી કરવી હોય તો એની છૂટ હોય છે. તેમનાં સંતાનોને કૉલેજની ટ્યુશન ફીમાં પરદેશી વિદ્યાર્થીની સરખામણીમાં પુષ્કળ ઘટાડો મળે છે. સોશ્યલ સિક્યૉરિટી સિસ્ટમમાં કૉન્ટ્રિબ્યુશન કર્યા બાદ તેમને રિટાયર્ડ બેનિફિટ આપવામાં આવે છે. હેલ્થ ઇન્શ્યૉરન્સનો લાભ પણ તેમને મળે છે.
સંતાનોને ગ્રીન કાર્ડના અને અમેરિકન સિટિઝન બનતાં જે ફાયદાઓ મળે છે એ મળી શકે એ માટે અનેક ભારતીયો EB-5 પ્રોગ્રામ હેઠળ રોકાણ કરે છે. આ રોકાણ કરતાં હાલમાં ત્રણ-ચાર વર્ષની અંદર અને અમુક રીજનલ સેન્ટરમાં રોકાણ કરતાં લગભગ બે વર્ષની અંદર ગ્રીન કાર્ડ પ્રાપ્ત થઈ શકે છે. શરૂઆતમાં એ બે વર્ષ કન્ડિશનલ હોય છે. એ સમય પૂરો થતાં અરજી કરતાં દેખાડી આપતાં કે રોકાણની રકમ પાછી ખેંચી નથી લીધી અને દસ અમેરિકનોને તેમના વતીથી નોકરીમાં રાખવામાં આવ્યા છે એટલે તેમનું ગ્રીન કાર્ડ કાયમનું કરી આપવામાં આવે છે. ત્યાર બાદ રીજનલ સેન્ટર તેમને રોકાણની રકમ પાછી આપે છે.
અમેરિકામાં કાયમ રહેવાની ઇચ્છા ધરાવનારાઓ માટે EB-5 પ્રોગ્રામ સારો પ્રોગ્રામ છે. ફક્ત રોકાણ કરતાં પહેલાં રીજનલ સેન્ટર વિશે પૂરતી જાણકારી મેળવી લેવી જોઈએ.

