ત્રણ સ્ટેટ હાંસલ કરીને નરેન્દ્ર મોદીએ પુરવાર કર્યું છે કે લોકસભાનું રિઝલ્ટ કઈ દિશામાં આવવાનું છે અને એ પણ પુરવાર થઈ ગયું છે કે જનતાના મનમાં કયું એક નામ ચાલી રહ્યું છે?
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
ચારમાંથી ત્રણ સ્ટેટમાં બીજેપીએ પોતાનું શાસન મેળવ્યું અને એમાંથી બેમાં તો હૅટ-ટ્રિક કરી. તમે વિચારો કે માણસ એક ને એક પાર્ટી એક ને એક નેતા પસંદ ક્યારે કરે અને શું કામ કરે? સીધો અને સરળ જવાબ છે, તમને એ પાર્ટી, એ પાર્ટીના લીડર સામે કોઈ વિરોધ નથી. તમે તમારા સામાજિક, આર્થિક અને રાજ્યલક્ષી વિકાસથી સંતુષ્ટ છો અને એ જ સંતુષ્ટિ તમે ઈવીએમ પર ઠાલવી રહ્યા છો. સિમ્પલ કહેવાય એવી આ વાત પછી પણ કેટલાક વાંકદેખાઓ તો હજી પણ નરેન્દ્ર મોદી અને બીજેપીની બદબોઈ કરીને તાબોટા પાડશે, પણ છો પાડે. ત્રણ સ્ટેટ હાંસલ કરીને નરેન્દ્ર મોદીએ પુરવાર કર્યું છે કે લોકસભાનું રિઝલ્ટ કઈ દિશામાં આવવાનું છે અને એ પણ પુરવાર થઈ ગયું છે કે જનતાના મનમાં કયું એક નામ ચાલી રહ્યું છે?
પનોતી-પુત્ર, સૉરી, પનોતા-પુત્રની પાર્ટીને જે રીતે જાકારો મળ્યો અને જે રીતે એ પાર્ટીના નેતાઓએ સંસદભવનમાં દેકારો મચાવ્યો એ જ દેખાડે છે કે હાર તેમનાથી સહન નથી થતી. ખરેખર આજે એક વાતનો અફસોસ થાય છે. બીજેપીના બદનસીબ કે એને સક્ષમ વિરોધ પક્ષનો સામનો કરવા નથી મળ્યો અને કૉન્ગ્રેસ પર ખીજ ચડે છે. બીજેપી જેવા સક્ષમ, ખમતીધર અને વ્યવહારુ વિરોધ પક્ષનો આટલાં વર્ષો સુધી સહવાસ ભોગવ્યા પછી પણ એનામાં એ હાર સહન કરવાની સદ્ભાવના પણ આવી નથી. વિચાર તો કરો, જનસંઘના સમયથી બીજેપી હાર સહન કરતી આવી છે અને એ હાર પછી પણ બીજેપીએ ક્યારેય કોઈ વર્તન એવું કર્યું નથી જેને જોઈને તમને દેશની લોકશાહી પર લાંછનનો અનુભવ થાય. બીજેપીએ હંમેશાં સારપ સાથે વિરોધ પક્ષની ભૂમિકા નિભાવી છે, જ્યારે કૉન્ગ્રેસ આજે પણ એક સક્ષમ વિરોધ પક્ષ બનીને પણ સામે નથી આવી શકી. આ જોતાં નાછૂટકે કહેવું પડે કે બીજેપીને પૂરો હક છે, સત્તા છે કે એ સત્તા પર રહે અને હકથી રાજ કરે.
ADVERTISEMENT
બીજેપીના આ રાજની પાછળ જો કોઈ કારણભૂત હોય તો એ માત્ર અને માત્ર નરેન્દ્ર મોદી છે અને એવું સેંકડો વખત પુરવાર થઈ ચૂક્યું છે. પુરવાર થયેલી આ વાત દેખાડે છે કે નરેન્દ્ર મોદીનો કોઈ પર્યાય નથી અને એ હોઈ પણ ન શકે. તેમને શ્રેષ્ઠ લોકોને પસંદ કરતાં અને લોકો સુધી એ શ્રેષ્ઠતા પહોંચાડતાં આવડી ગયું છે અને તેમની એ જ ક્ષમતા દેશને મહાશક્તિશાળી બનાવવાની દિશામાં આગળ ધપાવી રહી છે. વિદેશમાં પણ તેમની નામના હોય અને દેશમાં પણ તેમની બોલબાલા હોય એ બહુ જૂજ વ્યક્તિઓમાં જોવા મળ્યું છે. એવી જૂજ વ્યક્તિઓનાં નામ પણ અત્યારે યાદ આવે છે, પણ એ નામનો ઉલ્લેખ કરીશ તો ચોક્કસપણે વાંકદેખાઓની ચોક્કસ જગ્યાએ ઍસિડ રેડાશે અને આપણે તો એક જ સિદ્ધાંતમાં માનીએ છીએ, અહિંસા પરમો ધર્મ.
બોલીને પણ હિંસા નથી ફેલાવવી અને લખીને પણ નહીં. એમ છતાં જો કોઈને મરચાં લાગી ચૂક્યાં હોય તો સારવાર કરાવવાની તૈયારી તેમની હોવી જોઈએ. આયુષ્યમાન કાર્ડ આ જ મોદી સરકારે બનાવ્યાં છે અને એ પણ આ મરચાબાજ લોકો માટે જ, જે હાથમાં મરચું લઈને ફર્યા કરે છે અને પછી જાતે જ બળતરા કરીને ચીસ પાડ્યા કરે છે.
લેખક ગુજરાતી, મરાઠી, હિન્દી એમ ત્રણ લૅન્ગ્વેજની રંગભૂમિ, ફિલ્મ અને ટીવીસિરિયલના દિગ્ગજ ઍક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે. સાંપ્રત વિષય અને માનવીય સંબંધો વિશેના તેમના વિચારો દરરોજ અહીં વાંચવા મળશે. ફીડબૅક માટે તેમનો સંપર્ક કરી શકો છો manoj.joshi@mid-day.com