આજે મંદિર બનાવવાનું કામ સંભાળતી સ્વામીનારાયણ સંપ્રદાયની ટીમને પણ જો કોઈએ શીખવ્યું હોય તો એ ગાંધીનગરનું અક્ષરધામ. અક્ષરધામ બનતું હતું એ દરમ્યાન અનેક સાધુ-સંતોએ મંદિરના બાંધકામ વિશે જાણકારી મેળવી અને પછી એના આધારે બીજાં મંદિરો બનાવ્યાં
અક્ષરધામમાં મહત્તમ સૅન્ડસ્ટોનનો જ ઉપયોગ થયો છે, જેને લીધે વહેલી સવારે અક્ષરધામ જે દૃશ્ય ખડું કરે છે એ નયનરમ્ય લાગે છે.
પથ્થરો તો બહુ પ્રકારના છે, પણ સૅન્ડસ્ટોનમાં સૌથી સારામાં સારો પથ્થર એટલે બંસી પહાડપુરનો પથ્થર. સૅન્ડસ્ટોન જેવું કામ આરસીસી બાંધકામ પણ ન આપે. એટલે જ આજે સદીઓ પછી પણ આપણને પથ્થરોનું બાંધકામ અડીખમ જોવા મળે છે.
ADVERTISEMENT
આપણી વાત ચાલી રહી છે ગાંધીનગરના અક્ષરધામની.
અક્ષરધામ કુલ ૨૩ એકરમાં પથરાયેલું છે, પણ શરૂઆતના સમયમાં આટલા વિશાળ કૅમ્પસની ધારણા નહોતી. શરૂઆત તો મંદિર અને એની આજુબાજુના ગાર્ડનથી થઈ અને એ પછી ધીમે-ધીમે બધું વધવા માંડ્યું અને કામ દસ વર્ષ ચાલ્યું. સૌથી છેલ્લે અક્ષરધામ ગાંધીનગરમાં અભિષેક મંડપમ્ બન્યો, જેનું ઉદ્ઘાટન મહંતસ્વામીના હસ્તે થયું.
દાદરનું મંદિર જોયા પછી પ્રમુખસ્વામી મહારાજે આરસીસીનો વિચાર પડતો મૂકીને સૅન્ડસ્ટોન મંદિર બનાવવાનું નક્કી કર્યું,, જેના માટે બંસી પહાડપુર પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો. આ એ જ પથ્થર છે જે પથ્થરથી રામમંદિર બનવાનું છે. આખા અક્ષરધામમાં બંસી પહાડપુર સિવાય કોઈ પથ્થર વાપરવામાં નથી આવ્યો. ફક્ત ફ્લોરિંગ માર્બલનું છે. આ માર્બલ પણ રાજસ્થાનથી જ લાવવામાં આવ્યો હતો.
મંદિરનું કામ ચાલતું હતું એ દરમ્યાન પ્રમુખસ્વામી અનેક વખત એ કામ જોવા આવ્યા હતા. તેઓ આવે અને બધું નિરીક્ષણ કરે અને આપણે તેમને પૂછીએ કે કોઈ સજેશન? તો એક જ વાક્યમાં જવાબ આપે...
‘સારામાં સારું કરજો...’
વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાનો તેમનો સ્વભાવ આજે અક્ષરધામના એકેએક પથ્થર અને એકેએક ઇંચમાં દેખાય છે. અક્ષરધામ અત્યાર સુધીમાં દુનિયાભરના કરોડો લોકોએ જોયું હશે. આ જ અક્ષરધામ સ્વામીનારાયણ સંપ્રદાય માટે પણ મૉડલરૂપ બની ગયું છે. હવે મોટા ભાગે જ્યાં પણ નવું મંદિર બને છે એને અક્ષરધામ નામ જ મળે છે.
સિત્તેરના દશકમાં કામ શરૂ કર્યું ત્યારે મંદિર મોટું બનાવ્યું હતું. દિલ્હીના અક્ષરધામની જ સાઇઝ હતી. ડ્રૉઇંગ તૈયાર થયા પછી જ્યારે અમે પ્રમુખસ્વામી મહારાજને મળ્યા ત્યારે તેમણે મર્યાદિત ફન્ડની વાત કરી અને તેમના કહેવાથી જ એ ડિઝાઇનને રિવાઇઝ કરીને મંદિરને નાનું કરવામાં આવ્યું, પણ મૂળભૂત ડિઝાઇન કે પછી કહો કે પૅટર્ન એ જ રાખી. આ જ ડિઝાઇન અક્ષરધામમાં પણ યુનિવર્સલ બની ગઈ.
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાનનાં મંદિરો માટે હવે તો તેમની પોતાની ટીમ છે જે ટીમ મંદિરો માટે જ કામ કરે છે એ ટીમમાં અક્ષયસ્વામી છે. આ અક્ષયસ્વામીનું સંસારી નામ કિરીટભાઈ. અત્યારે મને તેમની અટક યાદ નથી, પણ અક્ષરધામનું કામ શરૂ કર્યું ત્યારે તેઓ સંસારી હતાં. અક્ષરધામ પછી તેમણે સંન્યાસ લીધો. અક્ષયસ્વામી પોતે એન્જિનિયર તો હતા જ. એટલે તેમણે આગેવાની લઈને મંદિરનાં કામો હાથમાં લેવાનું શરૂ કર્યું અને બીજા સંતોએ સાથે મળીને આખો પ્લાનિંગ સેલ બનાવ્યો. આ પ્લાનિંગ સેલની નિગરાનીમાં બીજાં મંદિરો તૈયાર થયાં. જોકે આ આખી શીખવાની જે પ્રક્રિયા છે એ ગાંધીનગરમાં અમે બનાવ્યું એ અક્ષરધામથી જ થઈ એવું કહું તો ખોટું નહીં કહેવાય. અક્ષરધામ સૌકોઈ માટે પાઠશાળા બની ગયું. સંસારીને એ જીવનના પાઠ શીખવી ગયું તો સંન્યાસીઓને મંદિર બનાવવાના પાઠ શીખવી ગયું.
અક્ષરધામ બન્યું એ સમયે તો હું પૂરેપૂરો ઍક્ટિવ હતો. બંસી પહાડપુરના પથ્થર લેવા માટે હું જાતે જતો. અક્ષરધામ ગુજરાતનું પહેલું મંદિર આ સાઇઝનાં પથ્થરોથી બનતું હતું એટલે એ જોવા લોકો પણ આવતા.
પથ્થરો તો બહુ પ્રકારના છે, પણ સૅન્ડસ્ટોનમાં સૌથી સારામાં સારો જે પથ્થર છે એ પથ્થર એટલે બંસી પહાડપુરનો પથ્થર. હું તો કહીશ કે સૅન્ડસ્ટોન જેવું કામ આરસીસી બાંધકામ પણ ન આપે. એટલે જ આજે સદીઓ પછી પણ આપણને પથ્થરોનું બાંધકામ અડીખમ જોવા મળે છે.
પથ્થરને ચકાસવાની પણ અનેક રીત છે અને હવે તો સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે પથ્થરો ચકાસવાની ટેક્નૉલૉજી આવી ગઈ છે, પણ જ્યારે પથ્થર ચકાસવાની કોઈ રીત નહોતી ત્યારે થમ્બરૂલ પર કામ થતું.
ઉપરનો જે પથ્થર હોય એ નબળો એટલે એને કાઢી નાખવાનો અને નીચેનો જે પથ્થર હોય એ સૌથી મજબૂત એટલે એનો ઉપયોગ કરવાનો. એ સૌથી સારામાં સારો પથ્થર કહેવાય. આ પથ્થરનો મહત્તમ ઉપયોગ કરવાનો. પથ્થર વાપરવાની આ જે ટેક્નિક છે એના વિશે આપણે હવે વાત કરીશું આવતા રવિવારે.


