Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બારીમાં આખ્ખું આકાશ! (પ્રકરણ - ૧૫)

બારીમાં આખ્ખું આકાશ! (પ્રકરણ - ૧૫)

Published : 17 August, 2025 03:26 PM | IST | Mumbai
Raam Mori | feedbackgmd@mid-day.com

વાંચો આખું પ્રકરણ - ૧૫ અહીં

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


સંવાદ સંબંધોને જીવતા રાખે છે. ઘણી વાર મૌન સંબંધોના પાયામાં ક્ષાર બનીને લૂણો લગાડે છે. બુઠ્ઠા તો બુઠ્ઠા પણ સંવાદો જરૂરી છે એકબીજાના મનમાં ફરિયાદોની બાઝેલી ધૂળને ખંખેરવા. ઘરમાં આપણે ફર્નિચરને પણ સમયાંતર સાફ કરીએ છીએ, નહીંતર એમાં ઊધઈ લાગી જાય. સંબંધોમાં ઊધઈ લાગે એ પહેલાં એને પંપાળી લેવા જરૂરી છે. ઘણી વાર મૌન મર્યાદા બની જાય છે અને સંવાદ સુકાતા સંબંધોને સજીવન કરી જાય છે.

સતત સંવાદોના અંતે બે લોકો મૌન બને એ અવસ્થા પણ ઉત્તમ; કેમ કે સંપૂર્ણ રીતે એકબીજાને પામી લીધાનું, જાણી લીધાનું સુખ છે.



પણ બે લોકો વચ્ચે સતત મૌન હોય અને પછી અચાનક સંવાદ ઊભો કરવો પડે ત્યારે સંબંધો વધુ ને વધુ ગૂંચવાય છે. એ સંવાદોમાં શબ્દો લગાવ કરતાં ઘાનું કામ વધારે કરે છે.


lll

રાતે સાડાઆઠના સુમારે પૃથ્વી થિયેટરમાં શો પતાવીને પાછળ જુહુના દરિયાકિનારે મેજર રણજિત અને સંજના ચૂપચાપ ચાલી રહ્યાં છે. આસપાસ ખાણીપાણીની લારીઓ પર ભીડ એકઠી થઈ છે. તવા પર ભાજી અને શેકાતા ઢોસાની ઘીવાળી મસાલેદાર સુગંધ ફેલાયેલી છે. તવા પર તવેથો પછાડતો જણ સહેલાણીઓનું ધ્યાન ખેંચી રહ્યો છે. કેટલાક લોકો રેતીમાં શાંતિથી બેઠાં-બેઠાં ઘૂઘવતા દરિયાને જોઈ રહ્યા છે. કોઈના હાથમાં મોબાઇલ છે તે મોટે-મોટેથી રીલ્સ જુએ છે. કોઈ વિડિયો બનાવી રહ્યા છે, ફૅમિલી-ફોટોશૂટ ચાલે છે. કોઈ ક્યારનું પાણીમાં પગ બોળીને દરિયા તરફ એકીટશે જોઈ રહ્યું છે. કોઈ દરિયાના પાણીથી ભીના થયેલા કિનારા પર દોડી રહ્યું છે. કેટલાક લોકો પોતાના પાળેલા કૂતરાઓ લઈને દરિયાકિનારે આવ્યા છે એ કૂતરાને ગેલ કરતા જોઈને બીચ પર ફરતા રખડૂ કૂતરાઓ ઘુરકિયાં કરી રહ્યા છે. વાતાવરણમાં શેકાતી મગફળી અને બફાતી મકાઈની સોડમ અનુભવાઈ રહી છે. યુવાનો દરિયાની રેતીમાં ફુટબૉલ રમી રહ્યા છે. વડીલો સાથે આવેલાં નાનાં બાળકો દરિયાની રેતીમાં ઘર બનાવવા મથી રહ્યાં છે. હાથમાં કીચેઇન અને લાકડાનાં રમકડાં વેચવા આવેલાં બાળકો નાસ્તો કરતા પરિવાર પાસે જઈને હાથ લાંબો કરીને લટકણ વેચવાના નિષ્ફળ પ્રયત્નો કરી રહ્યા છે. દૂર કોઈ ફુગ્ગાવાળો વાંસળી વગાડી રહ્યો છે. દરિયાઈ પવન સાથે નારિયેળી ઝોલાં ખાઈ રહી છે. સીફેસવાળા બંગલાઓ અને ફ્લૅટની ઝળાંહળાં રોશનીનો ઉજાસ દરિયાકિનારે પથરાતાં મોજાંઓ સુધી પ્રસરાયેલો છે.


lll

દરિયાનાં મોજાંઓ ભીની રેતી પર ચાલી રહેલાં રણજિત અને સંજનાના પગ સુધી આવીને પાલવે ટંકાયેલી સફેદ ઝાલર જેવાં ફીણ પાથરીને પાછાં વળી જાય છે.

સંજનાએ પોતાનાં હાઈ-હીલનાં સૅન્ડલ ઉતારી લીધાં અને દરિયા તરફ જોઈને સસ્મિત બોલી, ‘હું નાની હતી ત્યારે મારા પપ્પા સાથે દર રવિવારે અહીં અચૂક આવતી રણજિત. પપ્પા તેનાં શૂઝ ઉતારી નાખતા. હું મારાં નાનાં ચંપલ તો ઘરેથી જ ઉતારીને આવતી. અમે બન્ને દરિયાકાંઠે ઊભાં રહેતાં પાણીમાં રેતીના પટ પર. હું મારા પપ્પાના પગની બન્ને પાનીઓ પર મારા નાનકડા પગ ગોઠવી દેતી. હું મારા બન્ને હાથે પપ્પાના હાથની આંગળીઓ કસકસાવીને પકડી રાખતી. મને ખાતરી હતી કે પપ્પાએ હાથ પકડ્યો હોય તો દીકરી ક્યારેય પડે જ નહીંને. પછી પપ્પા ભારે સિફતથી તેના પગની પાની પર ટેકવેલો મારો પગ લપસે નહીં એનું ધ્યાન રાખીને ધીમે-ધીમે મોટાં ડગલાં ભરે. મને એટલી મજ્જા આવતી કે આગળ વધવા માટે મારે પગલાં ભરવાની કોઈ જરૂર નથી, મારા પપ્પાના પગની પાનીઓ પર ગોઠવાઈ જઉં તો આપોઆપ આગળ વધી જઈશ. અમે કલાકો સુધી આ રીતે દરિયાના પટમાં ચાલતાં. મને એવું લાગતું એ વખતનો દરિયો અને અમારો સંબંધ બહુ ચોખ્ખો હતો રણજિત.’

‘પછી? પછી શું થયું?’ રણજિતને આ વાતમાં રસ પડ્યો હતો.

‘પછી તો કંઈ નહીં, બધું ડહોળાઈ ગયું.’

રણજિતે પહેલી વાર સંજનાના ચહેરા પર પીડાની રેખા ઊભરાતી જોઈ.  બોલતાં-બોલતાં તેની આંખો ભીની થઈ ગઈ હતી. રણજિતને ઇચ્છા થઈ કે સંજનાના ખભા પર હાથ મૂકે, પણ તેણે પોતાની જાતને રોકી દીધી.

‘દરિયાકાંઠે પપ્પાના પગની પાનીઓ પર હું મારા પગ ગોઠવતી તો પપ્પાએ જીવનને જ દરિયાનો કાંઠો માની લીધો. તેણે મને પોતાના પગની પાની પરથી ઊતરવા જ ન દીધી. હું મોટી થઈ મારા મનમાં, તેમના ચિત્તમાં તો હું આજેય તેમના પગની પાની પર જ ઊભી છું. મારી કોઈ વાતમાં, મારી કોઈ ઇચ્છામાં કે મારામાં કોઈ વજન નથી એવું પપ્પાએ માની લીધું તો પછી તેમને મારો ભાર કેમ લાગે છે? મારું ભણતર, મારી કરીઅર, મારું જીવન અને મારી લવ-લાઇફ આ દરેક ડગલું મારી એકલીનું ન હોય એ બાબતે તેમણે પૂરેપૂરું ધ્યાન રાખ્યું. એટલું ધ્યાન રાખ્યું કે હવે તેમની નજર નજરકેદ બની ગઈ છે. મારે મારા પપ્પાની પગની પાનીઓ પરથી નીચે ઊતરવું છે, પણ હવે તેમણે મારા હાથનાં બન્ને કાંડાં કસકસાવીને પકડી રાખ્યાં છે. મારે તેમને કેવી રીતે સમજાવવું કે પપ્પા, હવે મને મારી રીતે ચાલવા નહીં દો તો મને મારાં પગલાં પર ક્યારેય ભરોસો નહીં આવે; હું ચાલતાં જ નહીં શીખું તો દોડતાં કેવી રીતે શીખીશ પપ્પા?’

સંજનાનું ગળું ભરાઈ આવ્યું. તે બોલતાં અટકી ગઈ. પર્સમાંથી પાણીની બૉટલ કાઢીને તેણે પાણી પીધું. રણજિત અંધારાની કાળી ચાદર ઓઢીને ઘુઘવાટ કરતા દરિયાને અને દૂર-દૂરથી ઊછળતાં મોજાંને જોઈ રહ્યા હતા. મેજર રણજિત મનોમન વિચારી રહ્યા હતા કે ‘અહીં સૌના પોતપોતાના અભાવ છે, સૌની પાસે પોતપોતાની ફરિયાદ. સંજના રાત-દિવસ તેનાં માતા-પિતાની સાથે રહે છે. અહીં સથવારો સમસ્યા છે. હું, અનિકા અને કલ્યાણી કાયમ એકબીજાથી દૂર રહ્યાં તો અહીં અમારી વચ્ચે ઊભું થયેલું અંતર સમસ્યા છે.’

પછી પોતાના પગ તરફ જોઈને રણજિત ધીરેથી બોલ્યા, ‘સંજના, હું તો અનિકાને મારા પગની પાની પર ક્યારેય ગોઠવી ન શક્યો. મને તો એ તક પણ ન મળી.’

‘તમારી પાસે દરિયો જ ક્યાં હતો રણજિત!’

રણજિતે હકારમાં માથું ધુણાવ્યું.

‘રણજિત, સંતાનને જીવનમાં એક વાર તો પોતાના પપ્પાના પગની પાની પર પોતાના પગ ગોઠવવાની ઇચ્છા તો થાય જ. બસ, તેને ચડતાં શીખવવું પડે છે. બાકી સમય આવ્યે સંતાન આપોઆપ નીચે ઊતરતાં શીખી
જાય છે.’

મેજર રણજિતના ચહેરા પર સ્મિત રમતું હતું. તેમણે ખોબામાં દરિયાનું પાણી ભર્યું અને પોતાનાં શૂઝ પર રેડ્યું.

 રણજિતના શૂઝ તરફ જોઈને સંજના બોલી, ‘રણજિત, દરિયો અનુભવવો હોય તો શૂઝ ઉતારવાં પડશે.’

‘શું?’ મેજર રણજિત પહેલાં તો સંજનાની વાતને સમજ્યા જ નહીં.

‘ભીંજાવું હોય તો ખુલ્લી હથેળીની જેમ ઉઘાડું થવું પડશે.’

રણજિતના ચહેરા પર સ્મિત ઊગી નીકળ્યું. તેણે પોતાના પગમાંથી શૂઝ કાઢ્યાં અને હાથમાં પકડી લીધાં. બન્ને જણ દરિયાની ભીની રેતી પર ધીમે-ધીમે ચાલી રહ્યાં છે. દરિયાનાં મોજાં તેમની પગની પાની ઉપરથી વહીને આગળ વધી જાય છે. પગનાં તળિયાં નીચેથી ભીની રેતી પાણી સાથે સરકીને વહી જાય છે.

‘રણજિત, આસપાસ નજર કરશો તો સમજાશે કે બધા લોકોએ શૂઝ પહેરેલાં છે. ન માત્ર પગમાં પણ મનમાં, વિચારોમાં અને સમજમાં. એ શૂઝ તમને ભીંજાવું એટલે શું એ અનુભવથી દૂર રાખે છે. શૂઝની લેસ એટલી ટાઇટ બાંધી છે કે ગૂંગળામણ થઈ રહી છે એવી તેમને ખબર નથી પડતી. શૂઝ ઉતારશે નહીં ત્યાં સુધી આ લોકો સ્પર્શના કેટલા મોટા અનુભવથી દૂર છે એ તેમને કેવી રીતે સમજાશે?’

રણજિત ટગર-ટગર સંજનાને જોઈ રહ્યો. તેના વાંકડિયા વાળ દરિયાના પવનમાં ગેલ કરી રહ્યા હતા. રણજિત વિચારવા લાગ્યા કે તેણે કદાચ સંજનાને ખૂબ ઓછી આંકી હતી. સંજનાની સમજશક્તિ પર કદાચ તેને કોઈ શ્રદ્ધા જ નહોતી. સંજનાએ પર્સમાંથી રબરબૅન્ડ કાઢીને ખુલ્લા વાળને કસકસાવીને ખેંચ્યા અને અંબોડામાં બાંધ્યા. તેણે જોયું કે મેજર રણજિત તેને એકીટશે જોઈ રહ્યા છે.

‘ઓહ કમઑન રણજિત, તમારી દીકરી મને આ રીતે જુએ એ વાતની મને ટેવ છે. તમે પણ આ રીતે જોશો તો મારા માટે થોડું ઑકવર્ડ થશે યુ નો.’

રણજિતને ભોંઠપ અનુભવાઈ અને સંજના ખડખડાટ હસી પડી.

‘તારી પાસે બોલવામાં કોઈ ફિલ્ટર નથી હેંને?’

‘ના, જે મનમાં હોય એ બોલી નાખીએ તો હળવા થઈ જવાય.’

‘ને સામાવાળાનું શું? આપણે આપણા મનનું બોલી નાખીએ કે કરી નાખીએ સંજના તો આપણી સામે જે છે તે વ્યક્તિને દુ:ખ ન પહોંચે એ જવાબદારી કોની?’

‘મેજર રણજિત, આટલું બધું વિચારશો તો બોલશો ક્યારે? જીવશો ક્યારે? દર વખતે આપણે નક્કી નથી કરી શકતા કે ચાલો, સામાવાળાને દુ:ખી કરી દઈએ કે સુખી જ કરીએ. ભૂલો કરતાં તો શીખીએ. જૂની ભૂલો રિપીટ ન કરીએ, પણ નવી ભૂલોને જગ્યા તો આપીએ? પછી એ સંબંધ હોય કે જીવન.’

રણજિતનાં ભવાં સંકોચાયાં. તે હજી પણ આ છોકરીને સંપૂર્ણ રીતે ઓળખી શક્યાનો દાવો કરી શકે એમ નહોતા.

‘તું શું માને છે જીવન વિશે? તારા માટે લાઇફ વિશેની ફિલોસૉફી શું છે?’

‘મારો ફન્ડા બહુ સિમ્પલ છે. જીવન આ દરિયો છે રણજિત. દરિયો કશું સંઘરતો નથી. તમે જીવનને જે આપશો એ તમને પાછું મળશે. તમે બધાને દુ:ખ આપ્યું હશે તો સમયનાં મોજાં તમારા સુધી એ દુ:ખ પહોંચાડશે જ. તમે સુખ વહેંચ્યું હશે તો તમારા દરવાજે સુખ પહોંચે એની ખાતરી આ દરિયો જ રાખશે.’

રણજિતે મનોમન વિચાર્યું કે કેટલી સુખી છે આ સંજના. ભલે જીવન વિશેની તેની સમજમાં મર્યાદા હશે, કદાચ ખોટીયે હશે; પણ તેને ખબર તો છે કે તેને શું જોઈએ છે અને તે શું કરી રહી છે.

‘રણજિત, અનિકા બરાબર છેને?’

રણજિત એકદમ સાબદો થયો. અત્યાર સુધી ઢાંકી રાખેલી કે પછી ભુલાઈ ગયેલી વાત સળવળી.

‘બરાબર? હા, તેને શું થવાનું?’

‘નો, આઇ મીન મારા મેસેજનો રિપ્લાય નથી આપતી. આપણે નાટક જોતા હતા એનો ફોટો મેં મોકલ્યો તો પણ તેણે કશું રીઍક્ટ નહીં કર્યું.’

‘હા, એટલે કદાચ યુનિવર્સિટીના કામનું ભારણ હોય!’ રણજિતને પોતાનો અવાજ બોદો લાગ્યો.

‘રણજિત, તમારી દીકરીને હું તમારા કરતાં વધુ સારી રીતે ઓળખું છું!’

આ વાક્ય રણજિતને ખૂંચ્યું, બરાબર છાતીમાં ડાબી તરફ. એક ક્ષણ પૂરતો ગુસ્સો તરવર્યો, આંખમાં રતાશ ઊપસી આવી, હોઠ ભીંસ્યા. મુઠ્ઠી વાળીને અકળામણ પર કન્ટ્રોલ રાખ્યો.

‘બાપ છું તેનો. લોહીનો સંબંધ છે અમારે.’

‘તો એથી શું?’

‘વૉટ ડૂ યુ મીન કે એથી શું?’

‘હા, એટલે DNA મૅચ થાય એટલે મન મૅચ થાય એવું દુનિયાની કઈ હૉસ્પિટલે કહ્યું છે રણજિત? દરેક સગું કંઈ વહાલું નથી હોતું તો પણ આપણે કહીએ છીએ સગાંવહાલાં.’

‘સંજના, તું શું કહેવા માગે છે.’

‘એ જ કે અનિકાનો ગુસ્સો, તેની અકળામણ, તેની ચુપ્પી અને તેના શબ્દો હું બરાબર સમજું છું. હું તેની બહેનપણી નહીં, પાર્ટનર છું. પ્રેમ છે અમારી વચ્ચે. જ્યારે કોઈ તમને ગમતું હોય ત્યારે તેની દરેક ઝીણામાં ઝીણી બાબતનું ધ્યાન રાખવું એ વાતમાં તમને વધુ પોતીકાપણું અનુભવાય. ગમતી વ્યક્તિને વધારે નજીકથી સમજી શક્યાનો એક સંતોષ હોય છે.’

સંજનાની વાત સાંભળીને રણજિતના પગ અટકી ગયા. દરિયાનાં મોજાં થકી રણજિતની પગની પાની પર રેતી પથરાઈ ચૂકી હતી. દૂર આકાશમાં કાળાં વાદળોની પેલે પાર ચાંદો દેખાઈ રહ્યો હતો. દરિયાકિનારે વસેલા મુંબઈ શહેરની ઊંચી ઇમારતો અને એની બળતી લાઇટ્સ રણજિતને ટગર-ટગર જોતી હતી. વાતાવરણમાં હવે થોડી ઠંડકની સાથોસાથ હળવી હૂંફ પણ હતી. મેજર રણજિત વિચારવા લાગ્યા કે શું તે ક્યારેય પોતાની પત્ની કલ્યાણી કે દીકરી અનિકા વિશે આવો દાવો કરી શકશે કે તે તેમને સંપૂર્ણ રીતે ઓળખે છે? આ લોકોની ઝીણામાં ઝીણી વિગતો વિશે તેને ખ્યાલ છે?

ભીતરથી માત્ર ખાલીપો અનુભવાયો અને રણજિતને સંજનાની ઈર્ષા થઈ આવી.

‘સંજના, એક રિક્વેસ્ટ કરું છું.’

‘બોલોને.’

‘હું મને હેલ્પ કરી રહ્યો છું.’

‘એટલે?’

‘વર્ષોથી એકલતાના કારાગારમાં કેદ હતો હું. મારો હાથ પકડીને હું મારી જાતને એમાંથી બહાર કાઢી રહ્યો છું. મારી અંદર એટલું અંધારું છે કે આમ બારી ખોલી નાખીશ અને એ બધું નીતરી જશે એવું નહીં બને. અંધારાથી ટેવાયેલી મારી આંખોને અજવાળું અજાણ્યું લાગે છે. સંબંધો શું કહેવાય એ મને સમજાય એ પહેલાં સંબંધોથી અંતર ઊભું થયું છે.’

સંજના એકચિત્તે રણજિતને સાંભળી રહી હતી. રણજિતને જાણે બોલવામાં થાક લાગી રહ્યો હતો. સંજનાએ પર્સમાંથી પાણીની બૉટલ આપી. મેજર રણજિતે થોડું પાણી પીધું ત્યાં સુધીમાં તેની આંખો ભીની થઈ ચૂકી હતી.

‘સંજના, મને બહુ જ ખબર છે કે સંબંધો સમજવામાં અને અનિકા સુધી પહોંચવામાં હું બહુ મોડો છું, પરંતુ એ વાતને ભૂલીને હું અનિકાને સમજવા મથું છું. ભૂતકાળને ભૂલી વર્તમાનની હથેળીમાં હથેળી મૂકીને ચાલવા દોડી રહ્યો છું. જે કંઈ બની ચૂક્યું છે એને હું બદલી શકવાનો નથી. આ કરી શકાયું હોત, આમ થવું જોઈતું હતું ને આની ભૂલ અને પેલાની બેદરકારી એ વાતો નકામી છે. એ ચર્ચાઓનો કોઈ જ અર્થ નથી. હું જ્યારે નવસેરથી મારી દીકરી પાસે જવાનો પ્રયત્ન કરું છું ત્યારે મને એ વાત ફરી-ફરી યાદ ન અપાવીશ કે હું મોડો છું. વારંવાર મળતી નિષ્ફળતાનો મને થાક લાગી રહ્યો છે.’

સંજના ડઘાઈ ગઈ. અજાણપણે મેજર રણજિતની દુખતી રગ પર હાથ મુકાઈ ગયો હતો. તેણે રણજિતનો હાથ પકડ્યો અને તેની સામે ઊભી રહી.

‘રણજિત, હું હવે જે કહું એ ધ્યાનથી સાંભળજો. અનિકા નસીબદાર છે કે તેના બાબા મેજર રણજિત છે.’

રણજિતની આંખો સજળ થઈ.

‘યસ રણજિત, તમને સારું લગાડવા માટે નથી કહેતી. આઇ મીન ઇટ. તમે અનિકાને સમજો, તેની સેક્સ્યુઅલિટીને સમજો, મને સ્વીકારો એ બધી ગૌણ વાત છે. સૌથી મુખ્ય વાત એ છે કે તમે ઍટ લીસ્ટ સમજવાનો પ્રયત્ન તો કરી રહ્યા છો. આ સુખ પણ બહુ મોટું છે કે ભલે સામેવાળી વ્યક્તિ આપણને સમજી ન શકે, પણ સમજવા મથી તો રહી છે.’

રણજિતના ચહેરા પર સંતોષનું સુખ છલકાયું.

‘છેલ્લા એક-દોઢ વર્ષથી હું અનિકાને વધારે સારી રીતે ઓળખવા લાગી છું. તેનો સ્વભાવ અને અભાવ હું જાણું છું. આ છેલ્લા ત્રણ-સવાત્રણ મહિનામાં અનિકાની અંદર જે ફેરફાર આવ્યા છે એ નેવર બિફૉર છે. હું તેની સાથે અમારા પ્રેમ માટે સમય માગું એ ક્વૉલિટી ટાઇમમાં પણ અનિકા વાતો તો તમારી જ કરે છે. બાબા ઘરમાં આ નવો છોડ લાવ્યા, બાબા આજકાલ આ વાંચી રહ્યા છે, બાબાએ મારા શાક વિશે આમ કહ્યું, હું લાવી એ શર્ટ બાબાએ અઠવાડિયામાં ત્રણ વાર પહેર્યું, આજે તો બાબાએ ચા બનાવી... ઇમૅજિન રણજિત, મારી અને અનિકાની લવસ્ટોરીમાં તમે વિલન નહીં મારી સૌતન છો.’

રણજિત ખડખડાટ હસી પડ્યા. તે હસ્યા તો લાગ્યું પગની પાની પર સુખની સફેદ ઝીણી ઝાલરો પથરાઈ.

‘સંજના, અનિકા મારાથી નારાજ છે. તેને ગેરસમજ થઈ છે. હું તેને કેવી રીતે સમજાવું...’

‘...નહીં સમજાવી શકો.’ સંજનાએ રણજિતની વાત અધવચ્ચેથી કાપી.

‘કેમ?’

‘કેમ કે તે જ્યારે ગુસ્સે થાય પછી કોઈને નથી સાંભળતી. તે એટલું જ સાંભળે જેટલું તેને ઇચ્છા હોય. સામેવાળો માણસ પોતાનો પક્ષ મૂકે એવી તૈયારી પણ નથી રાખતી.’

‘તો આપણે શું કરવાનું?’ રણજિતના આ નિર્દોષ સવાલમાં મૂંઝવણ હતી.

‘રાહ જોવાની.’

‘કેટલી?’ રણજિતના કપાળે સળ ઊપસી આવ્યા.

‘અરે મેજર? કેટલી એટલે શું? ઍટ લીસ્ટ અત્યાર સુધી જોઈ એટલી રાહ તો તમારે હવે નથી જ જોવાની.’

‘સંજના, તેના મનમાં મારા માટે ફરિયાદો છે.’

‘તો તમને કૉન્ગ્રેચ્યુલેશન્સ!’

‘આવું કેમ બોલે છે તું?’’

‘તમે એવું વિચાર્યું કે તેને કલ્યાણી શ્રોફ માટે ફરિયાદો નથી, પણ મેજર રણજિત માટે ફરિયાદો કેમ છે?’

રણજિત પાસે આનો જવાબ નહોતો. તે સંજના સામે નાના બાળકની જેમ જોઈ રહ્યા હતા.

‘કેમ કે ફરિયાદ હોવી એ તો બહુ ઉત્તમ અવસ્થા છે સંબંધની રણજિત. આ અભાવોની અભિવ્યક્તિ થકી પણ આપસમાં કનેક્ટેડ રહી શકાય છે. ખરી સમસ્યા તો ત્યારે ઊભી થાય છે જ્યારે બે લોકો આપસમાં ફરિયાદ કરતા બંધ થઈ જાય છે.’

મેજર રણજિતને આ વાત બહુ જ ગમી ગઈ. તેના ચહેરા પર રાજીપાનો દરિયો ઉછાળા મારતો હતો. સંજનાએ રણજિતનો હાથ પકડ્યો અને દરિયાની છાલકો પર ચાલતાં-ચાલતાં તે બોલી, ‘સંતાડવું કોને કહેવાય એની અનિકાને બરાબરની જાણ છે રણજિત. છુપાઈને રહેવું એટલે એક્ઝૅક્ટ્લી શું એનો તેને બરાબરનો અનુભવ છે. હવે બારી ખોલો. તમારા બન્ને વચ્ચે અજવાળું આવે એટલી જગ્યા કરો. કશું છુપાવો નહીં. ન ઇરાદો, ન અભિવ્યક્તિ. હથેળી જેટલી ખોલશો સુખ એટલું વધારે છલકાશે. મુઠ્ઠીમાં બધું સંઘરી શકાય; પણ બંધ મુઠ્ઠીની પોતીકી એક મર્યાદા છે, એમાં એકલતા છે. ખુલ્લી હથેળી પોતાનામાં આખું રજવાડું છે!’

lll

દિવસો વીત્યા એમ અનિકાની નારાજગી પ્રમાણમાં થોડી ઓછી થઈ હતી, પણ તે હજી ખાસ ખૂલીને વાત નહોતી કરતી.

મેજર રણજિત સંજના સાથે વિડિયો-કૉલમાં વાતો કરતા. સંજના તેમના માટે સનસ્ક્રીન લાવી હતી. મેજર રણજિતનું સ્કિનકૅર રૂટીન સંજનાએ ગોઠવી આપેલું. અનિકા એ બધું ચૂપચાપ ટગરટગર જોયા કરતી.

રણજિતે જીદ કરી હતી કે મારે તારી સાથે તારા લેક્ચર અટેન્ડ કરવા આવવું છે. ભારે કમને અનિકા તેમને યુનિવર્સિટી સાથે લઈને આવેલી.

અનિકાએ નોંધેલું કે મેજર રણજિતના વ્યક્તિત્વમાં અને તેમની વાતોમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને બહુ રસ પડેલો. તે સૌ ક્લાસ બન્ક કરીને અનિકાના ઘરે આવી જતા. મમરા, મૅગી અને ચેવડાની પ્લેટો પથરાઈ જતી. ગરમ-ગરમ ચાની ચૂસકીઓ સાથે સૌકોઈ મેજર રણજિતની સિયાચીનના પહાડોની, પાકિસ્તાન બૉર્ડરની, પહાડનાં ગામડાંઓની વાતો સાંભળતા. રસોડામાં કામ કરતી અનિકાને ક્યારેક મનોમન હસવું પણ આવતું કે એકાંતમાં જીવવા ટેવાયેલા આ ઘરમાં જાણે કે આખું શહેર રહેવા આવી ગયું છે.

ડૉ. આદિત્ય કશ્યપની સાથે મેજર રણજિત એક જૂના જોડીદાર મિત્ર જેવા સંગાથનું સુખ ભોગવી રહ્યા હતા. છેલ્લા પાંચેક મહિનામાં બન્ને જણ ત્રણેક વાર એકસાથે ડિનર કરવા ગયા હતા. ડૉ. આદિત્ય કશ્યપ જે ક્લબના મેમ્બર હતા એ ક્લબમાં ચેસની કૉમ્પિટિશનમાં તે રણજિતને સાથે લઈ ગયા હતા. એક વાર તો મૉલમાં સાથે ખરીદી કરીને આવ્યા. અનિકા આ બધા ફેરફારો ચૂપચાપ નોંધ્યા કરતી. એક વાર આદિત્યએ પોતાના ઘરે ગઝલ મહેફિલમાં મેજર રણજિતને આમંત્રિત કરેલા. રણજિતની ઇચ્છા હોવા છતાં અનિકા સાથે નહોતી ગઈ.

અનિકાને નવાઈ પણ લાગતી કે પાંચેક મહિનામાં બાબાને એવો તે કેવો જોડીદાર મિત્ર મળી ગયો કે બાબા તેની સાથે આટલું બધું આઉટિંગ કરવા લાગ્યા.

એ રાતે બાબાની રાહ જોતી અનિકા મોડે સુધી કોઈ હિન્દી નવલકથા વાંચી રહી હતી. ઘડિયાળમાં રાતના દોઢેક વાગ્યા હતા. અચાનક કારનું હૉર્ન સંભળાયું. તેણે દરવાજો ખોલ્યો તો સામે વાઇટ શર્ટ અને ડાર્ક બ્લુ જીન્સ પહેરેલો એક હૅન્ડસમ છોકરો બાબાને ટેકો આપીને ઊભો હતો. આછી દાઢી, ફૂલેલાં બાવડા, હાથના પંજાની નસો દેખાતી હતી, પાણીદાર આંખો અને તરત ગમી જાય એવું સ્મિત. મેજર રણજિતની આંખો બંધ હતી. અનિકા ગભરાઈ, ‘બાબા, શું થયું?’

‘ડોન્ટ વરી. થોડા શૉટ્સ વધારે લેવાઈ ગયા. ગઝલની મહેફિલમાં મસ્ત થયા તો વધારે પીવાઈ ગયું.’ આ અવાજમાં એક અલગ પ્રકારની ધીરજ અને શાંતિ હતી.

‘હાય, હું આદિત્ય!’

‘યુ મીન બાબાના ફેવરિટ ડૉ. આદિત્ય કશ્યપ?’

‘તમે મને કેવી રીતે ઓળખો છો?’

‘બાબાની ડાયરીમાં તમારા નામ સાથે એટલી બધી નોટ્સ છે કે હું પણ પાર્ટટાઇમ સેક્સોલૉજિસ્ટ બની શકું. બાબાને ઊંઘમાં બોલવાની ટેવ છે. ઘણી વાર તમારું નામ સાંભળ્યું છે.’

અને જમણા હાથમાં મોગરાની માળા બાંધેલા મેજર રણજિત લથડતી જીભે બોલ્યા, ‘ન થા રકીબ તો આખિર વો નામ કિસકા થા... તુમ્હારે ખત મેં લિખા વો સલામ કિસકા થા...’

અનિકાને હસવું આવી ગયું. ચિકનનો વાઇટ કુરતો અને બ્લુ જીન્સમાં સુંદર લાગતી અનિકાએ પોતાના ખુલ્લા વાળને ઢળતા અંબોડામાં બાંધ્યા અને આખો દરવાજો ખોલ્યો, ‘પ્લીઝ અંદર આવો.’

ડૉ. આદિત્ય કશ્યપે રણજિતને તેમની રૂમ સુધી પહોંચાડ્યા, પથારીમાં સુવડાવ્યા. અનિકાએ બાબાનાં શૂઝ અને મોજાં ઉતાર્યાં અને રજાઈ ઓઢાડવા ગઈ કે મેજર રણજિતે આંખો ખોલી. અનિકાને જોઈને ચહેરા પર સ્મિત આવ્યું. તેણે મોં ફેરવ્યું તો સામે ડૉ. આદિત્ય કશ્યપ પણ દેખાયા.

મેજર એકદમ પથારીમાં બેઠા થઈ ગયા અને લથડતી જીભે બોલ્યા, ‘અરે ડૉ. આદિત્ય કશ્યપ? ચા પીશો? અનિકા, વૉડકા લાવ.’

આદિત્યને હસવું આવી ગયું. અનિકાએ મહામહેનતે હસવું રોક્યું અને બાબાને સુવડાવતાં બોલી, ‘બાબા, તમે સૂઈ જાઓ. હું તેમને ચામાં વૉડકા નાખીને પીવડાવી દઈશ.’

મેજર રણજિત પથારીમાં લાંબા થયા. અનિકાએ ચાદર ઓઢાડી ત્યાં સુધીમાં મેજર રણજિત બોલી રહ્યા હતા, ‘હા પીવડાવજે. સારો છોકરો છે. બે મેજર બ્રેકઅપ થયાં છે બિચારાનાં.’

હવે અનકમ્ફર્ટેબલ થવાનો વારો ડૉ. આદિત્ય કશ્યપનો હતો. તેણે પોતાનું માથું પકડ્યું અને શરમાઈને માથું ધુણાવ્યું કે ‘અરે, મેં આમને શું બધી વાતો કરી!’

 અનિકાને હસવું આવી ગયું. રણજિત ફરી બોલ્યા, ‘આવો છોકરો હજી સુધી સિંગલ હોય. ગઝલ, ચેસ... હમમમ્... હૉર્સરાઇડિંગ... સરસ વાતો કરે... તને સરસ રાખશે... સમજશે કનિકા... અનિકા... તું આદિત્ય કશ્યપને પરણી જા... નહીં મળે આવો છોકરો.’

એક ક્ષણ માટે સન્નાટો. ડૉ. આદિત્ય કશ્યપ અને અનિકા બન્ને વચ્ચે ઑકવર્ડ મોમેન્ટ. બન્નેની નજરો મળી અને બન્ને ખડખડાટ હસી પડ્યાં. અનિકા સમજી ન શકી કે ડૉ. આદિત્ય કશ્યપની આંખોમાં એવું તે શું હતું જે તેને તેમના તરફ ખેંચી રહ્યું હતું. એ નજર કંઈક જુદી અને પોતીકી લાગી તેને.

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

17 August, 2025 03:26 PM IST | Mumbai | Raam Mori

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK