Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > જેની સામે તમને ખૂબબધી ફરિયાદો હતી, એ જાત હકીકતમાં સંપૂર્ણ હતી

જેની સામે તમને ખૂબબધી ફરિયાદો હતી, એ જાત હકીકતમાં સંપૂર્ણ હતી

Published : 26 January, 2025 05:48 PM | IST | Mumbai
Dr. Nimit Oza | feedbackgmd@mid-day.com

જેમ-જેમ સમય પસાર થશે તેમ-તેમ તમને સમજાશે...

પ્રતીકાત્મક તસવીર

ધ લિટરેચર લાઉન્જ

પ્રતીકાત્મક તસવીર


થોડા સમય પહેલાં મારા ઇનબૉક્સમાં એક અંગ્રેજી કવિતા આવી. નીચે લખ્યું’તું, ‘મને આનો ગુજરાતી ભાવાનુવાદ કરી આપ.’ મોકલનારનું નામ હતું વિક્રમ ભટ્ટ. વિકી સર એટલે અમને ભાષા ભણાવનારા એ જ સાહેબ જેમણે મને અને મારા જેવા કેટલાયને ગુજરાતી સાહિત્ય તરફ વાળ્યા. શિક્ષકો બે પ્રકારના હોય, એક એ કે જેઓ ફક્ત શિક્ષણ આપે અને બીજા એ કે જેઓ સાથે કેળવણી પણ આપે. પાઠ્યપુસ્તકોની સાથે જેઓ આપણને સાહિત્યનાં પુસ્તકો તરફ વાળે એ કેળવણીકાર, બાકી બધા શિક્ષકો.


સાહેબે મોકલેલી આ કવિતા મેં ત્રણ-ચાર વાર વાંચી. પહેલા વાંચનમાં સાવ બુઠ્ઠી લાગતી આ કવિતા ધીમે-ધીમે તીક્ષ્ણ અને ધારદાર બનતી ગઈ. ચોથા કે પાંચમા પઠન વખતે તો એ અંદર સુધી એવી જોરથી ભોંકાઈ કે રૂંવાડાં ઊભાં થઈ ગયાં. અંદર કશુંક હચમચી ઊઠ્યું. એવું લાગ્યું કે જાણે નિરાંતની ચાદર ઓઢીને અંદર સૂતેલા જીવને, કોઈએ લાત મારીને જગાડી દીધો હોય. કવયિત્રી ડોના એશવર્થ દ્વારા લખાયેલી આ કવિતાનું શીર્ષક હતું, ‘As time goes by’. પસાર થતા સમયને અનુલક્ષીને લખાયેલી આ કવિતા જીવનની સમી સાંજે એક પ્રજ્ઞાવાન અને આત્મવાન પ્રકાશનું અજવાળું પાથરે છે. એ કવિતાને સમજવાનો મારો એક વિનમ્ર પ્રયત્ન તમારી સાથે શૅર કરું છું. એનો આસ્વાદ કંઈક આવો છે.



‘જેમ-જેમ સમય પસાર થશે, તેમ-તેમ તમને સમજાશે કે ઈંટ—પથ્થરોના જે સમૂહને તમે ઘર સમજી બેઠા છો, એ મુકામ પરથી ધીમે-ધીમે તમારી પકડ ઢીલી થઈ રહી છે. અને તમને રિયલાઇઝ થશે કે ઘર એ કોઈ સ્થળ નથી, અવસ્થા છે. એ પકડને ઢીલી થવા દો.


જેમ-જેમ સમય પસાર થશે, તેમ-તેમ તમારી જાત તમને વધુ સ્પષ્ટ દેખાવા લાગશે. તમારી એ ભૂતપૂર્વ જાત જેના એક ખિસ્સામાં જિંદગી છલોછલ રહેતી અને બીજા ખિસ્સામાં ખાલીખમ થઈ જતી. એ જાત, જેની સામે તમને ખૂબ બધી ફરિયાદો હતી, એ જાત હકીકતમાં સંપૂર્ણ હતી એવું તમને સમય જતાં સમજાશે. ધીમે-ધીમે એ સમજણ વિકસવા દો.

જેમ-જેમ સમય પસાર થશે, તેમ-તેમ તમને સૂક્ષ્મ અને સામાન્ય લાગતી ક્ષણો વિરાટ લાગતી જશે અને વિરાટ લાગતી બાબતો સામાન્ય. હકીકતમાં એ દિવસે તમને જીવનનો અર્થ સમજાશે. અને ત્યારે તમે ખરા અર્થમાં જિંદગી જીવવાની શરૂઆત કરશો. ભલે મોડી, પણ એ શરૂઆત થવા દો.


જેમ-જેમ સમય પસાર થશે, તમારે ઘણીબધી બાબતોને પરાણે આવજો કહેવું પડશે. ક્યારેક ગમતી વ્યક્તિને, તો ક્યારેક ગમતી પરિસ્થિતિને. તમારા નાજુક હૈયા પર અનેક વાર વજ્રાઘાત થશે. ભાવનાત્મક આઘાતના પ્રહારોથી તમારું હૈયું અનેક વાર ભાંગશે અને તેમ છતાં એ ધબકતું રહેશે. હાર્ટ-બ્રેક પછીનો એ ધબકાર તમને તમારો ઉદ્દેશ યાદ કરાવતો રહેશે. એ તૂટેલા હૃદયને ધબકવા દો.

જેમ-જેમ સમય પસાર થશે, તેમ-તેમ તમે સંપત્તિને બદલે શાંતિ પસંદ કરશો. પૈસાને બદલે નવરાશની પળો પસંદ કરશો. ધીમે-ધીમે તમને રિયલાઇઝ થશે કે જીવનભર તમે જે ખજાનાની શોધમાં ભટક્યા, એ ખજાનો તમારા પોતાના અને તમારા પ્રિયજનોના હાસ્યમાં છુપાયેલો છે. સ્વજનોના સથવારામાં રહેલો છે. એ ખજાનો અનાવૃત થવા દો.

જેમ-જેમ સમય પસાર થશે, તેમ-તેમ તમારી જિંદગી આંખના પલકારામાં તમારી નજર સામેથી પસાર થતી જશે. સ્મરણો જ્યારે તમને વીતી ગયેલી જિંદગીનું ફ્લૅશબૅક બતાવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે એમાં રહેલી એક પણ ક્ષણ કડવી કે અણગમતી નથી. વીતેલું આખું જીવન મીઠી અને સુગંધીદાર યાદોથી છલોછલ ભરેલું છે. પ્રિયજનના ખોળામાં માથું મૂકીને વિતાવેલી રાતો, મિત્રો સાથેના ઉજાગરા, ગમતી વ્યક્તિઓ સાથે ગાળેલી નવરાશની પળો અને દરિયાકિનારે ગાળેલી એક સાંજ. એ બધું યાદ આવવા દો.

જેમ-જેમ સમય પસાર થશે, તેમ-તેમ તમને ખ્યાલ આવતો જશે કે જીવનમાં શું મહત્ત્વનું છે અને શું નથી.’

આ કવિતા સમજાવે છે કે પસાર થતા જીવનની સાથે કેટકેટલીયે બાબતો સ્પષ્ટ થતી જાય છે. રોજગાર માટેની દોડધામને કારણે ડહોળાઈ ગયેલું જીવન જ્યારે સ્થાયી થાય છે ત્યારે ઘણીબધી અશુદ્ધિઓ તળિયે બેસતી જાય છે. જીવનની પ્રાથમિકતાઓ સમજાતી જાય છે. સાવ સામાન્ય લાગતી પળો અચાનક અર્થસભર અને વિશેષ લાગવા લાગે છે. જેમ-જેમ આ ઘર અને પૃથ્વી પરની પકડ ઢીલી થતી જાય છે તેમ-તેમ જીવનનો અર્થ ઊંડાણપૂર્વક સમજાતો જાય છે. આપણી સૌથી મોટી વક્રતા એ છે કે જીવન જીવવાની યોગ્ય રીત શોધવામાં ક્યારેક આખું આયખું વીતી જતું હોય છે. ફક્ત પસાર થતા સમયની સાથે પરિપક્વતા કે સમજણ નથી આવતી. એ માટે અનુભવો અને અનુભૂતિઓ જરૂરી છે. પ્રેમ, પ્રવાસ, પુસ્તકો અને પ્રતીતિ જરૂરી છે. સાહિત્ય અને સાક્ષાત્કાર જરૂરી છે. જીવતરમાં ભંગાણ, ભૂલો અને ભટકવું જરૂરી છે. અને ક્યારેક આટલુંબધું થયા પછી પણ ફક્ત એટલું સમજવામાં આપણે અસમર્થ રહીએ છીએ કે જીવનમાં ખરેખર શું મહત્ત્વનું છે. પણ એ માટે આ પૃથ્વી પરની પકડ ઢીલી થવી જરૂરી છે, જેને આપણે ઘર માની લીધું છે.

Whatsapp-channel Whatsapp-channel

26 January, 2025 05:48 PM IST | Mumbai | Dr. Nimit Oza

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK