પ્રોફેશનલી છૂટા પડ્યા બાદ પણ શંકર અને જયકિશન વચ્ચે એક વાતની સંમતિ હતી કે કોઈ પણ સંગીત આપે, નામ બન્નેનું આવશે
શંકર-જયકિશન
૧૯૪૯માં રાજ કપૂરની ફિલ્મ ‘બરસાત’ હિટ થઈ એમાં શંકર-જયકિશનના સંગીતનો મહત્ત્વનો ફાળો હતો. કહેવાય છેને કે ‘Good beginning is half the battle won.’ તેમના સંગીતની જોરદાર સફળતા આકસ્મિક નહોતી. ફિલ્મ સંગીતનો સુવર્ણકાળ એટલે ૧૯૪૫થી ૧૯૭૦નાં વર્ષો. એમાં શંકર-જયકિશનના સંગીતનું યોગદાન મહત્તમ છે. જો લોકપ્રિયતાના ‘સ્ટ્રાઇક રેટ’ની વાત કરીએ તો તેમનાં ૮૦ ટકાથી વધુ ગીતો લોકપ્રિય થયાં છે.
લતા મંગેશકર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘મને આજે પણ એ દિવસ યાદ છે જ્યારે એક યુવાન ઘરે આવીને મને કહે છે ‘આવતી કાલે રાજ(કપૂર)સા’બે તમને રિહર્સલ માટે બોલાવ્યાં છે...’ એટલું કહીને તે જતો રહ્યો. તે એટલો શરમાળ હતો કે ઘરની અંદર પણ ન આવ્યો. મેં મજાક કરતાં પરિવારને કહ્યું કે રાજસા’બના માણસો પણ તેમના જેવા જ યંગ અને હૅન્ડસમ છે. બીજા દિવસે હું રિહર્સલ પર ગઈ ત્યારે રાજસા’બે એ યુવાન સાથે ઓળખાણ કરાવતાં કહ્યું, ‘આ જયકિશન છે. મારી ફિલ્મ ‘બરસાત’ની નવી સંગીતકાર જોડીમાંનો એક.’ જયકિશનની સરખામણીમાં મને શંકર થોડા રુક્ષ અને પહેલવાન ટાઇપ લાગ્યા, પણ તેમની ક્લાસિકલ સંગીતની જાણકારીથી હું ખાસ્સી પ્રભાવિત થઈ.’
ADVERTISEMENT
રાજ કપૂર પ્રેમથી શંકરને તેમના શરીરની સાઇઝ જોઈને ‘ગેંડા મહારાજ’ અને રોમૅન્ટિક પર્સનાલિટી ધરાવતા જયકિશનને ‘છૈલાબાબુ’ કહીને બોલાવતા. હૅન્ડસમ જયકિશને ફિલ્મ ‘બેગુનાહ’માં પડદા પર ‘ઐ પ્યાસે દિલ બેઝુબાં, તુઝ કો લે જાઉં કહાં’ (મુકેશ) ગાઈને અનેક દિલોને ઘાયલ કર્યાં હતાં.
સંગીતકાર શંકર-જયકિશન અને ગીતકાર શૈલેન્દ્ર–હસરત જયપુરી એ ચાર કલાકારોનું એકમેક સાથે એટલું જબરદસ્ત ટ્યુનિંગ હતું કે તેમણે સદાબહાર ગીતો આપ્યાં. શંકર સંવેદનાસભર ગીતો અને જયકિશન હલકાંફૂલકાં રોમૅન્ટિક ગીતો બનાવવામાં માહેર હતા. બન્ને વચ્ચે એક એવી ગોઠવણ થઈ હતી કે સંવેદનશીલ કવિતા લખનાર શૈલેન્દ્રનાં ગીતોનું સ્વરાંકન શંકર કરે અને હસરત જયપુરીનાં ગીતોને જયકિશન સ્વરબદ્ધ કરે (જોકે આમાં પણ થોડા અપવાદ છે. એ લિસ્ટ ફરી કોઈક વાર). કોઈક વાર એવું પણ બનતું કે એક જ ગીત પર બન્નેએ સાથે કામ કર્યું હોય (‘આવારા’નું ‘તેરે બિના આ ગયે ચાંદની’ શંકરે અને આ જ ગીતનો બીજો હિસ્સો ‘ઘર આયા મેરા પરદેસી’ જયકિશને સ્વરબદ્ધ કર્યો છે). આ વાતની ખબર અંદરના વર્તુળ સિવાય બહારની દુનિયાને નહોતી. રેકૉર્ડિંગ વખતે બન્ને સાથે કામ કરતા. ખાસ કરીને શંકર એમ માનતા કે દુનિયા બન્નેના કામની સરખામણી ન કરે એ માટે આ વાત જાહેર ન થવી જોઈએ. તેમના મત પ્રમાણે બ્રૅન્ડ ‘શંકર–જયકિશન’ મહત્ત્વની છે.
સંબંધના સરોવરમાં વહેમની એક નાની કાંકરી પણ મોટા વર્તુળને જન્મ આપે છે. દરેક સંબંધની એક શેલ્ફ લાઇફ હોય છે. સંબંધનું પૅકેટ વાણી અને વર્તનના શાનદાર પૅકેજિંગમાં દુનિયા સામે નજર આવે ત્યારે એ સૌને પ્રભાવિત કરે છે, પરંતુ એ પૅકેટ પર બે તારીખ લખાયેલી હોય છે, ‘Best Before’ અને Expiry Date’. આ જોડીના સંબંધમાં તિરાડ દેખાઈ જ્યારે ‘ફિલ્મ ફેર’માં એક ઇન્ટરવ્યુ પ્રકાશિત થયો.
જયકિશનની પત્ની પલ્લવી મરીવાળાએ એ ઇન્ટરવ્યુમાં અજાણતાં એક વાત કરી, ‘જયકિશન ખૂબ રોમૅન્ટિક સ્વભાવના છે. અમે બન્ને પ્રેમમાં હતાં. લગ્ન નહોતાં થયાં ત્યારે અમારી વચ્ચે ઝઘડો થયો. તેમણે એક પત્રમાં કવિતા લખી, ‘આ મારો પ્રેમપત્ર વાંચી, તું છંછેડાઈ ન જઈશ.’ ‘સંગમ’નાં ગીતોનાં સીટિંગ્સ દરમ્યાન હસરત જયપુરી સાથે આ કિસ્સાની વાત નીકળી એટલે તેમણે આ પંક્તિઓ પરથી ગીત લખ્યું, ‘યે મેરા પ્રેમ પત્ર પઢકર, કે તુમ નારાઝ ના હોના...’ એ ઉપરાંત ‘આઇ મિલન કી બેલા’માં ‘તુમ કમસીન હો, નાદાં હો, નાજુક હો, ભોલી હો’ એ પંક્તિઓ પણ જયકિશને મને ધ્યાનમાં રાખીને કહી હતી જેના પરથી હસરત જયપુરીએ ગીત લખ્યું.’ ઇન્ટરવ્યુ લેનાર પત્રકારે ‘બ્રેકિંગ ન્યુઝ’ જેવી હેડલાઇન છાપી, ‘યે મેરા પ્રેમ પત્ર’ અને ‘તુમ કમસીન હો’ એ જયકિશનની ધૂન છે.
બસ, પછી તો શંકરનું ત્રીજું નેત્ર ખૂલ્યું. જે ચીજની દુનિયાને ખબર નહોતી એ વાત સાર્વજનિક થઈ ગઈ. વાત રાજ કપૂર સુધી પહોંચી અને તેમણે શંકરને શાંત કર્યા. આ તિરાડ મોટી થતી જતી હતી, કારણ કે એ સમયે શંકર નવી ગાયિકા શારદાના સ્વરથી પ્રભાવિત થઈને તેને પ્રમોટ કરવાના પ્રયત્ન કરી રહ્યા હતા જેનાથી જયકિશન નારાજ હતા, પણ ખામોશ હતા. અંતે ૧૯૬૫માં બન્નેએ પ્રોફેશનલી છૂટા પડવાનું નક્કી કર્યું. જોકે બન્ને વચ્ચે એક વાતની સંમતિ હતી કે કોઈ પણ સંગીત આપે, નામ શંકર-જયકિશનનું જ આવશે.
છૂટા પડ્યા બાદ જયકિશને જે પહેલી ફિલ્મ સાઇન કરી એ હતી રામાનંદ સાગરની ‘આરઝૂ.’ આ ફિલ્મ માટે તેમણે હીરો રાજેન્દ્રકુમાર જેટલા જ પૈસા એટલે કે પાંચ લાખ રૂપિયા લીધા હતા. ગીતકાર હતા હસરત જયપુરી. ફિલ્મમાં એક કવ્વાલી હતી, ‘જબ ઇશ્ક કહીં હો જાતા હૈ...’ જયકિશને પ્રોડ્યુસરને કહ્યું, ‘આ કવ્વાલી મારા કરતાં શંકર વધુ સારી રીતે કમ્પોઝ કરશે. તેને રિક્વેસ્ટ કરો.’ શંકરે કહ્યું, ‘નો પ્રૉબ્લેમ, પણ એ માટે હું ૨૫,૦૦૦ રૂપિયા ચાર્જ કરીશ.’ આમ આ કવ્વાલી રેકૉર્ડ થઈ.
શંકરના જિગરજાન મિત્ર અભિનેતા ચંદ્રશેખરે એક ફિલ્મ બનાવી હતી ‘સ્ટ્રીટ સિંગર’. તેમની ઇચ્છા હતી કે શંકર એમાં સંગીત આપે. ફિલ્મ નાના બજેટની હતી. જો શંકર હા પાડે તો લોકોને લાગે કે જયકિશનથી છૂટા પડ્યા બાદ શંકરની ડિમાન્ડ ઘટી ગઈ છે એટલે લો બજેટની ફિલ્મો કરવી પડે છે. શંકરે આનો રસ્તો કાઢ્યો. એ ફિલ્મમાં તેમણે સંગીત આપ્યું, પણ સંગીતકાર તરીકે ટાઇટલમાં નામ હતું સૂરજ.
વિખ્યાત અરેન્જર કેરસી લૉર્ડ સાથે મારી મુલાકાત થઈ ત્યારે તેમણે એક વાત કરી હતી. ‘શંકર-જયકિશન જેવા સંગીતકાર આજ સુધી થયા નથી અને કદાચ થશે પણ નહીં. ફિલ્મ સંગીતમાં ઑર્કેસ્ટ્રેશનની દુનિયામાં તેમણે જે સ્ટાન્ડર્ડ સેટ કર્યાં છે એને કોઈ પહોંચી વળી ન શકે. આર. ડી. બર્મન અને એ. આર. રહમાન સ્કૂલ ઑફ મ્યુઝિકની વાતો કરનાર એ ભૂલી જાય છે કે એના પાયોનિયર શંકર-જયકિશન હતા.’
લક્ષ્મીકાન્ત પ્યારેલાલની જોડીના પ્યારેલાલ મને કહે છે, ‘નાનપણથી અમે શંકર-જયકિશનના સંગીતથી ખૂબ પ્રભાવિત હતા એટલે નક્કી કર્યું હતું કે તેમના જેવા મોટા સંગીતકાર બનવું છે. એક મ્યુઝિશ્યન તરીકે અમને તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો એને અમારું સદ્ભાગ્ય માનતા. તેમના સંગીતનો અમારા પર એટલો પ્રભાવ છે કે એમાંથી પ્રેરણા લઈને, એમાં અમારું કશુંક ઉમેરીને, અમે ઘણાં ગીતો સ્વરબદ્ધ કર્યાં છે.’ (આ ગીતોની વિગતવાર ચર્ચા તેમણે મારી સાથે કરી છે જે થોડી ટેક્નિકલ છે.)
શંકર-જયકિશને ભારતનું પ્રથમ સ્ટિરિયોફોનિક ફ્યુઝન મ્યુઝિક આલબમ ‘Raga, Jazz Style’ બનાવ્યું હતું જેમાં ભારતીય અને વિદેશી વાદ્યોનો ઉપયોગ કરીને ૧૧ રાગની અદ્ભુત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ સિદ્ધિની નોંધ લેવામાં આપણે ઊણા ઊતર્યા છીએ એનો એકરાર કરવો જ રહ્યો.
૧૯૭૧ની ૧૨ સપ્ટેમ્બરે (જયકિશન) અને ૧૯૮૭ની ૨૫ એપ્રિલ (શંકર)ના દિવસે જિંદગીએ મૃત્યુને પ્રશ્ન કર્યો, ‘શા માટે લોકો મને ચાહે છે અને તને ધિક્કારે છે?’ જવાબ મળ્યો, ‘કારણ કે તું એક ખૂબસૂરત અસત્ય છે અને હું એક કડવું સત્ય છું.’ કલાકારની વિદાય માનવજાત માટે દુઃખનો વિષય હોય છે. હા, એક વાતનું આશ્વાસન રહે છે કે તેમની કૃતિઓ યુગો સુધી જીવંત રહે છે. શંકર-જયકિશનનું ઋણ ચૂકવવાની તાકાત જવા દો, એનો વિચાર કરવાની સમજ આવે તોયે ઘણું છે.

