જો અમેરિકન સિટિઝન યા ગ્રીન કાર્ડધારક ભારતના અનાથ આશ્રમમાંથી યા તેમનાં કોઈ સગાંવહાલાં પાસેથી કોઈ બાળકને દત્તક લે તો સૌપ્રથમ તો તેમણે એ બાળકને પાળવા-પોષવા માટે તેઓ સમર્થ છે એ દર્શાવી આપવાનું રહે છે
પ્રતીકાત્મક તસવીર
ટીવી પર છેલ્લા થોડા સમયથી એક સિરિયલ રજૂ થાય છે. એમાંનાં બે પાત્રો, પતિ-પત્ની માતાપિતા બની શકે એમ નથી હોતાં. આથી તેઓ એક અનાથ બાળકીને દત્તક લે છે. ત્યાર બાદ તેમને કેટલો આનંદ થાય છે અને એ બાળકીને કેટલું સંરક્ષણ મળે છે એ આ સિરિયલમાં દર્શાવવામાં આવ્યું છે. એ જોતાં આપણને ખરેખર એમ થાય છે કે અનાથ બાળકને દત્તક લેવું એ ખૂબ જ પુણ્યનું કામ છે. અમેરિકામાં રહેતા અનેક ભારતીયો, જેમને પોતાનાં સંતાનો નથી હોતાં, કોઈ કારણસર તેઓ સંતાનપ્રાપ્તિ માટે લાયક નથી હોતા. તેઓ ભારતનાં અનાથ બાળકોને દત્તક લે છે. અનેકો તેમનાં સગાંવહાલાંઓ, જેમનાં બે-ત્રણથી વધુ બાળકો હોય, તેમના એકાદ બાળકને પણ દત્તક લે છે.
જો અમેરિકન સિટિઝન યા ગ્રીન કાર્ડધારક ભારતના અનાથ આશ્રમમાંથી યા તેમનાં કોઈ સગાંવહાલાં પાસેથી કોઈ બાળકને દત્તક લે તો સૌપ્રથમ તો તેમણે એ બાળકને પાળવા-પોષવા માટે તેઓ સમર્થ છે એ દર્શાવી આપવાનું રહે છે. ત્યાર બાદ જો હિન્દુ હોય તો ‘દત્તાહોમ’ સેરેમની કરવાની રહે છે. અન્ય કોઈ ધર્મી હોય તો એ ધર્મમાં બાળકને દત્તક લેવાની જે ક્રિયાઓ કરવી પડે એ કરવાની રહે છે. ડીડ ઑફ અડૉપ્શન બનાવવાનું અને રજિસ્ટર કરવાનું રહે છે. છાપાંઓમાં અને ગવર્નમેન્ટ ગૅઝેટમાં બાળકને દત્તક લીધું છે એવી જાહેરાત આપવાની રહે છે. અમુક સંજોગોમાં કોર્ટની પરવાનગી પણ લેવી પડે છે. પછી એ બાળક માટે નિયત કરેલું ફૉર્મ ભરીને દાખલ કરવાનું રહે છે, જે પ્રોસેસ થઈને અપ્રૂવ થતાં અને ઇન્ટરવ્યુમાં અડૉપ્શનની બધી પ્રક્રિયા બરાબર છે, એ અમેરિકનો ભારતીય બાળકની સારી રીતે સારસંભાળ રાખશે, બાળકને દત્તક લેવા માટે તેઓ લાયક છે એવું પુરવાર થતાં એ બાળકને વીઝા આપવામાં આવે છે અને તેને ગ્રીન કાર્ડ પ્રાપ્ત થાય છે.
અમેરિકાના ગ્રીન કાર્ડ માટે દત્તક લેવાની બધી જ પ્રક્રિયાઓ બાળક ૧૬ વર્ષનું હોય એ પહેલાં પૂરી કરી લેવાની રહે છે. એ પછી તેના લાભ માટે ગ્રીન કાર્ડની પિટિશન દાખલ કરવાની રહે છે.
બાળકને દત્તક લેવું એ ખરેખર પુણ્યનું કામ છે. એમાં પણ જો તમે કોઈ અનાથ બાળકને દત્તક લો તો-તો એ બાળકનું જીવન સુધરી જાય છે. આથીય અમેરિકાએ તેમના ઇમિગ્રેશનના કાયદાઓમાં અડૉપ્શનની છૂટછાટ રાખી છે.


