Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જીવનમાં ક્યારે સમજાય Sky is the limit?

જીવનમાં ક્યારે સમજાય Sky is the limit?

09 March, 2019 12:50 PM IST |
સંજય રાવલ

જીવનમાં ક્યારે સમજાય Sky is the limit?

સ્કાય ઈઝ ધ લીમીટ

સ્કાય ઈઝ ધ લીમીટ


સંજયદૃષ્ટિ

બૉડી અને માઇન્ડ પાસે એક મેકૅનિકલ પ્રોસેસ છે. જેટલો કમાન્ડ, જે કોઈ કમાન્ડ આપવામાં આવે એ કરવાનું, પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે કરવાનું; પણ સાથોસાથ એય યાદ રાખવાનું કે એનાથી આગળ કંઈ નહીં કરવાનું. કહ્યું છે એનાથી વધારે કે નવું વિચારવાનું નહીં અને નવું કંઈ કરવાનું પણ નહીં. દરેક વ્યક્તિને આ લાગુ પડે છે. દરેકની એક પ્રોસેસ છે અને એ પ્રોસેસને બધા ફૉલો પણ કરે છે. જે આ પ્રોસેસને તોડીને શરીર પાસેથી, મન પાસેથી વધારે કામ લઈ શકે છે તે આગળ નીકળી જાય છે. હવે અહીં પહેલો પ્રશ્ન એ છે કે આ સિસ્ટમ આપી છે કોણે? કોણે કહ્યું કે આમ જ ચાલવાનું અને પછી આપણે એમ જ ચાલીએ છીએ? એવું તે કોણ છે જે આ કામ તમારી પાસે કરાવી જાય છે?



આ બધું આપણી એજ્યુકેશન સિસ્ટમ શીખવાડે છે. આપણી સિસ્ટમ જ એ પ્રકારે બની છે કે એ આપણને ઑર્ડર લેતા જ શીખવી રહી છે. આપણે ઑર્ડર લેવાનો અને એ પૂરો કરવાનો. પછી એ વ્યક્તિનો ઑર્ડર હોય કે પછી એ તમારા પોતાના દિમાગનો ઑર્ડર હોય. તમે આપણી આખી એજ્યુકેશન સિસ્ટમ જુઓ. આપણે ભણીએ છીએ શું કામ? તો જવાબ છે સારી નોકરી મળે એટલે. સારી નોકરી શું કામ જોઈએ છે આપણને? તો જવાબ છે સારામાં સારો પગાર મળે એટલે. સારામાં સારો પગાર મળે એ માટે આપણે શું કરીએ છીએ? જવાબ છે, ઑર્ડરોનું પાલન કરીએ છીએ.


ઑર્ડર આવે, ઑર્ડર પૂરો કરો. ઑર્ડર આવે, પૂરો કરો.

આ જ રિધમમાં આપણે ચાલીએ છીએ. તમારે જે શીખવાનું છે એ કોઈ શીખવવાનું નથી અને તમારે જે કરવાનું છે એ શીખવા માટે તમારી પાસે સમય નથી. તમારે તો ઑર્ડરને આધીન થઈને ચાલવાનું છે. તમારે તો આપવામાં આવેલા ઑર્ડરને જ ફૉલો કરવાનો છે. તમારી પાસે નવું કંઈ કરવાની જગ્યા જ નથી અને એનું કારણ છે ઑર્ડરનો ભાર. તમે ઑર્ડર નીચે એટલા દબાઈ ગયા છો કે નવું કશું કરવાની ક્ષમતા પણ હવે તમારામાં રહેવા દેવામાં નથી આવી.


સવારે જાગો, ફ્રેશ થઈને નોકરી કરવા જાઓ અને પછી છેક રાતે આવો. રાતે આવો ત્યારે દિવસભર એટલું બધું કામ કરી લીધું હોય કે દુનિયાભરનો ભાર માથા પર હોય. આ ભાર પછી શું તમે દિવસભર મળેલા દરેક ઑર્ડરને પૂરા કરી શકો છો? જવાબ છે ના. દરેક આવનારો ઑર્ડર તમે સો ટકા પૂરો કરી શકો છો? જવાબ છે ના. પૉસિબલ જ નથી અને જો કોઈ એમ કહેતું હોય કે હું દરેક કામ સો ટકા ડેડિકેશન સાથે કરું છું તો હું એ માનવા તૈયાર નથી. ક્યાંક ને ક્યાંક તો તમારાથી બાંધછોડ થતી જ હોય, કારણ કે સ્કૂલના ટાઇમથી તમે પુસ્તકોની ગોખણપટ્ટીમાંથી બહાર નથી આવ્યા. તમે બસ ગોખ્યા જ કરો છો. તમે સ્કૂલમાં કે કૉલેજમાં ભણવા માટે અને શીખવા માટે નથી જતા. બસ જાઓ છો તો માત્ર એક વર્ષ પૂÊરું કરવા. આ એક વર્ષમાં આપણે માત્ર ઑર્ડર લેતા શીખીએ છીએ, કારણ કે આપણો ગોલ તો એક જ છે. સારી નોકરી મળી જાય એટલે બસ, વાત પૂરી. નોકરી મળે એટલે ઑર્ડરોને આધીન થઈ જવાનું.

આપણી એજ્યુકેશન સિસ્ટમ જ આપણને એ ઑર્ડર લેતા કરી દે છે. તમારે સ્કૂલમાં કે કૉલેજમાં જીવનના પાઠ ભણવાના છે, પણ એ જગ્યાએ તમને પુસ્તકિયું જ્ઞાન આપવામાં આવે છે અને એ જ્ઞાન વચ્ચે તમને ટકાવારીમાં અટવાવી દેવામાં આવે છે. અટવાઈ ગયેલા આપણે એ પછી એ હદે ટકાવારીના વિશ્વમાં પડી જઈએ છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણા શરીર, આપણા મગજ પાસે કેવી અપાર શક્તિ છે. આપણે એ શક્તિને પણ સ્કૉલરની વ્યાખ્યામાં જ ફિટ કરી દઈએ છીએ. જો ગોખણપટ્ટીથી સ્કૉલર બનાતું હોત તો-તો આપણા બધા વિજ્ઞાનીઓને આપણે ગાંડા જ ગણવા જોઈએ.

આજની એજ્યુકેશન સિસ્ટમમાં બાળકો એટલાં પિસાતાં હોય છે કે તેમને જોઈને દયા આવે કે આ આવી હાડમારી કોના માટે અને શું કામ ભોગવે છે? માબાપ પણ જાણે એ બાળકોને પ્રેરણા આપતાં હોય એમ જ્યાં પણ બીજું કોઈ મળે ત્યાં દીકરાની ટકાવારીની ચર્ચા કરવા ઊભાં રહી જાય છે. મારા દીકરાને ૮૨ ટકા આવ્યા, પણ મેડિકલમાં ઍડ્મિશન લેવા માટે પાંચ માર્ક ઓછા પડ્યા. જરા વિચાર તો કરો કે તમે ભણતા ત્યારે તમને આખા વર્ષની પરીક્ષાના સરવાળામાં આટલા ટકા આવતા અને આજે તમને બાળકના ૮૨ ટકા ઓછા લાગે છે? અકરાંતિયાપણું નહીં છોડો તો એની હેરાનગતિ બાળકે ભોગવવી પડશે. અત્યારે ગુજરાતમાં એક્ઝામ ચાલુ થઈ ગઈ છે અને આવતા સમયમાં મહારાષ્ટ્રમાં પણ ર્બોડની એક્ઝામ આવશે. મારું કહેવું એ જ છે કે આ ટકાવારી એ જીવન નથી અને જીવનની સફળતાનું સિમ્બૉલ પણ નથી. નહીં શીખડાવો બાળકોને કે ભણીશ તો જ તને સારી નોકરી મળશે. આ ખોટી દિશા છે, ખોટો રસ્તો છે સમજાવટનો. જેને ભણવું છે તે બાળક ભણવાનું જ છે અને જેને આ ચોપડિયા જ્ઞાનમાં રસ નથી એના પર જુલમ કરશો તો પણ કોઈ ફરક નથી પડવાનો. મેં તો એવા લોકો પણ જોયા છે જે એન્જિનિયર બન્યા હોય અને પછી કંટાળીને કે થાકી-હારીને જૉબ છોડી પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય. હું એવું નથી કહેતો કે બધા આ પ્રકારના સ્ટાર્ટઅપની વાત કરે કે બિઝનેસ કરે, પણ હું એવું તો ચોક્કસ કહું છું કે તમે જે કંઈ કરો એ પૂરા મન અને દિલથી કરો. તમારા શરીર પાસે અદ્ભુત શક્તિઓ છે. તમારા મગજ પાસે અદ્ભુત ક્ષમતા છે. એનો ઉપયોગ કરો અને કરવા પણ દો. જરૂર નથી કે તમે સિસ્ટમ આધારિત થઈ જાઓ અને એના આધારે જ આખું જીવન જીવો. કોઈએ આપેલા ઑર્ડર ફૉલો કરવાની કોઈ આવશ્યકતા નથી. આવશ્યક છે તમારું ગમતું કામ કરવું. જો તમે તમારું ગમતું કામ કરતા હશો તો ચોક્કસપણે જીવનમાં ક્યારેય પાછળ નહીં પડો. હારનો અનુભવ પણ તમને નહીં થાય. મોટિવેશનની જરૂર પણ નહીં પડે અને નવેસરથી ઊભા થવા માટે તમને કોઈના સહારાની પણ જરૂર નહીં પડે. મને અફસોસ એ વાતનો છે કે આપણે ત્યાં ક્યારેય કોઈને સાહસ કરવાનું શીખવવામાં નથી આવતું. જો કોઈ બધાથી જુદું કરવાનું વિચારે કે તરત જ આપણે તેને રોકવાનું કામ શરૂ કરી દઈએ. ના, આવું ન કરાય; ફલાણા ભાઈએ કર્યું ત્યારે તેને નુકસાન ગયેલું. આ અને આવી સલાહો આપણી પાસે તૈયાર છે. અરે, એની તૈયારી છે પડવાની તો પડવા દોને એક વાર. ડર તમારા મનમાં છે, એ ડર શું કામ તમે તેના મનમાં વાવવાનું કામ કરો છો. તમારા આ ડરને લીધે તો તમે એક ઊગતા આઇન્સ્ટાઇનને કે ઊગતા સ્ટીવ જૉબ્સને મારીને બેસાડી રહ્યા છો. મિત્રો, યાદ રાખજો. યુવાની નોકરી કરવા માટે નથી જ નથી. આર્કિટેક્ટ બને એટલે તમારે બિલ્ડિંગ બનાવવું એવું જરા પણ જરૂરી નથી. આર્કિટેક્ટ બન્યા પછી તમને પુરાતત્વ વિભાગમાં રસ પડે અને તમે એ બધું ભણ્યા જ કરો એવું પણ બની શકે. ભણવું એ બૌદ્ધિકતા પામવાની દિશા છે. ભણવાનો કોઈ અર્થ એવો નથી કે એનાથી આજીવિકા રળવી અને રોટલા માટેના પૈસા કમાવા.

તમારે તમારા માટે કંઈ કરવાનું છે અને જો એ તમે કરશો તો જ આ બનાવવામાં આવેલી સિસ્ટમ તોડી શકશો. તમારે તમારી જાતને થોડો સમય આપવાનો છે અને શીખવાનું છે એ બધું જે તમને ગમે છે. જરૂરી છે એવું શીખવાનો અર્થ તો એ થયો કે તમે ફરજિયાત રીતે એ બધું કરવા માગો છો. તમને શું ગમે છે એ જુઓ અને પછી ગમતું કામ કેવી રીતે તમારું પ્રોફેશન બની શકે એ જુઓ. તમને રસ્તો મળશે જ મળશે. અરે, હું તો એમ કહીશ કે આ રસ્તો એવી રીતે મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. મેં એવા પણ અનેક લોકો જોયા છે જેમણે આ સલાહનું પાલન કર્યું હોય અને પછી પોતાના પ્રોફેશનમાં કમાણી કરે એના કરતાં મબલક રૂપિયા પોતાના ગમતા કામમાંથી કમાયા હોય. નહીં બનો મેકૅનિક અને નહીં પડો આ મેકૅનિકલ પ્રોસેસમાં. ગમતાં કામને પૅશન્સ બનાવીને ચાલશો તો સાચે જ તમને સમજાશે કે સ્કાઇ ઇઝ ધ લિમિટ.

તમારે તમારા માટે કંઈ કરવાનું છે અને જો એ તમે કરશો તો જ આ બનાવવામાં આવેલી સિસ્ટમ તોડી શકશો. તમારે તમારી જાતને થોડો સમય આપવાનો છે અને શીખવાનું છે એ બધું જે તમને ગમે છે. જરૂરી છે એવું શીખવાનો અર્થ તો એ થયો કે તમે ફરજિયાત રીતે એ બધું કરવા માગો છો. તમને શું ગમે છે એ જુઓ અને પછી ગમતું કામ કેવી રીતે તમારું પ્રોફેશન બની શકે એ જુઓ. તમને રસ્તો મળશે જ મળશે.

Whatsapp-channel Whatsapp-channel

09 March, 2019 12:50 PM IST | | સંજય રાવલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK