Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ ભાઈ છે ખરા અર્થમાં નિરાધારનો આધાર

આ ભાઈ છે ખરા અર્થમાં નિરાધારનો આધાર

09 May, 2024 07:40 AM IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

જનસેવાના કામમાં તેમને કઈ રીતે મદદ મળી રહે છે એ વિશે વાત કરતાં કપડાંની દલાલીનું કામ કરતા નીતિન દાવડા કહે છે, ‘હું જે પણ સેવાનું કામ કરું છું એમાં મને સામેથી કોઈ ને કોઈ દાતાર મળી જ જાય છે.

નીતિન દાવડાની તસવીર

નીતિન દાવડાની તસવીર


ફુટપાથ પર બીમાર, નિર્વસ્ત્ર, લકવાગ્રસ્ત, ગૅન્ગ્રીનથી પીડાતા લાવારિસ લોકોને સ્વચ્છ કરી, સારાં કપડાં પહેરાવી અને  પ્રાથમિક ઉપચાર આપી અનાથાશ્રમમાં રીહૅબિલિટેટ કરવાનું કામ કરતા ચિંચપોકલીમાં રહેતા ૫૪ વર્ષના નીતિન દાવડાનું કામ જોઈને સો-સો સલામ ઠોકવાનું મન થશે એ નક્કી

જનસેવા એ જ પ્રભુસેવા... આ વાક્યને જીવનમંત્ર બનાવીને ચિંચપોકલીમાં રહેતા ૫૪ વર્ષના નીતિન દાવડા દરરોજ ફુટપાથ પર રઝળતા ગરીબ, લાવારિસ અને અસહાય લોકોને આશ્રમમાં પહોંચાડવાનું સેવાભાવી કામ કરે છે. આવા લોકોને જોઈને દયા અને અરેરાટી તો બધાને ઊપજતી હોય, પણ તેમને માટે કંઈક કરવાની પહેલ બહુ ઓછા લોકો કરે છે. ગંદકીમાં સબડતા, રોગ અને કીડાથી ખદબદતાં અંગોને કારણે પારાવાર પીડા અનુભવતા લોકોની વહારે ધાવાનું કામ નીતિન દાવડાએ ૨૦૨૦થી શરૂ કર્યું છે. લૉકડાઉનમાં ફુટપાથના ગરીબોને જમવાનું આપવાનું શરૂ કરનારા નીતિનભાઈએ ધીમે-ધીમે ખૂબ જ દયનીય સ્થિતિમાં જીવતા ગરીબોને નવડાવી, વાળ-દાઢી ટ્રિમ કરી, સારાં કપડાં પહેરાવી તેમને ફરી નવું જીવન બક્ષવાનું કામ હાથ ધર્યું છે. જોકે પછી તેમને ખયાલ આવ્યો કે થોડા દિવસોમાં તો આ લોકોની હાલત ફરી હતી એવી ને એવી થઈ જશે એટલે તેમના માટે એવું કંઈ કરવું જોઈએ જેથી તેમનું આગળનું જીવન સારું થાય. એટલે પછી નીતિન દાવડાએ આ લોકોને આશ્રમ પહોંચાડવાનું કામ શરૂ કર્યું. આમ ને આમ અત્યાર સુધીમાં નીતિનભાઈએ ૧૦૦૦થી વધુ આવા નિરાધાર લોકોનો આધાર બનીને તેમને આશ્રમ પહોંચાડવાનું કામ કર્યું છે. 

અનોખી માનવસેવા
ફુટપાથ પર રખડતા અને સમાજથી વિખૂટા પડી ગયેલા નિરાધાર અને નિઃસહાય લોકોને મદદ કરવાનું કામ કઈ રીતે કરવામાં આવે છે એ વિશે ક્ચ્છી લોહાણા જ્ઞાતિના નીતિનભાઈ કહે છે, ‘ફુટપાથ પર તમે જોશો તો વર્ષોથી નહાયા ન હોય, કપડાં મળ-મૂત્રથી ગંધાતાં હોય, ગૅન્ગ્રીનને કારણે શરીર સડી ગયું હોય, લકવા થઈ ગયો હોય, માનસિક સંતુલન ગુમાવી બેઠા હોય એવા રોજના બે-ત્રણ કેસ મારી પાસે આવે છે. આ લોકોને હું સ્વચ્છ કરી, જરૂર પડે ત્યાં ડ્રેસિંગ કરાવી, સારાં કપડાં પહેરાવી ઍમ્બ્યુલન્સમાં બેસાડીને પોલીસની જે પણ કાર્યવાહી હોય એ પતાવી આશ્રમમાં લઈ જાઉં છું. હવે તો એવું થઈ ગયું છે કે પોલીસ મને સામેથી કૉલ કરીને કહે કે અહીં ફુટપાથ પર એક વ્યક્તિ છે જેને મદદની જરૂર છે, તમે આવીને તેમને લઈ જાઓ. મારી પાસે એવા જ લોકોના કેસ આવે જેમને હાથ લગાડવા પણ કોઈ રેડી નહીં હોય. તેમના શરીરમાંથી કીડા નીકળતા હોય, મળ-મૂત્ર કરીને બેઠા હોય. તમે જોશો તો સૂગ ચડશે, પણ હવે હું આ બધી વસ્તુથી ટેવાઈ ગયો છું. દુર્ગંધને કારણે છેલ્લા છ મહિનામાં મારી ઍમ્બ્યુલન્સના ચાર ડ્રાઇવરો ભાગી ગયા છે. આ લોકોને આશ્રમમાં લઈ જવાનું કારણ એ છે કે તેમને સારી દેખભાળ મળે, તેઓ સાજા થાય, તેમનું પરિવાર સાથે મિલન થાય અને વાલીવારસ ન હોય તો પણ આશ્રમમાં તેઓ સારું જીવન વિતાવે, બાકી બે સમયની રોટલી તો તેમને ફુટપાથ પર પણ ગમેતેમ મળી જાય છે. હું આ લોકોને ‘પ્રભુજી’ કહીને સંબોધન કરું છું.’



આ રીતે મદદનો હાથ મળી રહે
જનસેવાના કામમાં તેમને કઈ રીતે મદદ મળી રહે છે એ વિશે વાત કરતાં કપડાંની દલાલીનું કામ કરતા નીતિન દાવડા કહે છે, ‘હું જે પણ સેવાનું કામ કરું છું એમાં મને સામેથી કોઈ ને કોઈ દાતાર મળી જ જાય છે. જલારામબાપા મારી ગાડી અટકવા નથી દેતા. શરૂઆતમાં હું પોતે બધો ખર્ચ ઉપાડતો, પણ પછી જેમ-જેમ સમાજના લોકોને મારા કામની ખબર પડતી ગઈ તેમ-તેમ એ લોકો મદદ માટે આગળ આવતા ગયા. મારા આ કામમાં આશ્રમો, મુંબઈ પોલીસ તેમ જ લોહાણા અને જૈન સમાજના લોકોનો ખૂબ સાથસહકાર મળે છે. હું પોતે કોઈ ડોનેશન લેતો નથી. ઘણા લોકો આર્થિક મદદ કરવાની ઇચ્છા દેખાડે તો હું તેમને સીધા આશ્રમના નંબર આપી દઉં છું. હું સુરતના લોકકલ્યાણ કેન્દ્ર, ભરૂચના સેવા યજ્ઞ સમિતિ, અમદાવાદના જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ, હરિનો આશરો, મીરા રોડના નિત્યાનંદ આશ્રમ, વસઈના મરાઠા લાઇફ ફાઉન્ડેશન વગેરે જેવા આશ્રમોમાં આ નિરાધાર લોકોને પહોંચાડું છું. હું ગુજરાતની ધરતીને શત-શત નમન કરું છું, કારણ કે ઘણી વાર એવા-એવા બેડ-રિડન લોકો હોય છે જેમને રાખવા કોઈ આશ્રમ તૈયાર ન હોય તેમને ગુજરાતના આશ્રમો રાખે છે. બેઘરોને આશ્રમ સુધી પપહોંચાડવામાં જે પણ પોલીસ-વેરિફિકેશન પ્રોસેસ હોય એમાં મુંબઈ પોલીસ મને ભરપૂર સાથ આપે છે. મારી પાસે અત્યારે જે ઍમ્બ્યુલન્સ છે કે પછી એના ડીઝલ કે ડ્રાઇવરનો જે પણ ખર્ચો થાય છે એ શ્રી કચ્છી વીસા ઓસવાળ જૈન મહાજન (વડો મહાજન) ઉપાડે છે. મારા કામમાં મને એના ટ્રસ્ટીઓ ચંદ્રકાંતભાઈ ગોગરી અને શાંતિલાલ મારુનો ખૂબ સાથસહકાર મળ્યો છે, જેમને હું એક કૉલ કરું એટલે તેઓ મારી મદદ માટે તત્પર હોય.’


પરિવાર વિના કંઈ ન થાય

મારા દરેક કામમાં મારી પત્ની અને બે દીકરીઓ મને સાથ આપે છે એમ જણાવતાં નીતિનભાઈ કહે છે, ‘લૉકડાઉનમાં સવારે છ વાગ્યે ગરીબોને ચા-નાસ્તો આપવા જતો. એ સમયે કોઈ પત્ની તેના પતિને ઘરની બહાર પગ મૂકવા દેવા રાજી નહોતી. મારી પત્ની મને સામેથી સેવાના કામ માટે જવા કહેતી. હું ઘરના પૈસા ખર્ચ કરતો. એમાં પણ તેણે કોઈ દિવસ મને રોકટોક કરી નથી. આજે પણ અડધી રાત્રે પોલીસનો કૉલ આવે તો હું દોડીને જાઉં, ઘણી વાર અઠવાડિયા સુધી ઘરે ન આવું. આ બધી વસ્તુ તમે ત્યારે જ કરી શકો જ્યારે તમારો પરિવાર તમારા પડખે ઊભો હોય. હું માનું છું કે જીવનનું અંતિમ સત્ય તમારું કર્મ જ છે. જો મેં સારાં કર્મો કર્યાં હશે તો હું બીમાર પડીશ ત્યારે મારાં કર્મો જ મને ઊભો કરશે.’

અબોલ પશુની પણ સંભાળ રાખો

જનસેવાની સાથે નીતિનભાઈ જીવદયાનું કામ પણ કરે છે અને દરેક કામમાં પરિવારનો તેમને પૂરો સાથ છે. નીતિનભાઈ કહે છે, ‘મેં મારા ટૂ-વ્હીલરની પાછળ એક મોટો ડબ્બો અટૅચ કરાવી લીધો છે. આ ડબ્બામાં હું દૂધ, રોટલી, બિસ્કિટ, કેળાં બધું ભરીને ગરીબો અને શ્વાનો-ગાયોને આપવા ઊપડી જાઉં. હોટેલ્સમાં જે બચેલું જમવાનું પડ્યું હોય અને બિલ્ડિંગ્સમાં જે મોટાં વાસણ મુકાવ્યાં છે એમાં જમા થાય એ બધું લઈને હું અન્નદાન કરવા માટે નીકળી જાઉં છું. હું ચાલી ન શકતા હોય એવા જ ગરીબોને ખાવા માટે આપી દઉં. બાકીનું જે બચ્યું હોય એ શ્વાનો અને ગાયોને ખવડાવી દઉં. મારી પાસે અંદાજે બસો જેટલા શ્વાનો છે. મારું માનવું છે કે બચેલું અન્ન ગટરોમાં જાય એના કરતાં કોઈના પેટમાં જાય તો સારું.’


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 07:40 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK