Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વ્યાજદર હળવા થશે એવા સંકેતથી સોનું ફરી ૧૪ મહિનાની ઊંચી સપાટીએ

વ્યાજદર હળવા થશે એવા સંકેતથી સોનું ફરી ૧૪ મહિનાની ઊંચી સપાટીએ

19 June, 2019 11:28 AM IST |

વ્યાજદર હળવા થશે એવા સંકેતથી સોનું ફરી ૧૪ મહિનાની ઊંચી સપાટીએ

સોનું ફરી ૧૪ મહિનાની ઊંચી સપાટીએ

સોનું ફરી ૧૪ મહિનાની ઊંચી સપાટીએ


આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ફરી એક વખત ૧૪ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના વડા મારિયો દરાગ્ચીએ યુરોપીય અર્થતંત્રમાં હજુ નરમ વાતાવરણ જોવા મળશે અને વધારે લાંબો સમય હળવા વ્યાજદરની નીતિ જાળવી રાખવી પડશે એવું નિવેદન આપ્યા પછી ભાવમાં વધારો જોવા મળ્યો હતો.

કૉમેકસ ઉપર ઑગસ્ટ વાયદો ૧૪.૨૫ ડૉલર વધી ૧૩૫૭.૬૫ ડૉલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે. આજે એક તબક્કે તે વધી ૧૩૫૮ની સપાટી સુધી પહોંચી ગયો હતો. તા. ૧૧ એપ્રિલ, ૨૦૧૮ના ૧૩૬૦ ડૉલર પછી વર્તમાન ભાવ સોનાની સૌથી ઊંચી સપાટી છે.



હળવા વ્યાજદરની આશા


પોર્ટુગલ ખાતે વાર્ષિક પરિષદમાં બોલતાં દરાગ્ચીએ જણાવ્યું હતું, સેન્ટ્રલ બૅન્ક આગામી જુલાઈ જેટલા નજીકના ભવિષ્યમાં યુરો ઝોન માટે નવું આર્થિક પ્રોત્સાહક પૅકેજ લાવી શકે છે. યુરો ઝોનમાં અત્યારે ફુગાવો લગભગ નહીંવત્ છે અને આર્થિક વિકાસદર મંદ છે આ સ્થિતિમાં ટ્રેડવૉરના કારણે વિશ્વ જયારે મંદ પડી રહ્યું છે ત્યારે વધારે હળવા વ્યાજદરની નીતિમાં ફેડરલ રિઝર્વ પણ સામેલ થશે એવી આશા રાખવામાં આવી રહી છે.

ફેડરલ રિઝર્વ આજથી બે દિવસ માટે ધિરાણનીતિ અને વ્યાજદરની સમીક્ષા માટેની બેઠક શરૂ કરી રહ્યું છે. જૂન બેઠકમાં વ્યાજદર ઘટવાના નથી, પણ જુલાઈ મહિનામાં જયારે ફેડરલ રિઝર્વની આગામી બેઠક થશે તેમાં યુરોપના પગલે અમેરિકાએ પણ વ્યાજદર ઘટાડવા પડશે એવી આશા તેજીવાળા રાખી રહ્યા છે.


અમેરિકા, જપાન, ચીન, ભારત અને ઑસ્ટ્રેલિયા બાદ હવે યુરોપમાં પણ હળવા વ્યાજદરની નીતિ કે વધારે નાણાપુરવઠો ઠાલવવો પડશે એવી આશાએ સોનાના ભાવને તેજીનું ઇંધણ મળી ગયું છે. વિશ્વનો આર્થિક વિકાસ મંદ પડી રહ્યો છે. ચીન ઉપર અમેરિકા હજુ પણ ૩૦૦ અબજ ડૉલરની આયાત થતી ચીજો ઉપર ટેરિફ વધારી શકે છે. યુરોપની આર્થિક પ્રોત્સાહનની જાહેરાત અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે તરત જ વાંધો ઉઠાવ્યો હતો. ટ્રમ્પ ટ્વિટ કરી બોલ્યા હતા કે આ રીતે હળવી નાણાંની નીતિ રાખી યુરો ડૉલર સામે ઘટી રહ્યો છે અને તેથી ચીનની જેમ યુરોપ પણ અમેરિકા સાથે સ્પર્ધા કરી રહ્યું છે. આ નિવેદનને પણ ટ્રેડવૉર માટે ખતરારૂપ જોવામાં આવી રહ્યું છે.

હળવા વ્યાજદરની નીતિ આવશે એવી આશાએ અમેરિકામાં ૧૦ વર્ષનાં બૉન્ડના યીલ્ડ ૨.૬૮ ટકા ઘટી ૨.૦૩ થઈ થયા છે, જે છેલ્લા ૨૦ મહિનાની નીચલી સપાટી છે. જર્મનીના બૉન્ડ સૌથી નીચલી સપાટીએ પટકાયા હતા. હળવા વ્યાજદરના કારણે બૉન્ડના યીલ્ડ ઘટે તો સોનાના ભાવ માટે ફાયદો થઈ શકે છે

યુરો નબળો, ડૉલર મજબૂત

ડૉલર ઇન્ડેક્સ બે સપ્તાહની ઊંચી સપાટીએ હતો. ડૉલર ઇન્ડેક્સ અત્યારે ૦.૦૫ ટકા વધી ૯૭.૧૦૫ની સપાટી છે. યુરો ડૉલર સામે ૦.૧૨ ટકા ઘટી ૧.૧૨૦૪ છે, યેન ડૉલર સામે ૦.૨૩ ટકા ઘટી ૧૦૮.૩૬ છે. ઑસ્ટ્રેલિયન ડૉલર પણ પાંચ મહિનાની નીચલી સપાટી ૦.૬૮૩૦ પટકાયો હતો.

આ પણ વાંચો: જુલાઈમાં હ્યુન્ડાઈ ભારતમાં ઇલેક્ટ્રિક એસયુવી લૉન્ચ કરશે

ભારતમાં સોનું વધ્યું

એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૩,૦૪૫ રૂપિયા ખૂલી, ઉપરમાં ૩૩,૧૯૭ રૂપિયા અને નીચામાં ૩૩,૦૪૧ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૨૩ રૂપિયા વધીને ૩૩,૧૪૪ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩૩ રૂપિયા વધીને ૮ ગ્રામદીઠ ૨૬,૨૧૩ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૬ રૂપિયા વધીને ૧ ગ્રામદીઠ ૩૨૭૯ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૦૧ રૂપિયા વધીને બંધમાં ૩૩૦૬૨ રૂપિયાના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૩૭,૦૭૮ રૂપિયા ખૂલી, ઉપરમાં  ૩૭,૨૭૦ રૂપિયા અને નીચામાં ૩૭,૦૭૬ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૦૧ રૂપિયા વધીને  ૩૭,૧૯૩ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૯૩ રૂપિયા વધીને ૩૭,૨૦૯ રૂપિયા અને ચાંદી-માઇક્રો જૂન ૯૩ રૂપિયા વધીને ૩૭,૨૦૭ રૂપિયા બંધ રહ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2019 11:28 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK