ઈરાનના વળતા જવાબથી સોનું આઠ વર્ષની ઊંચી સપાટીએ: ભારતમાં વધુ એક વિક્રમી સપાટી

Published: Jan 09, 2020, 10:35 IST | Mumbai

ક્રૂડ ઑઇલના ભાવ પુરવઠો ઘટી જશે એવી આશાએ અને સોનું રોકાણનું સ્વર્ગ છે એટલે આઠ વર્ષની ઊંચી સપાટીએ હતું.

ગોલ્ડ
ગોલ્ડ

ઈરાને અમેરિકાને બુધવારે વહેલી સવારે વળતો જવાબ આપ્યો હતો. વળતા જવાબમાં મિસાઇલ હુમલામાં ઈરાક ખાતેના અમેરિકાના બે ઍરબેઝને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા જેના કારણે યુદ્ધ જેવી સ્થિતિ થશે એટલે ક્રૂડ ઑઇલ અને સોનાના ભાવ વધ્યા હતા. ક્રૂડ ઑઇલના ભાવ પુરવઠો ઘટી જશે એવી આશાએ અને સોનું રોકાણનું સ્વર્ગ છે એટલે આઠ વર્ષની ઊંચી સપાટીએ હતું.

જોકે, આ હુમલાના કારણે હવે અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી ઘટાડવા અને શાંતિ માટે આગળ ધપવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય આગળ આવશે એવી આશાએ ક્રૂડ અને સોનું બન્ને ઉપલા મથાળેથી ઘટી ગયાં હતાં. ભારતમાં પણ સોનાના ભાવ ૪૨,૪૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની નવી સર્વોત્તમ ઊંચી સપાટી જોવા મળ્યા હતા.

ઈરાનના મિસાઇલ હુમલાના કારણે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે ૧૬૧૧ ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયા હતા જે ૨૦૧૨ પછી એટલે કે આઠ વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા. હાજરમાં સોનું સતત ઘટી રહ્યું છે અને એ આગલા દિવસ કરતાં ૧.૮૫ ડૉલર ઘટી ૧૫૭૨.૫૨ ડૉલર પ્રતિ ઔંસ છે. કોમેક્સ વાયદો દિવસની ઊંચી સપાટી ૧૬૧૩.૮૦ ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયો હતો જે પછી એમાં ઘટાડો જોવા મળ્યો છે અને ગઈ કાલે ભાવ ૧૫૭૫.૯૦ ડૉલર પ્રતિ ઔંસ હતો જે આગલા દિવસ કરતાં માત્ર બે ડૉલરનો સુધારો દર્શાવે છે. હાજરમાં ચાંદી વધીને ૧૮.૮૬ ડૉલર સામે ગઈ કાલે ૧૮.૨૬૫ ડૉલરની સપાટી પર હતી.
વૈશ્વિક હાજર બજારમાં સોનાના ભાવ સતત ૧૧ દિવસથી વધી રહ્યા છે. ૨૭ ડિસેમ્બરે હાજરમાં સોનું ૧૫૧૦.૫૬ ડૉલર હતું જે પછી એ સતત વધી રહ્યું છે. હાજર ચાંદીના ભાવ ૩૧ ડિસેમ્બરની સપાટી ૧૭.૮૫૨૩થી સતત વધી રહ્યા છે.

ભારતમાં હાજર અને વાયદામાં વૃદ્ધિ

ભારતમાં હાજર બજારમાં સોનું ૪૭૫ વધી ૪૨,૨૩૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૪૪૦ વધી ૪૨,૧૨૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું. એક તબક્કે સોનાનો ભાવ વધીને ૪૨,૪૫૦ રૂપિયાની સર્વકાલીન ઊંચી સપાટી પર પહોંચ્યો હતો. સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૦,૯૪૬ ખૂલી, ઉપરમાં ૪૧,૨૯૩ અને નીચામાં ૪૦,૭૩૫ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૩૦ વધીને ૪૦,૭૯૩ રૂપિયા બંધ રહ્યો હતો.

મુંબઈ હાજર ચાંદીના ભાવ ૭૬૦ વધી ૪૯,૫૧૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૭૦૦ વધી ૪૯,૩૩૦ રૂપિયા પ્રતિ એક કિલોના રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૮,૨૨૪ ખૂલી, ઉપરમાં ૪૮,૯૨૫ અને નીચામાં ૪૮,૧૩૧ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૦૨ વધીને ૪૮,૨૦૮ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૧૦૧ વધીને ૪૮,૨૩૧ અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૧૦૧ વધીને ૪૮,૨૩૫ રૂપિયા બંધ રહ્યા હતા. ચાંદીનો વાયદો પણ સાંજના સત્રમાં ૩૬૧ ઘટી ૪૭,૭૪૫ પ્રતિ કિલોની સપાટી પર છે.

ઈટીએફમાં ૪૦૦ ટન સોનું ખરીદાયું

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આજે જાહેર થયેલા અહેવાલ અનુસાર કૅલેન્ડર વર્ષ ૨૦૧૯ દરમ્યાન એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) દ્વારા નવું ૪૦૦ ટન કે ૧૯.૨ અબજ ડૉલરનું સોનું ખરીદવામાં આવ્યું છે.

ડૉલર સામે રૂપિયો મજબૂત

અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલીના કારણે સતત દબાણમાં રહેલો રૂપિયો ગઈ કાલે દિવસના નીચલા સ્તરે પટકાયો હતો, પણ દિવસના અંતે આગલા બંધ કરતાં વધીને બંધ આવ્યો હતો. દિવસના અંતે ૭૧.૭૦ની સપાટીએ બંધ આવ્યો હતો જે આગલા બંધ સામે ૧૨ પૈસાની વૃદ્ધિ દર્શાવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK