નાણાકીય સાક્ષરતા કેવી રીતે વધારવી?
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
ફાઇનૅન્સની એટલે કે નાણાંની વાત આવે ત્યારે એમાં બચત, રોકાણ, ધિરાણ, લોન, બજેટ બનાવવું એ બધી બાબતો આવી જાય. ફાઇનૅન્સમાં પર્સનલ ફાઇનૅન્સ, કૉર્પોરેટ ફાઇનૅન્સ અને પબ્લિક ફાઇનૅન્સ એ ત્રણ શ્રેણીઓ હોય છે.
પર્સનલ ફાઇનૅન્સ દરેક વ્યક્તિ કે પરિવાર સાથે સંબંધ ધરાવે છે. કૉર્પોરેટ ફાઇનૅન્સમાં બિઝનેસ ચલાવવાને લગતાં પાસાં આવરી લેવાય છે. એમાં સ્ટૉક્સ કે બૉન્ડ ઇશ્યુ કરવા, પ્રોજેક્ટ માટે નાણાં ઊભાં કરવાં વગેરે બાબતો સામેલ હોય છે. પબ્લિક ફાઇનૅન્સમાં દેશ કે રાજ્યની સરકાર દ્વારા ઉઘરાવાતા કરવેરા અને જનતાના કલ્યાણ માટેની યોજનાઓ પાછળ થતા ખર્ચનો સમાવેશ થાય છે. સરકારની રાજકોષીય નીતિઓ એમાં આવી જાય છે.
ADVERTISEMENT
પર્સનલ ફાઇનૅન્સમાં નાણાકીય સાક્ષરતા એટલે કે ફાઇનૅન્શિયલ લિટરસી મુખ્ય બાબત છે. પૈસાને લગતા તમામ વ્યવહારને યોગ્ય દૃષ્ટિકોણથી સમજવા એટલે નાણાકીય સાક્ષરતા. જીવનમાં આવશ્યક કૌશલ્યો કે આવડત પૈકી આ એક આવડત છે. એમાં આવક અને જાવકનો હિસાબ રાખવો, બચત કરવી, રોકાણ કરવું, વીમા ઉતરાવવા, લોન અને વ્યાજ વગેરે વિષયોનો સમાવેશ થાય છે.
નાણાકીય સાક્ષરતાનો પાયો જેટલો વધારે મજબૂત હોય એટલું જ જીવનનાં નાણાકીય લક્ષ્યો સિદ્ધ કરવામાં સહેલું પડે છે. નાણાકીય સાક્ષરતામાં અનેક કૌશલ્યો સામેલ હોય છે. જોકે, એમાં મુખ્ય વિષય બજેટ બનાવવું, ખર્ચનું વ્યવસ્થાપન કરવું, કરજ વહેલી તકે ઉતારવું તથા રોકાણમાં જોખમ અને વળતરનું સંતુલન સાધવું એ બધાનો સમાવેશ થાય છે. આ કૌશલ્યો પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ સમયની સાથે બદલાતું નાણાંનું મૂલ્ય, ચક્રવૃદ્ધિ વ્યાજ, વાર્ષિક વળતર, ઑપોર્ચ્યુનિટી કૉસ્ટ જેવાં નાણાકીય પાસાંની પાયાની સમજ મેળવવી જરૂરી હોય છે.
આજકાલ બજારમાં ક્રેડિટ કાર્ડ, ઓવરડ્રાફ્ટ, ઈએમઆઇ, બાય નાઉ પૅ લેટર વગેરે જેવી ધિરાણની અનેક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ હોવાથી આ વિષયને લગતું નાણાકીય જ્ઞાન ઘણું જ અગત્યનું બની ગયું છે.
નાણાકીય સાક્ષરતામાં મોટા નાણાકીય નિર્ણયો લેવાનો વિષય પણ આવી જાય છે. વળી, આ સાક્ષરતા હોય તો નાણાકીય શિસ્ત આવે છે અને નાણાકીય ક્ષમતા વધારવામાં મદદ મળે છે. બચત અને રોકાણનાં મહત્ત્વપૂર્ણ કૌશલ્યો એમાં શીખવવામાં આવે છે.
નાણાકીય સાક્ષરતા કેવી રીતે વધારવી?
નાણાકીય સાક્ષરતાનો વિષય એવો છે કે તમે એનો અમલ કરતાં-કરતાં જ શીખવા લાગો છો. આ વિષયનાં કેટલાંક કૌશલ્યો આ પ્રમાણે છે...
૧. બજેટ બનાવવું : દર મહિને કુલ આવક અને કુલ જાવકનો હિસાબ રાખવો એ બજેટનું પહેલું પગથિયું છે. ખર્ચની યાદી પરથી ખયાલ આવે છે કે કયા ખર્ચ જરૂરી છે અને કયા બિનજરૂરી છે. આવકમાં પગાર તથા રોકાણો પરની કે બીજી કોઈ આવક અને ખર્ચમાં નિશ્ચિત ખર્ચ (બિલ, ભાડું, લોનની ઈએમઆઇ વગેરે) તથા બદલાતા ખર્ચ (શૉપિંગ, પ્રવાસ વગેરે)નો સમાવેશ થાય છે.
૨. બિલ પર નજર રાખવી : જ્યારે પણ બિલ આવે ત્યારે એની ચુકવણી સમયસર કરી દેવી. શક્ય હોય ત્યાં બૅન્ક-અકાઉન્ટમાંથી ઑટો ડેબિટનો વિકલ્પ પણ પસંદ કરી શકાય છે. બિલ ભરવાનું ચૂકી ન જવાય એ માટે પેમેન્ટ રિમાઇન્ડર રાખો.
૩. સારો ક્રેડિટ સ્કોર રાખો : તમારે કોઈ લોન લેવી હોય ત્યારે સારો વ્યાજદર મળે એ માટે ઊંચો ક્રેડિટ સ્કોર જરૂરી હોય છે. આના માટે તમારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને એના બિલની સમયસર ચુકવણી કરવી એ એક સહેલો માર્ગ છે.
૪. કરજ પર કાબૂ રાખો : ખર્ચને ઘટાડીને અને રિપેમેન્ટને વધારીને કરજ પર કાબૂ રાખો. કરજ ઘટાડવા માટેનું આયોજન કરીને બોજ ઘટાડી શકાય છે. દા.ત. જેના પર વધારે વ્યાજ લાગતું હોય એવું કરજ સૌથી પહેલાં ચૂકતે કરી દેવું.
૫. બચત અને રોકાણ શરૂ કરો : જો ઘરખર્ચને કાબૂમાં રાખવામાં આવે તો બચત કરવાનું મુશ્કેલ નથી. યોગ્ય બજેટ બનાવીને, પોતાનાં નાણાકીય લક્ષ્યો નિશ્ચિત કરીને અને નાણાકીય સ્રોતોનો ઉત્તમ ઉપયોગ કરીને તમે નાણાકીય સ્થિતિને સાચવી શકો છો. નાણાકીય લક્ષ્યો નિશ્ચિત થયા બાદ એના માટે રોકાણ શરૂ કરવાનું હોય છે. સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન રોકાણ માટેનો સારામાં સારો માર્ગ છે. લાંબા ગાળે એના દ્વારા સંપત્તિસર્જન કરી શકાય છે. નાણાકીય લક્ષ્યો ટૂંકો ગાળો, મધ્યમ ગાળો અને લાંબો ગાળો એમ ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કરવાનાં હોય છે અને એને અનુરૂપ રોકાણનાં સાધનો નક્કી કરવાનાં હોય છે. રોકાણ કર્યા બાદ ધીરજ રાખવી અત્યંત જરૂરી છે. બજારની સ્થિતિથી વિચલિત થયા વગર પોતાના લક્ષ્ય તરફ ધીરજપૂર્વક આગળ વધવું જોઈએ. જરૂર લાગે ત્યાં નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લેવી જોઈએ.
