Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોકણથી આવેલા કેરી અને કાજુના ખેડૂતોનું આંદોલન શરૂ થાય એ પહેલાં જ ડામી દેવામાં આવ્યું

કોકણથી આવેલા કેરી અને કાજુના ખેડૂતોનું આંદોલન શરૂ થાય એ પહેલાં જ ડામી દેવામાં આવ્યું

Published : 16 May, 2026 11:58 AM | Modified : 16 May, 2026 12:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પરવાનગી વિના આંદોલન કરનાર રાજુ શેટ્ટી અને મહાદેવ જાનકર સહિતના નેતાઓની અટક કરવામાં આવી : પાકના નુકસાનના વળતરની માગણીના મુદ્દે મંત્રાલય અને ગિરગામ ચોપાટી પર ધમાલ

હર્ષવર્ધન સપકાળ, મહાદેવ જાનકર, રાજુ શેટ્ટી

હર્ષવર્ધન સપકાળ, મહાદેવ જાનકર, રાજુ શેટ્ટી


કોકણમાં ખરાબ હવામાન અને કરા પડવાને કારણે કેરી અને કાજુના પાકને ભારે નુકસાન થયું છે. એના વળતરની માગણી સાથે શુક્રવારે મુંબઈમાં સ્વાભિમાની શેતકરી સંઘટનાએ ગિરગામ ચોપાટીથી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાન વર્ષા બંગલો પર જઈને આંદોલન કરવાની જાહેરાત કરી હતી. ખેડૂતોને ટેકો આપવા માટે વિરોધ પક્ષના નેતાઓ પણ આંદોલનમાં જોડાયા હતા. મંત્રાલય વિસ્તારમાં આંદોલન કરવાની પોલીસે પરવાનગી આપી નહોતી છતાં હોબાળો મચાવતાં પોલીસે આંદોલકો સામે કડક કાર્યવાહી કરી હતી અને  આંદોલન શરૂ થાય એ પહેલાં જ એને ડામી દેવામાં આવ્યું હતું.

આંદોલનમાં સામેલ થવા માટે મંત્રાલય પાસે જમા થયેલા આંદોલનકારીઓ અને ખેડૂતોની પોલીસે અટક કરી હતી; જ્યારે મંત્રાલય પરિસરમાંથી રાષ્ટ્રીય સમાજ પક્ષના મહાદેવ જાનકર, શિવસેના (UBT)ના વિનાયક રાઉત, સ્વાભિમાની શેતકરી સંઘટનાના રાજુ શેટ્ટી અને કૉન્ગ્રેસના હર્ષવર્ધન સપકાળ જેવા નેતાઓની અટક કરવામાં આવી હતી.



રાજુ શેટ્ટીની ધરપકડ દરમ્યાન પોલીસ અને સ્વાભિમાની શેતકરી સંઘટનાનાના કાર્યકરો વચ્ચે ખાસ્સી રકઝક થઈ હતી અને કાર્યકરોએ પોલીસ પર કેરીઓ ફેંકીને રોષ વ્યક્ત કર્યો હતો.


ખેડૂતોએ કેટલું વળતર માગ્યું?

કેરીના ૯૦ ટકા પાકને નુકસાન થયું છે અને છેલ્લા ૩ મહિનાથી ખેડૂતો રાજ્ય સરકાર પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યા છે. કેરીના પાક માટે હેક્ટરદીઠ પાંચ લાખ રૂપિયા અને કાજુના પાક માટે હેક્ટરદીઠ ૩ લાખ રૂપિયા વળતરની માગણી ખેડૂતોએ કરી હતી.


ગિરગામમાં પણ ધમાલ

બીજી બાજુ શિવસેના (UBT)એ આઝાદ મેદાનમાં ખેડૂતોની માગણીઓ માટે આંદોલન કર્યું હતું. મંત્રાલય ઉપરાંત ગિરગામમાં પણ મોટી સંખ્યામાં આંદોલનકારીઓ ભેગા થયા હતા જેમને પોલીસે પહેલાં જ તાબામાં લીધા હતા. પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે થયેલા ઘર્ષણને પગલે ગિરગામ ચોપાટી વિસ્તારમાં ધમાલિયું વાતાવરણ ઊભું થયું હતું અને ટ્રાફિકની સમસ્યા પણ થઈ હતી. તાબામાં લીધા બાદ બધા જ આંદોલનકારીઓને ડોંગરી પોલીસ-સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. 

મુખ્ય પ્રધાને આની કિંમત ચૂકવવી પડશે : મહાદેવ જાનકરની ચીમકી

મહાદેવ જાનકરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ટીકા કરતાં કહ્યું હતું કે તેમણે ખેડૂતોનું આવેદનપત્ર પણ સ્વીકાર્યું નથી અને એની કિંમત તેમણે ચૂકવવી પડશે.

Whatsapp-channel Whatsapp-channel

16 May, 2026 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK