Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > એક તીર, તીન નિશાન

એક તીર, તીન નિશાન

02 February, 2023 08:09 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે એક તીરે ત્રણ નિશાન તાક્યાં : વ્યવહારુ રાજકોષીય મૅનેજમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વસમાવેશનો અભિગમ : ઇન્કમ ટૅક્સમાં મોટી રાહત આપી વપરાશ વધારવાની નેમ

એક તીર, તીન નિશાન

ઍનૅલિસિસ

એક તીર, તીન નિશાન


નીલેશ શાહ

કોટક મહિન્દ્ર ઍસેટ મૅનેજમેન્ટ કંપની  મૅનેજિંગ ડિરેક્ટર-પ્રેસિડન્ટ



૨૦૨૩-’૨૪ના વર્ષના કેન્દ્રીય બજેટને બાહુબલી બજેટ કહી શકાય. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આ બજેટ મારફત એક તીરે ત્રણ નિશાન તાક્યાં છે. નિર્મલા સીતારમણે આ અમૃતકાળ માટેનું અંદાજપત્ર રજૂ કરીને એકસાથે ઘણાં ધ્યેયને પાર પાડવાનું વિરાટ કદમ ભર્યું છે. જોકે સરકારે અર્થતંત્રના ક્રિટિકલ-પાયાના મુદ્દાઓથી ધ્યાન હટાવ્યું નથી. નાણાપ્રધાને પર્સનલ ટૅક્સને રૅશનલ-વ્યવહારુ બનાવીને એમાં રાહત આપીને લોકોના હાથમાં વધુ નાણાં બચી શકે અને એના દ્વારા વપરાશ વધી શકે એવી જોગવાઈ કરી છે. આ ઉપરાંત ૧૦ લાખ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે મૂડીખર્ચરૂપે ફાળવ્યા છે, જે ૨૦૧૯-’૨૦ના ખર્ચ કરતાં ત્રણ ગણી વધુ ફાળવણી છે. આને પગલે વિકાસને વેગ મળશે. આ રકમ જીડીપીના ૩.૩ ટકા જેટલી થાય છે. જ્યારે ફિસ્કલ પ્રુડન્સ (રાજકોષીય વ્યવહારદક્ષતા) જાળવીને તેમણે સર્વસમાવેશવાળો અભિગમ રાખ્યો છે. અર્થાત્ વિકાસનો લાભ છેલ્લા માનવી સુધી પહોંચતો કરવાનું લક્ષ્ય કહી શકાય. આમ નાણાપ્રધાને બહુ સમજી-વિચારીને એક તીરે ત્રણ પાયાનાં નિશાન પાર પાડવાની નીતિ અપનાવી છે.


વિકાસલક્ષી બજેટ રજૂ કરવા સાથે સરકારે આગામી બેથી ત્રણ વર્ષમાં ફિસ્કલ ડેફિસિટ (રાજકોષીય ખાધ) ધીમે-ધીમે નીચે લાવવાની એની મક્કમતા દર્શાવી છે. નોંધનીય વાત એ છે કે સરકાર આ માર્ગ પર ચાલી રહી હોવાનું પ્રતીત થાય છે.

કરરાહત મારફત વપરાશ વધારવાનો અભિગમ


અંદાજપત્રએ આવકવેરાની મુક્તિમર્યાદા પાંચ લાખ રૂપિયાથી વધારીને સાત લાખ રૂપિયા કરીને સામાન્ય માનવી (કૉમન મૅન)ને રાજી થવા માટે કારણ આપ્યું છે. આનો અર્થ એ થાય કે વ્યક્તિની વાર્ષિક ૭ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ આવકવેરો ભરવાનો આવશે નહીં. આ સાથે બજેટે ટૅક્સ-સ્લૅબમાં પણ ફેરફાર કર્યા છે, જેનાથી લોકોના હાથમાં નાણાંની બચત થશે અને એના પરિણામે વપરાશ વધવાનો અવકાશ રહેશે. નાણાપ્રધાને ઊંચી આવકવાળા વર્ગ પર લાગુ થતા ઊંચા સરચાર્જમાં પણ રાહત જાહેર કરી છે, આ પીક સરચાર્જ નવી સૂચિત કરપ્રણાલી હેઠળ ૩૭ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરાયો છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના લાભ

દેશની માળખાકીય સુવિધા (ઇન્ફ્રાસ્ટ્રકચર) પર સતત ધ્યાન કેન્દ્રિત કરતી મોદી સરકારે છેલ્લાં થણ વર્ષથી દર વર્ષે એ માટેનો કૅપિટલ ખર્ચ વધારવાની નીતિ અપનાવી છે. જંગી મૂડીખર્ચનું સુપરિણામ એ આવે છે કે એને લીધે અર્થતંત્રને વેગ મળે છે અને સંબંધિત કે સંકળાયેલા અન્ય નાના-મોટા ઉદ્યોગો પર પણ સારી અસર થાય છે. આના લાભ મોટી કંપનીઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રની નાની-મધ્યમ કદની કંપનીઓને પણ થાય છે. સેક્ટરવાઇઝ જોઈએ તો સરકારે એમએસએમઈ (માઇક્રો, સ્મૉલ, મીડિયમ એન્ટરપ્રાઇઝિસ) પર ફોકસ રાખ્યું  છે. જેમ કે તેમને ડિજિલૉકર સુવિધા આપવી, તેમને વૅલ્યુચેઇનમાં સમાવી લેવા કે પછી તેમની ક્રેડિટ ગૅરન્ટી સ્કીમને રીવેમ્પ કરવી. આ બજેટમાં સરકારે આ સ્કીમ માટે વધુ ૯૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.  

છેવાડાના માનવી સુધી

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત સરકારનું ધ્યાન ઇન્કલુઝિવ ડેવલપમેન્ટ પરથી ખસ્યું નથી. આ માટે ગ્રામ્ય વિકાસ યોજનાઓ માટે કરાતી ફાળવણી વર્ષોથી ચાલુ રહી છે. વધુમાં અફૉર્ડેબલ હાઉસિંગ માટેની ફાળવણી પણ ૭૯૦ અબજ રૂપિયા જેટલી ઊંચી રહી છે. આમાં હાઉસિંગ ફૉર ઑલ (દરેક માટે ઘર)નું સરકારનું વિઝન પ્રગટ થાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં રેલવે અને રોડ આવે છે, જેમાં દેશભરમાં વસતા લોકો માટે કનેક્ટિવટી સરળ અને ઝડપી બનાવવાનું લક્ષ્ય છે, એથી રોજગાર સર્જનનો અવકાશ અને તકો વધે, જે ઇકૉનૉમીના સર્વાંગી હિતમાં છે.  

નાનાં પણ મહત્ત્વનાં કદમ

યુવા વર્ગ માટે શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટનો મુદ્દો પણ સરકારના અગ્રક્રમે રહ્યો છે. આ હેતુસર બજેટે વિવિધ મેડિકલ સંબંધિત કોર્સિસ, યુવાનો અને શિક્ષકોને તાલીમ વગેરેને આવરી લઈ એને માટે ફાળવણી કરી છે. આ ઉપરાંત સરકારે બજેટમાર્ગે અનેક નાનાં-નાનાં પણ મહત્ત્વનાં કદમ ભર્યાં છે, જેમાં બિઝનેસ કરવાનું સરળ બનાવવું (ઈઝ ટુ ડૂ બિઝનેસ), ટૅક્સ કમ્પ્લાયન્સ માટે પ્રોત્સાહન આપવું, કરવેરા સંબંધી વિવાદોમાં ઘટાડો કરવો, સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને ઉત્તેજન આપવું, ડિજિટલના સ્વીકારને પ્રોત્સાહિત કરવું અને ટેક્નૉલૉજીનો ઉપયોગ છેવટના માણસ સુધી લઈ જવાનો સમાવેશ છે.

વીમા પૉલિસીના વેચાણ પર અસર સંભવ

કરવેરાના મોરચે, વ્યક્તિગત આવકવેરામાં વિવિધ લાભો આપવામાં આવ્યા છે. સરકારે વર્તમાન કર આર્બિટ્રેજને ઘટાડવાનું ચાલુ રાખ્યું છે અને કર અનુપાલનમાં સુધારો કરાયો છે. દાખલા તરીકે સરકારે દરખાસ્ત કરી છે કે ૨૦૨૩ની પહેલી એપ્રિલે અથવા એ પછી ઇશ્યુ કરાયેલી તમામ પૉલિસીઓ (યુલિપ સિવાય)ના પાકતી મુદતના લાભો, એક વર્ષમાં પાંચ લાખ રૂપિયાનું પ્રીમિયમ અથવા કુલ પ્રીમિયમ ધરાવતી હોય તો એ કરપાત્ર બનશે.

આ દરખાસ્તને પગલે ઇન્શ્યૉરન્સ કંપનીઓની નવી પૉલિસીઓના વેચાણ પર અસર થશે અને ખાસ કરીને એન્ડોવમેન્ટ કે નૉન-પાર પોર્ટફોલિયો પર વિશેષ અસર થશે, જે ઇન્શ્યૉરન્સ ક્ષેત્ર માટે મુખ્યત્વે નકારાત્મક પુરવાર થશે. એ ઉપરાંત માર્કેટ લિન્ક્ડ ડિબેન્ચર્સ (લિસ્ટેડ સિક્યૉરિટીઝ હોવાથી) એના પરનો લાભ ઇન્ડેક્સેશન વિના લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન તરીકે ગણવામાં આવશે. કરવેરામાં સૂચિત ફેરફાર વેરાના આર્બિટ્રેશનના છીંડાને પૂરી દે છે અને એથી પ્રોડક્ટના આકર્ષણમાં ઘટાડો થઈ શકે છે અને એથી ઇશ્યુઅરો અને ડિસ્ટ્રિબ્યુટરોને એની સમાન અસર થશે. રિયલ એસ્ટેટના મોરચે સરકારે ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન-54 અને સેક્શન-54એફ હેઠળ લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સની ૧૦ કરોડ રૂપિયા પર સીમિત કર્યો છે. આને કારણે હાઈ-નેટવર્થ ધરાવતી વ્યક્તિઓના ડિડક્શન્સમાં ઘટાડો થશે.

સરકારનો સંયમ

અમે માનીએ છીએ કે કેન્દ્રનું નાણાકીય વર્ષ ૨૦૨૪ માટેનું બજેટ સર્વાંગી વિકાસ, ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવાની, ટેક્નૉલૉજી આધારિત પહેલ અને વેપારમાંના અવરોધોમાં ઘટાડો કરવાની વિચારધારા દર્શાવે છે. અમે માનીએ છીએ કે ૨૦૨૪માં ચૂટણીઓ આવી રહી હોવા છતાં સરકારે સંયમ દાખવ્યો છે અને વિકાસ પર બહુગુણાત્મક અસર ઉપજાવવા મૂડીખર્ચમાં વધારો કરવાનું અને લોકપ્રિય પગલાં ભણી ન વળવાનું પસંદ કર્યું છે.

સરકારના ફોકસની ફાઇન પ્રિન્ટ

બજેટે ફુગાવાનો સામનો કરવા અંતિમ વપરાશકારોને વેરાની રાહતો વધારી આપી છે, જેથી તેઓ વપરાશ ન ઘટાડે. બજારના દૃષ્ટિકોણથી અમે માનીએ છીએ કે બજેટે કુલ દેવાના આંકડામાં કોઈ વધારો કર્યો નથી એથી બૉન્ડ્સ પરના યીલ્ડ ઘટશે એની ટીકા કરવાને બદલે ખુશ થવું જોઈએ. ઇક્વિટી મૂડીરોકાણની દૃષ્ટિએ બજેટ બજાર માટે સારો ઉદ્દીપક બની રહેશે.

જોકે વિશ્વનાં બજારોની તુલનાએ દેશનાં બજાર પ્રીમિયમે ટ્રેડ થઈ રહ્યાં છે અને બજેટ બાદના કાળને એ જ પરિપ્રેક્ષ્યમાં જોવો જોઈએ. બજેટે સરકારના ફોકસની ફાઇન પ્રિન્ટ રજૂ કરી છે. સરકારનું ફોકસ ઉત્પાદકતામાં અને કાર્યક્ષમતામાં વધારો અથવા યોગ્ય દિશામાં ખર્ચ કરવા પર છે. અમે માનીએ છીએ કે દિશા યોગ્ય છે અને સરકારે ખરેખર ‘અમૃતકાળ’ માટેનું બજેટ રજૂ કર્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2023 08:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK