Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેરનો સપાટો

વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેરનો સપાટો

10 January, 2022 02:34 PM IST | Mumbai
Jitendra Sanghvi

ભારતમાં રોજના દોઢ લાખથી વધુ કેસ, તો પણ આર્થિક વિકાસ પર તેનો ઝાઝો પ્રભાવ નહીં પડે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


વિશ્વભરમાં મહામારીના ફેલાવાની ઝડપ (એ ઝડપ માટે હવે જે પણ વિશેષ વાપરો તે ઓછું પડે તેમ છે)ના સમાચારથી ગમે તેટલો આશાવાદી પણ ઘોર હતાશામાં સરી પડ્યા સિવાય રહે તેમ નથી. આ કેસ દિવસે ન વધે તેટલા રાત્રે વધે છે, તો રાત્રે ન વધે તેટલા દિવસે. પરિણામે એના ડબલ થવાના દિવસોની સંખ્યા ઘટતી જાય છે. તો પણ થોડા સારા નસીબે આશાના એક કિરણ જેવા કેટલાક પૉઝિટિવ સમાચાર એ હતાશા વચ્ચે પણ સમગ્ર માનવજાતને જીવવા માટે નવું જોમ આપે છે. આ સમાચાર મહામારી નજીકના ભવિષ્યમાં કઈ ઝડપે વધી શકે એના ધ્રુજાવી દે એવા અંદાજોને નજરઅંદાજ કરવામાં પણ સહાયરૂપ બને તેવા છે.
આ પૉઝિટિવ સમાચારો પર એક ઊડતી નજર
૧. ભારત વૅક્સિનેશનના ૧૫૦ કરોડ ડોઝ સાથે ચીન (૨૮૮ કરોડ ડોઝ) પછી વિશ્વનો બીજા નંબરનો દેશ બન્યો છે. વિશ્વમાં કુલ ૯૩૯ કરોડ ડોઝ અપાયા છે. દેશમાં ૧૫થી ૧૮ વર્ષના તરુણોનું વૅક્સિનેશન શરૂ થયું છે તો ૬૦ વર્ષથી ઉપરના માટે વૅક્સિનેશન શરૂ થવામાં છે.
૨. વૅક્સિનેશનની ક્ષમતા થોડી ઓછ-વધારે હોય તો પણ નવા સંક્રમિત થનાર દરદીઓમાં બન્ને ડોઝ લેનારનું પ્રમાણ ખૂબ ઓછું છે.
૩. નવા વેરિઅન્ટ ઓમાઇક્રોનનો ફેલાવો ઝડપી પણ ગંભીરતા ઓછી હોઈ, હૉસ્પિટલાઇઝેશન અને મરણનું પ્રમાણ ખૂબ ઓછું રહે છે.
૪. મોટા ભાગના સંક્રમિત થનાર ત્રણ-ચાર દિવસની સામાન્ય દવા, સાધારણ ટ્રીટમેન્ટ અને હૉમ ક્વૉરન્ટીનથી સાજા થઈ જાય છે.
૫. નવો વેરિઅન્ટ માઇલ્ડ હોવાને લીધે જરૂર પ્રમાણે ઓછા-વધારે પ્રતિબંધો મૂકીશું અને કોવિડને અનુરૂપ પ્રોટોકોલનું પાલન કરીશું તો ૨૦૨૦ જેવા દેશવ્યાપી સખત લૉકડાઉનની જરૂર નહીં પડે.
૬. ...અને એટલે જ દેશના આર્થિક વિકાસ પર પણ ત્રીજી લહેરનો ઝાઝો પ્રભાવ નહીં પડે.
૭. મધ્યમ ગાળાના આર્થિક સંયોગો ઊજળા છે. ૨૦૩૦માં ભારત ચીન પછીનું વિશ્વનું બીજા નંબરનું અર્થતંત્ર બનશે.
૮. આખરે ગુજરાત સરકારે વિશ્વભરમાંથી વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માટે દર બે વર્ષે આયોજિત કરાતી ‘વાઇબ્રન્ટ ગુજરાત’ સમિટ રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ છેલ્લી ઘડીના નિર્ણયને કારણે કૉન્ટ્રૅકટરો, હોટેલો, અૅરલાઇનો તથા રાજ્ય સરકારને સારું એવું નુકસાન થયું હોય, પણ આ સમિટ યોજાઈ હોત તો તેની આકરી સજા કદાચ આપણે ભોગવવી પડત. એટલે શૂળીનો ઘા સોયથી સર્યો એમ કહી શકાય.
૯. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ, તામિલનાડુ અને ગુજરાત જેવાં અનેક રાજ્યોએ અગમચેતીનાં પગલાંરૂપ તેમની સ્થાનિક જરૂરિયાત પ્રમાણેના પ્રતિબંધ મૂકયા છે.
ટૂંકમાં અત્યારે તો એમ કહી શકાય કે રોજ-રોજ બનતી જતી વિકટ પરિસ્થિતિમાંથી પણ માર્ગ નીકળી જશે. આપણે ૨૦૨૨ના વર્ષે ૨૦૨૦ અને ૨૦૨૧ જેવી દયનીય સ્થિતિ (આર્થિક નુકસાન અને જાનહાનિ)નો સામનો કરવાનો વારો તો કદાચ નહીં જ આવે. 
એક નજર નેગેટિવ સમાચાર પર
૧. વિશ્વમાં કોરોનાથી સંક્રમિત થનારની સંખ્યા ૩૦ કરોડને ઓળંગી ગઈ.
૨. નવા કેસ વધવાની સંખ્યા જ એટલી મોટી છે કે તેમાથી બહુ ઓછાને હૉસ્પિટલમાં ભરતી કરવાની જરૂર પડે તો પણ તેનો આંકડો એટલો વધી જાય કે આપણે વધારેલ સ્વાસ્થ્ય અંગેની માળખાકીય સવલતો વધતી જતી જરૂરિયાત સામે અપૂરતી સાબિત થાય તો નવાઈ નહીં.
૩. યુરોપિયન યુનિયનના દેશો તથા અમેરિકા (જ્યાં સ્વાસ્થ્ય અંગેની માળખાકીય સવલતો સારા પ્રમાણમાં વિકસિત છે) ને પણ ઘૂંટણ ટેકવવાનો વારો આવ્યો છે. મહામારી અંગેના બધા અંદાજો સાચા પડવાના નથી, પણ એક અંદાજ પ્રમાણે મહામારી અમેરિકાની જેમ વળાંક લે તો ભારતમાં રોજના ૩૦ લાખ કેસ પણ આવી શકે. આ અપવાદરૂપ પરિસ્થિતિના સામના માટે આપણી ગમે તેટલી તૈયારીઓ પણ ઓછી પડી શકે. 
૪. અમદાવાદ અને મુંબઈની હૉસ્પિટલોમાં ડૉક્ટરો જે ઝડપે સંક્રમિત થઈ રહ્યા છે તેને કારણે કોરોનાના વધતા જતા કેસની સારવાર માટે તેની અછત ઊભી થવાની શક્યતા નકારી શકાય નહીં.
૫. ઓમાઇક્રોન પછી બીજા બે નવા વેરિઅન્ટ સંશોધકોની નજરે ચડ્યા છે. હવે પછી ઓમાઇક્રોનના સંક્રમણની વધતી ઝડપમાંથી કોઈ નવો ખતરનાક વેરિઅન્ટ પણ ઉદ્ભવી શકે તેવી દહેશત વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા વ્યકત કરાઈ છે.
વિશ્વના ત્રીજા ભાગના કેસ છેલ્લા પાંચ મહિનામાં નોંધાયા
વિશ્વમાં આજ સુધી નોંધાયેલ કુલ ૩૦ કરોડ કેસમાંથી પ્રથમ ૧૦ કરોડ કેસ નોંધાતા ૧૨ મહિનાથી વધુ સમય લાગ્યો. પછીના ૧૦ કરોડ કેસને છ મહિનાથી વધુ સમય લાગ્યો. તો છેલ્લા ૧૦ કરોડ કેસ માત્ર પાંચ મહિનામાં નોંધાયા.
અમેરિકામાં રોજના નવા નોંધાતા કેસમાં છેલ્લા એક મહિનામાં પાંચગણો વધારો થયો. જ્યારે હૉસ્પિટલાઇઝેશનના કેસ માત્ર બમણા થયા. ફ્રાન્સમાં નવા કેસ ચારગણા થયા જ્યારે હૉસ્પિટલાઇઝેશનના કેસનો વધારો માત્ર ૭૦ ટકા. 
દેશમાં આઠ દિવસમાં રોજના નવા કેસ દસ હજારમાંથી એક લાખ, હવે રોજના દોઢ લાખથી વધુ કેસ
ભારતમાં નવા કેસ છેલ્લા અઠવાડિયામાં વધીને ૧.૬ લાખ પર પહોંચ્યા (૮ જાન્યુઆરી).
સતત ત્રીજા દિવસે નવા કેસ રોજના એક લાખથી વધુ રેકૉર્ડ થયા. સાત મહિના જેટલા સમય (છેલ્લે ૩૦ મે ૨૦૨૧) પછી દેશમાં ફરી એકવાર રોજના ૧.૫ લાખથી વધુ કેસ નોંધાવાનું શરૂ થયું છે.
પ્રથમ મોજાં વખતે રોજના નવા કેસને દસ હજારમાંથી એક લાખ પર પહોંચતા ૧૦૭ દિવસ લાગ્યા. બીજા મોજાંમાં ૪૭ દિવસ લાગ્યા જ્યારે આ ત્રીજી લહેરમાં એમ થતાં માત્ર આઠ દિવસ લાગ્યા.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કેસના ઝડપી વધારા વચ્ચે પણ સંપૂર્ણ લૉકડાઉનની સંભાવના નથી
મુંબઈમાં એક દિવસના વીસ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે (૮ જાન્યુઆરી). ૧૫ જાન્યુઆરી સુધીમાં આ આંકડો ચાલીસ હજારને ઓળંગી જઈ શકે તેમ છે. તો પણ દેશની આર્થિક રાજધાનીમાં સંપૂર્ણ લૉકડાઉનની સંભાવના નથી એવું આશ્વાસન મુંબઈ મ્યુનિસિપલ કમિશનરે આપ્યું છે.
દ.આફ્રિકાનું મૉડલ એમ દર્શાવે છે કે નવા કેસ પાંચ છ અઠવાડિયાંમાં ટોચ પર પહોંચે છે અને પછી ઘટવા માંડે છે. મુંબઈના વધતા જતા કેસનું આ ત્રીજું અઠવાડિયું છે.
આર્થિક વિકાસનો દર ૧૭ વર્ષનો સૌથી ઊંચો
સરકારના એડવાન્સ એસ્ટિમેટ પ્રમાણે ફિસ્કલ ’૨૨માં આર્થિક વિકાસનો ૯.૨ ટકાનો દર (ફિસ્કલ ’૨૧માં ૭.૩ ટકાનો ઘટાડો) છેલ્લા ૧૭ વર્ષનો સૌથી ઊંચો હશે. ગયા વર્ષના નીચા બેઇઝની અસરને કારણે પણ આમ બની શકે. 
હાલની ત્રીજી લહેર વધારે ઉગ્ર સ્વરૂપ પકડે તો આ દર થોડો ઘટી શકે અને પુરવઠાની લાઇનોના ભંગાણને લીધે ભાવવધારો પણ થઈ શકે. એટલું જ નહીં ફિસ્કલ ’૨૩ની આર્થિક રિકવરી પર પણ તેનો પ્રભાવ પડી શકે. ચાલુ વર્ષના ભાવવધારાને લીધે ચાલુ ભાવે જીડીપી ૧૮ ટકા જેટલું વધી શકે. જેને કારણે કરવેરાની આવક પણ વધે અને ફિસ્કલ ડેફિસિટ (જીડીપીના ટકા તરીકે) અંકુશમાં રહે.
ડિસેમ્બર મહિનાના મેક્રો ઇકૉનૉમિક પેરામિટર્સમાં વાહનોનાં વેચાણમાં સતત ચોથે મહિને ઘટાડો (૧૬ ટકા) નોંધાયો છે. સેવા ક્ષેત્રનો પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ ૫૦થી ઉપર રહ્યો હોવા છતાં સતત ત્રીજા મહિને ઘટતો રહ્યો છે. તો નિકાસમાં ૩૭ ટકાનો વધારો થયો છે. સતત નવમે મહિને નિકાસ ૩૦ બિલ્યન ડૉલરથી વધુ રહી છે. ઈ-વે બિલમાં થયેલ વધારો માગ અને મૅન્યુફૅક્ચરિંગ એક્ટિવિટીનો વધારો દર્શાવે છે. તો તેને લીધે જાન્યુઆરી મહિને જીએસટીની આવક પણ વધવાની. 
માર્ચ મહિના સુધીમાં કરાનાર લાઇફ ઇન્સ્યુરન્સ કૉર્પોરેશનના ડિસઇન્વેસ્ટમેન્ટ (એક લાખ કરોડ રૂપિયાનો ઇશ્યુ ભારતના માર્કેટનો સૌથી મોટો)ની સફળતા માટે સીધા વિદેશી મૂડીરોકાણની પૉલિસીના ફેરફારની તૈયારી ચાલી રહી છે.
સૌથી મહત્ત્વની વાત એ કે ત્રીજી લહેરના આક્રમણ પછી અનેક અનિશ્ચિતતાઓ સર્જાઈ હોવા છતાં સરકારના આર્થિક સુધારાઓ સહિતની બધી જ પ્રવૃત્તિઓ સહજ રીતે ચાલી રહી છે. લાખોની સંખ્યામાં નવા કેસ નોંધાય છે ત્યારે પણ દેશમાં સરકારને પક્ષે કે નાગરિકોને પક્ષે, જરા પણ ભયનું સામ્રાજ્ય જણાતું નથી એ આપણા વધેલા આત્મવિશ્વાસનું પ્રતીક છે.


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2022 02:34 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK