અમદાવાદના વેપારીઓ એવી આશા રાખી રહ્યા છે કે બંગલાદેશમાં ઝડપથી નવી સરકારની રચના થાય અને ત્યાંની પરિસ્થિતિ શાંત થાય
ગઈ કાલે જમ્મુમાં બજરંગ દળના કાર્યકરોએ બંગલાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાઓનો વિરોધ કર્યો હતો
બંગલાદેશની અરાજકતાને પગલે અમદાવાદ સાથેનો કાપડવેપાર હાલપૂરતો સ્થગિત થયો છે. અમદાવાદના વેપારીઓ એવી આશા રાખી રહ્યા છે કે બંગલાદેશમાં ઝડપથી નવી સરકારની રચના થાય અને ત્યાંની પરિસ્થિતિ શાંત થાય.
અમદાવાદની વર્ષોજૂની મસ્કતી કાપડ માર્કેટના પ્રમુખ ગૌરાંગ ભગતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમદાવાદમાંથી બંગલાદેશમાં કાપડનો વેપાર વર્ષોથી થતો આવ્યો છે, પરંતુ હાલમાં ત્યાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના કારણે બૅન્કો, પોર્ટ બધું જ બંધ છે. અમદાવાદમાંથી કૉટન યાર્ન, ડેનિમ સહિતની કાપડ આઇટમનો અંદાજે મંથલી ૧૫૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ હાલ સ્થગિત થયો છે. હવે શું થશે એ આગળ સમય જતાં ખબર પડશે, પરંતુ હાલ તો ઑર્ડર પેન્ડિંગ થઈ ગયા છે. નવી સરકાર નહીં રચાય ત્યાં સુધી નવું કામ નહીં થઈ શકે એવું જણાઈ રહ્યું છે. અમદાવાદથી વાયા કલકત્તા કાપડ બંગલાદેશ જાય છે. અમદાવાદથી કૉટન અને ડેનિમ વધુ પ્રમાણમાં બંગલાદેશમાં જાય છે જેથી અમદાવાદથી બંગલાદેશમાં કાપડ સપ્લાય કરતા ૧૦૦થી વધુ વેપારીઓને હાલપૂરતી ઇફેક્ટ આવી છે.’

