Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજાર ત્રણ દિવસની પીછેહઠ બાદ સુધારામાં, પરંતુ માર્કેટ બ્રેડ્થ કમજોર, બીટકૉઇન નવા તળિયે

શૅરબજાર ત્રણ દિવસની પીછેહઠ બાદ સુધારામાં, પરંતુ માર્કેટ બ્રેડ્થ કમજોર, બીટકૉઇન નવા તળિયે

23 November, 2022 07:25 PM IST | Mumbai
Anil Patel

કોચીન શિપયાર્ડ, ગાર્ડન રિચ અને મઝગાવ ડૉકમાં ૬થી ૧૨ ટકાનો ઉછાળો

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


એક વધુ મૅ​ક્સિમમ સર્કિટ સાથે ઇઝી ટ્રિપ પ્લાનર્સ સર્વોચ્ચ સપાટીએ : લુબ્રિકન્ટ્સ શૅરોમાં સુધારાની ચાલ, કૅસ્ટ્રોલ નવા શિખરે ગયો : કિનેસ ટેક્નૉલૉજી ૧૦૩ રૂપિયાના લિ​સ્ટિંગ ગેઇન સાથે બંધ, સતત ખોટ કરતી આઇનૉક્સ ગ્રીન એનર્જીનું લિસ્ટિંગ આજે બુધવારે : અદાણીની ઓપન ઑફર શરૂ થતાં એનડીટીવી નીચલી સર્કિટે ગયા બાદ બાઉન્સ-બૅક થયો : સરકારી બૅન્કોની આખલાદોડ જારી

મંગળવારે એશિયા ખાતે હૉન્ગકૉન્ગ માર્કેટ સતત પાંચમા દિવસની નરમાઈમાં સવા ટકો ડાઉન થયું છે, ઇન્ડોનેશિયા તથા સાઉથ કોરિયા અડધો ટકો અને થાઇલૅન્ડ સાધારણ નરમ હતું. સામે તાઇવાન તેમ જ જપાન અડધા ટકાથી વધુ અને સિંગાપોર સાધારણ વધીને બંધ આવ્યું છે. ચાઇના નામપૂરતું પ્લસ હતું. યુરોપ ખાતે રનિંગમાં લંડન ફુત્સી પોણા ટકાથી વધુ મજબૂત હતો અન્ય બજારો પૉઝિટિવ બાયસ સાથે ફ્લૅટ દેખાતાં હતાં. બ્રેન્ટ ક્રૂડ સામાન્ય સુધારામાં ૮૮ ડૉલર નજીક ગયું છે. ચાઇના ખાતે કોવિડની નવી વિમાસણમાં લંડન ધાતુબજાર ખાતે મેટલ વાયદા સોમવારની મોડી રાતે સવાબેથી સાડાછ ટકા ખરડાયા હતા. એફટીએક્સ સ્કૅમમાં નવા તાણાવાણા બહાર આવી રહ્યા છે. ક્રિપ્ટો કરન્સીમાં માનસ વધુ બગડતું જાય છે. ગઈ કાલે આ લખાય છે ત્યાં સુધીમાં બીટકૉઇન ૧૫,૪૮૦ની ઐતિહાસિક બૉટમ બનાવી ૧૫,૭૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થતો હતો. ઇન્ડિયન કરન્સીમાં રેટ ૧૨.૭૮ લાખની મ​લ્ટિયર નીચી સપાટીએ આવી ગયા છે. ક્રિપ્ટોની ખરાબીથી ગોલ્ડ ફાયદામાં રહેવાની વાતો તો બહુ થઈ રહી છે, પણ હાજર સોનું ૧૭૪૭ ડૉલર આસપાસ જ રહ્યા છે.



સેન્સેક્સ ત્રણ દિવસની નબળાઈ બાદ મંગળવારે સામાન્ય ઘટાડે ખૂલી આખો દિવસ પૉઝિટિવ ઝોનમાં ટકી રહ્યો હતો, છેલ્લે ૨૭૪ પૉઇન્ટ વધી ૬૧,૪૧૮ બંધ થયો છે. નિફ્ટી ૮૪ પૉઇન્ટના સુધારે ૧૮,૨૪૪ હતો. જોકે માર્કેટ બ્રેડ્થ હજી કમજોર છે. એનએસઈમાં વધેલા ૯૨૫ શૅરની સામે ૧૦૬૪ જાતો માઇનસ હતી. સેન્સેક્સના ૩૦માંથી ૨૫ અને નિફ્ટીના ૫૦માંથી ૩૬ શૅર વધ્યા છે. ઇન્ડસઇન્ડ બૅન્ક પોણાત્રણેક ટકાની મજબૂતીમાં ૧૧૬૯ બંધ આપી બન્ને બજારમાં બેસ્ટ ગેઇનર બની છે. તાતા સ્ટીલ, ટીસીએસ, ઇન્ફી, યુપીએલ, ડિવીઝ લૅબ, મહિન્દ્ર, ટાઇટન, અપોલો હૉસ્પિટલ, અલ્ટ્રાટૅક, એચડીએફસી લાઇફ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એનટીપીસી, અદાણી પોર્ટ્સ, ગ્રાસિમ, બ્રિટાનિયા એકથી દોઢ ટકાની આસપાસ પ્લસ હતા. સામે ભારત પેટ્રો, નેસ્લે, ભારતી ઍરટેલ અડધાથી એકાદ ટકો ઘટ્યા છે. રિલાયન્સ અડધો ટકો વધી ૨૫૬૪ હતો. અદાણી ટ્રાન્સમિશન પોણાપાંચ ટકા, અદાણી ગ્રીન એક ટકો, અદાણી પાવર પોણો ટકો નરમ હતા. અદાણી વિલ્મર અઢી ટકા વધ્યો છે. ઇઝી ટ્રિપ પ્લાનર્સ ૧૯.૪ ટકાની તેજીમાં સતત બીજા દિવસે એ-ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર હતો. મઝગાંવ ડૉક બાર ટકાની તેજીમાં ૮૬૭, ગાર્ડન રિચ ૮.૭ ટકા ઊછળી ૫૧૬ તો કોચીન શિપયાર્ડ છ ટકાથી વધુના જમ્પમાં ૬૪૮ બંધ આવ્યો છે.


૧૨માંથી ૧૦ સરકારી બૅન્કો નવી ટોચે, બંધન બૅન્ક નવી બૉટમ બાદ સુધારામાં

યુકો બૅન્ક ત્રણ ગણાથી વધુના કામકાજે ૨૧ પ્લસની ત્રણ વર્ષની ટૉપ બનાવી ૧૨ ટકાની આગેકૂચમાં ૨૧ નજીક બંધ થયો છે. આ ઉપરાંત બૅન્ક ઑફ ઇન્ડિયા, કૅનરા બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, આઇઓબી, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, પીએનબી, પંજાબ સિંધ બૅન્ક અને યુનિયન બૅન્ક જેવી અન્ય સરકારી બૅન્કોમાં પણ મ​લ્ટિયર નવી ટૉપ બની છે. ખાનગી ક્ષેત્રમાં જેકે બૅન્ક ૪૭ ઉપર નવું શિખર મેળવી ૩.૭ ટકા વધીને ૪૬ હતી. બંધન બૅન્ક ખરાબીના દોરમાં ૨૦૯ના નવા ઐતિહાસિક તળિયે જઈ સવા ટકો સુધરી ૨૧૪ રહી છે. બૅન્ક નિફ્ટી મંગળવારે ૧૨માંથી ૭ શૅર પ્લસમાં આપીને ૧૧૦ પૉઇન્ટ જેવો સાધારણ વધ્યો હતો, પરંતુ પીએસયુ બૅન્ક એની આખલાદોડ જારી રાખતાં ૩૯૭૭ની નવી સર્વોચ્ચ સપાટી દેખાડી ૧.૭ ટકા ઊંચકાઈ ૩૯૬૮ થયો છે. અહીં બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૩.૮ ટકા નરમ હતી, બાકીના ૧૧ શૅર વધીને બંધ હતા. સમગ્ર બૅ​ન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૨૩ પૉઝિટિવ ઝોનમાં ગયા છે. યુકો બૅન્ક ઉપરાંત અહીં સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, ડીસીબી બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, યસ બૅન્ક, ફિનો પેમેન્ટ બૅન્ક જેવી જાતો અઢીથી સવાચાર ટકા મજબૂત હતી. સામે ફેડરલ બૅન્ક, કર્ણાટકા બૅન્ક, કરૂર વૈશ્ય પોણાથી દોઢ ટકા ઢીલા હતા. ધનલક્ષ્મી પોણાબે તો આઇડીબીઆઇ દોઢ ટકા ઢીલા હતા. ધનલક્ષ્મી પોણાબે તો આઇડીબીઆઇ દોઢ ટકો ઘટી છે.


ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૯માંથી ૭૭ શૅરના સુધારા વચ્ચે ૧૯ પૉઇન્ટ જેવો મામૂલી પ્લસ હતો. ધુનસેરી વેન્ચર્સ ૮.૯ ટકાના ઊછાળે ૨૭૯ થયો છે. હુડકો, મેક્સ વેન્ચર્સ, ઇખરા, આઇઆરએફસી, ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ, જનરલ ઇન્શ્યૉરન્સ ત્રણથી છ ટકા અપ હતા. અરમાન ત્રણ ટકા ગગડી ૧૪૯૧ રહ્યો છે. એલઆઇસી સુસ્ત ચાલમાં સહેજ ઘટીને ૬૨૬ નજીક જોવાયો છે. એચડીએફસી ​ટ્વિન્સ સાધારણ વધઘટ રહી છે. પૉલિસી બાઝાર ઉપરમાં ૪૧૫ થયા પછી અઢી ટકાના ઘટાડે ૪૦૧ બંધ હતો.

પેટીએમ વર્સ્ટ લેવલે જઈ ૧૧ ટકા લથડ્યો, નાયકા સાડાચાર ટકા ખરડાયો

પ્રાઇવેટ ઇ​ક્વિટી ફન્ડ લાઇટ હાઉસ ઇન્ડિયાએ બ્લૉકડીલ મારફત નાયકામાં શૅરદીઠ ૧૮૩ રૂપિયા આસપાસના ભાવે ૧૮૦ લાખ શૅર વેચી ૩૩૫ કરોડ રૂપિયાની રોકડી કરતાં મંગળવારે ભાવ નીચામાં ૧૭૪ થઈ ૪.૬ ટકા ગગડી ૧૭૫ બંધ આવ્યો છે. આ કાઉન્ટરમાં આગળ ઉપર વેચવાલીની ભીંસ સતત વધતી જવાની છે. નવાં નીચાં બૉટમ બનવાનાં છે. એનડીટીવીમાં શૅરદીઠ ૨૯૪ના ભાવથી અદાણીની ૪૯૩ કરોડ રૂપિયાની ઓપન ઑફર ૨૨મીથી શરૂ થઈ છે. એનડીટીવી એક વધુ નીચલી સર્કિટમાં ૩૬૩ થઈ અંતે સહેજ ૩૮૩ બંધ આવ્યો છે. મહારાષ્ટ્ર સીમલેસ શૅરદીઠ એક બોનસમાં એક્સબોનસ થયો છે. શૅર પોણોટકો ઘટી ૭૮૫ બંધ હતો. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ ૨૫મીએ બાયબૅક માટે બોર્ડ મીટિંગની નોટિસમાં સોમવારે પાંચેક ટકા ઊછળી ૧૪૫ રૂપિયા બંધ રહ્યા પછી વળતા દિવસે ઉપરમાં ૧૪૭ થઈ અઢી ટકા ઘટી ૧૪૨ બંધ થયો છે. બાયબૅકની સાઇઝ અને ભાવ કેવા નક્કી થાય છે તદુપરાંત બાયબૅક ઓપન માર્કેટ રૂટથી થાય છે કે પછી ટેન્ડર રૂટથી એના પર નજર રહેવાની છે.

લૉક-ઇન પિરિયડ પ્રેરિત વેચવાલી ઊપડતાં પેટીએમ ૪૭૪ના નવા ઑલટાઇમ તળિયે જઈને ૧૧ ટકા ગગડી ૪૭૭ થયો છે. કેટલાક મહિના પહેલાં મૅક્વાયરે અહીં ૪૫૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બેરિશ વ્યુ આપીને વેચવાની ભલામણ કરી હતી, લાગે છે કે આ ભાવ બહુ જલદી જોવા મળશે. કંપની વર્ષ પહેલાં ૮ નવેમ્બરે એકના શૅરદીઠ ૨૧૫૦ના ભાવે ૧૦ હજાર કરોડની ઓએફએસ સહિત કુલ ૧૮,૩૦૦ કરોડ રૂપિયાનો ઇશ્યુ લાવી હતી. લિ​સ્ટિંગ પછી ભાવ ૨૫ નવેમ્બરે ૧૮૭૫ના શિખરે ગયો હતો. પછી સતત ભીંસમાં રહ્યો છે. એક વર્ષમાં અહીં ઇન્વેસ્ટર્સની ૭૮ ટકા મૂડી ધોવાઈ ચૂકી છે. હજી ધોવાશે.

કિનેસ ટેક્નૉનું દમદાર લિ​સ્ટિંગ, ઇઝી ટ્રિપની તેજીની સફર જારી

કિનેસ ટેક્નૉલૉજી ૧૦ના શૅરદીઠ ૫૮૭ની ઇશ્યુ પ્રાઇસ તથા આગલા દિવસે ગ્રે માર્કેટમાં ૧૫૦-૧૫૫ જેવા પ્રિમિયમ સામે મંગળવારે ૭૭૫ ખૂલી ઉપરમાં ૭૮૭ તથા નીચામાં ૬૭૫ થઈ અંતે ૧૭.૭ ટકા કે ૧૦૩ રૂપિયાના લિ​સ્ટિંગ ગેઇનમાં ૬૯૦ બંધ થયો છે. આગલા દિવસે સાડાબાર ટકાના લિ​સ્ટિંગ ગેઇનમાં ૪૫૮ બંધ રહેલો આર્ચિન કેમિકલ અડધો ટકો ઘટી ૪૫૬ તો સવાત્રણ ટકાનું રિટર્ન આપનાર ફાઇવસ્ટાર બિઝનેસ એક ટકો વધીને ૪૯૪ બંધ હતા. બિકાજી ફૂડ્સ અડધો ટકો વધી ૩૧૨ થયો છે. ગ્લોબલ હેલ્થ સવાટકા અપ હતો. તાજેતરના ભૂતકાળમાં લિસ્ટેડ થયેલી અન્ય જાતોમાં ડીસીએક્સ સિસ્ટમ્સ ૨૫૦નું નવું ઑલટાઇમ બૉટમ બનાવી ચાર ટકા ઘટી ૨૫૧ રહી છે. ડેપ્સ ઍડ્વર્ટાઇઝિંગ પાંચ ટકાની નીચલી સર્કિટે ૪૩ના તળિયે ગઈ છે. દિલ્હીવરી ૩૩૧નું વર્સ્ટ લેવલે નોંધાવી ૩ ટકા ખરડાઈ ૩૩૫ હતી. પેસ ઈ-કૉમર્સ પણ મંદીની સર્કિટમાં પાંચ ટકા તૂટીને ૩૫ના ઑલટાઇમ તળિયે આવી ગઈ છે. માફિયા ટ્રેન્ડ્સ સાડાસત્તરનો સૌથી નીચો ભાવ દેખાડી ૩.૮ ટકા ગગડી ૧૮ નજીક બંધ હતી. ઇલેક્ટ્રૉનિક્સ માર્ટ અઢી ટકા બગડી ૮૨ના નવા વર્સ્ટ લેવલે બંધ હતી.

બોનસ અને શૅરવિભાજન બાદ થતાં સોમવારે ૨૦ ટકા ઊછળેલો ઇઝી ટ્રિપ પ્લાનર્સ ગઈ કાલે વધુ ઊપલી સર્કિટે ૬૮ પ્લસ થયો છે. વૉલ્યુમ સરેરાશ કરતાં ૩ ગણું હતું. રેટન ટીએમટી પાંચ ટકાની તેજીની સર્કિટે ૧૯૩ના શિખરે પહોંચ્યો છે. ઉજ્જીવન સ્મૉલ બૅન્ક ૧.૭ ટકા વધી છે. જ્યારે એની પેરન્ટ ઉજ્જીવન ફાઇ. સર્વિસિસ ૩૦૬ નજીક નવી ટોચ બનાવી ૨.૨ ટકા વધી ૨૯૮ રહી છે.

ભારતી ઍરટેલ અને એનો પાર્ટપેઇડ નવા શિખર બતાવી ઘટાડે બંધ

આગાલ દિવસે દોઢેક ટકાના ઘટાડે ટૉપ લૂઝર બનેલો આઇટી ઇન્ડેક્સ મંગળવારે ૬૨માંથી ૩૩ શૅર પ્લસમાં આપી પોણો ટકો સુધર્યો છે. ઇન્ફી સવાટકા, ટીસીએસ પ્લસ હતા. વિપ્રો નજીવો વધીને ૩૮૯ હતો. એમ્ફાસિસ ૧૮૯૮ની વર્ષની બૉટમ દેખાડી સાધારણ ઘટી ૧૯૨૪ હતો. વકરાંગી ૮ ટકાના કડાકામાં ૨૮ રહ્યો છે. ટેલિકૉમ જાયન્ટ ભારતી ઍરટેલ ૮૬૦ની સર્વોચ્ચ સપાટી બાદ અડધો ટકો ઘટી ૮૪૭ તો એનો પાર્ટ પેઇડ ૪૭૮ની વિક્રમી સપાટી નોંધાવી સવાટકો ઘટી ૪૬૮ બંધ હતા. ઑ​પ્ટિમસ ઇન્ફ્રાકો ૨૪૪ થયો છે. સ્ટરલાઇટ ટેક્નૉ., ઝી એન્ટર, સનટીવી સવાથી બે ટકા જેવા પ્લસ હતા. તાન્લા પ્લૅટફૉર્મ, વીંધ્ય ટૅલી, તેજસ નેટ બે ટકાની આજુબાજુ બગડ્યા છે.

શોભા, ફિનિક્સ, બ્રિગેડ એન્ટર, મેક્રોટૅક તથા ઇન્ડિયા બુલ્સ રિયલ્ટીમાં સવાથી ચાર ટકાની નબળાઈ સાથે રિયલ્ટી ઇન્ડેક્સ ૧૦માંથી ૮ શૅરના ઘટાડે એક ટકા ડાઉન હતો. તો મેટલ બેન્ચમાર્ક નવમાંથી ૭ શૅરના સહારે પોણોટકો સુધર્યો છે. તાતા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એપીએલ અપોલો, વેલકૉર્પ, હિન્દુ. કૉપર, રત્નમણિ મેટલ જેવાં કાઉન્ટર એકથી અઢી ટકા પ્લસ હતાં. એમઆરપીએલ, પનામાં પેટ્રો, ભારત પેટ્રો, ઇન્દ્રપ્રસ્થ ગૅસ, જિંદાલ ડ્રિલિંગ, ઑઇલ ઇન્ડિયા, દીપ ઇન્ડ., મહાનગર ગૅસ, પેટ્રોનેટમાં એકાદ ટકાથી લઈ સવાત્રણ ટકા સુધીના ઘટાડા વચ્ચે એનર્જી ઇન્ડેક્સ ૨૭માંથી ૧૦ શૅર પ્લસ આપી ફ્લૅટ હતો. કૅસ્ટ્રોલ ઇન્ડિયા ૧૩૫ની વર્ષની ટોચે જઈ ૩.૫ ટકા વધીને ૧૩૪ થયો છે. ગલ્ફ ઑઇલ બે ટકા વધીને ૪૩૨નો ટાઇડ વૉટર ઑઇલ દોઢ ટકાના સુધારામાં ૧૦૦૬ બંધ હતા. સવિતા ઑઇલ એક ટકો વધ્યો છે. 

Whatsapp-channel Whatsapp-channel

23 November, 2022 07:25 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK