Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ક્રૂડ અને ફુગાવાના ટેન્શન વચ્ચે બજાર ઢીલી શરૂઆત બાદ સુધારે બંધ

ક્રૂડ અને ફુગાવાના ટેન્શન વચ્ચે બજાર ઢીલી શરૂઆત બાદ સુધારે બંધ

Published : 26 August, 2026 12:51 PM | Modified : 26 August, 2026 01:22 PM | IST | Mumbai
Anil Patel

ફેડરલ બૅન્કને જનાસ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક હસ્તગત કરવામાં રસ, બન્નેના શૅર ડાઉન થયા

અનિલ પટેલ

માર્કેટ મૂડ

અનિલ પટેલ


ફેડરલ બૅન્કને જનાસ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક હસ્તગત કરવામાં રસ, બન્નેના શૅર ડાઉન થયા : ખાનગીકરણને પ્રોત્સાહન પાછળ ડિફેન્સ શૅરમાં સિલેક્ટિવ ઝમક, સિયેન્ટ DLM તથા મોલબાયો ડાયગ્નોસ્ટિક્સના નવા લિસ્ટેડ શૅરમાં નવા ઊંચા ભાવ : વોડાફોન વૉલ્યુમ સાથે ‘એ’ ગ્રુપમાં બેસ્ટ ગેઇનર બની : Paytm સારા કામકાજ વચ્ચે પોણાછ વર્ષની ટોચે જઈ સાડાપાંચ ટકા ઊછળી ૧૭૧૦ બંધ

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટેના GDP-ડેટા ૩૧ ઑગસ્ટે આવવાના છે. રૉઇટર્સના સર્વે મુજબ ૭.૧ ટકાનો ગ્રોથરેટ અપેક્ષિત છે. રેટિંગ એજન્સી કેરવાળા ૭.૩ ટકાનો આંક લાવ્યા છે. તો SBI તરફથી આઠ ટકાનો આર્થિક વિકાસદર ભાંખવામાં આવ્યો છે. આંકડા કાંઈ પણ આવે, પરંતુ એના લીધે અર્થતંત્રનાં ફન્ડામેન્ટલ્સની જે અવદશા થયેલી છે એની સ્થિતિ સુધરી જવાની નથી. અમેરિકા તરફથી ઈરાન પર નવા નિયંત્રણ લાદવામાં આવ્યા છે. એના પગલે ઈરાન મચક આપે કે ના આપે, પરંતુ ક્રૂડ અવશ્ય મજબૂત બનવાનું છે. તો પછી આપણો રૂપિયો ડૉલર સામે નરમાઈની નવી વરવી ઇનિંગ શરૂ કરશે. વ્યાજદર પણ ફુગાવાની હાલત જોતાં હવે પછી વધે એવી વ્યાપક ધારણા છે તો પછી બજારનું શું થશે? એ તો ખેલાડીઓ જાણે, કુબેરનો ક્યો ખજાનો આ લોકો પાસે છે કે તેઓ ગમે એ વા ખરાબ સંજોગોમાં પણ માર્કેટ ચગાવી શકે છે.
એ ની વે, સેન્સેક્સ મંગળવારે આગલા બંધથી ૭૪ પૉઇન્ટ ઢીલો ૭૭,૨૯૫ ખૂલી છેવટે ૨૮૭ પૉઇન્ટ સુધરીને ૭૭,૫૫૬ તથા નિફ્ટી ૧૧૫ પૉઇન્ટ વધી ૨૪,૩૩૪ બંધ રહ્યો છે. શૅરઆંક નીચામાં ૭૭,૧૨૬ તથા ઉપરમાં ૭૭,૬૬૬ થયો હતો. માર્કેટકૅપ ૧.૨૭ લાખ કરોડ વધી ૪૯૩.૨૩ લાખ કરોડ વટાવી ગયું છે. સેન્સેક્સ ખાતે ઇન્ડિગો બે ટકા વધીને ટૉપ ગેઇનર હતો. અદાણી પોર્ટ્સ ૧.૨ ટકા, ઇન્ફોસિસ ૧.૨ ટકા, ટ્રેન્ટ ૧.૧ ટકા, ટાઇટન એક ટકો પ્લસ હતી. નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઇસીઝ પોણાચાર ટકા ઊંચકાઈ ઝળકી છે. મેક્સ હેલ્થકૅર ૨.૬ ટકા, અપોલો હૉસ્પિટલ્સ ૨.૨ ટકા, ઇન્ડિગો બે ટકા તથા અદાણી પોર્ટ્‍સ ૧.૮ ટકા મજબૂત હતી. સેન્સેક્સ ખાતે એટર્નલ ૦.૯ ટકા, HCL ટેક્નૉલૉજીઝ ૦.૭ ટકા, પાવરગ્રીડ અડધો ટકો ઘટી છે. નિફ્ટીમાં HDFC લાઇફ ૧.૧ ટકા, સિપ્લા ૧.૧ ટકા, ONGC ૧.૧ ટકા, કોલ ઇન્ડિયા પોણો ટકો, હિન્દાલ્કો ૦.૭ ટકા માઇનસ થઈ છે. 
જનાસ્મૉલ ફાઇનૅન્સ બૅન્કમાં ફેડરલ બૅન્ક કન્ટ્રોલિંગ સ્ટેટ લેવાની તૈયારીમાં હોવાના અહેવાલ પાછળ ફેડરલ બૅન્ક ગઈ કાલે ૩ ટકા બગડી ૩૪૭ તો જનાસ્મૉલ બૅન્ક ઉપર ૫૮૨ નજીક ગયા બાદ અઢી ટકા ઘટી ૫૬૭ બંધ રહી છે. જોકે એ નો ભાવ NSEમાં ૫૭૧ નજીક બંધ હતો. વોડાફોન ૮ ટકા વધીને સવાપંદર નજીક બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બની છે. સિયેન્ટ પોણાઆઠ ટકા, પારાદીપ ફૉસ્ફેટ્સ પોણાસાત ટકા, ગોદરેજ એ ગ્રો છ ટકા મજબૂત હતી. હિન્દુસ્તાન કોપર ‘એ’ ગ્રુપમાં ૭ ટકા તૂટી ટૉપ લુઝર હતી. TD પાવર સિસ્ટમ્સ સાડાછ ટકા, રેઇન કૉમોડિટીઝ ૬.૪ ટકા, પારસ ડિફેન્સ પાંચેક ટકા બગડી છે. મલ્ટિપ્લેક્સ કંપની PVR આઇનોક્સમાં શૅરના બાયબૅક માટે ૩૧મીએ બોર્ડ મીટિંગ નક્કી થઈ છે. શૅર ઉપરમાં ૧૨૮૩ થયા બાદ ૧૨૩૧ નજીકના આગલા લેવલે ફ્લૅટ બંધ થયો છે. ગોલ્ડ લોન કંપની IIFL ફાઇનૅન્સની હાઉસિંગ સબસિડિયરીને ૧૨૧૮ કરોડની ટૅક્સ ડિમાન્ડ નોટિસ મળતાં શૅર સાડાચાર ટકા બગડીને ૬૬૫ બંધ આવ્યો છે. 



ક્વિક ફૉરેન્સિક સૉલ્યુશન્સનો ઇન્ટરેસ્ટિંગ SME IPO ગુરુવારે


પ્રાઇમરી માર્કેટ બુધવારે રજાના મૂડમાં છે, કોઈ નવો ઇશ્યુ નથી. ગુરુવારે બે ભરણાં ખૂલશે. મેઇન બોર્ડમાં કલકત્તાની લ્યુમિનો ઇન્ડસ્ટ્રીઝ પાંચના શૅરદીઠ ૮૨ની અપરબેન્ડમાં કુલ ૭૦૦ કરોડનું ભરણું કરશે. એ માંથી ૨૦૦ કરોડ OFS પેટે પ્રમોટર્સ ગોયેલ્સ લઈ જશે. QIB પોર્શન ૫૦ ટકાનો છે. ૨૦૦૫માં સ્થપાયેલી આ કંપની પાવર ટ્રાન્સમિશન તેમ જ ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રે પ્રવૃત્ત EPC કંપની છે. ગત વર્ષ ૭ ટકા વધારામાં ૨૦૮૯ કરોડની આવક ઉપર ૨૮ ટકાના વૃદ્ધિદરથી ૧૬૦ કરોડ નફો કર્યો છે. દેવું ૩૮૪ કરોડ છે. બે વર્ષ પૂર્વે નફો ૮૬ કરોડ અને દેવું માત્ર ૪૧ કરોડ જેવું હતું. ઇશ્યુમાંથી ૩૩૭ કરોડ દેવાની ચુકવણીમાં અને ફક્ત ૧૫ કરોડ કેપેક્સમાં જશે. ઑર્ડર બુક ૩૦૦૦ કરોડની છે. ગ્રેમાર્કેટમાં ૪૬થી શરૂ થયેલું પ્રીમિયમ ઉપર ૪૯ થઈ હાલ ત્યાં જ છે. 
SME સેગમેન્ટમાં ચેન્નઈની ક્વિક ફૉરેન્સિક સૉલ્યુશન્સ ૧૦ના શૅરદીઠ ૯૦ની અપરબેન્ડમાં કુલ ૫૧ કરોડનો BSE SME IPO ગુરુવારે કરવાની છે. એ માંથી પોણાદસ કરોડ પ્રમોટર્સ ઑફર ફૉર સેલ મારફત લઈ જશે. માર્કેટમેકર માટે ૩ કરોડના શૅર અનામત છે. QIB પોર્શન ૫૦ ટકા જેવો છે. ૨૦૦૫માં સ્થપાયેલી આ કંપની ફૉરેન્સિક ક્ષેત્રમાં પ્રવૃત્ત છે. ગત વર્ષે ૬૩ ટકા વધારામાં ૧૦૬ કરોડ નજીકની આવક ઉપર ૫૮ ટકા વધારામાં ૧૩૫૧ લાખ નેટ નફો કર્યો છે. દેવું નથી. ઇશ્યુમાંથી ૩૧૪૨ લાખ કેપેક્સમાં વપરાશે. આ સેગમેન્ટમાં હાલ કોઈ લિસ્ટેડ કંપની દેશમાં નથી. એ દૃષ્ટિએ ભરણું બેશક ઇન્ટરેસ્ટિંગ કહી શકાય. ગ્રેમાર્કેટમાં ૧૫થી શરૂ થયેલું પ્રીમિયમ સડસડાટ વધતું રહી ઉપરમાં ૬૪ થયા પછી હાલમાં ત્યાં જ છે. 
દરમ્યાન જે ભરણાં ચાલુ છે એ માં ગઈ કાલે પ્રથમ દિવસે મેઇન બોર્ડમાં અન્નુ પ્રોજેક્ટ્સનો ૧૦ના શૅરદીઠ ૯૯ની અપરબેન્ડમાં ૧૭૫ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૨૪ ટકા સહિત કુલ ૨૨ ટકા તેમ જ SMEમાં સુમેક્સ એન્જિનિયરિંગનો ૧૦ના શૅરદીઠ ૧૦૧ની અપરબેન્ડમાં ૫૩ કરોડનો ઇશ્યુ રીટેલમાં પાંચ ગણા સહિત કુલ ૨.૮ ગણો ભરાયો છે. હાલમાં અન્નુ પ્રોજેક્ટ્સમાં ઝીરો તથા સુમેક્સમાં ૩૫ પ્રીમિયમ બોલાય છે તો બીજા દિવસના અંતે મેઇન બોર્ડમાં હાઇટેક એન્જિનિયર્સનો પાંચના શૅરદીઠ ૫૩ના ભાવનો ૧૩૬ કરોડનો ઇશ્યુ કુલ ૧૯ ગણો તેમ જ સ્કાયવેઝ એ ર સર્વિસિસનો ૧૦ના શૅરદીઠ ૧૩૮ના ભાવનો ૫૮૩ કરોડનો ઇશ્યુ કુલ ૨.૪ ગણો ભરાયો છે. હાલ હાઈ-ટેકમાં ૩૦ રૂપિયા, સિમ્બાયોટેકમાં ૩૫૦ રૂપિયા અને સ્કાયવેઝમાં ૨૯ રૂપિયા પ્રીમિયમ છે. મુંબઈના લોઅર પરેલની ઑગમૉન્ટ એન્ટરપ્રાઇસીઝનો પાંચના શૅરદીઠ ૭૮૮ના ભાવનો ૮૨૫ કરોડનો IPO આખરી દિવસે રીટેલમાં ૩૩ ગણા સહિત કુલ ૧૧૨ ગણો ભરાઈ પુરો થયો છે. પ્રીમિયમ ઘટી ૩૨૦ ચાલે છે. SME સેગમેન્ટમાં ગઈ કાલે બીજા દિવસના અંતે મધુર નીટક્રાફ્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૦ના ભાવનો ૫૩૨૭ લાખનો ઇશ્યુ કુલ ૪૧ ટકા તથા ABH હેલ્થકૅરનો ૧૦ના શૅરદીઠ ૧૦૨ના ભાવનો ૩૫ કરોડનો ઇશ્યુ કુલ ૮૦ ટકા ભરાયો છે. અત્યારે મધુરમાં ૧૬નું અને ABHમાં ઝીરો પ્રીમિયમ છે. 

સરકારના ડાઇવેસ્ટમેન્ટમાં હિન્દુસ્તાન કૉપરમાં ખરાબી જોવાઈ


મુંબઈના લોઅર પરેલની વૉટરવેઝ લીઝર ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એકસ-સ્પ્લિટ થતાં ગઈ કાલે ૧૦૭ની નવી ટૉપ બતાવી અડધો ટકો ઘટી ૧૦૪ થઈ છે. આ કંપની ચાલુ વર્ષે જૂનમાં ૧૦ના શૅરદીઠ ૮૦૮ના ભાવથી ૫૮૫ કરોડનો ઇશ્યુ લાવી હતી. ૧ જુલાઈએ લિસ્ટિંગમાં ભાવ ડિસ્કાઉન્ટમાં, ૬૯૦ ખૂલી ઉપરમાં ૭૨૨ અને નીચામાં ૬૨૩ થઈ ૬૬૭ બંધ થયો હતો. સબસિડિયરી કંપનીને ૨૮૬૦ લાખ ડૉલર કે ૨૭૦૦ કરોડ રૂપિયાનો નિકાસ ઑર્ડર મળતાં આગલા દિવસે ૯ ગણા વૉલ્યુમ સાથે ૧૪.૭ ટકા કે ૩૪૫ રૂપિયા ઊછળેલી રત્નમણિ મેટલ્સ ગઈ કાલે ઉપરમાં ૨૮૪૦ થઈ નજીવી ઘટી ૨૬૯૬ રહી છે. સરકાર હિન્દુસ્તાન ઝિન્કમાં ૨૭.૯ ટકા હોલ્ડિંગ ધરાવે છે. એ માંથી તે દોઢ-બે ટકા હોલ્ડિંગ વેચી ૪૦૦૦-૫૦૦૦ કરોડ ઊભા કરવા ટૂંકમાં જાહેરાત કરશે એવા અહેવાલ છે. હિન્દુસ્તાન ઝિન્કનો શૅર ગઈ કાલે નીચે ૫૮૬ થઈ ૨.૨ ટકા ઘટી ૫૯૨ બંધ થયો છે. વીઝા ફ્રૉડના મામલે સ્પેનિશ નૅશનલ કોર્ટ તરફથી ભારતીય કંપની BLS ઇન્ટરનૅશનલનું ઇન્વેસ્ટિગેશન હાથ ધરાયું હોવાના અહેવાલમાં આગલા દિવસે ૭ ગણા વૉલ્યુમમાં નીચામાં ૨૩૩ થઈ ૧૧ ટકા તૂટેલી BLS ઇન્ટરનૅશનલ ગઈ કાલે નીચામાં ૨૩૪ થઈ સામાન્ય સુધારે ૨૪૨ રહી છે. 
સરકારે તેની ૬૬.૧ ટકા માલિકીની હિન્દુસ્તાન કૉપરમાં ૫૭૪ પ્લસના આગલા બંધ ભાવ સામે ૧૦.૪ ટકાના ડિસ્કાઉન્ટમાં શૅરદીઠ ૫૧૪ની ફ્લોર પ્રાઇસથી ત્રણ ટકાના ગ્રીન શી ઑપ્શન સહિત કુલ ૬ ટકા હિસ્સો વેચી ૩૦૦૦ કરોડની રોકડી કરવાની જાહેરાત કરતાં હિન્દુસ્તાન કૉપરનો ભાવ ગઈ કાલે નીચામાં ૫૨૯ થઈ ૭.૩ ટકા ખરડાઈ ૫૩૨ નજીક બંધ થયો છે. ચાલુ વર્ષે ૨૯ જાન્યુઆરીએ શૅર ૭૫૯ની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. 

ખાતર શૅરમાં ફૅન્સી, ફેક્ટ લિમિટેડમાં પોણાબાર ટકાની તેજી

સરકારે મૅન્યુફૅક્ચરિંગને નવું જોમ આપવાનું મઝેદાર કારણ આગળ ધરી ડિફેન્સ રિસર્ચ એન્ડ ઑર્ગેનાઇઝેશન અર્થાત DRDO તરફથી કન્વેન્શનલ મિસાઇલ્સ સિસ્ટમ્સ બનાવવા માટેની જે ટેકનોલોજી વિકસાવાઇ છે એ ને ડિફેન્સ ક્ષેત્રે પ્રવૃત્ત ખાનગી કંપનીઓના હવાલે કરી દેવાની યોજનાને મંજૂરી આપી છે.. આમાં કોણ-કોણ ફાવશે, કોને બખ્ખાં થશે -એ વિચારવાનું કામ તમારા ઉપર છોડી દઉ છું. ગઇકાલે નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ સાધારણ વધી ૯૭૬૩ બંધ હતો. ડિફેન્સ સેક્ટરમાં કેટલાક શૅરમાં સિલેક્ટિવ ઝમક હતી. શ્રી રેફ્રિજરેશન્સ ૪૨૪ના શિખરે જઈ સવાપાંચ ટકા વધી ૪૨૧ બંધ હતી. સિગ્મા એડ્વાન્સ્ડ સિસ્ટમ્સ પાંચ ટકા ઊંચકાઈ ૬૯૩ વટાવી ગઈ છે. JTL ડિફેન્સ પાંચ ટકા, સિયેન્ટ DLM પોણાપાંચ ટકા, કાવેરી ડિફેન્સ સાડાત્રણ ટકા, એ ક્સિસ કેડ્સ ૩ ટકા, એસ્ટ્રામાઇક્રો અઢી ટકા મજબૂત હતી. સિએન્ટર ડીએલએમમાં ૭૭૭ની નવી ટૉપ બની હતી. પારસ ડિફેન્સ ૪.૯ ટકા, ડેટા પેટર્ન્સ સવાચાર ટકા, નાઇબ લિમિટેડ પોણાત્રણ ટકા ડાઉન થઈ છે. 
ખાતર ઉદ્યોગના ૨૦માંથી ૧૩ શૅર વધ્યા છે. ફેક્ટ લિમિટેડ પોણાબાર ટકા ઊછળી ૮૭૬ વટાવી ગઈ છે. પારાદીપ ફૉસ્ફેટ્સ પોણાસાત ટકા, મદ્રાસ ફર્ટિલાઇઝર્સ સવાછ ટકા, ભારત એ ગ્રી ૫.૧ ટકા, ખૈતાન કેમિકલ્સ પાંચ ટકા, RCF સાડાચાર ટકા, રામા ફૉસ્ફેટ અઢી ટકા, નોવા એ ગ્રીટેક ૪ ટકા ઊંચકાઈ હતી. ઝુઆરી એ ગ્રો અઢી ટકા વધી ૨૩૨ થઈ છે. સરકારની REC લિમિટેડ તેમ જ પાવર ફાઇનૅન્સ કૉર્પોરેશનમાં બ્રોકરેજ હાઉસ બર્નસ્ટેઇન તરફથી ટાર્ગેટ પ્રાઇસ ઘટાડવામાં આવી છે, પરંતુ શૅર ઉપર તાત્કાલિક કોઈ માઠી અસર વરતાઈ નથી. પાવર ફાઇનૅન્સ ૦.૭ ટકા વધીને ૩૬૬ ઉપર તો REC લિમિટેડ અડધો ટકો ઘટી ૩૨૬ બંધ થઈ છે. 

સનશાઇન પિક્ચર્સનું નીરસ લિસ્ટિંગ, શાંકેશ જ્વેલર્સ ડિસ્કાઉન્ટમાં

ગઈ કાલે મેઇન બોર્ડમાં મુંબઈનાં બે ભરણાં લિસ્ટેડ થયાં છે. ઝવેરી બજારની શાંકેશ જ્વેલર્સ પાંચના શૅરદીઠ ૯૩ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૭થી શરૂ થઈ ઉપરમાં ૮ રૂપિયા થયેલા પ્રીમિયમમાંથી છેલ્લે એક રૂપિયામાં ડિસ્કાઉન્ટમાં આવી ગઈ હતી એ ગઈ  કાલે ૧૦૨ ખૂલી ૯૫ બંધ થતાં ૨.૪ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. ૩૬૭ કરોડનું આ ભરણું રીટેલમાં ૨.૪ ગણા સહિત કુલ ૨.૮ ગણું ભરાયું હતું. બૉલીવુડની જાણીતી હસ્તી વિપુલ અમૃતલાલ શાહ તથા શેફાલી શાહની સનશાઇન પિક્ચર્સ ૧૦ના શૅરદીઠ ૩૬૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૧૭થી શરૂ થઇ ઉપરમાં ૮૦ થયા બાદ ઘટાડાની ચાલમાં છેલ્લે બોલાતાં ૫૦ના પ્રીમિયમ સામે ૩૯૪ ખુલીને ૩૬૮ બંધ આવતાં અૅમાં ૨.૪ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૨૮૨ કરોડનો આ IPO રીટેલમાં ૫૬.૬ ગણા સહિત કુલ ૧૦૬ ગણા જેવો છલકાયો હતો. નવી દિલ્હીની ગજા ઑલ્ટરનેટિવ અૅસેટ મૅનેજમેન્ટ, જામનગરની ઘનવેલ હાઇબ્રીડ સીડ્સ અને પાલઘરની મોપશૉપ ડિસ્ટ્રિબ્યુશનનું લિસ્ટિંગ આજે, બુધવારે થવાની વાત છે. હાલ ગજા ઑલ્ટરનેટિવમાં ૧૮, ઘનવેલમાં એક અને મોપશૉપમાં એકનું પ્રીમિયમ છે.
દરમ્યાન આગલા દિવસે સાડાત્રણ ટકા જેવી લિસ્ટિંગ લૉસમાં ૫૮ નજીક બંધ થયેલી મુંબઈના લોઅર પરેલની હોરાઇઝોન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ ગઈ કાલે પંચાવનની વર્સ્ટ બૉટમ બનાવી ૪.૭ ટકા ગગડી ૫૫.૨૫ તો સાડાત્રેવીસ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૨૪૮ બંધ રહેલી ચેન્નઈની લલિતા જ્વેલરી માર્ટ ઉપરમાં ૨૫૯ થઇ અડધો ટકો સુધરી ૨૫૦ રહી છે. SME કંપની ફેસિનેટ ટેક્સટાઇલ્સ ૨૪ ટકા લિસ્ટિંગ લૉસમાં ૧૧૫ નજીક બંધ થયા પછી ગઇ કાલે ૧૦૯નું નવું તળિયું બતાવી પાંચ ટકા તૂટી ત્યાં જ હતી. ધૂત ટ્રાન્સમિશન બુલરન જારી રાખતાં ૧૫૪૧ના બેસ્ટ લેવલે જઈ સાડાપાંચ ટકા વધીને ૧૫૨૧ થઈ છે. મોલબાયો ૧૨૫૦ના શિખરે જઈને પોણાત્રણ ટકા વધી ૧૨૨૯ હતી. 

Whatsapp-channel Whatsapp-channel

26 August, 2026 01:22 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK