નવા બુલરનમાં પાકિસ્તાની શૅરબજાર નવા શિખર સાથે ૮૭,૦૦૦ની પાર ગયું: બજાર બંધ થયા પછી હિન્દુસ્તાન યુનિલીવરે નબળાં પરિણામ આપ્યાં: બ્રોકરેજ હાઉસની બુલિશ વ્યુની ભરમારમાં હ્યુન્દાઇ સવાચાર ટકા વધ્યો: અમદાવાદી લક્ષ્ય પાવરટેકમાં લગભગ ૧૦૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન
માર્કેટ મૂડ
બોમ્બે સ્ટોક એક્સચેન્જ
નબળા વલણમાં સેન્સેક્સ બુધવારે ૨૯૯ પૉઇન્ટ નીચે, ૭૯,૯૨૧ ખૂલી છેવટે ૧૩૯ પૉઇન્ટના ઘટાડે ૮૦,૦૮૨ તો નિફ્ટી ૩૬ પૉઇન્ટ ઘટી ૨૪,૪૩૫ બંધ થયો છે. નબળા આરંભ બાદ બજાર દિવસના મોટા ભાગે પૉઝિટિવ ઝોનમાં હતું. પાછળથી બે વાગ્યે યુ-ટર્ન લીધો હતો. શૅર આંક ઉપરમાં ૮૦,૬૫૬ અને નીચામાં ૭૯,૮૯૧ થયો હતો. માર્કેટકૅપ ૮૬,૦૦૦ કરોડ વધી ૪૪૫.૩૧ લાખ કરોડ રૂપિયા થયું છે. બજારના સેક્ટોરલ મિશ્ર વલણમાં હતા. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ સવાબે ટકા ઝળક્યો હતો. સામે નિફ્ટી ફાર્મા અને હેલ્થકૅરમાં દોઢ ટકાની ખરાબી હતી. રોકડું પ્રમાણમાં સારું રહેતાં માર્કેટ બ્રેડ્થ સારી રહી છે. NSE ખાતે વધેલા ૧૬૩૦ શૅર સામે ૧૧૪૫ જાતો માઇનસ હતી. એશિયા ખાતે હૉન્ગકૉન્ગ સવા ટકો, સાઉથ કોરિયા એક ટકો, ચાઇના અડધો ટકો પ્લસ હતાં. જપાન અને તાઇવાન પોણા ટકાથી વધુ ઢીલાં થયાં હતાં. યુરોપ રનિંગમાં સાધારણથી માંડી અડધા ટકા આસપાસ નરમ હતું. પાકિસ્તાનનું શૅરબજાર નવા બુલરનમાં ૮૭,૩૦૯ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી ૭૦૭ પૉઇન્ટની આગેકૂચમાં ૮૭,૩૦૯ થયું છે. સોના-ચાંદીમાં જબરી તેજી ચાલે છે. ભાવ નવા શિખર બનાવી રહ્યા છે. વિશ્લેષકો જણાવે છે કે સોનાના ભાવ ચાલુ વર્ષે વિશ્વબજારમાં ૩૨.૫ ટકા વધી ગયા છે જે ૧૯૭૯ પછીનાં ૪૫ વર્ષનો વિક્રમ કહી શકાય. MCX ગોલ્ડ ૨૪ ટકા જેવું અને સિલ્વર ૩૩ ટકા આ વર્ષે વધ્યાં છે. ઘરઆંગણે સોનું ૮૦ હજાર અને ચાંદી એક લાખ રૂપિયા બોલાઈ ચૂક્યાં છે.