Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બે વાગ્યા પછીના બગાડમાં શૅરબજાર સતત ત્રીજા દિવસે માઇનસ, સરકારી બૅન્કોના તમામ શૅર ઘટ્યા

બે વાગ્યા પછીના બગાડમાં શૅરબજાર સતત ત્રીજા દિવસે માઇનસ, સરકારી બૅન્કોના તમામ શૅર ઘટ્યા

19 May, 2023 03:45 PM IST | Mumbai
Anil Patel

આઇટીસીની નરમાઈથી વિક્રમી સપાટીએ ગયેલો એફએમસીજી આંક છેવટે માઇનસ ઝોનમાં : થર્મેક્સનો ત્રિમાસિક નફો બાવન ટકા વધ્યો, શૅર ૧૮૩ રૂપિયા તૂટ્યો : માર્કેટ બ્રેડ્થ નેગેટિવ 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


૧૦૯ ટકાનો ફુગાવો અને ૯૭ ટકાના વ્યાજદર વચ્ચે આર્જેન્ટિનાનું બજાર ફાટફાટ તેજીમાં : ધારણા કરતાં બહેતર પરિણામ આપીને સ્ટેટ બૅન્ક તથા આઇટીસી સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર બન્યા : ગરમીની સાથે-સાથે હોટેલ શૅરોમાં તેજીનો પારો ચડ્યો, બર્ગરકિંગ ફેમ આરબીએ નબળાં પરિણામ પછીય ૧૪ ટકાની તેજીમાં : આઇટીસીની નરમાઈથી વિક્રમી સપાટીએ ગયેલો એફએમસીજી આંક છેવટે માઇનસ ઝોનમાં : થર્મેક્સનો ત્રિમાસિક નફો બાવન ટકા વધ્યો, શૅર ૧૮૩ રૂપિયા તૂટ્યો : માર્કેટ બ્રેડ્થ નેગેટિવ 

ડેટ સીલિંગની મડાગાંઠ હલ થવાનો આશાવાદ પ્રબળ બનતાં અમેરિકન ડાઉ અને નૅસ્ડૅક બુધવારની મોડી રાત્રે સવા ટકો વધીને બંધ થયા, એની પાછળ એશિયન બજારોનો ગુરુવાર સુધરી ગયો છે. જૅપનીઝ નિક્કી બુલરન જારી રાખતાં ૩૦,૬૬૭ની ઑગસ્ટ ૧૯૯૦ પછીની નવી ટૉપ મેળવી દોઢ ટકાની મજબૂતીમાં ૩૦,૫૭૪ બંધ થયો છે. થાઇલૅન્ડ અને તાઇવાન એક ટકાથી વધુ તો સાઉથ કોરિયા પોણો ટકો પ્લસ હતું. હૉન્ગકૉન્ગ ૦.૮ ટકા અને સિંગાપોર સાધારણ સુધર્યું છે. ચાઇના અડધા ટકા જેવું વધીને બંધ આવ્યું છે. યુરોપ રનિંગમાં પોણાથી દોઢ ટકો મજબૂત હતું. દક્ષિણ અમેરિકા ખાતેની સેકન્ડ લાર્જેસ્ટ ઇકૉનૉમી આર્જેન્ટિના અવદશામાં છે. ફુગાવો વધતો રહી ૧૦૯ ટકાની ૩૨ વર્ષની ટોચે પહોંચી ગયો છે. એને કાબૂમાં લેવા વ્યાજદરમાં નવો છ ટકાનો વધારો ઝિંકાયો છે એટલે હવે ત્યાં વ્યાજદર વધીને ૯૭ ટકા થઈ ગયો છે. ડૉલર સામે ત્યાંની કરન્સી પિસો ગગડતી રહીને ૨૩૨ નજીકના ઑલટાઇમ તળિયે પહોંચી છે.



બ્લૅકમાં તો ડૉલરદીઠ ૪૭૦ પિસોનો રેટ બોલાયો છે. વર્ષ પૂર્વે ડૉલર સામે પિસો ૧૧૮ અને પાંચ વર્ષ પહેલાં લગભગ ૨૪ના લેવલે હતો અને આ બધી ખરાબી વચ્ચે ત્યાંના શૅરબજારનો માર્વેલ ઇન્ડેક્સ બુધવારે ૩,૩૦,૪૩૭ની વિક્રમી સપાટી બનાવી ૨.૮ ટકા કે ૮૯૯૭ પૉઇન્ટના ઉછાળે ૩,૨૭,૭૮૮ બંધ રહ્યો છે. વર્ષ પૂર્વે આ આંક ૮૮,૧૧૮ અને પાંચ વર્ષ પૂર્વે ૨૬,૦૩૭ હતો. શૅરબજારને અર્થતંત્રનું બેરોમીટર ગણાવનારા તમામ પંડિતોને આર્જેન્ટિના ભયંકર રીતે ખોટા પુરવાર કરી રહ્યું છે. 


બે દિવસની પીછેહઠ બાદ બજાર ઘરઆંગણે ગઈ કાલે ૩૭૭ પૉઇન્ટના ગૅપઅપ ઓપનિંગ બાદ ૧૨૯ પૉઇન્ટ ઘટીને ૬૧,૪૩૨ બંધ થયું છે. નિફ્ટી ૫૨ પૉઇન્ટના ઘટાડે ૧૮,૧૨૬ હતો. બે વાગ્યા સુધી પૉઝિટિવ ઝોનમાં રહેલો સેન્સેક્સ ઉપરમાં ૬૧,૯૫૬ અને નીચામાં ૬૧,૩૪૯ થયો હતો. બન્ને બજારોના બહુમતી બેન્ચમાર્ક માઇનસ ઝોનમાં હતા. રિયલ્ટી ઇન્ડેક્સ ૨.૩ ટકા બગડ્યો છે. નિફ્ટી ફાર્મા ખાતે સવા ટકાની નબળાઈ હતી. પીએસયુ બૅન્ક નિફ્ટી બે ટકા નજીક તો પાવર-યુટિલિટી, કૅપિટલ ગુડ્સ, ઑઇલ-ગૅસ, એફએમસીજી એકથી દોઢ ટકો ઘટ્યા છે. માર્કેટ બ્રેડ્થ નબળી હતી. એનએસઈમાં વધેલા ૭૮૩ શૅરની સામે ૧૨૪૩ શૅર ઘટ્યા છે. મેટલ તથા હેલ્થકૅરમાં પોણા ટકાની કમજોરી હતી. ખાનગી બૅન્કોની હૂંફમાં બૅન્ક નિફ્ટી નહીંવત્ સુધર્યો છે. ઇન્ફી, ટીસીએસ, ટેક મહિન્દ્ર લાટિમની નહીંવતથી અડધા ટકાની નરમાઈ સાથે આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૩૮ શૅરના ઘટાડે સામાન્ય ઘટ્યો છે, પણ ઇમુદ્રા ૧૨ ટકા ઊછળી ૩૮૭ વટાવી ગયો હતો. સોનાટા ૩.૭ ટકા ઘટીને ૯૨૩ રહ્યો છે. 

અદાણીના દસેદસ શૅર ડાઉન, ઍપ્ટેક નવી ઊંચી સપાટીએ 


સેન્સેક્સના ૩૦માંથી ૧૧ અને નિફ્ટીના ૫૦માંથી ૧૬ શૅર વધ્યા છે. બજાજ ફાઇનૅન્સ ઉપરમાં ૬૮૩૦ થઈ સવા ટકો વધીને ૬૭૯૦ બંધ હતો. ભારતી ઍરટેલ એકાદ ટકો, કોટક બૅન્ક એક ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક પોણો ટકા સુધર્યા છે. નિફ્ટી ખાતે દિવીઝ લૅબ સાડાત્રણ ટકા જેવા ઘટાડે ૩૧૫૩ હતો. ગ્રાસીમ, ડૉ. રેડ્ડીઝ લૅબ, અદાણી પોર્ટ્સ, બ્રિટાનિયા, અલ્ટ્રાટેક, ટાઇટન, લાર્સન, તાતા મોટર્સ નરમ હતા. રિલાયન્સ સહેજ ઘટીને ૨૪૩૪ થયો છે. સારાં પરિણામ પછી પ્રૉફિટ બુકિંગમાં આઇટીસી ૧.૯ ટકા, એનડીટીવી એક ટકો, એસીસી અઢી ટકા અને અંબુજા સિમેન્ટ પોણાબે ટકા માઇનસ થતાં ગ્રુપના તમામ દસ શૅર ડહોળાયા છે. રોકડામાં ઓરો લૅબ, ક્રાફ્ટ રેટિના પેઇન્ટ્સ, ખાદી ઇન્ડ. ૨૦-૨૦ ટકાની તેજીની સર્કિટમાં ગયા છે. ઍપ્ટેક ૪૮૧ની ટોચે જઈ ૧૦.૯ ટકાના ઉછાળે ૪૭૬ થયો છે. નીટ બે ટકા સુધરી ૩૭૪ હતો. શ્રેયસ શિપિંગ ચિક્કાર વૉલ્યુમે ૧૯.૩ ટકાના કડાકામાં નબળાં પરિણામને પગલે ૨૬૭ની અંદર ગયો છે. પર્મનન્ટ મેગ્નેટ પણ ૧૧.૨ ટકા કે ૧૨૫ રૂપિયાની ખરાબીમાં ૯૯૮ થયો છે. વીરકૃપા જ્વેલર્સ ત્રણ શૅરદીઠ બે બોનસ અને ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં શુક્રવારે એક્સ-બોનસ તથા એક્સ-સ્પ્લિટ થશે. શૅર પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૫૮ બંધ આવ્યો છે. 

ઈઆઇએચ ટ‍્વિન્સ, ચલેટ હોટેલ્સ અને તાજ જીવીકે નવા બેસ્ટ લેવલે 

વધતી ગરમી સાથે હોટેલ રિસૉર્ટ‍્સ સેગમેન્ટના શૅરોમાં પણ ભાવનો પારો ચડતો જાય છે. ઇઆઇએચ હોટેલનાં પરિણામ ૨૨મીએ છે. ભાવ ૨૧૮ની ટોચે જઈ ૭.૫ ટકા ઊછળી ૨૦૮ બંધ થયો છે. ઇઆઇએચ અસો. હોટેલ્સ પણ ૫૨૮ની ટૉપ બનાવી ૩.૫ ટકા વધીને ૫૦૭, ચલેટ હોટેલ્સ ૪૩૮ નજીકનું બેસ્ટ લેવલ મેળવી અડધા ટકાના સુધારે ૪૨૮ અને તાજ જીવીકે ૨૪૮ના શિખરે જઈ સહેજ વધીને ૨૪૨ બંધ હતા. અન્યમાં અડવાણી હોટેલ્સ ૪.૮ ટકા, સ્ટર્લિંગ ગ્રીનવૂડ ૪.૩ ટકા, રાસ રિસોર્ટ્સ ૩.૭ ટકા, સવેરા ઇન્ડ. ૩.૫ ટકા, રોબસ્ટ હોટેલ્સ ચાર ટકા, ગુજરાત હોટેલ્સ અડધો ટકો, કામત હોટેલ્સ સવા ટકો, બેસ્ટ ઈસ્ટર્ન હોટેલ્સ અડધો ટકો, લેમન ટ્રી સાધારણ, ફિનિક્સ ટાઉન ૩ ટકા મજબૂત હતા. ઇન્ડિયન હોટેલ્સ સામાન્ય ઘટાડે ૩૬૬ રહી છે. યુપી હોટેલ્સ ૩ ટકા ગગડી ૬૦૨ હતી. રેસ્ટોરન્ટ બ્રાન્ટ્સ એશિયા જે બર્ગરકિંગ બ્રૅન્ડ નેમ હેઠળ ભારતમાં ફાસ્ટ ફૂડ ચેઇન ચલાવે છે અને એની ૧૨ કરોડની ત્રિમાસિક ખોટ વધીને ૨૪.૫ કરોડને વટાવી ગઈ છે. એમાં પ્રમોટર એવરસ્ટોન એનો સમગ્ર ૪૦ ટકા હિસ્સો વેચવા વિચારી રહી હોવાના અહેવાલ છે. શૅર ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૨૮ વટાવી ૧૪ ટકા ઊંચકાઈ ૧૨૨ બંધ થયો છે. ડૉમિનોઝ પીત્ઝા ફેમ જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સનો ત્રિમાસિક નફો ૭૧ ટકા ઘટીને આવતાં શૅર નીચામાં ૪૫૫ થઈ છેલ્લે સવા ટકા જેવા ઘટાડે ૪૭૫ બંધ રહ્યો છે. દેવયાની ઇન્ટર. દ્વારા ત્રિમાસિક નફામાં ૨૧ ટકાના ઘટાડા સાથે નબળાં રિઝલ્ટ જાહેર થયાં છે. શૅર બુધવારે બગડ્યા પછી ગઈ કાલે બાઉન્સબૅકમાં ૧૮૫ થઈ ૫.૯ ટકા વધી ૧૮૪ બંધ હતો. ઝોમૅટોનાં રિઝલ્ટ શુક્રવારે છે. ભાવ ગ, કાલે ૩૦ ટકા વૉલ્યુમે નહીંવત્ વધી ૬૩ બંધ થયો છે. 

સ્ટેટ બૅન્ક બહેતર પરિણામ પછી ઘટાડામાં, એયુ બૅન્કમાં નવી ટૉપ 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરના સુધારા વચ્ચે ૫૪ પૉઇન્ટ જેવો મામૂલી વધી ૪૩,૭૫૨ બંધ થયો છે. સામે પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના ઘટાડે ૧.૯ ટકા ડાઉન હતો. સ્ટેટ બૅન્ક દ્વારા ૮૩ ટકાના વધારામાં ૧૬,૬૯૫ કરોડના નેટ પ્રૉફિટ સાથે બહેતર રિઝલ્ટ જાહેર થયાં છે, પણ શૅર ૫૯૪ની ઇન્ટ્રા-ડે હાઈથી પરિણામ બાદ ઘટી ૫૭૧ થઈ ૨.૧ ટકાની ખરાબીમાં ૫૭૪ બંધ આવ્યો છે. એયુ બૅન્ક ૭૫૫ની નવી ટૉપ બનાવી અઢી ટકાની મજબૂતીમાં ૭૫૦ હતો. ઇક્વિટાસ બૅન્ક ૮૪ નજીક નવું શિખર દેખાડી એક ટકાની આગેકૂચમાં ૮૩ થયો છે. કર્ણાટકા બૅન્કનાં રિઝલ્ટ ૨૬મીએ છે. શૅર સવાત્રણ ગણા કામકાજે ૧૪૧ વટાવી ૬ ટકા ઊંચકાઈને ૧૩૮ હતો. બૅન્કિંગના ૩૭માંથી ૨૭ શૅર ઘટ્યા છે. સૂર્યોદય બૅન્ક ૩.૩ ટકા, બૅન્ક ઑફ બરોડા ૨.૯ ટકા, કૅનેરા બૅન્ક ૨.૪ ટકા, પીએનબી પોણાબે ટકા કટ થયા હતા. કોટક બૅન્ક એક ટકા અને આઇસીઆઇસીઆઇ બૅન્ક પોણો ટકા પ્લસ હતી. 

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૪૧માંથી ૫૪ શૅરના સુધારામાં નજીવો સુધર્યો છે. જીઆઇસી હાઉસિંગ ૪.૭ ટકા, એન્જલવન અઢી ટકા, રેપ્કો હોમ ૧.૮ ટકા, આરઈસી ૨.૭ ટકા નરમ હતા. સામે યુગ્રો કૅપિટલ, અમાન ફાઇ, કેફીન ટેક, ચોલામંડલમ્ ફાઇ, જેએમ ફાઇ, ચોલા ઇન્વેસ્ટમેન્ટ ત્રણથી ૫.૭ ટકા મજબૂત હતા. એલઆઇસી નજીવો ઘટીને ૫૬૮ રહ્યો છે. સાધારણ રિઝલ્ટમાં આગલા દિવસે ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બનેલી એલઆઇસી હાઉસિંગ વધુ સવા ટકો ઘટી ૩૬૫ રહી છે. પેટીએમ ૧.૯ ટકા ઘટ્યો છે. પુનાવાલા ફીનકૉર્પ ૩૪૩ના શિખરે જઈ ૨.૪ ટકા વધીને ૩૩૬ થઈ છે. કૅર રેટિંગ અડધો ટકો વધી ૬૯૨ હતો. પીએનબી હાઉસિંગ અઢી ટકા અને સ્ટાર હેલ્થ ૧.૭ ટકા સુધર્યા છે. 

આઇટીસી પણ બહેતર પરિણામ પછી પ્રૉફિટ બુકિંગમાં માઇનસ થયો 

પાવર, યુટિલિટી, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ એક-દોઢ ટકો ઘટ્યા છે. અત્રે અદાણીના શૅર ઉપરાંત કેપીઆઇ ગ્રીન, ગુજરાત પાવર, તાતા પાવર, સિમેન્ટ્સ, ગેઇલ, આઇઓસી, સતલજ જલ વિદ્યુત દોઢથી ૪.૩ ટકા માઇનસ હતા. ચેન્નઈ પેટ્રો ૫.૭ ટકાની તેજીમાં ૩૫૧ થયો છે. સવિતા ઑઇલ ૪.૫ ટકા, એમઆરપીએલ પોણાત્રણ ટકા, હિન્દુ. ઑઇલ અઢી ટકા, સીઈએસસી ત્રણ ટકા પ્લસ હતા. નવ લિમિટેડ ૫.૨ ટકાની મજબૂતીમાં ૨૪૯ હતો. ઍન્ટોની વેસ્ટ ૪.૯ ટકા ઊંચકાયો છે. ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી, પ્રેસ્ટિજ એસ્ટેટ, શોભા, ઑબેરૉય રિયલ્ટી, બ્રિગેડ એન્ટર બેથી ત્રણ ટકા તથા ગોદરેજ પ્રૉપર્ટીઝ ૫ ટકા ગગડતાં રિયલ્ટી ઇન્ડેક્સ ૨.૩ ટકા તરડાયો છે. 

એફએમસીજી આંક ૧૭,૮૭૮ નજીક નવી વિક્રમી સપાટી બનાવી ૧૮૭ પૉઇન્ટના ઘટાડે ૧૭,૫૭૦ હતો ટિળક નગર ઇન્ડ. ૧૪૭ની ટોચે જઈ ૧૧.૭ ટકાની તેજીમાં ૧૫૩ થઈ છે. આઇટીસી દ્વારા ૪૭૬૪ કરોડની ધારણા સામે ૫૦૮૭ કરોડ જેવો ચોખ્ખો નફો દર્શાવાયો છે, પણ શૅર ૪૩૨ પ્લસની ઇન્ટ્રા-ડે હાઈથી પરિણામ બાદ ઘટી ૪૧૮ થઈ ૧.૯ ટકાની નરમાઈમાં ૪૨૦ બંધ આવ્યો છે. હિન્દુ. યુનિલીવર સવા ટકો બગડી ૨૬૨૬ રહ્યો છે. લાર્સનના ૧.૪ ટકાના ઘટાડા સાથે થર્મેક્સ ૭.૪ ટકા, સોના કોમસ્ટાર ૨.૨ ટકા, ભારત ફોર્જ ૧.૪ ટકા, સીમેન્સ ૧.૪ ટકા, હિન્દુ. ઍરોનૉટિક્સ સવા ટકો ઘટતાં કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ એક ટકા કપાયો છે. હનિવેલ ખોટોમેશન રિઝલ્ટના પગલે ૪૧,૨૫૦ થઈ ૬.૩ ટકા કે ૨૩૫૧ રૂપિયાના જમ્પમાં ૩૯,૮૫૫ બંધ થયો છે. હેલ્થકૅરમાં શેલ્બી ૭.૫ ટકા અને થેમિસ મેડી તથા મેટ્રો પોલીસ ચાર ટકા ડાઉન હતા. 

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2023 03:45 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK