સેબીનો સકંજો બૉમ્બે ડાઇંગને નડ્યો, સાસ્કેન પરિણામ પાછળ ઊછળ્યોઃ એલઆઇસીમાં નવા ઑલટાઇમ તળિયાની શોધ અટકી
દિવાળીમાં શૅરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ સત્ર માટે બૉલીવુડ સ્ટાર અજય દેવગણ બીએસઈમાં ગઈ કાલે હાજર રહ્યો હતો. તસવીર સમીર માર્કન્ડે
ચાઇના ખાતે આર્થિક આંધીનાં એંધાણ, એક જ દિવસમાં વિદેશી રોકાણકારોનું અઢી અબજ ડૉલરનું વેચાણઃ હૉન્ગકૉન્ગ માર્કેટ બજારી કડાકા સાથે ૧૪ વર્ષના તળિયેઃ એફએમસીજી બેન્ચમાર્કને હિન્દુ. યુનિલીવર નડ્યો, બાકીનાં તમામ સેક્ટોરલ પ્લસ, માર્કેટ બ્રેડ્થ નોંધપાત્ર રીતે સ્ટ્રૉન્ગઃ સેબીનો સકંજો બૉમ્બે ડાઇંગને નડ્યો, સાસ્કેન પરિણામ પાછળ ઊછળ્યોઃ એલઆઇસીમાં નવા ઑલટાઇમ તળિયાની શોધ અટકી
આશરે દોઢેક ટકાના નેગેટિવ રિટર્ન સાથે સંવત ૨૦૭૮ની વિદાય બાદ શૅરબજારે નવા વર્ષનો આરંભ સતત સાતમા દિવસે પણ પૉઝિટિવ ઝોનથી કર્યો છે. મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ ઉપરમાં ૫૯,૯૯૪ થઈને ૫૨૪ પૉઇન્ટ વધીને ૫૯,૮૩૨ બંધ થયો છે. નિફ્ટી ૧૭,૭૭૭ ની ઇન્ટ્રા-ડે ટૉપ બતાવી ૧૫૪ પૉઇન્ટની આગેકૂચમાં ૧૭,૭૩૧ રહ્યો છે. નવું સંવત ૨૦૭૯ અને ૨૦૨૩નો સમય દેશ અને દુનિયા માટે એકંદર વસમો રહેવાની આશંકા છે. ફુગાવો, વ્યાજદરમાં વધારા સાથે રિસેશન કે મંદીનો વ્યાપ વધવાની દહેશત છે. આમ છતાં નવા સવંતમાં શૅરબજાર ૧૦થી ૧૫ ટકાનું પૉઝિટિવ રિટર્ન આપશે એવી આશા રખાય છે. મતલબ કે સેન્સેક્સ ઉપરમાં ૬૬,૦૦૦થી લઈને ૭૦,૦૦૦ની આસપાસ જવાનો અંદાજ આશાવાદીઓનો છે.
ADVERTISEMENT
સોમવારે સેન્સેક્સ નિફ્ટી તેમ જ લાર્જ કૅપના ૦.૯ ટકા આસપાસની મજબૂતી સામે રોકડું અને બ્રૉડર માર્કેટ પણ મૂડમાં હતું. સ્મૉલ કરપ ઇન્ડેક્સ ૯૬૨માંથી ૭૯૮ શૅરના સથવારે એક ટકા તો બ્રૉડર માર્કેટ ૫૦૧માંથી ૩૯૯ શૅર પ્લસમાં આપીને ૦.૮ ટકા વધ્યું હતું. એકાદ કલાકના ટૂંકા સત્રમાં વલણ અને એનો વ્યાપ ઘણો સ્ટ્રૉન્ગ રહેવાથી માર્કેટ બ્રેડ્થ ખાસ્સી પૉઝિટિવ જોવા મળી છે. બીએસઈ ખાતે ઘટેલા પ્રત્યેક એેક શૅર સામે લગભગ ચારેક જાતો પ્લસ હતી. બજારનું માર્કેટકૅપ પ્રોવિઝનલ ફીગર પ્રમાણે ૨.૦૫ લાખ કરોડ રૂપિયા વધીને ૨૭૬.૪૭ લાખ કરોડે પહોંચ્યું છે. એફએમસીજી બેન્ચમાર્ક નામપૂરતો નરમ હતો. બાકીનાં બધાં સેક્ટોરલ વધ્યાં છે. બૅન્કિંગ ફાઇનૅન્સ સવા ટકાની આસપાસની મજબૂતીમાં મોખરે હતા. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૧.૪ ટકા ઝળક્યો છે. એના ૪૪૦ પૉઇન્ટના સુધારામાં લાર્સન ૧.૮ ટકા વધતાં ૨૭૧ પૉઇન્ટ મળ્યા હતા.
નેસ્લે સર્વોચ્ચ શિખર સાથે ટૉપ ગેઇનર, હિન્દુ. યુનિલીવર ગગડ્યો
સેન્સેક્સના ૩૦માંથી ૮ અને નિફ્ટીના ૫૦માંથી ૪૧ શૅર મુહૂર્તે ટ્રેડિંગમાં વધ્યા છે. નેસ્લે ૨૧૦૬૨ની ઑલટાઇમ હાઈ બનાવી ત્રણેક ટકા કે ૫૯૨ રૂપિયાના જમ્પમાં ૨૦,૮૬૮ બંધ આવ્યો છે. આ ઉપરાંત એસડીએફસી ૧.૮ ટકા, સ્ટેટ બૅન્ક બે ટકા, મહિન્દ્રા ૧.૧ ટકા, એનટીપીસી ૧.૧ ટકા, ઍક્સ્સિ બૅન્ક એક ટકા, ઇન્ફી ૧.૨ ટકા, ગ્રાસિમ ૧.૪ ટકા, ડિવીઝ લૅબ એક ટકા, તાતા સ્ટીલ એક ટકો, બજાજ ફીનસર્વ એક ટકો, સનફાર્મા એક ટકો વધીને બંધ રહ્યા છે. હિન્દુસ્તાન યુનિલીવર ત્રણ ટકાના ઘટાડે ૨૫૭૪ બંધ આવ્યો છે. કોટક મહિન્દ્રા બૅન્ક ૦.૪ ટકા ઘટી ૧૮૯૫ રહી છે. રિલાયન્સ સામાન્ય સુધારામાં ૨૪૮૦ નજીક બંધ થયો છે. એચડીએફસી ટ્વીન્સ બજારને ૧૪૬ પૉઇન્ટ ફળ્યા છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક, સ્ટેટ બૅન્ક તથા ઍક્સિસ બૅન્કના સુધારાથી એમાં બીજા ૧૮૮ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. અદાણી ગ્રુપના નવમાંથી ૭ શૅર વધ્યા છે. સુધારો નાનો હતો. અદાણી ટ્રાન્સ અને એસીસી જૈસે થે રહ્યા છે.
સાસ્કેન બહેતર પરિણામને પગલે ૧૪ ગણા કામકાજે ઉપરમાં ૯૩૭ થઈ ૧૬.૫ ટકાના ઊછાળે ૯૧૬ બંધ આપી એ-ગ્રુપ ખાતે બેસ્ટ ગેઇનરમાં જોવાયો છે. તાતા મોટર ૦.૯ ટકો વધી ૪૦૧ રહ્યો છે, પરંતુ એનો ડીવીઆર તગડા વૉલ્યુમ સાથે ઉપરમાં ૨૨૪ થઈ સાત ટકાની તેજીમાં ૨૧૪ હતો, ઝોડિયાક જેઆરડી પરિણામ પાછળ ભારે વૉલ્યુમ સાથે ૨૦ ટકા તૂટી ૪૪ દેખાયો છે. બૉમ્બે ડાઇંગ અને એના પ્રમોટર્સ સહિત અન્યને સેબીએ સંકજામાં લીધા હોવાના અહેવાલમાં બૉમ્બે ડાઇંગ સાડાચાર ગણા કામકાજે ૧૨.૬ ટકા લથડી ૮૪ બંધ થયો છે. બૉમ્બે બર્મા ૧.૭ ટકા, બ્રિટાનિયા નામકે વાસ્તે તો નૅશનલ પેરૉકસાઇડ નજીવો નરમ હતો.
બૅન્કિંગના ૩૭માંથી ૩૨ શૅર પ્લસ, ૮ નવી ટોચે, એલઆઇસીમાં સુધારો
ઍક્સિસ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, કૅનરા બૅન્ક, ફેડલ બૅન્ક, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, કર્ણાટકા બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક ગઈ કાલે નવા ઐતિહાસિક શિખરે ગયા છે. બૅન્ક નિફ્ટી બારમાંથી ૯ શૅરની આગેકૂચમાં ૧.૩ ટકો વધી ૪૧,૩૦૪ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૬ શૅરના સુધારામાં ૧.૨ ટકાવી ૩૩૧૧ની નવી ટોચે બંધ હતો. બૅન્કિંગના ૩૭માંથી ૫ શૅર નરમ હતા. આરબીએલ બૅન્ક ૪.૬ ટકા બગડીને ૧૨૭ હતી. યસ બૅન્ક ૧.૯ ટકા તો યુનિયન બૅન્ક પોણો ટકો નરમ રહી છે. સાઉથ ઇન્ડિયન બૅન્ક છ ટકા, કર્ણાટકા બૅન્ક ૪ ટકા, જેકે બૅન્ક ૨.૭ ટકા, ફિનો પેમેન્ટ બૅન્ક ૨.૬ ટકા, ઇન્ડિયન બૅન્ક ૩.૪ ટકા અપ હતા. છેલ્લા કેટલાક દિવસથી સતત નવા તળિયે જતો એલઆઇસી ગઈ કાલે ૧.૮ ટકો વધી ૬૦૦ તો પૉલિસી બાઝાર ૫ ટકાના જગ્યામાં ૧૩૭ બંધ રહ્યા છે. પેટીએમ સવા ટકો, નાયકા પોણો ટકો, એમસીએક્સ પાંચ ટકાથી વધુ પ્લસ હતા.
છેલ્લાં ૧૪ વર્ષમાંનું બેસ્ટ મુહૂર્ત સેશન આ વખતે જોવા મળ્યું
મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ ૫૨૪ પૉઇન્ટ અને નિફ્ટી ૧૫૪ પૉઇન્ટ કે ૦.૯ ટકાની મજબૂતી સાથે બંધ રહ્યા છે. ૨૦૦૮ના મુહૂર્ત સેશનમાં માર્કેટ ૫.૯ ટકા ઊંચકાયું ગતું. ત્યાર પછીના ગાળામાં ૨૦૧૮ના મૂહૂર્ત સેશનમાં બજાજ સર્વાધિક ૦.૭ ટકા વધ્યું હતું. આ વેળા વધારો ૦.૯ ટકા જેવો આવ્યો છે.
બજારના દિવાળીના મૂડને બૂસ્ટ કરવામાં ચાઇના ખાતેની ઊથલપાથલનો ગણનાપાત્ર ફાળો કહેવાય છે. જીનપિંગે ત્રીજી ટર્મ માટે ચાઇનાનો કારભાર સંભાળી લેતાંની સાથે જ સત્તા ઉપર પોતાની પકડ મજબૂત બનાવવાનું શરૂ કર્યું છે. પૉલિટ બ્યુરોની ૭ સભ્યોની સ્ટૅન્ડિંગ કમિટીમાં ચાર સભ્યની નવી વરણી કરાઈ છે. તે તેમના ખાસ માણસ કહેવાય છે. પ્રો બિઝનેસ ફીગર ગણાતાં, રિફૉર્મના હિમાયતી એ ઉદાર મતવાદી સભ્યોની હકાલપટ્ટી થઈ છે. જીનપિંગે સરકારી સાહસોનું પ્રભુત્વ અર્થતંત્રમાં વધારવાની અને વેલ્થ ઍક્યુમ્યુલેશન અર્થાત્ વ્યક્તિગત ધોરણે થતા સંપતિ સર્જન ઉપર અંકુશ મૂકવાનો નિર્દેશ કર્યો છે એના પગલે સોમવારે ચાઇનીઝ માર્કેટ બે ટકા તૂટી ગયું છે. યુઆન ૧૪ વર્ષના તળિયે ગયો છે. વિદેશી રોકાણકારો ચાઇનીઝ બજારમાંથી રોકડી કરવા આક્રમક બન્યા છે. એક જ દિવસમાં ૧૭.૫ અબજ યુઆન કે અઢી અબજ ડૉલરની રોકડી કરી છે. વિદેશી રોકાણકારો ચાઇનામાંથી એક્ઝિટ લઈ ભારત ઉપર મહેરબાન થશે એવી ગણતરી સામે લાગી છે.


