Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજારની સપાટ ચાલ, સરકારી બૅન્કો બગડી

શૅરબજારની સપાટ ચાલ, સરકારી બૅન્કો બગડી

07 May, 2024 06:20 AM IST | Mumbai
Anil Patel

સેન્સેક્સ ૧૭ પૉઇન્ટ વધી ૭૩,૮૯૫ તો નિફ્ટી ૧૯ પૉઇન્ટના ઘટાડે ૨૨,૪૫૭ બંધ થયો છે.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


ઉદાર બોનસ અને ૯૦૦૦ ટકાના ડિવિડન્ડમાં એનએસઈનો શૅર અનલિસ્ટેડ માર્કેટમાં ૫૭૦૦ના શિખરેઃ બીએસઈ પરિણામની પૂર્વસંધ્યાએ ફ્લૅટ, સીડીએસએલમાં વિક્રમી સપાટી બની : ગોદરેજ પ્રૉપર્ટીઝમાં ગ્રોથ થીમ કામે લાગતાં નવી ટૉપ સાથે ૨૭૫ રૂપિયાની તેજી થઈ, બ્રિટાનિયા સુસ્ત રિઝલ્ટ છતાં ૩૧૭ રૂપિયા ઊછળ્યો : સોનાના ઊંચા ભાવના પગલે ટાઇટનમાં પરિણામ બાદ માનસ ખરડાયું, શૅર અઢીસોના ગાબડા સાથે ટૉપ લૂઝર થયો : આઇનોક્સ વિન્ડમાં શૅરદીઠ ત્રણ બોનસની રેકૉર્ડ ડેટ ૧૮ મે જાહેર થઈ, નાણાભીડના અહેવાલમાં આઇઆઇએફએલ ફાઇનૅન્સમાં નબળાઈ : સંયુક્ત સાહસનો હિસ્સો બાયરને વેચી ઝાયડસ લાઇફ સાયન્સે ૨૮૨ કરોડ રૂપિયાની રોકડી કરી : એમઆરપીએલમાં નફા સાથે શૅરમાંય ગાબડું 

છ સપ્તાહના ઇલેક્શન શોના ત્રીજા તબક્કાના મતદાનના દિવસે શૅરબજાર પૉઝિટિવ ઓપનિંગ બાદ સપાટ અને સામસામા રાહે બંધ આવ્યું છે. સેન્સેક્સ ૧૭ પૉઇન્ટ વધી ૭૩,૮૯૫ તો નિફ્ટી ૧૯ પૉઇન્ટના ઘટાડે ૨૨,૪૫૭ બંધ થયો છે. સોમવારે સેન્સેક્સ આગલા બંધથી ૩૧૮ પૉઇન્ટના ગૅપમાં ઉપર, ૭૪,૧૯૭ ખૂલ્યા પછી ૭૪,૩૬૦ની ટોચે ગયો હતો. જોકે આ પ્રારંભિક સુધારો દમ વગરનો હતો. બજાર ઉપલા મથાળેથી ૫૭૫ પૉઇન્ટ બગડી નીચામાં ૭૩,૭૮૬ થયું હતું. નિફ્ટીમાં ઇન્ટ્રા-ડે હાઈથી ૧૮૦ પૉઇન્ટની નબળાઈમાં ૨૨,૪૦૯ની દિવસની નીચી સપાટી બની હતી. સેન્સેક્સ નિફ્ટીની રીતે માર્કેટ લગભગ ફ્લૅટ રહેવા છતાં ગઈ કાલે બજારનો આંતરપ્રવાહ શરૂથી જ ખરડાયેલો હતો. બ્રૉડર માર્કેટ અને રોકડું આરંભથી અંત સુધી વેચવાલીના પ્રેશરમાં રહ્યું હતું. સરવાળે બજારનું માર્કેટકૅપ ૨.૮૫ લાખ કરોડ ઘટી ૪૦૩.૩૯ લાખ કરોડ આવી ગયું છે. ખાસ્સી નબળી માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે વધેલા ૬૨૪ શૅરની સામે ૧૬૪૫ જાતો ઘટી છે. બન્ને બજારના મોટા ભાગના સેક્ટોરલ રેડ ઝોનમાં ગયા છે. પીએસયુ બૅન્ક નિફ્ટી, યુટિલિટીઝ, ઑઇલ-ગૅસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, નિફ્ટી મીડિયા જેવા ઇન્ડાઇસિસ પોણાબેથી પોણાચાર ટકા ધોવાયા છે. ટાઇટનના ભારમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બેન્ચમાર્ક ૨૧૦૯ પૉઇન્ટ કે પોણાચાર ટકાથી વધુ લથડ્યો હતો. રિયલ્ટી બેન્ચમાર્ક ગોદરેજ પ્રૉપર્ટીઝની આગેવાનીમાં પોણાત્રણ ટકા ઊંચકાયો છે. 

શુક્રવારની મોડી રાત્રે અમેરિકન ડાઉ અને નૅસ્ડૅક બે ટકા સુધી વધીને બંધ રહ્યા પછી સોમવારે તમામ અગ્રણી એશિયન બજારો મૂડમાં હતાં. ચાઇના સવા ટકાથી વધુ, તાઇવાન એક ટકો, હૉન્ગકૉન્ગ અડધો ટકો, સિંગાપોર સાધારણ પ્લસ વધીને બંધ રહ્યું છે. જપાન, સાઉથ કોરિયા તથા થાઇલૅન્ડ રજામાં હતાં. યુરોપ સુધારાને આગળ ધપાવતાં રનિંગમાં અડધાથી એક ટકો મજબૂત જણાયું છે. પાકિસ્તાની શૅરબજાર ૭૩,૦૬૧ થઈ વધુ ૮૨૦ પૉઇન્ટ ઊંચકાઈ ૭૨,૭૨૨ વટાવી ગયું છે. 



ઇન્ડિજેનનો બેના શૅરદીઠ ૪૫૨ રૂપિયાની અપર બૅન્ડ સાથેનો આશરે ૧૮૪૨ કરોડ રૂપિયાનો ઇશ્યુ સોમવારે પ્રથમ દિવસે જ કુલ પોણાબે ગણા જેવો ભરાઈ ગયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ સાધારણ ઘટી ૨૫૦ રૂપિયા બોલાય છે. બે દિવસ પૂર્વે ઉપરમાં ૨૬૬ થયું હતું. આધાર હાઉસિંગ ફાઇનૅન્સનો ૧૦ના શૅરદીઠ ૩૧૫ની અપર બૅન્ડ સાથે કુલ ૩૦૦૦ કરોડનો ઇશ્યુ મંગળવારે ખૂલવાનો છે. એમાં ૨૦૦૦ કરોડ ઓએફએસના છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમના સોદા ૧૩૦ રૂપિયેથી શરૂ થયા હતા. રેટ ઘટતો રહી નીચામાં ૫૨ થયા બાદ હાલ ૬૦ આસપાસ સંભળાય છે. મેઇન બોર્ડમાં ટીબીઓ ટેક લિમિટેડ પણ એકના શૅરદીઠ ૯૨૦ની મારફાડ પ્રાઇસથી ૧૧૫૧ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૧૫૫૧ કરોડના આઇપીઓ સાથે આજે મૂડીબજારમાં આવશે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમના સોદા ૪૬૦થી શરૂ થયા પછી રેટ વધતો રહી હાલ ૫૩૦ થઈ ગયો છે. કંપની સતત ત્રણ વર્ષનો પ્રૉફિટનો ટ્રૅક રેકૉર્ડ ધરાવતી નથી એટલે ઇશ્યુમાં ક્યુઆઇબી પોર્શન ૭૫ ટકા અને રીટેલ પોર્શન ૧૦ ટકા રખાયો છે. ૧૦ના શૅરદીઠ ૭૯ની ઇશ્યુ પ્રાઇસવાળી સ્ટોન ઇન્ફો સિસ્ટમ્સનું લિસ્ટિંગ આજે છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધીને હાલ ૭૦ બોલાય છે. 


અદાણીના તમામ શૅર માઇનસ, કોટક બૅન્કમાં ભળતો ઉછાળો
કોટક મહિન્દ્ર બૅન્ક તરફથી કન્સોલિડેટેડ ધોરણે માર્ચ ક્વૉર્ટરમાં ૧૬.૮ ટકાના વધારામાં ૫૩૩૭ કરોડનો ચોખ્ખો નફો દર્શાવાયો છે. પરિણામ સારા આવ્યા છે, પરંતુ રિઝર્વ બૅન્ક તરફથી નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરવા તેમ જ ઑનલાઇન ધોરણે નવા ગ્રાહક મેળવવા ઉપર તાજેતરમાં જે પ્રતિબંધ મુકાયો છે એની માઠી અસર હવે પછીના ત્રિમાસિક પરિણામમાં અવશ્ય દેખાશે. જેપી મૉર્ગને અહીં ૨૦૭૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ આપ્યો છે તો એમ્કે ગ્લોબલે ૧૭૫૦ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૧૬૨૫ કરી છે. શૅર ગઈ કાલે પરિણામના જોશમાં ભળતા ઉછાળે ૧૬૩૩ થઈ પાંચ ટકા ઊછળી ૧૬૨૫ના બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર બની બજારને સર્વાધિક ૯૭ પૉઇન્ટ ફળ્યો હતો. વૉલ્યુમ સરેરાશ કરતાં ૫૫ ટકાનું હતું. બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝનો ત્રિમાસિક નફો સાડાત્રણેક ટકા ઘટી ૫૩૮ કરોડ આવ્યો છે. પરિણામ કમજોર છે, પરંતુ કંપનીનો રૂરલ માર્કેટ શૅર વધ્યો હોવાની થીમ ચાલતાં શૅર ઉપરમાં ૫૨૦૫ વટાવી અંતે ૬.૭ ટકા કે ૩૧૭ રૂપિયાના જમ્પમાં નિફ્ટી ખાતે બેસ્ટ ગેઇનર બન્યો હતો, બંધ ૫૦૬૧ રહ્યો હતો. 

સોનાના ભાવની વિક્રમી સપાટીને લઈ માગને માઠી અસર થતાં ટાઇટનના પરિણામ ધારણાથી થોડાક નબળા આવ્યા છે. માર્જિન ઘટ્યું છે. બ્રોકરેજ હાઉસ તરફથી ટાર્ગેટ પ્રાઇસ ઘટાડવામાં આવી છે. શૅર ગઈ કાલે નીચામાં ૩૨૫૭ થઈ ૭.૨ ટકા કે ૨૫૪ રૂપિયા તૂટી ૩૨૮૨ બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે અને બજારને સૌથી વધુ ૯૨ પૉઇન્ટ નડ્યો છે. સેન્સેક્સ નિફ્ટી ખાતે નોંધપાત્ર વધેલી અન્ય જાતોમાં ટીસીએસ ૨.૧ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર ૧.૮ ટકા, મહિન્દ્ર દોઢ ટકા, સનફાર્મા ૧.૪ ટકા પ્લસ હતી. સામે સ્ટેટ બૅન્ક પોણાત્રણ ટકાથી વધુ, એનટીપીસી ૨.૩ ટકા, લાર્સન એક ટકો, અદાણી એન્ટરપ્રાઇઝ ચાર ટકા કે ૧૧૯ રૂપિયા, ભારત પેટ્રો ત્રણ ટકા, કોલ ઇન્ડિયા ત્રણ ટકા, અદાણી પોર્ટ્સ સવાબે ટકા, એચડીએફસી લાઇફ બે ટકા, હિન્દાલ્કો ૧.૪ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ દોઢ ટકા ઘટ્યા છે. મહિન્દ્ર નવી ટૉપ જારી રાખતાં ૨૨૪૦ની ટોચે જઈ દોઢ ટકાની આગેકૂચમાં ૨૨૨૫ હતી. અદાણી ગ્રુપની અન્ય જાતોમાં અદાણી પાવર, અદાણી ગ્રીન, અદાણી ટોટલ, અદાણી વિલ્મર, એસીસી, અંબુજા સિમેન્ટ્સ દોઢથી લઈ અઢી ટકા તો સાંધી ઇન્ડસ્ટ્રીઝ ૫.૩ ટકા ખરડાયો છે. 

ગુજ્જુ કંપની જીઆરપી લિમિટેડ ૧૩૦૫ રૂપિયાની છલાંગમાં નવી ટોચે 
ગોદરેજ પ્રૉપર્ટીઝે માર્ચ ક્વૉર્ટરમાં આવકમાં ૧૩ ટકાના ઘટાડા સામે નેટ પ્રૉફિટમાં ૧૪ ટકાનો વધારો દર્શાવ્યો છે. પરિણામમાં વાઉ ફૅક્ટર જેવું કશું નથી, પરંતુ મુંબઈ અને એનસીઆર ખાતે જે નવા રિયલ્ટી પ્રોજેક્ટ લૉન્ચ કર્યા છે એને સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાના અહેવાલમાં શૅર ગઈ કાલે ૬ ગણા કામકાજે ૨૮૫૦ની ઑલટાઇમ હાઈ બનાવી ૧૦.૭ ટકા કે ૨૭૫ રૂપિયાની તેજીમાં ૨૮૪૪ બંધ થયો છે. એમઆરપીએલનો ત્રિમાસિક નફો ૪૦ ટકા ઘટીને આવતાં શૅર પોણાનવ ટકા ગગડી ૨૨૯ થયો છે. રબર ઉદ્યોગની કંપની જીઆરપી લિમિટેડ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૩૦૫ રૂપિયાની છલાંગમાં ૭૮૩૩ના શિખરે બંધ થયો છે. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૧૧૦૫ની છે. છેલ્લે બોનસ સપ્ટેમ્બર ૧૯૯૧માં આવ્યું હતું. કંપની ગુજરાતના અંકલેશ્વર ખાતેની છે. સંજયલાલભાઈ ગ્રુપની અનુપ એન્જિનિયરિંગ સારા પરિણામ પાછળ સાડાછ ગણા વૉલ્યુમે ૨૧૮૭ના બેસ્ટ લેવલે જઈ ૧૨.૪ ટકા કે ૨૨૮ રૂપિયા ઊંચકાઈને ૨૦૬૭ થઈ છે. 

ડીબી રિયલ્ટી જેનું નામ બદલાઈને હવે વાલૂર એસ્ટેટ થયું છે, એ સવાછ ટકાની ખરાબીમાં ૨૧૫ની અંદર રહી છે. રિઝર્વ બૅન્ક તરફથી ગોલ્ડ બિઝનેસ પર બૅન મુકાયાની અસરમાં આઇઆઇએફએલ ફાઇનૅન્સ ભારે નાણાભીડમાં ફસાઈ હોવાની ચર્ચા છે. શૅર ગઈ કાલે સાડાત્રણ ટકા ખરડાઈ ૩૮૬ બંધ આવ્યો છે. જેની નૉર્થ ઈસ્ટ બ્રાન્ચમાં વાહન લોનના મામલે ૧૫૦ કરોડ જેવો ફ્રૉડ થતાં પરિણામ માટે બોર્ડ મીટિંગ પાછી ઠેલાઈ હતી એ મહિન્દ્ર ફાઇનૅન્સે ૧૦ ટકાના ઘટાડામાં ૬૧૯ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. ફ્રૉડના કારણે ૧૩૬ કરોડની વન ટઇમ પ્રોવિઝનિંગ કરવી પડી છે. શૅર પોણાત્રણ ટકા જેવો ઘટીને ૨૬૦ નીચે બંધ રહ્યો છે. ઝાયડ્સ લાઇફ સાયન્સ દ્વારા બાયર ઝાયડ્સ ફાર્મા નામની સંયુક્ત સાહસની કંપનીમાંનો હિસ્સો ૨૮૨ કરોડ રૂપિયામાં વેચી નખાયો છે. ઝાયડ્સ લાઇફનો શૅર અઢી ટકા વધીને ૧૦૨૧ બંધ થયો છે. આઇનોક્સ વિન્ડ દ્વારા શૅરદીઠ ત્રણ બોનસની રેકૉર્ડ-ડેટ ૧૮ મે જાહેર કરાઈ છે. ભાવ દોઢ ટકો ઘટીને ૬૦૬ બંધ રહ્યો છે. 


રિઝર્વ બૅન્ક પ્રોજેક્ટ ફાઇનૅન્સનાં ધોરણો કડક બનાવવા સક્રિય 
રિઝર્વ બૅન્ક તરફથી પ્રોજેક્ટ ફાઇનૅન્સને લગતાં ધોરણો કડક બનાવવાની હિલચાલ શરૂ થઈ છે. આ વિશે નવી ગાઇડલાઇન્સનો ડ્રાફ્ટ જારી કરાયો છે, જે અમલી બને તો કન્સ્ટ્રક્શનના તબક્કામાં છે એવા તમામ પ્રોજેક્ટ્સને જે લોન અપાઈ ચૂકી છે અને નવી જે કોઈ લોન અપાય એ બદલ બૅન્કો તથા અન્ય નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓએ પાંચ ટકાની જનરલ પ્રોવિઝન કરવી પડશે. આના કારણે પ્રોજેક્ટ ફાઇનૅન્સનો બિઝનેસ લોન આપનાર માટે પ્રમાણમાં ઓછો વળતરદાયી બનશે. આ હિલચાલના પગલે ગઈ કાલે પાવર ફાઇનૅન્સ કૉર્પોરેશન ચાર ગણા કામકાજે નીચામાં ૪૨૧ થઈ નવ ટકા લથડી ૪૩૭, આરઈસી લિમિટેડ ૪૯૭ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૭.૪ ટકા ખરડાઈને ૫૧૭, ઇરેડા લિમિટેડ નીચામાં ૧૬૭ થઈ ચાર ટકા બગડી ૧૭૨ હતી. હૂડકો અઢી ટકા કટ થઈ છે. 

બૅન્કિંગમાં ૪૧માંથી ૩૩ શૅર ડૂલ થયા છે. ૧૨માંથી ૧૨ સરકારી બૅન્કો માઇનસ થઈ છે. પીએનબી સાડાછ ટકા, કૅનેરા બૅન્ક ૫.૪ ટકા, યુનિયન બૅન્ક ૩.૧ ટકા, બૅન્ક ઑફ બરોડા ૩.૭ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા અઢી ટકા, સ્ટેટ બૅન્ક ૨.૯ ટકા ઘટીને બંધ હતી. અન્ય બૅન્કોમાં કરૂર વૈશ્ય બૅન્ક ૩.૭ ટકા, જેકે બૅન્ક ૩.૧ ટકા, સીએસબી બૅન્ક પોણાત્રણ ટકા, આરબીએલ બૅન્ક ૩.૫ ટકા, જન સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક ૬.૨ ટકા, સૂર્યોદય બૅન્ક ૪.૮ ટકા ડાઉન થઈ મોખરે હતી. એલઆઇસી નીચામાં ૯૩૦ થઈ ૪.૬ ટકાની ખરાબીમાં ૯૩૪ રહી છે. 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅર ઘટવા છતાં ૨૮ પૉઇન્ટ જ ઘટ્યો છે, જે માટે મુખ્યત્વે કોટક બૅન્કની તેજી સહાયક બની છે. એચડીએફસી બૅન્ક, ઍક્સિસ બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, ઇન્ડ્સઇન્ડ બૅન્ક જેવી ફ્રન્ટલાઇન જાતો પણ અડધાથી એકાદ ટકો પ્લસ હતી. સામે પીએસયુ બૅન્ક નિફ્ટી ૩.૨ ટકા તૂટ્યો છે. ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૫૦માંથી ૧૧૯ શૅર રેડ ઝોનમાં નવા છતાં ફક્ત ૬૫ પૉઇન્ટ જ ઘટ્યો એ પણ બહુધા ઉપરોક્ત હેવીવેઇટ્સની હૂંફનું પરિણામ છે. ફાઇનૅન્સ સેગમેન્ટમાં દૌલત અલ્ગોટેક ૧૩૭ના શિખરે જઈ ૧૬ ટકાના ઉછાળે ૧૩૪ થયો છે. ટ્રુકૅપ ફાઇનૅન્સ ત્રણેક ટકા મજબૂત હતી. સેન્ટ્રલ કૅપિટલ ૭ ટકા ઊછળી છે. 

એનએસઈ લિમિટેડમાં એક શૅરદીઠ ચાર શૅરનું ઉદાર બોનસ 
એનએસઈ (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ) દ્વારા બહેતર પરિણામ સાથે એક શૅરદીઠ ૪ શૅરનું ઉદાર બોનસ તથા ગત વર્ષ માટે શૅરદીઠ ૯૦ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર થયું છે, જેની અસરમાં અનલિસ્ટેડ માર્કેટમાં શૅરનો ભાવ વધીને ૫૭૦૦ બોલાયો છે. ફેસવૅલ્યુ એકની છે. કંપનીએ માર્ચ ક્વૉર્ટરમાં ૩૪ ટકાના વધારામાં ૪૫૨૫ કરોડની ઑપરેટિંગ ઇન્કમ પર ૨૦ ટકાના વૃદ્ધિદરથી ૨૪૮૮ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. સમગ્ર વર્ષમાં નેટ પ્રૉફિટ એક અબજ ડૉલર કે ૮૩૦૬ કરોડ રૂપિયા નોંધાયો છે. વર્ષ દરમ્યાન કંપનીનો કુલ ખર્ચ ૯૦ ટકા વધી ૫૩૫૦ કરોડ થયો છે એ પણ સૂચક છે. અગાઉ એણે ડિસેમ્બર ૨૦૧૬માં ૧૦ શૅરદીઠ એકનું બોનસ જાહેર કર્યું હતું, જે મેઇડન બોનસ હતું. એનએસઈના કારણે સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅકશન ટૅક્સ, ઇન્કમ ટૅક્સ, સ્ટૅમ્પ ડ્યુટી, જીએસટી પેટે સરકારની તિજોરીને ગયા વર્ષે ૪૩,૫૧૪ કરોડની આવક થઈ છે. સેબીને એના ચાર્જિસ પેટે ૧૧૫૭ કરોડ મળ્યા છે. શૅરદીઠ કમાણી અગાઉના વર્ષના ૧૪૯ રૂપિયાથી વધી ગયા વર્ષે ૧૬૮ રૂપિયા નજીક જોવાઈ છે. 

દરમ્યાન બીએસઈનો શૅર ગઈ કાલે ૨૮૭૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ નીચામાં ૨૭૭૫ થઈ નજીવા ઘટાડામાં ૨૮૪૫ રહ્યો છે. પરિણામ આજે મંગળવારે આવવાના છે. એની ૧૫ ટકા માલિકીની સબસિડિયરી સીડીએસએલ દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં બમણા વૃદ્ધિદરથી ૧૨૯ કરોડ કન્સોલિડેટેડ નેટ પ્રૉફિટ હાંસલ કરી ત્રણ રૂપિયાના સ્પેશ્યલ સહિત કુલ ૨૨ રૂપિયાનું શૅરદીઠ ડિવિડન્ડ જાહેર કરાયું છે. શૅર ૨૧૯૯ની ઑલટાઇમ હાઈ બનાવી ૩.૨ ટકાની મજબૂતીમાં ૨૧૪૬ થયો છે. એમસીએક્સ પાંખા વૉલ્યુમમાં ૩૯૫૨ની ઇન્ટ્રા-ડે બૉટમથી ૪૧૦૧ વટાવી છેલ્લે અડધો ટકો સુધરી ૪૦૩૦ રહ્યો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 06:20 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK