મુથૂટ ફાઇનૅન્સ નવા શિખર સાથે લાખેણી કંપની બની, મણપ્પુરમ ફાઇનૅન્સમાં પણ નવી ટૉપ : ઇલેક્ટ્રિસિટી ડેરિવેટિવ્ઝ માટે સેબીની મંજૂરી મળતાં MCX ૫૩૬ રૂપિયાની તેજીમાં
પ્રતીકાત્મક તસવીર
મુથૂટ ફાઇનૅન્સ નવા શિખર સાથે લાખેણી કંપની બની, મણપ્પુરમ ફાઇનૅન્સમાં પણ નવી ટૉપ : ઇલેક્ટ્રિસિટી ડેરિવેટિવ્ઝ માટે સેબીની મંજૂરી મળતાં MCX ૫૩૬ રૂપિયાની તેજીમાં ઑલટાઇમ હાઈ, BSE લિમિટેડ પણ નવા બેસ્ટ લેવલે : અનિલના સારા દિવસ, રિલાયન્સ ઇન્ફ્રા અને રિલાયન્સ પાવર સાતથી સાડાસાત વર્ષના નવા શિખરે : ફૂડ ડિલિવરી બિઝનેસમાં રૅપિડોની હરીફાઈ આવતાં ઍટર્નલ અને સ્વિગીમાં નરમાઈ : હ્યુન્દાઇ સતત ચોથા દિવસની આગેકૂચમાં નવી ઊંચી સપાટીએ
રિઝર્વ બૅન્કની જલસા કર ધિરાણનીતિના પગલે બૅન્કિંગ અને ફાઇનૅન્સની મજબૂતી આગળ વધી છે. સેન્સેક્સ આગલા બંધથી ૩૮૫ પૉઇન્ટ ઉપર, ૮૨,૫૭૪ ખૂલી છેવટે ૨૫૬ પૉઇન્ટની આગેકૂચમાં ૮૨,૪૪૫ તથા નિફ્ટી ૧૦૦ પૉઇન્ટ વધીને ૨૫,૧૦૩ સોમવારે બંધ રહ્યો છે. શૅરઆંક આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં હતો. વધઘટની સાંકડી રેન્જમાં સેન્સેક્સ ઉપરમાં ૮૨,૬૬૯ અને નીચામાં ૮૨,૩૬૯ દેખાયો હતો. સેન્સેક્સ નિફ્ટીની સાધારણ આગેકૂચ સામે બન્ને બજારનાં લગભગ તમામ સેક્ટોરલ પ્લસ હતાં. રિયલ્ટી નામપૂરતો ઘટ્યો છે. યુટિલિટીઝ બેન્ચમાર્ક ૧.૭ ટકા, પાવર ઇન્ડેક્સ ૧.૪ ટકા, આઇટી ઇન્ડેક્સ એક ટકો, ઑઇલ-ગૅસ એક ટકાથી વધુ, એનર્જી બેન્ચમાર્ક એક ટકા નજીક, પીએસયુ બૅન્ક નિફ્ટી દોઢ ટકો, કૅપિટલ ગુડ્સ પોણો ટકો વધ્યો છે. ડિફેન્સ બેન્ચમાર્ક બીજા દિવસની કમજોરીમાં ૧૮માંથી ૧૨ શૅરના ઘટાડામાં સાધારણ ઢીલો થયો છે. સ્મૉલકૅપ સવા ટકા નજીક, મિડકૅપ એક ટકાથી વધુ તો બ્રૉડર માર્કેટ પોણા ટકા નજીક અપ હતું. સરવાળે ખાસ્સી સ્ટ્રોન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૨૦૬૬ શૅરની સામે ૯૦૪ કાઉન્ટર્સ નરમ હતાં. બજારનું માર્કેટકૅપ ૩.૮૫ લાખ કરોડ વધીને હવે ૪૫૪.૯૮ લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે.
ADVERTISEMENT
બુલરનમાં BSE લિમિટેડ ૩૦૨૫ નજીક નવી ઑલટાઇમ હાઈ બનાવી બે ટકા ઊંચકાઈ ૨૯૯૪ બંધ આવ્યો છે. MCXને ઇલેક્ટ્રિસિટી ડેરિવેટિવ્ઝ શરૂ કરવાની સેબીએ મંજુરી આપી છે. એના પગલે ભાવ ૪ ગણા કામકાજમાં ૭૯૮૧ની નવી ઑલટાઇમ હાઈ બનાવી સવાસાત ટકા કે ૫૩૬ રૂપિયાની તેજીમાં ૭૯૫૫ બંધ આવ્યો છે. શૅર વર્ષ પૂર્વે ૩૪૬૫ હતો. ચાઇના તરફથી રેર મિનરલ્સની નિકાસ પર ભારે અંકુશ લગાવાયો છે. આના લીધે ઘરઆંગણે ઑટો ઉત્પાદકોની હાલત ખરાબ થવા માંડી છે. વૈકલ્પિક સપ્લાયની ગોઠવણ નહીં થાય તો એકાદ મહિનામાં ઉત્પાદન ઠપ થવા માંડશે. જોકે ઑટો ઇન્ડેક્સ ૧૮માંથી ૧૩ શૅરના સથવારે ગઈ કાલે અડધો ટકો વધ્યો છે. ફૂડ ડિલિવરી બિઝનેસમાં રૅપિડોએ ઝંપલાવ્યું છે એના પગલે ઝોમાટોવાળી ઍટર્નલ અને સ્વિગીના શૅર ગઈ કાલે ડાઉન થયા છે. અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ સપ્ટેમ્બર ૨૦૧૮ પછીની નવી ઊંચી સપાટીએ ૩૯૦ થઈ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ત્યાં જ બંધ આવી છે તો રિલાયન્સ પાવર ૨૦૧૮ની ૧ જાન્યુઆરી પછીના બેસ્ટ લેવલે, ૬૫ નજીક જઈ પોણાપાંચ ટકા ઊચકાઈ ૬૪.૫૫ બંધ થઈ છે. રિલાયન્સ પાવર છેલ્લા એક મહિનામાં ૬૭ ટકા અને એક વર્ષમાં ૧૫૮ ટકા તથા રિલાયન્સ ઇન્ફ્રા એક માસમાં ૬૬.૪ ટકા અને એક વર્ષમાં ૧૩૩ ટકા વધી ગયા છે. અનિલના બુરા દિવસ પૂરા થયા લાગે છે.
સપ્તાહનો આરંભ એશિયન બજારો માટે સારો રહ્યો છે. થાઇલૅન્ડ નામપૂરતું નરમ હતું. બાકીનાં તમામ અગ્રણી બજાર વધ્યાં છે. હૉન્ગકૉન્ગ તથા સાઉથ કોરિયા દોઢ ટકાથી વધુ, જપાન એક ટકા નજીક, તાઇવાન અને ઇન્ડોનેશિયા અડધા ટકાથી વધુ, ચાઇના અડધા ટકા નજીક પ્લસ હતું. યુરોપ રનિંગમાં સામાન્યથી અડધા ટકા સુધી ઢીલું હતું. પાકિસ્તાની શૅરબજાર બકરી ઇદની રજામાં હતું. બિટકૉઇન રનિંગમાં પોણાબે ટકા વધીને ૧,૦૭,૬૬૩ ડૉલર દેખાયો છે.
બોનસ તથા શૅર-વિભાજનની રેકૉર્ડ ડેટમાં બજાજ ફાઇનૅન્સ નવી ટોચે
મુકેશ અંબાણી ગ્રુપની જિયો ફાઇનૅન્સમાં ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનની હવા વહેતી થઈ છે. શૅર ગઈ કાલે સાડાત્રણ ટકા વધી ૩૦૪ના બંધમાં નિફ્ટી ખાતે બેસ્ટ ગેઇનર બન્યો છે. આ શૅર સપ્તાહમાં સવાછ ટકા તથા મહિનામાં સાડાબાવીસ ટકા વધી ગયો છે. સેન્સેક્સ ખાતે કોટક મહિન્દ્ર બૅન્ક સવાત્રણ ટકા ઊચકાઈ ૨૧૩૮ના બંધમાં બેસ્ટ ગેઇનર બની બજારને ૮૩ પૉઇન્ટ ફળી છે. બજાજ ફાઇનૅન્સે એક શૅરદીઠ ૪ બોનસ તથા ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનના મામલે ૧૬ જૂનની રેકૉર્ડ ડેટ નક્કી કરી છે. એના પગલે ભાવ પાંચ ગણા કામકાજે ૯૭૮૬ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી અઢી ટકા કે ૨૪૭ રૂપિયા ઊછળી ૯૬૨૦ બંધ થયો છે. બજાજ ફીનસર્વ ૧.૪ ટકા અપ હતી. અન્યમાં ઍક્સિસ બૅન્ક બે ટકા વધી ૧૨૨૦ના બંધમાં બજારને ૬૦ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. પાવર ગ્રીડ તથા ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૬ ટકા, મારુતિ સુઝુકી દોઢ ટકો, ટ્રેન્ટ ૨.૪ ટકા, હીરો મોટોકૉર્પ અને અદાણી એન્ટરપ્રાઇઝ ૧.૯ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૧.૪ ટકા, NTPC અને ગ્રાસીમ સવા ટકો, ONGC, ટીસીએસ, વિપ્રો અને તાતા મોટર્સ એક ટકા આસપાસ પ્લસ હતા. હેવીવેઇટ રિલાયન્સ સામાન્ય સુધારે ૧૪૪૭ રહી છે.
ઍટર્નલ બે ટકા નજીક બગડી ૨૫૭ નજીક તો ICICI બૅન્ક ૧.૭ ટકા ઘટી ૧૪૩૫ના બંધમાં સેન્સેક્સ નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બન્યા છે. ટાઇટન પોણો ટકો અને મહિન્દ્ર અડધો ટકો ડાઉન હતી. લીલાવતી ટ્રસ્ટ તરફથી HDFC બૅન્કના CEO શશીધર જગદીશન સામે ગંભીર નાણાકીય ફ્રોડનો આક્ષેપ મૂકતાં ફરિયાદ કરાઈ છે. HDFC બૅન્ક તરફથી આ તમામ આરોપ મિથ્યા અને બદઇરાદાપૂર્વકના હોવાનું જણાવી લડી લેવાનો નિર્ણય લેવાયો છે. HDFC બૅન્કનો શૅર ગઈ કાલે ૧૯૭૮ ઉપરના આગલા લેવલે ફ્લૅટ રહ્યો છે. સ્ટેટ બૅન્ક પોણો ટકો, લાર્સન પોણા ટકાની નજીક તથા ઇન્ફોસિસ અડધો ટકો સુધરી હતી.
બૅન્ક નિફ્ટી તેમ જ ફાઇનૅન્સ ઇન્ડેક્સ નવા શિખર સાથે મજબૂત
હ્યુન્દાઇ મોટર્સ સતત ચોથા દિવસની આગેકૂચમાં પોણાપાંચ ટકા ઊછળી ૧૯૫૦ બંધ રહી છે. ભાવ ઇન્ટ્રા-ડેમાં એની ૧૯૬૦ની ઇશ્યુ પ્રાઇસની ઉપર, ૧૯૮૬ની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. સ્વિગી પોણાત્રણ ટકા ઘટી છે. રિઝર્વ બૅન્ક ગોલ્ડ લોનનાં ધોરણ ઉદાર બનાવતાં મુથૂટ ફાઇનૅન્સ ૨૫૪૮ નજીક વિક્રમી સપાટી નોંધાવી ચાર ટકાની આગેકૂચ સાથે ૨૫૪૩ બંધ રહેતાં એનું માર્કેટકૅપ ૧.૦૨ લાખ કરોડને આંબી ગયું છે. મુથૂટ કૅપિટલ દોઢ ટકો તથા મુથૂટ માઇક્રોફીન પાંચ ટકા ઝળકી છે. મણપ્પુરમ ફાઇનૅન્સ પણ સાડાત્રણ ગણા કામકાજે ૨૬૭ નજીકની નવી ટૉપ બનાવી સાત ટકાની તેજીમાં ૨૬૫ નજીક સરકી છે. અન્યમાં જે. એમ. ફાઇનૅન્સ પોણાનવ ટકા, આઇઆઇએફએલ ફાઇનૅન્સ આઠ ટકા, અરમાન ફાઇનૅન્સ ૭.૭ ટકા, એડલવાઇઝ સાડાસાત ટકા, ફાઇવસ્ટાર બિઝનેસ સાડાનવ ટકા, SMC ગ્લોબલ ૬.૯ ટકા ઊચકાઈ હતી. કેપ્રિ ગ્લોબલ ૧૦ ગણા વૉલ્યુમે ૧૯.૫ ટકાની છલાંગ મારી ૧૮૧ વટાવી ફાઇનૅન્સ ઇન્ડેક્સના ૧૫૭ શૅરમાંથી વધેલી ૧૩૮ જાતોમાં સૌથી મોખરે હતી. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૨૮૫૬ની નવી ટૉપ બનાવી ૦.૯ ટકા વધી ૧૨૮૨૦ બંધ થયો છે.
બૅન્ક નિફ્ટી ૫૭૦૪૯ની નવી ઑલટાઇમ હાઈ બતાવી ૧૨માંથી ૧૧ શૅરના સથવારે અડધો ટકો વધી ૫૬૮૩૯ બંધ હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરના જોરમાં દોઢ ટકો પ્લસ હતો. બન્કિંગના ૪૧માંથી ૩૭ શૅર વધ્યા હતા. બંધન બૅન્ક સવાસાત ટકા, RBL બૅન્ક પોણાછ ટકા, CSB બૅન્ક સવાપાંચ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ચાર ટકા, જના સ્મૉલ બૅન્ક સવાછ ટકા, ઉત્કર્ષ બૅન્ક છ ટકા, ઇસફ બૅન્ક ૫.૭ ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક સવાચાર ટકા મજબૂત હતી. કોટા ખાતે રિલેશનશિપ મનેજરે ગ્રાહકો સાથે કરોડોનો ફ્રોડ કરતાં ICICI બૅન્ક ૧.૭ ટકા ખરડાઈ બજારને ૧૫૦ પૉઇન્ટ નડી છે. કરૂર વૈશ્ય તથા DCB બૅન્ક સામાન્ય ઘટાડે બંધ હતી. HDFC બૅન્ક યથાવત્ રહી છે.
સચીરોમના SME ઇશ્યુને પ્રથમ દિવસે મજેદાર રિસ્પૉન્સ
ફ્રેગરન્સ ઍન્ડ ફ્લેવર્સ બિઝનેસમાં પ્રવૃત્ત નવી દિલ્હીની સચીરોમ લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૧૦૨ની અપર બૅન્ડવાળો ૬૧૬૨ લાખ રૂપિયાનો NSE SME IPO ગઈ કાલે પ્રથમ દિવસે ખૂલતાંની સાથે એકાદ કલાકમાં જ પૂરો ભરાઈ ગયા બાદ છેવટે કુલ ૭.૩ ગણો છલકાયો છે જેના પગલે પ્રીમિયમ ગ્રે માર્કેટમાં વધીને ૩૦ બોલાયું છે. મંગળવારે, આજે નવી દિલ્હીની જૈનિક પાવર ઍન્ડ કેબલ્સ ૧૦ના શૅરદીઠ ૧૧૦ની અપર બૅન્ડમાં ૫૧૩૦ લાખનો NSE SME ઇશ્યુ કરવાની છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ નથી. ત્યાર બાદ ગુરુવારે વેસ્ટ બેંગોલની મોનોલિથીસ ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૧૪૩ની અપર બૅન્ડમાં ૮૨૦૨ લાખ રૂપિયાનો NSE SME ઇશ્યુ કરશે. મેઇન બોર્ડમાં શુક્રવારે, ૧૩ જૂનના રોજ હરિયાણાની ઓસવાલ પમ્પ્સ આશરે ૧૪૦૦ કરોડનું ભરણું લાવવાની છે. ફેસવૅલ્યુ એક રૂપિયાની છે. પ્રાઇસ બૅન્ડ તેમ જ ઇશ્યુની સાઇઝ આ લખાય છે ત્યાં સુધી નક્કી થયા નથી, પરંતુ ગ્રે માર્કેટમાં ૩૩થી શરૂ થયેલુ પ્રીમિયમ વધી હાલ ૪૨ જેવું સંભળાય છે. ગંગા બાથ ફિટિંગ્સનું લિસ્ટિંગ બુધવારે થવા સંભવ છે.
દરમ્યાન અનલિસ્ટેડ માર્કેટમાં હાલ HDFC બૅન્કની સબસિડિયરી HDB ફાઇનૅન્શ્યલ સર્વિસિસ ૧૨૪૫ના લેવલે યથાવત્ છે. NSEનો શૅર અત્યારે અનલિસ્ટેડ માર્કેટમાં ૨૩૩૩ના શિખરે છે. વિક્રમ સોલર સુધારાની ચાલમાં ૪૫૦ થઈ ગયો છે. જ્યારે NSDL વધીને ૧૨૦૫ બોલાયો છે. મહિના પૂર્વે ભાવ ૯૯૯ હતો. હીરો ફીનકૉર્પ ૧૭૦૦ નજીક સરક્યો છે. ૨૩ મેએ રેટ ૧૩૨૫નો હતો.
તાજેતરમાં ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થયેલી બરોડાની થ્રી-બી ફિલ્મ્સ ગઈ કાલે પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૪૩.૭૮ બતાવી ત્યાં જ બંધ થઈ છે. પ્રોસ્ટાર્મ ઇન્ફો ૧૦૯ની વર્સ્ટ બૉટમ દેખાડી ઉપરમાં ૧૧૮ બતાવી ૪ ટકા વધીને ૧૧૭ હતી. શ્લોષ બૅન્ગલોર અર્થાત્ લીલા હોટેલ અડધો ટકો સુધરીને ૪૩૪ તથા એજીસ વોપેક ટર્મિનલ્સ નહીંવત વધીને ૨૫૭ બંધ રહી છે.

