૬૨,૦૦૦ના સેન્સેક્સને માર્કેટનો ભાર લાગતો હોય એમ એ સપાટીએ પહોંચ્યા બાદ બજાર પાછું વળવાનું શરૂ કરી દે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર
૬૨,૦૦૦ના સેન્સેક્સને માર્કેટનો ભાર લાગતો હોય એમ એ સપાટીએ પહોંચ્યા બાદ બજાર પાછું વળવાનું શરૂ કરી દે છે. સંજોગો પણ એને આ પીછેહઠ માટે સહયોગ આપે છે. માનો કે ન માનો બજારને હાલ તો ગ્લોબલ ઘટનાઓ જ વધુ નડે છે. જોકે સ્થાનિક આર્થિક ઘટનાઓ માર્કેટને બૂસ્ટ આપવાનું કામ કરી રહી છે. આવામાં ઊંચામાં પ્રૉફિટ બુક કરવાનો અને નીચામાં ખરીદવાનો સાર નીકળે
રીટેલ ઇન્ફ્લેશન લાંબા સમય બાદ પાંચ ટકાની સપાટીથી નીચે જવાની ખુશીમાં શૅરબજાર સોમવારે પૉઝિટિવ ખૂલવાની ધારણા હતી, એમ જ થયું. એમાં વળી તાતા મોટર્સ સહિત કેટલીક અગ્રણી કંપનીઓનાં પરિણામ પ્રોત્સાહક આવ્યાં હતાં તેમ જ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જુલાઈ-૨૨ બાદ પહેલી વાર નેગેટિવ ટેરિટરીમાં ગયો હતો, અર્થાત્ હોલસેલ ભાવાંક નોંધપાત્ર નીચે ઊતરીને માઇનસ થઈ ગયો હોવાના સકારાત્મક અહેવાલે માર્કેટને વધુ બહેતર સેન્ટિમેન્ટ પ્રાપ્ત થયું હતું. ભારતની ટ્રેડ ડેફિસિટમાં પણ ઉલ્લેખનીય ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ ૩૧૮ પૉઇન્ટ અને નિફ્ટી ૮૪ પૉઇન્ટ વધીને બંધ રહ્યાં હતાં. આમ તો માર્કેટ વધુ ઊંચકાયું હતું, જેમાં પ્રૉફિટ બુકિંગને પગલે થોડું કરેક્શન આવ્યું હતું. મજાની વાત એ ખરી કે એફઆઇઆઇની નેટ લેવાલીનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. મે મહિનાના ૧૫ દિવસમાં એફઆઇઆઇની ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની ખરીદી રહી હતી. સોમવારે બૅન્ક નિફ્ટી ૪૪ હજાર ઉપર બંધ આવીને ઑલટાઇમ હાઈ રહ્યો હતો. મંગળવારે માર્કેટે સાધારણ કરેક્શન સાથે આરંભ કર્યો હતો, પણ સ્મૉલ-મિડકૅપ સ્ટૉક્સમાં કરન્ટ જોવાયો હતો. જોકે ૬૨ હજારના સેન્સેક્સના વજનને ઉપાડવા હાલ બજાર સજ્જ નથી, અર્થાત્ કરેક્શનની ભાવિ સંભાવના જણાતાં માર્કેટમાં પ્રૉફિટ બુકિંગ આવ્યું હતું અને હેવી વેઇટ સ્ટૉક્સ સાથે સેન્સેક્સ ૪૧૩ પૉઇન્ટ અને નિફ્ટી ૧૧૨ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યાં હતાં.
બુધવારે પણ બજારે કરેક્શનથી શરૂઆત કરી હતી, યુએસનાં ઊંચાં કરજ અને એની મર્યાદા વિશે ચાલી રહેલી ચર્ચાની ચિંતામાં યુએસમાં સેન્ટિમેન્ટ ડાઉન થવાથી વેચવાલી હતી. આમ પણ બજાર ગણતરીના દિવસોમાં એકધારું વધી ગયું હોવાથી માર્કેટને એની સપાટી ડાઇજેસ્ટ થતી નહોતી, પરિણામે નફો ઘરમાં લેવાનું મુનાસિબ લાગતાં બજારે કરેક્શનનાં દર્શન કરાવ્યાં હતાં. સેન્સેક્સ પાંચસો પૉઇન્ટથી વધુ ઘટ્યા બાદ અંતમાં ૩૭૧ પૉઇન્ટ માઇનસ અને નિફ્ટી ૧૦૪ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યાં હતાં. આ સાથે આગલા સુધારાનું ધોવાણ થઈ ગયું હતું. ઇન શૉર્ટ, યે શૅરબજાર હૈ, કુછ ભી હો શકતા હૈ. બે દિવસ સતત કરેક્શન બાદ ગુરુવારે બજારનો આરંભ રિકવરી સાથે થયો, પરંતુ પછીથી વધઘટ બાદ અંતમાં માર્કેટ માઇનસ બંધ રહ્યું હતું. સેન્સેક્સ ૧૨૯ પૉઇન્ટ અને નિફ્ટી ૫૧ પૉઇન્ટ નીચે બંધ રહ્યાં હતાં. જોકે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનાં પરિણામ જબરદસ્ત પ્રોત્સાહક રહ્યાં હતાં. શુક્રવારે માર્કેટે ફ્લૅટ શરૂ થયા બાદ પૉઝિટિવ ટર્ન લીધો હતો. એટલું જ નહીં, એ રિકવર થઈને સેન્સેક્સ ૨૯૮ પૉઇન્ટ અને નિફ્ટી ૭૩ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યાં હતાં.
યુએસના વિપરીત સંજોગો વચ્ચે પણ આપણું માર્કેટ બુલિશ રહેવાનાં કારણોમાં એફઆઇઆઇની લેવાલી-આકર્ષણ તેમ જ સ્થાનિક મજબૂત આર્થિક ડેટા કામ કરી રહ્યા છે. અલબત્ત, શુક્રવારે એફઆઇઆઇનું નજીવા નેટ વેચાણ સામે સ્થાનિક ફન્ડ્સની ઊંચી ખરીદી રહી હતી. દરમ્યાન રિઝર્વ બૅન્કે ૮૭ હજાર કરોડ રૂપિયા જેવી જંગી રકમ કેન્દ્રને ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી હતી, જે કેન્દ્રને ફિસ્કલ ડેફિસિટ હળવી કરવામાં સહાયરૂપ થશે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપમાં કૃત્રિમ ભાવોની વધઘટ થઈ નહીં હોવાનું જણાવીને એને ક્લીન ચીટ આપતાં અદાણી ગ્રુપના સ્ટૉક્સને કરન્ટ મળવાની આશા જાગી છે. બાકી શૉર્ટ ટર્મમાં માર્કેટમાં વૉલેટિલિટી ચાલ્યા કરે એવા સંકેત છે. બજારને યુએસ તેમ જ સ્થાનિક બન્ને સ્તરે હજી વધુ મજબૂત આર્થિક ડેટાના ટ્રિગરની જરૂર છે.
રીટેલ રોકાણકારોની પીછેહઠ
આમ તો બજારમાં તેજીનો ટ્રેન્ડ છે, જેમાં સેન્સેક્સ પુનઃ ઊંચા લેવલ પર જવા લાગ્યો છે એમ છતાં રીટેલ રોકાણકારોની સામેલગીરી ઘટી રહી છે. ખાસ કરીને આ એપ્રિલમાં માત્ર ૬૭ લાખ યુનિક રીટેલ રોકાણકારોએ બજારમાં ભાગ લીધો હતો, જયારે આ મહિનામાં ડિમેટ અકાઉન્ટસની સંખ્યામાં ઉછાળો નોંધાયો છે. અભ્યાસ કહે છે કે સ્મૉલ અને મિડકૅપ સ્ટૉક્સમાં લૉસ કરતા નાના રોકાણકારો બજારથી દૂર થઈને ફિક્સડ્ ઍસેટસ તરફ વળ્યા છે, જયાં એફડીના વ્યાજદર વધ્યા છે. ૧૧ કરોડથી વધુ ડિમેટ અકાઉન્ટસની સંખ્યા સામે માત્ર ૬૭ લાખ ઇન્વેસ્ટર્સની સામેલગીરી માત્ર પાંચેક ટકા જેવી ગણાય. યુનિક ઇન્વેસ્ટર્સની વ્યાખ્યા મુજબ તેમને પૅન નંબર આધારિત ગણતરીમાં લેવામાં આવે છે, અર્થાત, એક જ રોકાણકારનાં એકથી વધુ ડિમેટ અકાઉન્ટ્સ હોય તો એના કરાયેલા સોદામાંથી એકને જ ગણતરીમાં લેવાય છે. આવા જ હાલ મ્યુચ્યુઅલ ફન્ડના એસઆઇપી (સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન)માં પણ જોવાયા છે. એપ્રિલમાં આ પ્લાનમાં રોકાણકારોના ફન્ડનો પ્રવાહ નોંધપાત્ર નીચે ગયો છે. એક અંદાજ મુજબ રોકાણકારોએ પ્રૉફિટ બુકિંગનો માર્ગ પસંદ કર્યો હોવાનું જણાય છે તેમ જ વર્તમાન સંજોગોમાં વેઇટ ઍન્ડ વૉચનો અભિગમ રાખ્યો હોવો જોઈએ.
તો કરેક્શન પણ ઝડપી આવી શકે
શું માર્કેટનું આ બુલિશ મોમેન્ટ, ખાસ કરીને બૅન્ક નિફ્ટીનો ટ્રેન્ડ ચાલુ રહેશે? એવા સવાલના જવાબમાં નિષ્ણાતો શું કહે છે એ જોઈએ. એસબીઆઇ સિક્યૉરિટીઝના સુદીપ શાહના મતે હાલ બધા ઇન્ડેકસ ઊંચા ચાલી રહ્યા છે. તેમની ચાલ ભાવિ મોમેન્ટમ માટે આશાવાદ દર્શાવે છે. આ સમય મોટાં કરેક્શનમાં ખરીદીનો કહી શકાય. સારા સ્ટૉક્સમાં આ તક ઉપાડી લેવી જોઈએ. રેલિગેર બ્રોકિંગના સિદ્ધાર્થ ભમરેના અભિપ્રાય મુજબ બૅન્ક નિફ્ટી લાંબો સમય તેજીમાં રહેશે નહીં, જયારે ઍક્સિસ સિક્યૉરિટીઝના રાજેશ પાલવિયાના મતે બૅન્ક નિફ્ટી માટે ૪૩,૦૦૦-૪૨,૫૦૦ને મજબૂત સપોર્ટ છે. આ રૅલી ૪૪,૫૦૦-૪૫,૦૦૦ સુધી જઈ શકે છે. આઇસીઆઇસીઆઇ સિક્યૉરિટીઝના ધર્મેશ શાહના મંતવ્ય અનુસાર બૅન્ક નિફ્ટીએ સાત સપ્તાહમાં ૫૫૦૦ પૉઇન્ટની વૃદ્ધિ નોંધાવી દીધી છે, હવે એને રેસ્ટ જોઈશે. આ તબક્કે પ્રૉફિટ બુકિંગ જરૂરી ગણાય અને નીચામાં પુનઃ ખરીદી કરાય. ઇન શૉર્ટ, ઓવરઑલ માર્કેટ માટે એકંદર મત એવો બને છે કે અત્યારની માર્કેટ હાઈ લેવલે રેઝિસ્ટન્સ ઊભું કરશે. માર્કેટની પાછળ ઘેલા થવાને બદલે હાલ સાવચેત થવાની આવશ્યકતા છે. કોઈ પણ ગંભીર સમાચાર કે ક્રાઇસિસ (જે યુએસમાં બનવાની શક્યતા છે) આવી પડશે તો માર્કેટમાં કરેક્શન પણ ભારે અને ઝડપી ગતિએ આવી શકે છે એ યાદ રાખવું જોઈશે.
મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત
સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગના કેસની તપાસનો રિપોર્ટ સુપરત કરવા વધુ ત્રણ મહિનાનો સમય મંજૂર કર્યો છે. ઍમેઝૉન ગ્રુપની ઍમેઝૉન વેબ સર્વિસિસ ભારતમાં આગામી સાત વરસમાં આશરે ૧૨.૭ અબજ ડૉલર જેટલું રોકાણ કરવાની યોજના ધરાવે છે. કંપનીનું ભારતમાં ઇનોવેટિવ ડિજિટલ પબ્લિક ગુડ્સ બનાવીને નિકાસ કરવાનું લક્ષ્ય છે. કેન્દ્રિય કૅબિનેટે આઇટી હાર્ડવેર માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ્સ (પીએલઆઇ) મંજૂર કરી છે, જેની પાછળ સરકાર ૧૭ હજાર કરોડ રૂપિયા ફાળવશે. ઇન્સાઇડર ટ્રેડિંગના નિયમ વધુ સખત બનાવવા સેબી પ્રાઇસ સેન્સિટિવ ઇન્ફર્મેશનની વ્યાખ્યામાં ફેરફાર કરવા માગે છે.