Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આઇટીની આગેવાની હેઠળ શૅરબજારમાં નરમાઈની હૅટ-ટ્રિકને બ્રેક લાગી, અદાણી ગ્રુપના શૅરો મજબૂત

આઇટીની આગેવાની હેઠળ શૅરબજારમાં નરમાઈની હૅટ-ટ્રિકને બ્રેક લાગી, અદાણી ગ્રુપના શૅરો મજબૂત

20 May, 2023 03:27 PM IST | Mumbai
Anil Patel

અદાણીના દસેદસ શૅર જોરમાં, અદાણી ટોટલ નવા તળિયે જઈને બાઉન્સબૅક થયો

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


રેમસ ફાર્માનો ૧૨૨૯ની વિક્રમી પ્રાઇસવાળો એસએમઈ ઇશ્યુ ૫૭ ગણો છલકાઈ જતાં ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઊછળીને ૩૦૦ રૂપિયા થયું : શૅરદીઠ ૫૪ના ભાવવાળો ક્રિશ્કા સ્ટ્રેપિંગ ૩૩૬ ગણો ભરાઈ જતાં પ્રીમિયમ વધીને ૭૫ થયાં : અદાણીના દસેદસ શૅર જોરમાં, અદાણી ટોટલ નવા તળિયે જઈને બાઉન્સબૅક થયો : સારાં પરિણામ પાછળ રિફેક્સ ઇન્ડ. ૨૦ ટકાની તેજી સાથે નવા શિખરે, ખોટમાંથી નફામાં આવેલી ઇન્ડિગોનો શૅર મૂડલેસ રહ્યો : શુગર શૅરોમાં આકર્ષણ, સિમેન્સમાં ૧૨૩ રૂપિયાની નબળાઈ : બજારમાં સુધારા વચ્ચે માર્કેટ બ્રેડ્થમાં કમજોરી યથાવત્ 

એશિયન બજારો શુક્રવારે બહુધા મિશ્ર વલણમાં જોવાયાં છે. ચાઇનીઝ રિકવરી ઢીલી પડતાં હૉન્ગકૉન્ગ દોઢ ટકા ખરડાયું છે, તો થાઇલૅન્ડ અને ચાઇના પોણો ટકા નજીક નરમ હતા. બુલ-રનમાં જૅપનીઝ નિક્કી ૩૧ ભણી સરકતાં ૩૦૯૨૪ની ઑગસ્ટ ૧૯૯૦ પછીની નવી ટૉપ બનાવી પોણા ટકાની આગેકૂચમાં ૩૦૮૦૮ થયો છે. આ સતત સાતમા દિવસની આગેકૂચ છે. સાઉથ કોરિયા ૦.૯ ટકા, તો ઇન્ડોનેશિયા, સિંગાપોર અને તાઇવાન અડધા આસપાસ પ્લસ હતા. યુરોપ સુધારાને આગળ ધપાવતાં રનિંગમાં અડધો-પોણો ટકો ઉપર દેખાયું છે.



ઘરઆંગણે નરમાઈની હૅટ ટ્રિક બાદ સેન્સેક્સ સવાસો પૉઇન્ટ જેવા પૉઝિટિવ ઓપનિંગ બાદ ૨૯૮ પૉઇન્ટ વધીને ૬૧૭૩૦ બંધ થયો છે. બજાર બેતરફી વધ-ઘટમાં નીચામાં ૬૧૨૫૨ અને ઉપરમાં ૬૧૭૮૫ થયું હતું. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૨૯૮ પૉઇન્ટ અને નિફ્ટી ૧૧૧ પૉઇન્ટ ઘટ્યા છે. બજારની અડધા ટકાની આ નરમાઈ સામે ટેલિકૉમ ઇન્ડેક્સ ૧૧.૩ ટકા, કૉમોડિટી ઇન્ડેક્સ સાત ટકા, પીએસયુ ઇન્ડેક્સ સવા ટકો અને સ્મૉલકૅપ બેન્ચ માર્ક એક ટકો વધ્યા છે. બૅન્ક નિફ્ટી ૧૭૬ પૉઇન્ટ કે ૦.૪ ટકા જેવો મામૂલી વધ્યો છે, પરંતુ બીએસઈનો ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૫.૭ ટકા તૂટ્યો છે. નિફ્ટી ફાર્મા ત્રણ ટકા, નિફ્ટી મીડિયા બે ટકા તો પાવર અને યુટિલિટી બેન્ચમાર્ક પોણાબે કે બે ટકા બગડ્યા છે. બજારના બહુમતી ઇન્ડાઇસિસ ગઈ કાલે વધ્યા હતા. અમેરિકા ખાતે નૅસ્ડૅક દોઢ ટકો વધીને આવતાં ઘરઆંગણે આઇટી અને ટેક્નૉલૉજી બેન્ચમાર્ક સવા-દોઢ ટકો મજબૂત થયા છે. નિફ્ટી ફાર્મા, ઑઇલ-ગૅસ, હેલ્થકૅર જેવાં સેક્ટોરલ સામાન્યથી એકાદ ટકો નજીક ઢીલા થયા છે. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી છે. એનએસઈમાં ૮૮૯ શૅર પ્લસ તો સામે ૧૧૫૨ કાઉન્ટર ડાઉન હતાં.


નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટના આરઈઆઇટી યુનિટ્સ ૧૦૦ની ઇશ્યુ પ્રાઇસ સામે લિસ્ટિંગમાં ૧૦૨ ઉપર ખૂલી ૧૦૫ નજીક જઈ અંતે ૧૦૪ જેવો બંધ થયો છે. ક્રિશ્કા સ્ટ્રેપિંગનો ૧૦ના શૅરદીઠ ૫૪ના ભાવનો ૧૭૯૩ લાખ રૂપિયાનો એસએમઈ ઇશ્યુ રીટેલમાં ૫૭૩ ગણા જબ્બર રિસ્પૉન્સમાં કુલ ૩૩૬ ગણો ભરાઈને પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઊછળીને ૭૫ થયું છે, જ્યારે અમદાવાદી રેમસ ફાર્માનું ૧૦ના શૅરદીઠ ૧૨૨૯ની વિક્રમી ઇશ્યુ પ્રાઇસવાલું ૪૭૬૯ લાખનું ભરણું આખરી દિવસે કુલ ૫૭ ગણા પ્રતિસાદ સાથે પૂરું થયું છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ જે ૨૦૦થી ગગડીને ૭૦ થઈ ગયું હતું એ હાલમાં ૩૦૦ આસપાસ હોવાનું જાણવા મળે છે. સબ્જેક્ટ -ટૂમાં ૨૭૦૦૦ જેવા રેટ સંભળાય છે.

અદાણી ટોટલ સવાબે વર્ષના તળિયે જઈ બાઉન્સ થયો, તાતા મોટર્સ લાઇમલાઇટમાં


શુક્રવારે સેન્સેક્સના ૩૦માંથી ૨૨ અને નિફ્ટીના ૫૦માંથી ૨૧ શૅર પ્લસ હતા. તાતા મોટર્સ સરેરાશ કરતાં ૬૦ ટકાના વૉલ્યુમે ૩.૨ ટકા વધી ૫૨૫ થયો છે. ઇન્ફી માંડ ૪૦ ટકાના કામકાજે ૧.૮ ટકાની મજબૂતીમાં ૧૨૬૯ બંધ આપી બજારને સર્વાધિક ૭૩ પૉઇન્ટ ફળ્યો છે. ટેક મહિન્દ્ર સવાબે ટકા, એચસીએલ ટેક્નૉ દોઢ ટકા, વિપ્રો એકાદ ટકો, મહિન્દ્ર સવા ટકો વધ્યા છે. નિફ્ટી ખાતે આ ઉપરાંત અદાણી એન્ટર ૩.૫ ટકા અને અદાણી પોર્ટ્સ ૩.૫ ટકા વધ્યા હતા. અદાણીના અન્ય શૅરમાં અદાણી પાવર ૪.૯ ટકા, અદાણી ટ્રાન્સ ૪.૬ ટકા, અદાણી ગ્રીન ૪.૨ ટકા, અદાણી વિલ્મર ૬.૯ ટકા, એસીસી એક ટકા, અંબુજા સિમેન્ટ્સ સવા ટકો અને એનડીટીવી ૩.૫ ટકા સુધારામાં હતા. અદાણી ટોટલ સતત પાંચમા દિવસે પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૬૩૩ની ૨૬ મહિનાના બૉટમ બાદ ૩ ટકા વધી ૬૮૭ બંધ થયો છે. આ વર્ષે ૨૩ જાન્યુઆરીએ ભાવ ૩૯૯૮ની વિક્રમી સપાટી પર જોવા મળ્યો હતો. રિલાયન્સ સાધારણ સુધારે ૨૪૪૩ રહ્યો છે.

સેન્સેક્સ ખાતે એનટીપીસી, તાતા સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ, ટાઇટન, પાવર ગ્રિડ અડધાથી એક ટકો નરમ હતા. નિફ્ટીમાં તાતા કન્ઝ્‍યુમર દોઢ ટકા, બ્રિટાનિયા ૧.૪ ટકા, ‌ડિવીઝ લૅબ ૧.૮ ટકા, બજાજ ઑટો પોણો ટકા, યુપીએલ પોણો ટકો અને એચડીએફસી લાઇફ ૦.૭ ટકા ડાઉન થયા છે.

રોકડામાં રિફેક્સ ઇન્ડ. પરિણામના પગલે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૪૨૬ના બેસ્ટ લેવલે ગયો હતો. કેઈસી ઇન્ટર. ૧૧.૮ ટકાના ઉછાળે ૫૩૮ બંધમાં એ-ગ્રુપ ખાતે અગ્રેસર હતો. વીરકૃપા જ્વેલરી ૩ શૅરદીઠ ૨ બોનસ અને ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં એક્સ-બોનસ તથા એક્સ-સ્પ્લીટ થતાં ૪.૩ ટકા વધીને ૩.૬૫ રૂપિયા બંધ આવ્યો છે.

નૅસ્ડૅકની હૂંફ મળતાં આઇટી શૅરોમાં વ્યાપક સુધારો જોવા મળ્યો

નૅસ્ડૅકની હૂંફ સાથે ટેક્નિકલ બાઉન્સ બૅકમાં આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૩૭ શૅરના સથવારે ૩૯૦ પૉઇન્ટ કે દોઢ ટકો વધ્યો છે. ફ્રન્ટલાઇનમાં ઇનફી ૧.૮ ટકા, ટેક મહિન્દ્ર ૨.૩ ટકા, વિપ્રો ૦.૯ ટકા, લાટિમ બે ટકા, એચસીએલ ટેક્નૉ દોઢ ટકા, ટીસીએસ ૦.૭ ટકા પ્લસ હતા. ઓરિયન પ્રો ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૬૫૩ના શિખરે ગયો છે. માસ્ટેક ૬ ટકા, બિરલા સૉફ્ટ પાંચ ટકા, ન્યુજેન સૉફ્ટવેર ૫.૬ ટકા, રામકો સિસ્ટમ્સ ૫.૫ ટકા, સિગ્નેટી ૪.૮ ટકા, ડેટામેટિક્સ ૪.૮ ટકા મજબૂત હતા. બ્રાઇટકૉમ પાંચ ટકા બગડ્યો છે. તાતા ઍલેક્સ સાધારણ પરિણામમાં નીચામાં ૬૭૨૦ બતાવી સહેજ વધી ૭૦૨૩ હતો. ઇમુદ્રા ૪૧૫ની નવી ટૉપ દેખાઈ ૪ ટકાની મજબૂતીમાં ૪૦૨ હતો. ટેલિકૉમ સ્પેસમાં ઑનમોબાઇલ ૩.૬ ટકા પ્લસ તો વીંધ્ય ટેલિ ૩.૨ ટકા નરમ હતો. ભારતી ઍરટેલ પોણો ટકો વધ્યો છે. આઇટીના જોરમાં ટેક્નૉલૉજી બેન્ચમાર્ક પણ વધ્યા છે. અત્રે તેજસ નેટ, ઇન્ડસ ટાવર, સ્ટરલાઇટ ટેક્નૉ, ટીવી૧૮ અને સારેગામા એકથી બે ટકા નરમ હતા.

તાતા મોટર્સની આગેવાની સાથે મહિન્દ્ર, અશોક લેલૅન્ડ, મારુતિ સુઝુકી અડધાથી સવા ટકો વધતાં ઑટો બેન્ચમાર્ક ૦.૫ ટકા સુધર્યો છે. હીરોમોટો ૧.૧ ટકા અને બજાજ ઑટો પોણો ટકા નરમ હતા. ઇન્ડિગો ફેમ ઇન્ટર ગ્લોબ એવિયેશને માર્ચ ક્વૉર્ટરમાં ૧૬૮૨ કરોડની લૉસ સામે ૯૧૯ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર જોકે ૨૩૦૮ ખૂલ્યા બાદ પ્રૉફિટ બુકિંગમાં ૨૨૩૦ થઈ અંતે ૨૨૬૪ના લેવલે ફ્લૅટ બંધ આવ્યો છે, તો સ્પાઇસ જેટ સવા ટકો માઇનસ હતો. ટાયર ક્ષેત્રે જેકે ટાયર ચાર ટકા, ઇન્ડાગ રબર ૩.૬ ટકા, બાલક્રિશ્ના ઇન્ડ. ૧.૯ ટકા, ટીવીએસ શ્રીચક્ર સવા ટકા અને એમઆરએફ એક ટકો ડાઉન હતા. ગુડયર પોણો ટકો વધી ૧૨૧૫ થઈ છે.

નફામાં મોટા વધારા છતાં પીએનબી હાઉસિંગ અને ઉજ્જીવન ફાઇ. ડાઉન

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના સુધારામાં ૨૧૭ પૉઇન્ટ વધી ૪૩૯૬૯ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરની નરમાઈ વચ્ચે સાધારણ પ્લસ હતો. ઉદ્યોગના ૩૭માંથી ૧૬ શૅર વધ્યા હતા. સૂર્યોદય બૅન્ક અઢી ટકા વધી ૧૩૨ રહી છે. પીએનબી, આરબીએલ, સિટી યુનિયન, ઍક્સિસ બૅન્ક, કૅનેરા બૅન્ક ઇત્યાદિ જેવાં કાઉન્ટર એકથી દોઢ ટકા સુધર્યાં છે. સામે પંજાબ સિંધ બૅન્ક ૪.૨ ટકા, બંધન બૅન્ક અઢી ટકા, સીએસબી બૅન્ક બે ટકા, આઇડીબીઆઇ બે ટકા, કર્ણાટક બૅન્ક બે ટકા ડાઉન હતા. સ્ટેટ બૅન્ક નજીવા સુધારે ૫૭૫ રહી છે. કોટક બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક અને આઇસીઆઇસીઆઇ બૅન્ક પોણાથી એકાદ ટકો પ્લસ હતા. એચડીએફસી બૅન્ક ફ્લૅટ હતી.

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૬૧ શૅરના સુધારા વચ્ચે ૨૩ પૉઇન્ટ જેવો મામૂલી વધ્યો છે. ઉજ્જીવન ફાઇનૅન્સે આવકમાં ૪૫ ટકાની સામે નફામાં ૯૫ ટકાથી વધુનો તગડો વધારો હાંસલ કર્યો છે, પણ શૅર ૪.૧ ટકા ગગડી ૩૨૦ બંધ આવ્યો છે. યુગ્રો કૅપિટલ ૭.૨ ટકા ઊંચકાઈ ૨૧૪ થઈ છે. મોનાર્ક નેટવર્થનાં પરિણામ ૨૫મીએ છે. શૅર ચાર ટકા વધીને ૨૦૯ હતો. ક્રેડિટ ઍક્સેસ બહેતર રિઝલ્ટ પછીની આગેકૂચમાં ૧૨૩૩ વટાવી ૩.૩ ટકા વધી ૧૨૨૧ની નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો છે. તાતા ઇન્વેસ્ટમેન્ટ ૩.૨ ટકા, જેએમ ફાઇ. ત્રણ ટકા, બેંગાલ ઍન્ડ આસામ કંપની પોણાબે ટકા પ્લસ હતા. પીએનબી હાઉસિંગ ૬૫ ટકાના વધારા સાથે ૨૭૯ કરોડનો ત્રિમાસિક નફો રળ્યા પછી ૩.૩ ટકા ઘટી ૪૬૪ બંધ આવી છે. એલઆઇસી હાઉસિંગ બે દિવસની નબળાઈ બાદ બે ટકા બાઉન્સ બૅક થઈ ૩૭૩ રહી છે.

ગ્લેન્ડ ફાર્માએ હેલ્થકૅર સેગમેન્ટમાં માનસ બગાડ્યું, આઇટીસી જૈસે-થે

હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૦માંથી ૫૯ શૅરના ઘટાડે ૧૩૧ પૉઇન્ટ તો નિફ્ટી ફાર્મા ૨૦માંથી ૧૩ શૅરના ઘટાડે એક ટકા જેવો ડાઉન થયો છે. ગ્લેન્ડ ફાર્માએ આવકમાં ૨૯ ટકાના ઘટાડા સાથે ત્રિમાસિક નફામાં ૭૨ ટકાનો ધબડકો દર્શાવતાં શૅર ૨૦ ગણા કામકાજે ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ૨૬૮ રૂપિયા તૂટીને ૧૦૭૧ના ઐતિહાસિક તળિયે બંધ આવ્યો છે. એની સાથે ડિવીઝ લૅબ, ડૉ. રેડ્ડીઝ લૅબ, અરબિંદો ફાર્મા, ઝાયડ્સ લાઇફ, સનફાર્મા, લુપિન જેવા ચલણી શૅર નરમ રહ્યા છે. સાઇડ કાઉન્ટર્સમાં સસ્તા સુંદર ૬.૭ ટકા, કૃષ્ણા ડાયગ્નોસ્ટિક્સ ૪.૫ ટકા, ગ્લેનમાર્ક ફાર્મા સાડાત્રણ ટકા મજબૂત હતા.

એફએમસીજી ઇન્ડેક્સ ૧૭૫૮૧ના લેવલે ફ્લૅટ હતો, પણ વિશ્વરાજ શુગર ૧૫ ટકા ઊછળી ૧૮ વટાવી ગઈ  છે. આઇટીસી ૪૨૦ના આગલા સ્તરે જૈસે-થે રહ્યો છે. હિન્દુ. યુનિલીવર અડધો ટકો પ્લસ હતો. શુગર ઉદ્યોગના ૩૫માંથી ૨૧ શૅર વધ્યા છે. કૅપિટલ ગુડ્સ ક્ષેત્રે ૨૪માંથી ૧૨ શૅર પ્લસ હતા. લાર્સન નજીવો વધી ૨૧૯૦ થયો છે. સિમેન્સ ૧૨૩ રૂપિયા કે સવાત્રણ ટકા ગગડી ૩૭૦૮ હતો. રોકડાની જાતોમાં શ્રી સ્ટીલ વાયર રોપ્સ ૧૭.૬ ટકાની તેજીમાં ૪૩ ઉપર નવી ટોચે બંધ આવ્યો છે કે સૉલ્વસ ઇન્ડિયા ૯૫૫ની વિક્રમી સપાટી બનાવી ૧૪.૬ ટકા કે ૧૧૬ના ઉછાળે ૯૧૨ થયો છે. હની વેલ ઑટોમેસન ૧૧૪૦ કે ૨.૮ ટકાના ઘટાડે ૩૯૦૧૭ની અંદર ગયો છે.

Whatsapp-channel Whatsapp-channel

20 May, 2023 03:27 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK