Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > છેલ્લા એક સપ્તાહમાં શૅરબજારમાં બીજો ઊથલો, સેન્સેક્સ ૧૦૫૩ પૉઇન્ટ ડાઉન, રોકાણકારોને ૮.૪૨ લાખ કરોડનો ફટકો

છેલ્લા એક સપ્તાહમાં શૅરબજારમાં બીજો ઊથલો, સેન્સેક્સ ૧૦૫૩ પૉઇન્ટ ડાઉન, રોકાણકારોને ૮.૪૨ લાખ કરોડનો ફટકો

Published : 24 January, 2024 06:26 AM | IST | Mumbai
Anil Patel

માથે ઇન્ટરિમ બજેટ વચ્ચે શૅરબજારમાં નરમાઈનો બીજો દોર શરૂ થયો લાગે છે.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ઉપલા મથાળેથી ૧૮૦૫ પૉઇન્ટ પટકાયો : મિડ કૅપ, સ્મૉલ કૅપ, ઑટો, ઑઇલ-ગૅસ, પાવર, યુટિલિટી, એનર્જી, પીએસયુ ઇન્ડેક્સ અને પીએસયુ બૅન્ક નિફ્ટી નવા બેસ્ટ લેવલ બનાવીને બગડ્યા : એક જ દિવસમાં મંદીની ત્રણ સર્કિટ તોડી ઝી એન્ટર ૩૩ ટકા જેવો તૂટ્યો, ગોયેલને હવે ગૌતમબાબુ જ બચાવી શકે

માથે ઇન્ટરિમ બજેટ વચ્ચે શૅરબજારમાં નરમાઈનો બીજો દોર શરૂ થયો લાગે છે. રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામાંથી પરવાર્યા પછી મંગળવારે સેન્સેક્સ આગલા બંધથી ૪૪૫ પૉઇન્ટ જેવો પ્લસમાં, ૭૧,૮૬૮ ખૂલી ૧૦૫૩ પૉઇન્ટના ધબડકામાં ૭૦,૩૭૦ તથા નિફ્ટી ૩૩૩ પૉઇન્ટ તૂટી ૨૧,૨૩૯ બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ શૅર આંક ઉપરમાં ૭૨,૦૩૯ વટાવી ગયો હતો, પરંતુ માર્કેટ ત્યાર પછી લપસણીની ચાલમાં જોવાયું હતું, જેમાં સેન્સેક્સ નીચામાં ૭૦,૨૩૪ થયો હતો, બોલે તો ઇન્ટ્રા-ડે હાઈથી ૧૮૦૫ પૉઇન્ટનું ઊઠમણું થયું. ગઈ કાલે હેલ્થકૅર ઇન્ડેક્સ એક ટકો તથા નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૧.૭ ટકાની મજબૂતી સાથે સામા પ્રવાહે રહી ઑલટાઇમ હાઈ થયા છે. બાકી બધ્ધું લાલ હતું. સેન્સેક્સ નિફ્ટીના દોઢેક ટકાના બગાડ સામે સ્મૉલ કૅપ ઇન્ડેક્સ પોણાત્રણ ટકા કે ૧૨૪૬ પૉઇન્ટ, મિડ કૅપ ત્રણ ટકા કે ૧૧૩૩ પૉઇન્ટ, બ્રૉડર માર્કેટ બે ટકા, ઑટો ઇન્ડેક્સ ૧.૬ ટકા, ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક ૪ ટકા કે ૧૦૦૧ પૉઇન્ટ, પાવર ઇન્ડેક્સ ૧.૭ ટકા, યુટિલિટીઝ ઇન્ડેક્સ બે ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી ૪.૧ ટકા, પીએસયુ ઇન્ડેક્સ સાડાચાર ટકા કે ૭૫૫ પૉઇન્ટ ડૂલ થયા હતા. ઉપરોક્ત તમામ ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડેમાં નવા બેસ્ટ લેવલે ગયા પછી લથડ્યા હતા. આ ઉપરાંત બૅન્ક નિફ્ટી સવાબે ટકા કે ૧૦૪૩ પૉઇન્ટ, નિફ્ટી મીડિયા ૧૨.૯ ટકા, નિફ્ટી મેટલ ૩.૪ ટકા, નિફ્ટી રિયલ્ટી સવાપાંચ ટકા, ફાઇનૅન્સ ઇન્ડેક્સ અઢી ટકા, એનર્જી ઇન્ડેક્સ પોણાચાર ટકા, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૧૪૪૧ પૉઇન્ટ કે અઢી ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બેન્ચમાર્ક બે ટકા કે ૧૦૪૩ પૉઇન્ટ ધોવાયા છે. બજારની ઑલરાઉન્ડ ખુવારીમાં એનએસઈ ખાતે ગઈ કાલે વધેલા ૩૨૨ શૅરની સામે લગભગ છ ગણા ૧૮૭૫ શૅર માઇનસમાં ગયા છે. 

પ્રોવિઝનલ ફીગર પ્રમાણે બજારનું માર્કેટ કૅપ ગઈ કાલે ૮.૪૨ લાખ કરોડ રૂપિયાના ધોવાણમાં ૩૬૫.૯૮ લાખ કરોડની અંદર આવી ગયું છે. બાય ધ વે, ૧૭ જાન્યુઆરીએ ગયા સપ્તાહે સેન્સેક્સમાં ૧૬૨૮ પૉઇન્ટનો દોઢ વર્ષનો મોટો કડાકો બોલાયો ત્યારે માર્કેટ કૅપમાં ૪.૫૯ લાખ કરોડ રૂપિયાનું જ ધોવાણ થયું હતું. મતલબ કે એ ૧૬૨૮ પૉઇન્ટની ખુવારીના મુકાબલે ગઈ કાલનો ૧૦૫૩ પૉઇન્ટનો ધબડકો વધુ ઘાતક નીવડ્યો છે. બીજું, સોમવારે આપણે ત્યાં રજા હતી ત્યારે હૉન્ગકૉન્ગ બજાર ગગડી ૧૪,૭૯૪ની સવા વર્ષની બૉટમ બનાવી ૧૪,૯૬૧ બંધ થયું ત્યારે માર્કેટ કૅપની રીતે એ ભારતથી પાછળ હડસેલાઈ પાંચમા ક્રમે આવી ગયું હતું. એના પગલે પ્રચાર તંત્ર અને સોશ્યલ મીડિયામાં વિશ્વસ્તરે ૪થા ક્રમે આવી ગયેલા ભારતીય શૅરબજારના ઓવારણાનો મારો શરૂ થઈ ગયો હતો, પરંતુ ચિત્ર ૨૪ કલાકમાં બદલાઈ ગયું છે, કેમ કે હૉન્ગકૉન્ગ ગઈ કાલે અઢી ટકા વધી ૧૫,૫૫૪ બંધ થયો છે. ભારતીય બજાર દોઢ ટકા ગગડ્યું છે. મંગળવારે બહુમતી અગ્રણી એશિયન બજારો સુધારામાં બંધ હતાં. યુરોપ રનિંગમાં નેગેટિવ બાયસ સાથે ફ્લૅટ હતું. પાકિસ્તાની શૅરબજાર પોણો ટકો કે ૫૨૯ પૉઇન્ટ વધીને ૬૪,૪૬૯ રહ્યું છે. 



સનફાર્મા અને સિપ્લામાં નવાં શિખર, ઇન્ડ્સઇન્ડ બૅન્ક બન્ને બજારમાં ટૉપ લૂઝર
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૪ અને નિફ્ટીના ૫૦માંથી ૪૦ શૅર બગડ્યા હતા. સનફાર્મા ૧૩૯૫ના શિખરે જઈ ૪ ટકાની તેજીમાં ૧૩૭૯ બંધ આપી સેન્સેક્સ ખાતે મોખરે હતી. રિઝલ્ટ ૩૧મીએ છે, તો સિપ્લા ૩૨ ટકાના વધારામાં ૧૦૫૬ કરોડના નેટ પ્રૉફિટના જોરમાં ૧૪૨૫ની ઑલટાઇમ હાઈ હાંસલ કરી ૭ ટકાની તેજીમાં ૧૪૦૯ બંધ આપી નિફ્ટી ખાતે બેસ્ટ ગેઇનર બની છે. ભારતી ઍરટેલના પરિણામ ૫ ફેબ્રુઆરીએ આવવાના છે. શૅર ૧૧૭૨ની સર્વોચ્ચ સપાટી બતાવી ૩.૪ ટકા વધી ૧૧૬૧ તથા એનો પાર્ટપેઇડ ૭૭૮ની વિક્રમી સપાટી બાદ ૪.૨ ટકા ઊછળીને ૭૫૭ થયો છે. આઇસીઆઇસીઆઇ બૅન્કનો ત્રિમાસિક નફો ૨૪ ટકા જેવા વધારામાં ૧૦,૨૭૧ કરોડ આવતાં શૅર ૧૦૬૭ની સૌથી ઊંચી સપાટીએ જઈ ૨.૧ ટકા વધી ૧૦૨૯ બંધમાં બજારને સર્વાધિક ૧૨૯ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો હતો. ડૉ. રેડ્ડીઝ લૅબ અડધો ટકો, હીરો મોટોકૉર્પ ૦.૯ ટકા અને અપોલો હૉસ્પિટલ ૦.૪ ટકા અપ હતા. બજાજ ઑટો પરિણામની પૂર્વસંધ્યાએ ૭૨૧૦ની ઇન્ટ્રા-ડે હાઈથી ગગડી ૬૯૪૭ થઈ અંતે સાધારણ ઘટી ૭૦૯૦ રહ્યો છે. 


ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૧૬૨૯ના તળિયે જઈ ૫.૯ ટકા તૂટી ૧૪૪૪ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર હતી. એચડીએફસી બૅન્ક ૧૪૨૫ની વર્ષની બૉટમ બતાવી ૩.૫ ટકાના ગાબડામાં ૧૪૨૭ બંધ આપી બજારને ૩૩૯ પૉઇન્ટ નડી છે. સ્ટેટ બૅન્ક ૪.૨ ટકા, હિન્દુ. યુનિલીવર ૩.૮ ટકા, ઍક્સિસ બૅન્ક ૨.૮ ટકા, બજાજ ફાઇ. ૩.૨ ટકા, તાતા સ્ટીલ ૨.૮ ટકા, લાર્સન ૨.૪ ટકા, કોલ ઇન્ડિયા ૫.૯ ટકા, એસબીઆઇ લાઇફ ૪.૬ ટકા, અદાણી પોર્ટ્સ ૪.૭ ટકા, ઓએનજીસી પાંચ ટકા, ભારત પેટ્રો ૪.૨ ટકા, એચડીએફસી લાઇફ ૩.૬ ટકા, હિન્દાલ્કો ૩.૫ ટકા, યુપીએલ ૩.૧ ટકા, અદાણી એન્ટર ૩.૧ ટકા, બ્રિટાનિયા ૨.૩ ટકા ડૂલ થયા હતા. રિલાયન્સ ૨૭૪૩ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ નીચામાં ૨૬૪૫ થઈ ૨.૧ ટકા બગડી ૨૬૫૬ બંધ થતાં સેન્સેક્સને ૧૭૩ પૉઇન્ટની હાનિ થઈ હતી. 

બૅન્કિંગ અને ફાઇનૅન્સ ખરડાયું, કરૂર વૈશ્ય બૅન્ક તગડા ઉછાળામાં
બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના બગાડામાં સવાબે ટકા કે ૧૦૪૩ પૉઇન્ટ તૂટી ૪૫,૦૧૫ તો પીએસયુ બૅન્ક નિફ્ટી ૬૧૨૩ની ઑલટાઇમ હાઈ બાદ બારેબાર શૅરની બૂરાઈમાં ૪.૧ ટકા લથડી ૫૮૦૭ બંધ થયો છે. બૅન્કિંગના ૩૯માંથી માત્ર ૩ શૅર પ્લસ હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક બે ટકા વધી હતી. કરૂર વૈશ્ય બૅન્ક ૪૩ ટકાના વધારામાં ૪૧૨ કરોડના નફા પાછળ ૪ ગણા વૉલ્યુમે ૧૮૮ની ટોચે જઈ ૮.૨ ટકા ઊછળી ૧૮૪ નજીક રહી હતી. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, બૅન્ક ઑફ ઇન્ડિયા, સ્ટેટ બૅન્ક, કૅનેરા બૅન્ક, પીએનબી, સેન્ટ્રલ બૅન્ક, પંજાબ-સિંઘ બૅન્ક, ડીસીબી બૅન્ક, કર્ણાટકા બૅન્ક, યસ બૅન્ક, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, આઇબીએલ બૅન્ક, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, સીએસબી બૅન્ક, ઇક્વિટાસ બૅન્ક, એયુ બૅન્ક અને ફીનો પેમેન્ટ બૅન્ક જેવી જાતો ચારથી સાડાછ ટકા ધોવાઈ છે. બૅન્કિંગના ભારમાં ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૧૨૫ શૅરની ખરાબીમાં અઢી ટકા કપાયો હતો. આનંદ રાઠી વેલ્થ સવાચાર ટકા તથા આઇએફસીઆઇ ચાર ટકા ઝળક્યા હતા. હુડકો સાડાદસ ટકા તૂટી ૧૫૦ની અંદર ગયો છે. જનરલ ઇન્શ્યૉરન્સ સવાનવ ટકા, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ૮.૭ ટકા, એન્જલવન અને આઇઆરએફસી સાડાઆઠ ટકા, કલ્યાણી ઇન્વેસ્ટમેન્ટ સવાઆઠ ટકા, જીઆઇસી હાઉસિંગ સાતેક ટકા, એલઆઇસી ૬.૪ ટકા સાફ થયા છે. પેટીએમ ૩.૭ ટકા, નાયકા સવાચાર ટકા, પૉલિસી બાઝાર અઢી ટકા તથા એમસીએક્સ સાડાપાંચ ટકા કે ૧૮૦ રૂપિયા બગડ્યો હતો. આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૪૮ શૅરના ઘટાડે પોણો ટકો ડાઉન હતો. અગાઉની સાઉથ ઇન્ડિયા પ્રોજેક્ટ અને હાલની મેગ્લેનિક ક્લાઉડ ૧૦ ટકાની તેજીની સર્કિટે ૫૦૦ની ટોચે બંધ થઈ છે.  


એક જ દિવસે નીચલી સર્કિટની હૅટ-ટ્રિક મારી ઝી એન્ટર ૩૩ ટકા તૂટી ઐતિહાસિક તળિયે 
નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ગઈ કાલે ૧૨.૯ ટકા તૂટ્યો છે. સોની સાથે ઘરસંસાર શરૂ થયા પહેલાં જ છુટાછેટા થઈ જતાં ઝી એન્ટરટેઇનમેન્ટ ભારે વૉલ્યુમ સાથે એક પછી એક નીચલી સર્કિટ તોડી ૧૫૨ની મલ્ટિયર બૉટમ બનાવી ૩૨.૭ ટકાના ઐતિહાસિક કડાકામાં ૧૫૬ બંધ રહી સમગ્ર બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે. ગ્રુપ કંપની ઝી મીડિયા ૧૩.૭ ટકાની ખુવારીમાં ૧૪ નજીક હતી. ડિશ-ટીવી ૮.૪ ટકાના ધબડકામાં ૧૯ થઈ છે. અન્ય મીડિયા શૅરમાં રિલાયન્સ ગ્રુપની નેટવર્ક-૧૮ ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૧૧૫ની અંદર જઈ ત્યાં જ અને ટીવી-૧૮ સાડાસાત ટકાની ખરાબીમાં ૬૧ હતી. હૅથવે કેબલ ૬.૮ ટકા, સનટીવી ૭ ટકા, એનડીટીવી ૪.૮ ટકા, જાગરણ પ્રકાશન ૫.૫ ટકા, સંદેશ લિમિટેડ ૪.૬ ટકા, હિન્દુ. મીડિયા વૅન્ચર્સ સાડાછ ટકા, એચટી મીડિયા ૬.૩ ટકા, રેડિયો મિર્ચી ફેમ એન્ટરટેઇનમેન્ટ નેટવર્ક ૬.૪ ટકા, રેડિયો સીટીવાળી મ્યુઝિક બ્રોડકાસ્ટ નવ ટકા, સારેગામા પાંચ ટકા, ટીવી ટુડે નેટવર્ક ૪.૭ ટકા, બાલાજી ટેલિ ફિલ્મ્સ ૬ ટકા, શેમારુ એન્ટર ૫.૧ ટકા ખરડાયા હતા. સોની તરફથી ઝી સાથે ૧૦ અબજ ડૉલરના મર્જરની ડીલ રદ કરવાની સાથે કંપની પાસે ૯ કરોડ ડૉલરની ટર્મિનેશન ફી કે પેનલ્ટીની માગણી કરતી નોટિસ અપાઈ છે. ઝી ગ્રુપ આ મુદ્દે કાનૂની જંગ લડવાના મૂડમાં છે. ગત વર્ષે ઝી એન્ટરનો નફો ૯૫ ટકા ગગડી ૪૭ કરોડે આવી ગયા પછી ગ્રુપની હાલત કફોડી બની છે. મર્જરની ડીલ ફોક થતાં કંપનીમાં મૅનેજમેન્ટ કન્ટ્રોલ જાળવી રાખવાનું સુભાષ ગોયેલ ઍન્ડ ફૅમિલી માટે મુશ્કેલ બનવાનું છે. આમેય આ લોકો પાસે ચાર ટકાય શૅર નથી, છતાં પ્રમોટર્સ બનીને બાપ-દીકરો જલસા મારી રહ્યા છે. હવે અદાણી વહારે ચડે તો જ ગોયેલ બચે.

મેક્સપોઝરમાં ૩૧૭ ટકાનો લિસ્ટિંગ ગેઇન, મેડી અસિસ્ટ હેલ્થકૅરનું પ્રોત્સાહક લિસ્ટિંગ 
મેડી અસિસ્ટ હેલ્થકૅર પાંચના શૅરદીઠ ૪૧૮ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૩૪ના પ્રીમિયમની સાથે ૪૬૫ ખૂલી ઉપરમાં ૫૦૭ વટાવ્યા બાદ છેલ્લે ૪૬૪ બંધ થતાં અત્રે ૧૧ ટકા કે શૅરદીઠ ૪૬ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. એસએમઈ સેગમેન્ટમાં નવી દિલ્હીની મેક્સપોઝર લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૩૩ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૮૦ રૂપિયાના પ્રીમિયમ સામે ૧૪૫ ખૂલી પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૩૮ અંદર જઈ ત્યાં જ બંધ રહેતાં એમાં ૩૧૭ ટકા કે શૅરદીઠ ૧૦૫ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન છુટ્યો છે. 
ઈશાન ઇન્ટરનૅશનલ એક શૅરદીઠ બે બોનસ અને ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં ગુરુવારે એક્સ બોનસ અને એક્સ સ્પ્લિટ થશે. શૅર ૧૫૯ની ઓલટાઇમ હાઈ બતાવી ૪ ટકા વધી ૧૫૮ બંધ રહ્યો છે. ડોલ્ફિન ઑફશૉર ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં ૨૫મીએ એક્સ-સ્પ્લિટ થશે. ભાવ બે ટકાની ઉપલી સર્કિટમાં ૧૭૯૧ની વિક્રમી સપાટી બતાવી ત્યાં જ રહ્યો છે. અહીં ૨૩ ઑગસ્ટના રોજ ૧૨૦ની બૉટમ બની હતી. મેગ્નમ વેન્ચર્સ ૧૦ના શૅરદીઠ ૫૪ના ભાવથી ૧૧ શૅરદીઠ બે રાઇટ્સમાં ગુરુવારે એક્સ રાઇટ થશે. શૅર ૮૧ ઉપર બેસ્ટ લેવલે જઈ સવાબે ટકા ઘટીને ૭૬ નજીક હતો. 

થોડાક દિવસ પૂર્વે લિસ્ટેડ થયેલી ફ્લૅર રાઇટિંગ ૩૨૬ના ઑલટાઇમ તળિયે જઈ બે ટકા ઘટી ગઈ કાલે ૩૩૧ બંધ આવી છે. આઇનોક્સ ઇન્ડિયા ૮૧૩ના વર્સ્ટ લેવલ બાદ ૩.૯ ટકા ગગડી ૮૧૮, મુફતી જિન્સવાળી ક્રીડો બ્રૅન્ડ્સ માર્કેટિંગ ૨૫૧ની સૌથી નીચી સપાટી દેખાડી પાંચ ટકા ગગડી ૨૫૩, બેન્ચમાર્ક કમ્પ્યુટર ૬૬ની ઑલટાઇમ બૉટમ બતાવી ૭.૮ ટકા ખરડાઈ ૬૬ ઉપર તથા ટીવીએસ સપ્લાય ચેઇન ૧૮૬નો સૌથી નીચો ભાવ બતાવી ત્રણ ટકા ઘટી ૧૮૮ બંધ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

24 January, 2024 06:26 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK