HDFC બૅન્કની આગેકૂચથી બજારને સર્વાધિક ૧૪૩ પૉઇન્ટનો ફાયદો, કોટક બૅન્કની તેજી ૪૬ પૉઇન્ટ ફળી : સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થ જળવાઈ રહેતાં માર્કેટ કૅપ સતત નવી ટૉપ સાથે ૪૦૦ લાખ કરોડના ઉંબરે
રિઝર્વ બૅન્કે
રિઝર્વ બૅન્કે વ્યાપક ધારણા મુજબ સતત સાતમી વખત વ્યાજદરના માળખાને યથાવત્ રાખ્યું છે, પરંતુ એની સાથે-સાથે વ્યાજદરમાં ઘટાડાની રૂપરેખા કે રોડ-મૅપ વિશે સદંતર મૌન પાળ્યું છે એ અપેક્ષા કરતાં વિપરીત છે. મતલબ કે રિઝર્વ બૅન્ક રેપો રેટ કે વ્યાજદર ઘટાડવાના મામલે જરાય ઉતાવળમાં નથી. બીજા શબ્દોમાં કહીએ તો અંદરખાને ફુગાવાની ફડક રિઝર્વ બૅન્ક ઉપર હાવી રહી છે. વ્યાજદરમાં ઘટાડાનો મુદ્દો હાલ પૂરતો હાંસિયામાં હડસેલી દેવાની પાછળ બે પરિબળ કામ કરી ગયાં લાગે છે. હીટવેવ પ્રબળ અને વ્યાપક બનવાના જે વરતારા તાજેતરમાં જારી થયા છે અને અત્યારથી ગરમીનો જે તાપ અનુભવાઈ રહ્યો છે એ વત્તે-ઓછે અંશે ફુગાવાને ઉત્તેજન આપવાનો છે. બીજું, વિશ્વબજારમાં ક્રૂડ વધતું રહી ૯૦ વટાવી ગયું છે, સરવાળે ક્રૂડ નજીકના ભવિષ્યમાં ૯૫-૧૦૦ ડૉલર થવાના વરતારા શરૂ થઈ ગયા છે. એ સાચા ઠરે તો પણ ફુગાવો માથું ઊંચકવાનો છે. ત્રીજી વાત એ છે કે મે મહિનો જેવો પૂરો થશે કે પછી પેટ્રોલ ડીઝલ, રાંધણગૅસ, સીએનજી-પીએનજી, દૂધ ઇત્યાદિમાં ભાવવધારાની મોસમ શરૂ થવાની છે. બસ ઇલેક્શન પતે એટલી જ વાર છે. રિઝર્વ બૅન્કના મતે ૨૦૨૪-’૨૫માં ભારતનો આર્થિક વિકાસદર સાત ટકાનો રહેવાની વકી છે. ગ્રાહક ભાવાંકની રીતે ફુગાવો સાડાચાર ટકા અપેક્ષિત છે.
શૅરબજાર શુક્રવારે ફ્લૅટ રહ્યું છે. સેન્સેક્સ ૨૦ પૉઇન્ટ જેવા પરચૂરણ સુધારામાં ૭૪,૨૪૮ની નવી વિક્રી સપાટીએ બંધ થયો છે. નિફ્ટી એકાદ પૉઇન્ટ ઘટી ૨૨૫૧૪ની અંદર ગયો છે. બજારનું માર્કેટ કૅપ ૧.૦૫ લાખ કરોડ વધીને ૩૯૯.૩૨ લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ નોંધાયું છે. સેન્સેક્સ ગઈ કાલે નીચામાં ૭૩,૯૪૭ અને ઉપરમાં ૭૪,૩૬૧ થયો હતો. રોકડું અને બ્રૉડર માર્કેટ સતત સારું રહેવાના પગલે માર્કેટ બ્રેડ્થમાં મજબૂતી જળવાઈ છે. NSE ખાતે વધેલા ૧૩૪૩ શૅરની સામે ૯૦૭ જાતો ઘટી છે. બન્ને બજારનાં મોટા ભાગનાં સેક્ટોરલ વધીને બંધ હતાં. આઇટી ઇન્ડેક્સ અડધો ટકો તો ઑટો, નિફ્ટી મીડિયા, કૅપિટલ ગુડ્સ, મેટલ જેવા બેન્ચમાર્ક નહીંવતથી સાધારણ ઘટ્યા છે. રેટ કટના મામલે રિઝર્વ બૅન્કના ધારણાથી વિપરીત સાવચેતીભર્યા અભિગમ છતાં રેટ સેન્સિટિવ સેક્ટર ગઈ કાલે પ્રમાણમાં સારાં રહ્યાં છે. રિયલ્ટી ઇન્ડેક્સ દોઢ ટકો, ફાઇનૅન્સ ઇન્ડેક્સ એક ટકાની નજીક, બૅન્કેક્સ પોણા ટકાથી વધુ પ્લસ થયા છે. FMGC ઇન્ડેક્સ અડધો ટકો અપ હતો.
ADVERTISEMENT
અદાણી પાવર છ દિવસની આગેકૂચ બાદ નરમ, રિલાયન્સ ફ્લૅટ રહ્યો
શુક્રવારે સેન્સેક્સના ૩૦માંથી ૧૨ અને નિફ્ટીના ૫૦માંથી ૨૦ શૅર પ્લસ હતા. કોટક મહિન્દ્ર બૅન્ક બે ટકાથી વધુના સુધારે ૧૭૮૫ બંધ આપી બન્ને બજારમાં બેસ્ટ ગેઇનર બની છે. આગલા દિવસની ટૉપ ગેઇનર HDFC બૅન્ક ૧.૪ ટકાની આગેકૂચમાં ૧૫૪૯ બંધ આપી ગઈ કાલે પણ બજારને સર્વાધિક ૧૪૩ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. બજાજ ફિનસર્વ દોઢ ટકો, આઇટીસી સવા ટકો, SBI લાઇફ દોઢ ટકો, HDFC લાઇફ એક ટકાથી વધુ, શ્રીરામ ફાઇનૅન્સ તથા સ્ટેટ બૅન્ક પોણા ટકા આસપાસ વધ્યા છે. રિલાયન્સ નિફ્ટી ખાતે યથાવત્ તો સેન્સેક્સમાં સાડાછ રૂપિયા જેવા નહીંવત્ ઘટાડામાં ૨૯૧૯ બંધ રહ્યો છે. મહિન્દ્ર ૨૦૨૬ની ઑલટાઇમ હાઈ બાદ અડધો ટકો સુધરીને ૨૦૧૨ હતો.
અલ્ટ્રાટેક સિમેન્ટ્સ પોણાબે ટકાથી વધુ કે ૧૮૩ રૂપિયા તરડાઈ ૯૮૨૪ના બંધમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. લાર્સન દોઢ ટકો, ભારતી ઍરટેલ સવા ટકો, બજાજ ફાઇનૅન્સ તથા મારુતિ સુઝુકી સવા ટકા આસપાસ, ટેક મહિન્દ્ર ૧.૨ ટકા, એશિયન પેઇન્ટ્સ ૧.૨ ટકા, ગ્રાસિમ પોણાબે ટકા, બજાજ ઑટો દોઢ ટકો, ભારત પેટ્રો ૧.૪ ટકા, હિન્દાલ્કો ૧.૩ ટકા, ટાઇટન સિપ્લા તથા JSW સ્ટીલ પોણા ટકા જેવા માઇનસ થયાં છે. અંબાણી સાથેની મૂડી ભાગીદારીમાં છ દિવસની આગેકૂચ બાદ અદાણી પાવર ગઈ કાલે અઢી ટકા ઘટીને ૬૨૬ બંધ રહ્યો છે. સાંઘી ઇન્ડસ્ટ્રીઝ પોણાચાર ટકા ઊંચકાઈ ૧૦૧ વટાવી ગયો છે. અંબુજા સિમેન્ટ્સ અને અદાણી પોર્ટ્સ અડધો ટકો પ્લસ હતા. એસીસી દોઢ ટકો ઘટ્યો છે. પતંજલી ફૂડ્સ અડધા ટકાના સુધારામાં ૧૩૯૦ નજીક ગઈ છે.
ક્રૂડમાં કરન્ટના પગલે ગઈ કાલે બહુમતી અગ્રણી એશિયન શૅરબજાર નરમ હતાં. વ્યાજદરમાં નવા વધારાના નિર્દેશમાં જૅપનીઝ નિક્કી બે ટકા કે ૭૮૧ પૉઇન્ટ બગડ્યો હતો. સાઉથ કોરિયા એક ટકો, તાઇવાન અને સિંગાપોર અડધો ટકો માઇનસ હતા. યુરોપ રનિંગમાં એકથી દોઢ ટકો ગગડ્યું છે. દરમ્યાન પાકિસ્તાની શૅરબજાર ૬૮,૪૩૯ની ઑલટાઇમ હાઈ બતાવી ૬૧૪ પૉઇન્ટ વધી ગુરુવારે ૬૮,૩૭૯નો બંધ આપ્યા પછી ગઈ કાલે રજામાં હતું.
રેડિયાલા અને ટેક ઇન્ફોસેકનું લિસ્ટિંગ ધારણા કરતાં બહેતર
ભારતી હેક્સાકૉમનો પાંચના શૅરદીઠ ૫૭૦ની અપર બૅન્ડ સાથે ૪૨૭૫ કરોડ રૂપિયાનો પ્યૉર OFS ઇશ્યુ ૨૯.૯ ગણા રિસ્પૉન્સ સાથે પૂરો થયો છે, જેમાં ૭૪ ટકાનો ક્યુઆઇબી પોર્શન ૪૮.૬ ગણો છલકાયો છે. સરવાળે ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ સુધરીને ૬૩ થયું છે. ક્યુઆઇબી પોર્શન ધારણા કરતાં વધુ મોટો છલકાયો એનાથી પ્રીમિયમ મજબૂત થયું છે. જોકે આ એક પ્રકારનો ખેલ પણ હોઈ શકે છે. મોહાલીજા ટેક ઇન્ફોસેક ૧૦ના શૅરદીઠ ૧૦૬ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૧૧૩ના પ્રીમિયમ સામે ગઈ કાલે મજબૂત, ૨૯૦ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટે ૩૦૪ ઉપર બંધ રહેતાં એમાં ૧૮૭ ટકા કે શૅરદીઠ ૧૯૮ રૂપિયાથી વધુનો દમદાર લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. વેચવાની હાલ ઉતાવળ કરવી નહીં.
બૅન્ગલોરની રેડિયોવાલા નેટવર્ક ૧૦ના શૅરદીઠ ૭૬ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટના ૩૮ના પ્રીમિયમની સામે ૧૨૦ ખૂલી ૫ ટકાની ઉપલી સર્કિટમાં ૧૨૬ ઉપર બંધ રહી છે. અત્રે ગ્રેમાર્કેટની ધારણા કરતાં સારો, ૬૬ ટકાનો કે શૅરદીઠ ૫૦ રૂપિયાથી વધુનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. સોમવારે યશ ઑફ્ટિકસ, જય કૈલાસ નમકીન તથા કેટુ ઇન્ફ્રાજેનનું લિસ્ટિંગ છે, જેમાં હાલ અનુક્રમે ૧૩ રૂપિયા, ૧૬ રૂપિયા તથા ૪૦ રૂપિયાના પ્રીમિયમ ગ્રેમાર્કેટમાં બોલાય છે.
બોધી ટ્રી મલ્ટી મીડિયા ૧૦ના શૅરદીઠ એક રૂપિયામાં વિભાજનમાં ઍક્સ સ્પ્લિટ થતાં ગઈ કાલે અઢી ટકા ઘટીને ૧૮ રૂપિયા બંધ થઈ છે. પ્રોમેક્સ પાવર શૅરદીઠ એક બોનસમાં સોમવારે ઍક્સ બોનસ થશે, શૅર અડધો ટકો ઘટીને ૧૩૬ બંધ થયો છે. એ પ્લસ ટ્રેડ લિન્ક એક શૅરદીઠ બેના ધોરણે શૅરદીઠ ૧૮ રૂપિયાના ભાવે રાઇટમાં ઍક્સ રાઇટ થતાં સવાસાત ટકા તૂટીને સાડાઅગિયાર રૂપિયા બંધ રહ્યો છે.
જિયો ફાઇ. અને પૉલિસી બાઝાર ઑલટાઇમ હાઈ, તાતા ઇન્વે. નરમ
ધિરાણનીતિમાં કશું હરખાવા જેવું ન હોવા છતાં ગઈ કાલે રેટ સેન્સિટિવ સેક્ટર્સના શૅર એકંદર મૌજમાં જોવાયા છે. બૅન્ક નિફ્ટી એક ટકા નજીક કે ૪૩૨ પૉઇન્ટ વધ્યો છે. આ આંક ઑલટાઇમ હાઈ થવાની તૈયારીમાં છે. પીએસયુ એક નિફ્ટી પોણો ટકો પ્લસ હતો. બૅન્કિંગના ૪૧માંથી ૩૩ શૅર વધ્યા છે. પંજાબ સિંધ બૅન્ક, યુકો બૅન્ક, સિટી યુનિયન બૅન્ક, કરૂર વૈશ્ય, કોટક બૅન્ક, ઉજજીવન બૅન્ક, ઇસફ બેન્ક, એયુ બૅન્ક પોણાબેથી ત્રણ ટકા મજબૂત હતી. સામે ધનલક્ષ્મી અઢી ટકા તો ફિનો પેમેન્ટ બૅન્ક અને સીએસબી બૅન્ક દોઢ-દોઢ ટકા ઘટી છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૦,૬૯૪ની ઑલટાઇમ હાઈ બનાવી એક ટકો વધી ૧૦,૬૭૯ બંધ આવ્યો છે. એના ૧૫૦માંથી ૧૦૧ શૅર પ્લસ હતા. આઇઆઇએફએલ ફાઇનૅન્સ સવાતેર ટકાની તેજીમાં ૪૦૦ વટાવી ગઈ છે. ઇરડા સાડાતેર ટકા ઉછળીને ૧૭૬ હતી. પૈસાલો ડિજિટલમાં ૧૦ ટકાની ઉપલી સર્કિટ લાગેલી હતી. આવાસ ફાઇ. ૯.૮ ટકા, અભાન હોલ્ડિંગ્સ ૬.૮ ટકા, એસજી ફાઇ. સાડાસાત ટકા, IIFL સિક્યૉ. પોણાછ ટકા, SBI કાર્ડ્સ સવાપાંચ ટકા મજબૂત થઈ છે. પૉલિસીબાઝાર વધુ પોણાચાર ટકાની આગેકૂચમાં ૧૨૭૯ના શિખરે બંધ રહી છે. જિયો ફાઇનૅન્શિયલ સર્વિસિસ ૩૭૫ની વિક્રમી સપાટીએ જઈ સવાત્રણ ટકા વધી ૩૭૨ હતી. તાતા ઇન્વેસ્ટમેન્ટ સળંગ છ દિવસની મજબૂતી બાદ ગઈ કાલે પ્રૉફિટ બુકિંગમાં પોણાત્રણ ટકા ઘટી ૭૨૭૮ રહી છે. BSE લિમિટેડ પણ નવા શિખરની હારમાળા અટકાવી અડધો ટકો ઘટી ૨૮૭૬ની અંદર ગઈ છે. ડીએલએફ, મેક્રોટેક, મહિન્દ્ર લાઇફ, સ્વાન એનર્જી, ગોદરેજ પ્રૉપર્ટીઝની બેથી ચાર ટકાની આગેકૂચમાં રિયલ્ટી ઇન્ડેક્સ દોઢ ટકો વધ્યો છે. ઑટો ઇન્ડેક્સના ૧૬માંથી ૧૧ શૅર પ્લસ હતા, પરંતુ મારુતિ સુઝુકી અને બજાજ ઑટોની સવા દોઢ ટકાની નરમાઈના ભારમાં આંક નજીવો ઘટ્યો છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૭માંથી ૧૯ શૅર વધવા છતાં હેવીવેઇટ લાર્સનની નબળાઈ થકી નહીંવત્ માઇનસ થયો છે.
જીએમ બ્રુઅરીઝ દ્વારા ચાર શૅરે એક બોનસ તથા ૭૦ ટકા ડિવિડન્ડ
ઝોમૅટો ૧૯૨ની ઑલટાઇમ હાઈ બનાવી બે ટકા વધી ૧૯૦ વટાવી ગયો છે. વર્ષ પહેલાં ભાવ ૫૧ રૂપિયા હતો. ઇન્દ્રપ્રસ્થ મેડિકલમાં HDFC બૅન્ક દ્વારા ત્રણ ટકાનો હિસ્સો વેચવામાં આવતાં શૅર ૨૪૯ની ટોચે જઈ સવાસત્તર ટકા ઊછળી ૨૪૪ થયો છે. યુનિકૅમ લૅબમાં મૅનેજમેન્ટ બદલાવાની હવા ચાલે છે. શૅર ૯.૮ ટકાના જમ્પમાં ૫૪૭ વટાવી ગયો છે. હાઇકલ પોણાછ ટકા તો સ્પાર્ક પાંચ ટકા ઊછળી છે. આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૨૮ શૅરના સુધારા વચ્ચે અડધો ટકો ઘટ્યો છે. ઇન્ફી, ટીસીએસ, વિપ્રો અડધો ટકો તો ટેક મહિન્દ્ર સવા ટકા નરમ હતી. ઈમુદ્રા સાડાદસ ટકાની તેજીમાં ૭૫૬ થઇ છે. જીએમ બ્રુઅરીઝ દ્વારા ચાર શૅરદીઠ એક બોનસ તથા ૭૦ ટકાનું ડિવિડન્ડ જાહેર કરાયું છે. શૅર બે ટકા વધીને ૭૪૭ બંધ રહ્યો છે. ટેલિકૉમમાં એમટીએનએલ સાડાનવ ટકા રણકી ૪૦ નજીક સરક્યો છે. યુટિલિટીઝમાં વારિ રિન્યુએબલ તથા જેપી પાવર પાંચ ટકાની તેજીમાં આગળ વધ્યા છે. એબીબી ઇન્ડિયા ૬૬૮૦ની વિક્રમી સપાટી બનાવી અઢી ટકા વધીને ૬૬૬૬ નજીક ગઈ છે. પીએસયુમાં એનબીસીસી સવાનવ ટકા ઊછળી ૧૩૮, ઍન્ડ્રુએલ નવ ટકાના જમ્પમાં ૪૬ બંધ રહી છે. સ્મૉલ કૅપમાં ઑટોમોટિવ સ્ટેમ્પિંગ પોણાસોળ ટકાની તેજીમાં ૭૧૬ તથા નીલકમલ લિમિટેડ સાડા ૧૪ ટકા કે ૨૫૬ના ઉછાળે ૨૦૩૦ બંધ રહી છે. આઇઆરબી ઇન્ફ્રામાં હવે સર્કિટ લિમિટ ૨૦ ટકાની લાગુ થઈ છે. શૅર અઢી ગણા કામકાજે ગઈ કાલે સાડાછ ટકાની મજબૂતીમાં ૬૭ વટાવી ગયો છે. ફોર્સ મોટર્સ ૮૨૭૬ની ઑલટાઇમ હાઈ બનાવી પાંચેક ટકાકે ૩૮૪ની છલાંગમાં ૮૧૯૪ થયો છે. ભાવ ૧૩ એપ્રિલ ૨૦૨૩માં ૧૨૩૫ના તળિયે હતો. રિલાયન્સ પાવર ૩૪ ઉપર નવી મલ્ટિયર ટૉપ બનાવી પ્રૉફિટ બુકિંગમાં અઢી ટકા ઘટી ૩૨.૬૦ નજીક હતી. વીટુ રીટેલ પણ ૫૧૫ની ટોચે જઈ ત્રણ ટકા ખરડાઈ ૪૯૦ રહી છે.


