Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં સતત સાતમા દિવસે ઘટાડો : સેન્સેક્સ ગબડીને ૭૭,૦૦૦ની અંદર

નિફ્ટીમાં સતત સાતમા દિવસે ઘટાડો : સેન્સેક્સ ગબડીને ૭૭,૦૦૦ની અંદર

Published : 20 August, 2026 08:25 AM | IST | Mumbai
Anil Patel

નીચા મથાળે હાઈ નેટવર્થવાળાની એન્ટ્રી થતાં ઝગલ પ્રી-પેઇડ વૉલ્યુમ સાથે ૧૨ ટકા બાઉન્સ થયો : સતત પાંચ દિવસની નબળાઈ બાદ BSE લિમિટેડ પ્રારંભિક ઘટાડા પછી સુધારે બંધ : મિલ્કી મિસ્ટ ડેરી અને ધૂત ટ્રાન્સમિશન તગડા જમ્પમાં ઑલટાઇમ હાઈ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. આગલા દિવસે છ વર્ષનો મોટો કડાકો દાખવનારી તાતાની નેલ્કો વધુ ચાર ટકા ખરડાઈ
  2. સરકારની પ્રોત્સાહન સ્કીમના જોરમાં PNG શૅર નોંધપાત્ર ઉછાળો બતાવી સુધારામાં બંધ
  3. હિટાચી એનર્જીમાં ૧૬૭૦, નેટવેબમાં ૨૯૫નું ગાબડું

સેબી ચીફ તરફથી એક ચેતવણી આપવામાં આવી છે કે CAS અર્થાત ક્લોઝિંગ ઑક્શન સિસ્ટમ્સ સાથે ચેડાં કરનારા સામે કડક પગલાં લેવામાં આવશે. સાદી ભાષામાં કહીએ તો આનો એક અર્થ એ થયો કે સેબી CAS નામની જે નવી સિસ્ટમ્સ લાવી છે એમાં મૅનિપ્યુલેશન થયું છે, થઈ રહ્યું છે. અમે તો આ સિસ્ટમ્સ અમલી બની ત્યારે જ, ૩ ઑગસ્ટે કહ્યું હતું કે મોટા ગોટાળા કે ગરબડ બજારમાં થઈ છે. સેબી હવે ક્યારે કેવી રીતે એની તપાસ હાથ ધરે છે અને ઑપરેટર્સ સામે કેવાં કડક પગલાં લે છે એ જોવું રહ્યું. દરમ્યાન બ્રેન્ટ ક્રૂડ થોડુંક વધુ ઊંચકાઈ ૯૨ ડૉલર વટાવી ગયું છે. અગ્રણી બજારોમાં ટેક્નૉલૉજી શૅરો વેચવાલીના ભારે પ્રેશરમાં આવ્યા છે. આ બન્નેની સંયુક્ત અસરમાં વિશ્વબજારો વધુ દુભાયાં છે. એશિયા ખાતે ફ્લેટ રહેલા હૉન્ગકૉન્ગને અપવાદ ગણતાં સાર્વત્રિક ખરાબી જોવાઈ છે. સાઉથ કોરિયા પોણાછ ટકા, જપાન ૩.૧ ટકા, ચાઇના અઢી ટકા, તાઇવાન સવા ટકો, થાઇલૅન્ડ તથા ઇન્ડોનેશિયા પોણા ટકા આસપાસ ડૂલ થયાં છે. યુરોપ રનિંગમાં ફ્રાન્સ જેવા જૂન અપવાદ બાદ કરતાં સાધારણ ઢીલું હતું. ડૉલર સામે રૂપિયો વધુ ૭ પૈસા ઘટી ૯૫.૭૫ થઈ ગયો છે.

સેન્સેક્સ આગલા બંધથી ૧૭ પૉઇન્ટના ચિલ્લર ઘટાડે ૭૭,૨૧૮ ખૂલી ક્ષણિક સુધારામાં ઉપરમાં ૭૭,૩૪૮ નજીક ગયા પછી આખો દિવસ રેડ ઝોનમાં રહી છેવટે ૩૨૬ પૉઇન્ટની નરમાઈમાં ૭૬,૯૧૦ નીચે તો નિફ્ટી ૭૭ પૉઇન્ટ જેવા ઘટાડામાં ૨૪,૦૭૮ બંધ આવ્યો છે. બજાર નીચામાં ૭૬,૮૨૩ થયું હતું. માર્કેટકૅપ પ્રોવિઝનલ ફીગરમાં ૨.૧૨ લાખ કરોડ ઘટી ૪૮૮.૬૭ લાખ કરોડ રહ્યું છે. માર્કેટ બ્રેડ્થ વધુ બગડતાં NSEમાં વધેલા ૧૩૨૦ શૅર સામે ૨૧૭૧ શૅર ઘટ્યા છે. બજારનાં તમામ સેક્ટોરલ લાલ થયાં છે. પાવર ઇન્ડેક્સ ૧.૭ ટકા, કૅપિટલ ગુડ્સ ૧.૬ ટકા, યુટિલિટીઝ ૧.૩ ટકા, ટેલિકૉમ એક ટકો કપાયો છે. IT ઇન્ડેક્સ ૭૮ પૉઇન્ટ જેવા પરચૂરણ સુધારામાં અપવાદ બન્યો છે.



HCL ટેક્નૉલૉજીઝ સેન્સેક્સમાં પોણાબે ટકા તથા નિફ્ટીમાં બે ટકાથી વધુ ઊચકાઈ ટૉપ ગેઇનર બન્યો છે. અન્યમાં એટર્નલ ૧.૩ ટકા, સનફાર્મા ૧.૨ ટકા, JSW સ્ટીલ ૧.૪ ટકા, વિપ્રો પોણો ટકો, કોટક બૅન્ક નિફ્ટીમાં ૦.૭ ટકા તો સેન્સેક્સમાં સવા ટકા જેવી પ્લસ થઈ છે. નિફ્ટીમાં મેકસ હેલ્થકૅર અને કોલ ઇન્ડિયા પોણાબે ટકા નજીકના ઘટાડા સાથે મોખરે હતી. સેન્સેક્સમાં પાવર ગ્રિડ બે ટકા, બજાજ ફાઇનૅન્સ અને લાર્સન ૧.૩ ટકા, ITC સવા ટકા નજીક માઇનસ હતી. રિલાયન્સ ૦.૯ ટકા ઘટી ૧૩૦૭ના બંધમાં બજારને ૬૮ પૉઇન્ટ નડી છે. ખરાબ પરિણામ પાછળ ખરડાઈ ઑલટાઇમ તળિયે ગયેલી ઝગલ પ્રી-પેઇડ ગઈ કાલે ૮ ગણા વૉલ્યુમે ૧૨ ટકા ઊછળી ૧૮૬ના બંધમાં ‘એ’ ગ્રુપમાં ઝળકી છે. ટૂરિઝમ ફાઇનૅન્સ ૬.૪ ટકા અને કીરી ઇન્ડસ્ટ્રીઝ ૬ ટકા મજબૂત બની છે. હેટસન અૅગ્રો ૫.૯ ટકા, નેટવેબ ટેક્નૉલૉજીઝ સાડાપાંચ ટકા કે ૨૯૫ રૂપિયા, હિટાચી એનર્જી પોણાપાંચ ટકા કે ૧૬૭૦ રૂપિયા ખરડાઈ છે. 


બરોડાની ટેમ્પસેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ૬૫૦ કરોડનો ઇશ્યુ આજે

આજે, ગુરુવારે મેઇન બોર્ડમાં ગુજરાતના બરોડાની ટેમ્પસેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ ૪ રૂપિયાના શૅરદીઠ ૩૦૦ની અપરબેન્ડમાં કુલ ૬૫૦ કરોડનો IPO લાવશે. એમાંથી પ્રમોટર્સ તલસેરા પરિવાર ૨૯૭ કરોડ રૂપિયા અને અન્ય ઇન્વેસ્ટર્સ ૨૫૮ કરોડ રૂપિયા એમ કુલ મળીને ૫૫૫ કરોડ રૂપિયા ઑફર ફૉર સેલ પેટે ઘરભેગા કરશે એટલે ભરણામાંથી કંપનીને તો માત્ર ૯૫ કરોડ મળવાના છે. QIB પોર્શન ૫૦ ટકા છે. ૧૯૯૦માં  સ્થપાયેલી આ કંપની થર્મલ એન્જિનિયરિંગ તેમ જ સ્પેશ્યલાઇઝ્ડ કેબલ બનાવવાના ધંધામાં છે. ૮૦થી વધુ દેશોમાં નિકાસ સાથે ૧૦૦૦ કરતાં વધુ કસ્ટમર્સ હોવાનો કંપનીનો દાવો છે. ગત વર્ષે કંપનીએ ૧૯ ટકા વધારામાં ૪૫૬ કરોડ જેવી આવક ઉપર ૧૪ ટકા વૃદ્ધિદરથી ૭૧ ટકા નેટ પ્રૉફિટ કર્યો છે. દેવું ૭૮ કરોડ આસપાસ છે. ઇશ્યુમાંથી ૫૫ કરોડ દેવાની ચુકવણીમાં તથા ૧૮ કરોડ કેપેક્સમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં ૮૫થી શરૂ થયેલું પ્રીમિયમ નીચામાં ૬૫ અને ઉપરમાં ૧૮૫ થયા બાદ હાલમાં ત્યાં જ છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધીને ૩૩૫૭ લાખ રૂપિયા થશે જેમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૬૫.૭ ટકા જેવું હશે.


દરમ્યાન ગઈ કાલે મેઇન બોર્ડમાં નવી દિલ્હીની ગજા ઑલ્ટરનેટિવ એસેટ મૅનેજમેન્ટ કંપનીનો પાંચના શૅરદીઠ ૧૬૦ની અપરબેન્ડમાં કુલ ૫૫૦ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૧.૨ ગણા સહિત કુલ ૮૦ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૨૫ ચાલે છે. પ્રથમ દિવસે ધનવેલ હાઇબ્રિડ સીડ્સનો શૅરદીઠ ૯૯ના ભાવનો ૨૬૭૩ લાખનો ઇશ્યુ રીટેલમાં ૧૫ ટકા સહિત ૯ ટકા તેમ જ મોપશૉપ ડિસ્ટ્રિબ્યુશનનો શૅરદીઠ ૧૩૮ના ભાવનો ૨૭૨૬ લાખનો ઇશ્યુ રીટેલમાં સવા ગણા સહિત કુલ ૭૦ ટકા ભરાયો છે. હાલ ધનવેલમાં ઝીરો અને મોપશૉપમાં ૨૨નું પ્રીમિયમ છે.

બીજા દિવસના અંતે મેઇન બોર્ડની શાંકેશ જ્વેલર્સનો પાંચના શૅરદીઠ ૯૩ના ભાવનો ૩૬૭ કરોડનો ઇશ્યુ કુલ ૯૦ ટકા તથા સનશાઇન પિકચર્સનો ૧૦ના શૅરદીઠ ૩૬૦ના ભાવનો ૨૮૨ કરોડનો ઇશ્યુ કુલ ૧૭ ગણો ભરાયો છે. શાંકેશમાં પ્રીમિયમ બે રૂપિયા અને સનશાઇનમાં વધીને ૭૭ થયું છે, જ્યારે મુંબઈના લોઅર પરેલની હોરાઇઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સનો ૧૦ના શૅરદીઠ ૨૬૦૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં એક ગણા સહિત કુલ બે ગણો અને ચેન્નઈની લલિતા જ્વેલરી માર્ટનો પાંચના શૅરદીઠ ૨૦૧ના ભાવનો ૧૭૦૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૨ ગણા સહિત કુલ ૭૦ ગણો પ્રતિસાદમાં પૂરો થયો છે. હાલ હોરાઇઝનમાં ૫૦ પૈસા અને લલિતામાં ૪૪નું પ્રીમિયમ બોલાય છે. SME સેગમેન્ટમાં કલકત્તાની ફ્રેસિનેટ ટેક્સટાઇલ્સનો ઇશ્યુ વધારેલી મુદત પ્રમાણે ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં ૧.૪ ગણા સહિત કુલ દોઢ ગણો ભરાયો છે. પ્રથમ ટ્રાયલે ફ્લૉપ ગયા પછી ૧૦ના શૅરદીઠ ઇશ્યુ પ્રાઇસ ઘટાડી ૧૫૧ની તથા ઇશ્યુ સાઇઝ ૬૪૮૩ લાખની કરાઈ હતી.

HDFC બૅન્ક, ITC, હિન્દુસ્તાન યુનિલીવરમાં મલ્ટિયર બૉટમ

HDFC બૅન્ક ગઈ કાલે ૭૧૫ની અઢી વર્ષની બૉટમ બનાવી ૦.૪ ટકા ઘટીને ૭૨૦ બંધ આવી છે. આજથી દસેક માસ પૂર્વે ૨૩ ઑક્ટોબરે એમાં ૧૦૨૦ની ઑલટાઇમ હાઈ બની હતી. ICICI બૅન્ક નીચામાં ૧૩૯૧ થઈ ૦.૭ ટકાની નબળાઈમાં ૧૪૦૧ બંધ આપી બજારને ૫૬ પૉઇન્ટ નડી છે. સ્ટેટ બૅન્ક પોણો ટકો ડાઉન હતી. કોટક મહિન્દ્રા બૅન્ક સવા ટકો વધી ૩૯૨ થઈ છે. અૅક્સિસ બૅન્ક પોણો ટકો ઘટી છે. બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૬ શૅરના ઘટાડે ૨૩ પૉઇન્ટ જેવો મામૂલી નરમ હતો. PSU બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરની નરમાઈમાં માત્ર ૦.૦૧ ટકા ઢીલો થયો છે. હિન્દુસ્તાન યુનિલીવર ૨૦૦૮ની માર્ચ ૨૦૨૨ પછીની સૌથી નીચી સપાટી નોંધાવી એક ટકો ઘટી ૨૦૧૬ રહી છે. ૨૦૨૪ની ૨ સપ્ટેમ્બરે આ કાઉન્ટર ૩૦૩૪ની સર્વોચ્ચ સપાટીએ ગયું હતું. ITC ખરાબી ચાલુ રાખતાં ૨૬૬ની અંદર જૂન ૨૦૨૨ પછીની મલ્ટિયર બૉટમ બતાવી ૧.૨ ટકા ઘટી ૨૬૭ રહી છે. ૨૦૨૬ના ચાલુ કૅલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં ITC ૩૪ ટકા, HDFC બૅન્ક ૨૮ ટકા તથા હિન્દુસ્તાન યુનિલીવર ૧૩ ટકા નીચે ગયો છે.

આ ઉપરાંત ગઈ કાલે ડાબર ઇન્ડિયા, KEC ઇન્ટરનૅશનલ, મેડપ્લસ હેલ્થ, ફર્સ્ટક્રાય વાળી બ્રેઇનબીઝ સૉલ્યુશન્સ, IRFC, પ્રૉક્ટર-ગૅમ્બલ હાઇજીન, વ્હર્લપૂલ, IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, ઇન્ડિયા માર્ટ ઇન્ટરમેશ, આદિત્ય બિરલા લાઇફ સ્ટાઇલ જેવી અન્ય જાણીતી જાતોમાં પણ એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવાં તળિયાં બન્યાં છે. સામે ચેન્નઈ પેટ્રોલિયમ, GSK ફાર્મા, વેલસ્પન કૉર્પ, આર.આર. કેબલ, PNB હાઉસિંગ, લેન્સકાર્ટ સૉલ્યુશન્સ, બૉશ લિમિટેડ, રેડીકો ખૈતાન, HFCL, અૅક્શન કન્સ્ટ્રક્શન્સ જેવા શૅરોમાં નવી ઐતિહાસિક ટૉપ બની હતી.

ખાંડના ભાવમાં ભડકાની સ્થિતિથી શુગર શૅર ડિમાન્ડમાં

લાર્સન ટેક્નૉલૉજી સર્વિસિસને ગ્લોબલ ટેક કંપની તરફથી સાડાસાત કરોડ ડૉલર પ્લસનો કૉન્ટ્રૅક્ટ મળ્યો છે. ભાવ દોઢા કામકાજે ઉપરમાં ૩૬૫૮ થયા બાદ છેલ્લે એક ટકો સુધરી ૩૫૩૭ રહ્યા છે. સરકાર તરફથી ઘરગથ્થુ વપરાશમાં પાઇપ્ડ નૅચરલ ગૅસ (PNG)ને પ્રોત્સાહન આપવા ખાસ સ્કીમને મંજુરી આપવામાં આવી હોવાના અહેવાલ પાછળ ગઈ કાલે અદાણી ટોટલ ગૅસ ૧૦ ગણા કામકાજે ઉપરમાં ૬૮૮ બતાવી સવાબે ટકા વધી ૬૬૨, મહાનગર ગૅસ ૧૧૭૧ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ દોઢ ટકા વધી ૧૧૨૯, ઇન્દ્રપ્રસ્થ ગૅસ ત્રણ ગણા વૉલ્યુમે ઉપર ૧૫૮ થઈને અઢી ટકા વધી ૧૫૩ થઈ છે. અગાઉ ગુજરાત ગૅસ તરીકે ઓળખાતી ગુજરાત એનર્જી ૨૬૫ની સવાછ વર્ષની બૉટમ બનાવી સવા ટકો ઘટી ૨૬૬ થઈ છે.

અલનીનોના કારણે વૈશ્વિક ઉત્પાદન દાયકાના તળિયે જવાના વરતારા પાછળ ખાંડના ભાવમાં તેજી કામે લાગી છે. ઘરઆંગણે પણ ઉત્પાદનમાં ઘટાડાના લીધે ખાંડના ભાવમાં ભડકા જેવી સ્થિતિ પેદા થઈ છે. સરકાર આયાત-જકાત ઘટાડવા વિચારી રહી હોવાના અહેવાલ છે. આ બધાની અસરમાં શુગર શૅર ડિમાન્ડમાં આવ્યા છે. ગઈ કાલે શુગર સેક્ટરના ૩૪માંથી ૨૯ શૅર વધીને બંધ થયા છે. બજાજ હિન્દુસ્તાન સાડાનવ ટકા, બન્નારી અમાન શુગર ૫.૩ ટકા કે ૧૮૧ રૂપિયા, ઇન્ડિયન સુક્રોઝ સાડાઆઠ ટકા, પોની ઇનરોડ ૫.૬ ટકા, દ્વારકેશ શુગર આઠ ટકા, ધામપુર બાયો ૫.૫ ટકા, અવધ શુગર ચાર ટકા, રાજશ્રી શુગર ૪.૯ ટકા, ડીસીએમ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ સવાચાર ટકા, સિમ્ભોલી શુગર પાંચ ટકા, દાલમિયા શુગર ૪.૮ ટકા, શ્રીરેણુંકા શુગર ચાર ટકા, રાણા શુગર પોણાચાર ટકા, ધામપુર શુગર ૪.૮ ટકા મીઠી બની છે. હનુમાન શુગર દોઢ ટકા અને પિકાડેલી શુગર એક ટકા ઘટીને બંધ આવી છે. 

બિહારીલાલ એન્જિનિયરિંગ તથા શિપરૉકેટમાં ટનાટન લિસ્ટિંગ ગેઇન

ગઈ કાલે મેઇન બોર્ડમાં શિપરૉકેટ શૅરદીઠ ૯૭ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૪થી શરૂ થયા બાદ ઉપરમાં ૩૬ થયા બાદ છેલ્લે બોલાતા ૩૫ના પ્રીમિયમ સામે ૧૨૯ ખૂલી ૧૪૩ બંધ રહેતાં ૪૮ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. બિહારીલાલ એન્જિનિયરિંગ ૧૦ના શૅરદીઠ ૨૮૫ની ઇશ્યુ પ્રાઇસ તથા ૩૦થી શરૂ થઈ નીચામાં ૨૫ થયા બાદ વધીને ૯૭ બતાવી છેલ્લે બોલાતા ૧૩૩ના પ્રીમિયમ સામે ૪૫૮ ખૂલી ૫૦૨ બંધ થતાં ૭૬ ટકા લિસ્ટિંગ ગેઇન છુટ્યો છે. SME સેગમેન્ટમાં પ્રમોદિની મેડીકૅર શૅરદીઠ ૧૧૮ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ઝીરો પ્રીમિયમ સામે NSE ખાતે ૧૨૦ ખૂલી ૧૨૧ બંધ રહેતાં ૧.૪ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. Q&T ફૂડ્સ શૅરદીઠ ૧૧૫ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૬થી શરૂ થઈ ઉપરમાં ૨૧ થયા બાદ ગગડતા રહી એક થઈ ગયેલા અને છેલ્લે બોલાતા એકના પ્રીમિયમ સામે BSEમાં ૧૧૫ ખૂલી ૧૦૯ બંધ થતાં પાંચ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. આગલા દિવસે ૨૪ ટકા લિસ્ટિંગ લૉસમાં ૯૯ બંધ રહેલી શામ ફોમ ગઈ કાલે ૯૪ની નીચે નવું બૉટમ બતાવી પાંચ ટકા તૂટીને ત્યાં જ તેમ જ મિલ્કી મિસ્ટ ડેરી જે આગલા દિવસે ૨૦.૬ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૮૧ બંધ થઈ હતી એ ગઈ કાલે ૧૯૯ ઉપરના શિખરે જઈ ૧૦ ટકા ઊછળી ત્યાં જ રહી છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી ધૂત ટ્રાન્સમિશન ૧૪૩૭ની નવી ટૉપ બતાવી ૭.૪ ટકા વધી ૧૪૦૩ અને મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ નીચામાં ૧૦૧૩ થઈ ૬.૭ ટકા ગગડી ૧૦૪૦ બંધ આવી છે. SME કંપની ક્રિડેન્ટ કનેક્ટનું લિસ્ટિંગ આજે થવાનું છે. પ્રીમિયમ ૭૮ જેવું છે. પરિણામ પાછળ આગલા દિવસે ૧૦ ટકાની તેજીમાં સર્કિટમાં ૯૫૧ના શિખરે બંધ થયેલી ઇન્ડો-મીમ લિમિટેડ ગઈ કાલે ૯૯૦નું શિખર બતાવી દોઢ ટકો વધી ૯૬૬ રહી છે. મંગળવારે છ વર્ષના મોટા કડાકા સાથે સાડાબાર ટકા તૂટી ૯૪૧નું ક્લોઝિંગ આપનાર તાતાની નેલ્કો ગઈ કાલે નીચામાં ૮૭૬ થઈ ૪ ટકા તૂટી ૯૧૧ થઈ છે. ગોલ્ડમૅન સાક્સ અને પછી નુવામોના ડી-રેટિંગની અસરમાં સતત પાંચ દિવસ માઇનસમાં બંધ થયેલી BSE લિમિટેડ ગઈ કાલે નીચામાં ૩૨૯૧ થઈ સવા ટકો સુધરી ૩૩૫૨ બંધ આવી છે. નફામાં ઘટાડો થવા છતાં સાડાઆઠ ટકા કે ૨૩૫ રૂપિયા વધી ગયેલી ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ઑફ ઇન્ડિયા બુધવારે ઉપરમાં ૨૯૭૦ જઈ ૦.૯ ટકાની પીછેહઠમાં ૨૯૩૬ થઈ છે. 

Whatsapp-channel Whatsapp-channel

20 August, 2026 08:25 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK