કૉર્પોરેટ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનું નાણાકીય સેટલમેન્ટ થયું : અનોખી OTS સ્કીમ દ્વારા ભવિષ્યમાં નાણાકીય ડિફૉલ્ટના કેસમાં પરસ્પર સંમતિથી સેટલમેન્ટ કરવાનો એક નવો આદર્શ સ્થાપિત થયો.
NSELની વન-ટાઇમ સેટલમેન્ટ સ્કીમ હેઠળ સોમવારે ૨૩ નવેમ્બરે મુંબઈમાં ૧૯૫૦ કરોડ રૂપિયાની ઐતિહાસિક ચુકવણીની રકમ છૂટી કરવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ બૉમ્બે હાઈ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ એસ.સી. ગુપ્તેના હસ્તે થયો એ પ્રસંગે (ડાબેથી) જિજ્ઞેશ શાહ (૬૩ મૂન્સના મેન્ટર અને કોચ), એસ. રાજેન્દ્રન (૬૩ મૂન્સના MD-CEO), જસ્ટિસ એસ.સી. ગુપ્તે (ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ), શરદ સરાફ (NIFના ચૅરમૅન), સુશીલ જીવરાજકા (NIFના મેમ્બર) અને નીરજ શર્મા (NSELના MD-CEO)
કૉર્પોરેટ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત બનેલી અનોખી ઘટનામાં નૅશનલ સ્પૉટ એક્સચેન્જ લિમિટેડ (NSEL)ની વન-ટાઇમ સેટલમેન્ટ (OTS) સ્કીમ હેઠળ પાત્ર દાવેદારો માટે ગઈ કાલે ચુકવણી માટેની રકમ છૂટી કરવામાં આવી હતી. આ સાથે NSELના એક્સચેન્જ પ્લૅટફૉર્મ પર થયેલા કાઉન્ટર-પાર્ટી પેમેન્ટ ડિફૉલ્ટના કેસમાં આશરે ૧૪ વર્ષ લાંબી કાનૂની લડાઈ બાદ ઐતિહાસિક નિવેડો આવ્યો છે. આ OTS અભૂતપૂર્વ અને ઐતિહાસિક છે, કારણ કે અદાલતો, કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકારના રચનાત્મક અભિગમને કારણે પ્રથમ વખત કોઈ નાણાકીય કટોકટીનો પરસ્પર સંમતિથી ઉકેલ આવ્યો છે.
મહારાષ્ટ્ર દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જેણે આવી નાણાકીય કટોકટીના ન્યાયી, વાજબી અને પરસ્પર સંમતિ આધારિત ઉકેલ લાવવા માટે એક આદર્શ સ્થાપિત કર્યો છે. આ બાબત વિશ્વનાં ન્યુ યૉર્ક, લંડન અને સિંગાપોર જેવાં અગ્રણી નાણાકીય કેન્દ્રોની હરોળમાં ઊભા રહેવાની એની પરિપક્વતા, દૂરંદેશી અને વિકાસલક્ષી અભિગમ દર્શાવે છે. આ શહેરોએ પણ ભૂતકાળમાં આવી જ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો અને સમાન રીતે એનો ઉકેલ લાવ્યો હતો.
ADVERTISEMENT
કૉર્પોરેટ ભારતમાં અત્યાર સુધી આવું OTS થયાનું સાંભળવામાં આવ્યું નથી. આ સેટલમેન્ટની બીજી વિશેષતા એ છે કે NSEL પેમેન્ટ કટોકટીનો એક પણ પૈસો NSEL, ૬૩ મૂન્સ કે એના પ્રમોટર્સે લીધો નથી છતાં ૬૩ મૂન્સે પોતાની સ્વૈચ્છિક પહેલથી પોતાની જ રકમમાંથી આ હલ લાવવાની ઑફર કરી હતી. નાણાંની લેવડદેવડની કડી ૧૭ ડિફૉલ્ટર જૂથો સુધી પહોંચે છે જેમની પાસેથી આ નાણાં વસૂલ કરવામાં આવશે.
મોટી સંખ્યામાં ટ્રેડર્સનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન NSEL ઇન્વેસ્ટર્સ ફોરમ (NIF)ના અધ્યક્ષ શરદ સરાફ, સભ્ય સુશીલ જીવરાજકા અને મૅનેજમેન્ટ કમિટીના અન્ય ૮ સભ્યોએ આ પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
૧૯૫૦ કરોડ રૂપિયાની OTS સ્કીમનો મૂળ પ્રસ્તાવ NIFએ રજૂ કર્યો હતો. ત્યાર બાદ ૬૩ મૂન્સના સહયોગથી NSELએ NIFનો આ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો અને ૫૬૮૨ દાવેદારો સાથે એક જ વારમાં, પરસ્પર સંમતિથી ફુલ ઍન્ડ ફાઇનલ સેટલમેન્ટ કરવા માટે મુંબઈના નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT) સમક્ષ સેટલમેન્ટ સ્કીમ રજૂ કરી હતી.
NCLT-મુંબઈએ મતદાનની પ્રક્રિયા હાથ ધર્યા બાદ NSEL અને દાવેદારો વચ્ચેની OTS સ્કીમને મંજૂરી આપી હતી. આ મતદાનમાં દાવેદારોની સંખ્યાની દૃષ્ટિએ ૯૨.૮૧ ટકા અને દાવાની રકમની દૃષ્ટિએ ૯૧.૩૫ ટકા દાવેદારોએ OTSના સમર્થનમાં મત આપ્યો હતો.
આ સેટલમેન્ટથી દાવેદારોને મોટી રાહત મળી છે, કારણ કે હવે તેમને જુલાઈ ૨૦૧૩માં પોતાની ચુકવણીની જવાબદારી પૂરી કરવામાં નિષ્ફળ રહેલા ડિફૉલ્ટરો પાસેથી નાણાંની વસૂલાત થાય એના માટે વધુ રાહ જોવી નહીં પડે.
આ ઐતિહાસિક ઘટના વિશે ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીઝ લિમિટેડના મેન્ટર અને કોચ જિજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે ‘આ OTS કૉર્પોરેટ ભારતના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે. એ ભવિષ્યમાં નાણાકીય કટોકટીના ન્યાયી અને રચનાત્મક ઉકેલ માટે એક અનોખો માપદંડ સ્થાપિત કરે છે. આ ઐતિહાસિક સેટલમેન્ટ શક્ય બનાવવામાં રચનાત્મક અભિગમ અપનાવવા બદલ અમે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારના નેતૃત્વ, ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) જેવી તપાસએજન્સીઓ તથા સૌથી વધુ પ્રમાણમાં ભારતના ન્યાયતંત્રના અત્યંત આભારી છીએ જેના રચનાત્મક અભિગમને લીધે જ આ ઐતિહાસિક સેટલમેન્ટ શક્ય બન્યું છે. કહેવાય છે કે દર ૫૫૦૦ વર્ષે ‘સત્યમેવ જયતે’ના ઇતિહાસનું પુનરાવર્તન થાય છે. NSELની આ લડાઈના કુરુક્ષેત્રમાં ફરી એક વખત ‘સત્યમેવ જયતે’ સાબિત થયું છે જે મહાભારતના કુરુક્ષેત્રની યાદ અપાવે છે.’
અગાઉ ૧૭૯ કરોડ રૂપિયાની ચુકવણી
નોંધનીય છે કે આ જ નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતોનું પાલન કરીને ઑગસ્ટ ૨૦૧૩માં પણ ૬૩ મૂન્સના સહયોગથી NSELએ આશરે ૧૭૯ કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી. એના કારણે ૧૦ લાખ રૂપિયાથી ઓછી બાકી રકમ ધરાવતા ૭૦૫૩ નાના દાવેદારોને રાહત મળી હતી. ૧૦ લાખ રૂપિયાથી ઓછી લેણી રકમ ધરાવતા તમામ દાવેદારોને તેમની બાકી રકમનાં ૧૦૦ ટકા નાણાં મળી ચૂક્યાં છે.
