નૅશનલ સ્ટૉક એક્સચેન્જ દ્વારા જાહેર કરવામાં આવ્યા રસપ્રદ આંકડા : મિઝોરમ, આસામ અને સિક્કિમમાં મહિલા ઇન્વેસ્ટરોની સંખ્યા ૨૯ ટકાથી વધુ; જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ વધારે છે
પ્રતીકાત્મક તસવીર
દેશભરની કૅપિટલ માર્કેટ્સમાં મહિલાઓની ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે ભાગીદારી સતત વધી રહી હોવાના આંકડા નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડાઓમાં એવાં રાજ્યોનો પણ સમાવેશ થાય છે જ્યાં ભૂતકાળમાં આવો કોઈ ટ્રેન્ડ જોવા મળતો નહોતો. નૅશનલ સ્ટૉક એક્સચેન્જ માર્કેટ પલ્સ રિપોર્ટ્સના એપ્રિલ અને મે ૨૦૨૬ના રિપોર્ટ મુજબ ૨૦૨૬માં વ્યક્તિગત રોકાણકારોમાં મહિલા રોકાણકારોનો કુલ હિસ્સો આશરે પચીસ ટકા રહ્યો છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૩થી સતત વધી રહેલા ગ્રાફને દર્શાવે છે.
નૉર્થ-ઈસ્ટર્ન રાજ્યો જેવાં કે મિઝોરમ, આસામ અને સિક્કિમમાં મહિલા રોકાણકારોની સંખ્યા ૨૯ ટકાથી વધુ છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ વધારે છે. અન્ય મોટાં રાજ્યોમાં મહારાષ્ટ્ર ૨૯ ટકા મહિલા રોકાણકારો સાથે મોખરે છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૩ના ૨૫.૬ ટકાની સરખામણીએ વધુ છે. આ યાદીમાં ૨૮.૭ ટકા સાથે તામિલનાડુ બીજા ક્રમે છે. આ સિવાય કર્ણાટક અને કેરલમમાં મહિલા રોકાણકારોનો હિસ્સો ૨૭ ટકાથી વધુ નોંધાયો છે.
ADVERTISEMENT
બીજી તરફ ઉત્તર ભારતનાં રાજ્યો આ મામલે પાછળ રહી ગયાં છે. એમાં ઉત્તર પ્રદેશમાં મહિલા રોકાણકારો ૨૦ ટકાથી ઓછી અને બિહારમાં માત્ર ૧૬.૫ ટકા છે. રોકાણકારોની કુલ સંખ્યાની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ દેશનું બીજા ક્રમનું સૌથી મોટું રાજ્ય હોવા છતાં ત્યાં મહિલાઓની ભાગીદારી માત્ર ૧૯.૧ ટકા જ નોંધાઈ છે.
