Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ઊબડખાબડ ચાલમાં શૅરબજાર છેવટે નહીંવત્ ઘટાડામાં બંધ

ઊબડખાબડ ચાલમાં શૅરબજાર છેવટે નહીંવત્ ઘટાડામાં બંધ

Published : 29 October, 2025 08:22 AM | IST | Mumbai
Anil Patel

સેન્સેક્સ આગલા બંધથી ૧૫૩ પૉઇન્ટની નરમાઈમાં ૮૪૬૨૬ નજીક ખૂલી છેવટે ૧૫૧ પૉઇન્ટ ઘટી ૮૪,૬૨૮ તથા નિફ્ટી ૩૦ પૉઇન્ટ ઘટી ૨૫,૯૩૬ ગઈ કાલે બંધ થયો છે

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


મેટલ અને પીએસયુ બૅન્ક નિફ્ટી નવી સર્વોચ્ચ સપાટી સાથે વધીને બંધ ઃ ઓર્કલા ઇન્ડિયા એકના શૅરદીઠ ૭૩૦ના ભાવે આજે મૂડીબજારમાં, પ્રીમિયમ ઘટીને ૮૮ રૂપિયા ઃ સ્ટેટ બૅન્ક સહિત અડધો ડઝન સરકારી બૅન્કોના શૅરમાં નવા ઊંચા ભાવ ઃ બમણાથી વધુ નફાના જોરમાં કાર ટ્રેડ નવું શિખર બનાવી ૪૬૬ રૂપિયાની તેજીમાં બંધ ઃ ટેક્નિકલ લોચાના પગલે MCXમાં કામકાજ ચાર કલાક ઠપ ઃ મીરા રોડની સેફક્યૉર સર્વિસિસનો SME IPO આજે ખૂલશે ઃ લાર્સન પરિણામની પૂર્વસંધ્યાએ ઑલટાઇમ હાઈ થઈ

એશિયન બજાર મંગળવારે રેકૉર્ડ રૅલી બાદ વિશ્રામના મૂડમાં જોવા મળ્યાં છે. જૅપનીઝ નિક્કી અડધા ટકાથી વધુ, સાઉથ કોરિયા પોણો ટકો, ઇન્ડોનેશિયા અને હૉન્ગકૉન્ગ અડધો ટકો, તાઇવાન ચાઇના અને થાઇલૅન્ડ નહીંવતથી સાધારણ નરમ બંધ થયાં છે. સિંગાપોર અડધા ટકા જેવી આગેકૂચમાં નવી વિક્રમી સપાટીએ બંધ થયું છે. યુરોપ રનિંગમાં બહુધા નહીંવત્ નરમાઈમાં હતું. બિટકૉઇન ૧,૧૩,૨૩૨ ડૉલર ચાલતો હતો. ક્રૂડ અડધા ટકાની નબળાઈમાં ૬૫.૩૦ ડૉલર દેખાયું છે. હાજર સોનું સવા ટકાની નરમાઈમાં ૩૯૩૩ ડૉલર તો કૉમેક્સ ગોલ્ડ બે ટકા જેવું બગડી ૩૯૪૩ ડૉલર ક્વોટ થતું હતું. ચાંદી ૪૬ ડૉલરે આવી ગઈ  છે. લંડન ધાતુબજારમાં કૉપર, ઍલ્યુમિનિયમ, ઝિન્ક તથા ટિન વાયદા અડધાથી એક ટકો પ્લસ હતા. ૩ ઑક્ટોબરે ૧,૬૯,૯૯૮ ઉપર ઑલટાઇમ હાઈ બનાવનાર પાકિસ્તાની શૅરબજાર ત્યાર પછી ૧,૬૨,૦૦૦થી ૧,૬૫,૦૦૦ની રેન્જમાં અથડાયા કરે છે. ગઈ કાલે રનિંગમાં એ ૧૧૮૧ પૉઇન્ટ ગગડી ૧,૬૦,૯૭૪ જોવા મળ્યું છે.



સેન્સેક્સ આગલા બંધથી ૧૫૩ પૉઇન્ટની નરમાઈમાં ૮૪૬૨૬ નજીક ખૂલી છેવટે ૧૫૧ પૉઇન્ટ ઘટી ૮૪,૬૨૮ તથા નિફ્ટી ૩૦ પૉઇન્ટ ઘટી ૨૫,૯૩૬ ગઈ કાલે બંધ થયો છે. ઢીલો ઓપનિંગ બાદ શૅરઆંક ઝડપથી બાઉન્સ થઈ ઉપરમાં ૮૪,૯૮૭ થયો હતો, ત્યાંથી સીધો લપસતો રહી નીચામાં ૮૩,૨૧૯ થયો હતો. ત્યારે પ્રથમ સત્ર લગભગ પૂરું થઈ ગયું હતું. બીજું સત્ર નીચલા મથાળેથી રિકવરીનું હતું અને એમાંય બેતરફી ઊથલપાથલ હતી. બન્ને બજારમાં તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં ગયા છે. મેટલ બેન્ચમાર્ક સામા પ્રવાહે ૩૫,૧૯૭ની ઑલટાઇમ હાઈ બનાવી સવા ટકો કે ૪૫૦ પૉઇન્ટ વધીને ૩૫,૧૧૮ બંધ આવ્યો છે. નિફ્ટી મેટલ પણ ૧૦,૬૨૪ની વિક્રમી સપાટી નોંધાવી સવા ટકો વધી ૧૦,૫૯૬ હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી ૮૧૧૯ની સર્વોચ્ચ સપાટી બતાવી સવા ટકો વધી ૮૦૮૮ રહ્યો છે. ગઈ કાલે રિયલ્ટી, FMCG, આઇટી, યુટિલિટીઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવાં સેક્ટોરલ્સ અડધાથી એક ટકો ડાઉન હતાં. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૩૮૫ શૅરની સામે ૧૭૩૦ જાતો નરમ હતી. માર્કેટકૅપ ૮૧,૦૦૦ કરોડ ઘટી ૪૭૧૦.૧૧ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.


પ્રાઇમરી માર્કેટમાં નવી દિલ્હીની ગેમ ચેન્જર્સ ટેક્સફૅબનો ૧૦ના શૅરદીઠ ૧૦૨ની અપરબૅન્ડ સાથે ૫૪૮૪ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે કુલ મળીને ૨૫ ટકા ભરાયો છે. તો કલકત્તાની જયેશ લૉજિસ્ટિક્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૨ની અપરબૅન્ડ સાથે ૨૮૬૩ લાખનો NSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૭.૮ ગણો ભરાઈ ચૂક્યો છે. પ્રીમિયમ વધુ સુધરીને એમાં હવે સાત રૂપિયા બોલાવા માંડ્યું છે. ગેમ ચેન્જર્સમાં કોઈ સોદા નથી. આજે બુધવારે મેઇન બોર્ડમાં MTR ફૂડ્સવાળી ઓર્કલા ઇન્ડિયા એકના શૅરદીઠ ૭૩૦ની અપરબૅન્ડમાં ૧૬૬૭ કરોડ પ્લસનો પ્યોર oFS ઇશ્યુ કરવાની છે. ગ્રેમાર્કેટ ખાતે ૧૪૫થી શરૂ થયેલું પ્રીમિયમ ઘટતું રહી હાલ ૮૮ થઈ ગયું છે. આ ઉપરાંત SME સેગમેન્ટમાં મીરા રોડ ખાતેની સિક્યૉરિટી સર્વિસ પ્રોવાઇડર કંપની સેફક્યૉર સર્વિસિસ ૧૦ના શૅરદીઠ ૧૦૨ના ભાવથી ૩૦૬૦ લાખનો BSE SME IPO આજે કરવાની છે. ૨૦૧૨માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૧૬ ટકા વધારામાં ૭૩૨૭ લાખની આવક પર આઠ ટકા વૃદ્ધિદરથી ૬૧૬ લાખ નફો કર્યો છે. ચાલુ વર્ષ પ્રથમ ત્રણ મહિનામાં આવક ૧૮૩૬ લાખ અને નફો ૧૯૯ લાખ થયો છે. દેવું ૨૦ કરોડથી વધુનું છે. ગ્રેમાર્કેટમાં કામકાજ નથી.

તાતા સ્ટીલ, હિન્દાલ્કો, JSW સ્ટીલમાં નવી લાઇફટાઇમ હાઈ


તાતા સ્ટીલ અઢી ગણા કામકાજે ૧૮૨ની ઑલટાઇમ હાઈ બનાવી ત્રણ ટકા વધી ૧૮૨ નજીક બંધમાં તેમ જ JSW સ્ટીલ ૧૧૮૬ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ૨.૯ ટકા વધી ૧૧૮૪ બંધમાં સેન્સેક્સ અને નિફ્ટી ખાતે ઝળક્યા છે. હિન્દાલ્કો ૮૫૯ ઉપર નવું બેસ્ટ લેવલ બનાવી એક ટકાની આગેકૂચમાં ૮૫૦ હતી. SBI લાઇફ ૧૯૪૫ના નવા શિખરે જઈ ૧.૮ ટકા વધી ૧૯૩૭ રહી છે. સ્ટેટ બૅન્ક ૯૩૬ નજીક લાઇફ ટાઇમ હાઈ હાંસલ કરી પોણો ટકો વધીને ૯૩૦ હતી. લાર્સન રિઝલ્ટની પૂર્વસંધ્યાએ ૩૯૮૫ની સર્વોચ્ચ સપાટી બનાવી સવા ટકો સુધરી ૩૯૭૩ હતી. ભારતી ઍરટેલ ૨૧૦૩ના નવા શિખરે જઈ અડધો ટકો સુધરી ૨૦૯૦ રહી છે. આઇશર સવા ટકો પ્લસ હતી.

ICICI બૅન્ક એક ટકો બગડી ૧૩૬૩ બંધમાં બજારને ૮૭ પૉઇન્ટ તો ઍક્સિસ ૦.૭ ટકા ઘટી ૧૨૪૬ બંધમાં ૨૧ પૉઇન્ટ નડી છે. બજાજ ફિનસર્વ એક ટકો, ટ્રેન્ટ દોઢ ટકો, બજાજ ફાઇનૅન્સ એક ટકો, કોલ ઇન્ડિયા ૧.૪ ટકા, ટેક મહિન્દ્ર એક ટકા ખરડાઈ બન્ને બજારમાં ટૉપ લૂઝરની યાદીમાં મોખરે હતી. TCS ૦.૯ ટકાની નરમાઈમાં ૩૦૫૭ થઈ છે. HCL ટેક્નો પોણો ટકો, ઇન્ફી ૦.૩ ટકા, વિપ્રો અડધો ટકો, લાટિમ પોણો ટકો કપાઈ હતી. અન્યમાં ટાઇટન, NTPC, અલ્ટ્રાટેક, મહિન્દ્ર, પાવરગ્રિડ, ONGC, અડધાથી એકાદ ટકો માઇનસ હતી. રિલાયન્સ પોણાબે ગણા કામકાજે નહીંવત્ સુધારામાં ૧૪૮૭ રહી છે.

કારટ્રેડ ટેક લિમિટેડની આવક ૨૫ ટકા વધી ૧૯૩ કરોડ થઈ છે, નેટ નફો ૧૧૪ ટકા વધી ૫૯૭૦ લાખ આવ્યો છે. શૅર ૫૦ ગણા કામકાજે ૩૧૭૪ની ઑલટાઇમ હાઈ બનાવીને ૧૭.૫ ટકા કે ૪૬૬ રૂપિયાની તેજીમાં ૩૧૩૦ બંધ થયો છે. ટીટીકે પ્રેસ્ટિજનો નફો ૨૧.૬ ટકા વધી ૬૪ કરોડ વટાવી જતાં શૅર ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૭૭૩ થઈ ૧૧.૩ ટકા ઊછળીને ૭૧૭ રહ્યો છે. આદિત્ય બિરલા રિયલ્ટી ૨૬૦ લાખના નફામાંથી ૧૫૭૦ લાખની ખોટમાં સરી પડતાં ભાવ ૩.૬ ટકા ગગડી ૧૬૮૮ હતો.

નફામાં ૬૪ ટકાના વધારા પાછળ જે. કે. ટાયર નવા બેસ્ટ લેવલે

માઝગાવ ડૉકનો ત્રિમાસિક નફો ૨૮ ટકા વધીને ૭૪૯ કરોડ થયો છે. શૅર ૪ ગણા કામકાજે ઉપરમાં ૨૮૮૩ થઈ એક ટકો ઘટીને ૨૭૮૦ બંધ થયો છે. ઇન્ડસ ટાવર્સે પોણાદસ ટકા વધારામાં ૮૧૮૮ કરોડની આવક પર સવાસત્તર ટકાના ઘટાડામાં ૧૮૩૯ કરોડ ચોખ્ખો નફો કર્યો છે, પરંતુ ભાવ અઢી ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૮૬ બતાવી ૩.૯ ટકા વધી ૩૮૬ બંધ આવ્યો છે. કેફિન ટેક્નૉલૉજીઝની આવક સવાદસ ટકા વધી ૩૦૯ કરોઈ થઈ છે. નેટ પ્રૉફિટ સાડાચાર ટકા વધીને ૯૩ કરોડ રહ્યો છે. શૅર ઉપરમાં ૧૨૧૭ વટાવી નીચામાં ૧૧૫૯ થઈ અડધો ટકો સુધરી ૧૧૭૪ હતો. શ્રીજી શિપિંગનો નફો ૨૩.૮ ટકા ગગડી ૪૨૭૦ લાખ થયો છે. શૅર એક ટકો વધી ૨૪૪ હતો. PDS લિમિટેડની આવક સાડાત્રણ ટકા વધી ૩૪૧૯ કરોડ થઈ છે. નેટ નફો ૫૫ ટકા ગગડી ૩૦ કરોડ રહ્યો છે. આમ છતાં શૅર ઉપરમાં ૩૪૪ નજીક જઈ નજીવો ઘટી ૩૨૯ થયો છે.

તામિલનાડુ મર્કન્ટાઇલ બૅન્કે NPAમાં ઘટાડા સાથે પોણાપાંચ ટકા વધારામાં ૩૧૮ કરોડ ચોખ્ખો નફો દર્શાવ્યો છે. શૅર સાત ગણા કામકાજે ઉપરમાં ૪૮૧ થઈ બે ટકા વધી ૪૬૬ રહ્યા છે. PNB હાઉસિંગ ફાઇનૅન્સે આવકમાં ૧૩.૪ ટકા વધારા સાથે ૨૩.૮ ટકા વૃદ્ધિદરથી ૫૮૨ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. શૅર નીચામાં ૮૮૬ બતાવી અડધો ટકો વધીને ૯૩૪ બંધ હતો. બાટા ઇન્ડિયાએ સવાચાર ટકાના ઘટાડે ૮૦૧ કરોડની આવક પર ૭૩ ટકા ધોવાણમાં ૧૩૮૦ લાખ નેટ પ્રૉફિટ બતાવ્યો છે. શૅર ૪૯ ગણા વૉલ્યુમે નીચામાં ૧૦૯૦ થઈ ૫.૯ ટકા તૂટી ૧૧૦૧ થયો છે. કૅનેરા HSBC લાઇફ ઇન્શ્યૉરન્સે ૧૦.૭ ટકા વધારામાં ૪૦૮૦ લાખ નેટ નફો કર્યો છે. ભાવ નીચામાં ૧૧૬ બતાવી અડધો ટકો ઘટી ૧૨૧ રહ્યો છે. જેકે ટાયરની આવક ૧૦.૮ ટકા વધી છે. સામે નેટ પ્રૉફિટ ૬૪ ટકા ઊછળી ૨૨૧ કરોડ નોંધાયો છે. શૅર સાત ગણા વૉલ્યુમે ૪૪૦ના શિખરે જઈ સાડાત્રણ ટકાની આગેકૂચમાં ૪૨૬ હતો.

TVS મોટરનાં સારાં પરિણામ આવ્યાં, શૅરમાં નરમાઈ આવી

સરકાર પીએસયુ બૅન્કોમાં સીધા વિદેશી રોકાણની મર્યાદા ૨૦ ટકાથી વધારીને ૪૯ ટકા કરવા વિચારી રહી હોવાના અહેવાલ પાછળ ગઈ કાલે પીએસયુ બૅન્ક નિફ્ટી ૮૧૧૯ નજીક નવી સર્વોચ્ચ સપાટી બનાવી છેવટે સવા ટકો વધીને ૮૦૮૮ બંધ થયો છે. એમાં ૧૨માંથી ૧૨ શૅર પ્લસ હતા. ગઈ કાલે બૅન્ક ઑફ બરોડા, બૅન્ક ઑફ ઇન્ડિયા, કૅનેરા બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, પંજાબ નૅશનલ બૅન્ક, સ્ટેટ બૅન્ક જેવી સરકારી બૅન્કો ઇન્ટ્રા-ડેમાં નવી ટોચે ગઈ હતી. ખાનગી ક્ષેત્રની DCB બૅન્ક તથા કરુર વૈશ્ય બૅન્કમાં પણ નવાં શિખર બન્યાં હતાં. બૅન્ક નિફ્ટી ૧૦૦ પૉઇન્ટ પ્લસ હતો. બૅન્કિંગના ૪૧માંથી ૩૨ શૅર વધ્યા છે. IDBI બૅન્ક સાડાછ ટકા, તામિલનાડુ બૅન્ક બે ટકા, ઇન્ડઇન્ડ બૅન્ક ૩.૭ ટકા, બૅન્ક ઑફ માહારાષ્ટ્ર બે ટકા, ઇન્ડિયન બૅન્ક ૩.૨ ટકા, સિટી યુનિયન ૩.૨ ટકા પ્લસ હતી. ઉત્કર્ષ બૅન્ક ૪.૬ ટકા ગગડી છે. જના સ્મૉલ બૅન્ક ૧.૭ ટકા તથા ઇસફ બૅન્ક ૩.૭ ટકા કટ થઈ હતી. IDBI શૅર ૧૦ ગણા વૉલ્યુમે ૧૦૪ થઈ સાડાછ ટકા ઊછળી ૧૦૨ બંધ આવ્યો છે.

NIIT લિમિટેડની આવક પોણાસોળ ટકા વધી ૧૦૫ કરોડ થઈ છે, પરંતુ નેટ નફો ૮૮ ટકા ગગડીને ૧૪૦ લાખ રહ્યો છે. શૅર માત્ર પોણો ટકો ઘટીને ૧૦૫ બંધ થયો છે. TVS મોટરનો ત્રિમાસિક નફો ૩૭ ટકા વધીને ૯૦૬ કરોડ આવ્યો છે. શૅર ૩૬૮૦ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૩૫૨૫ થઈ ૨.૩ ટકા બગડી ૩૫૫૫ બંધ થયો છે. તાતા કૅપિટલ એનાં પરિણામ પૂર્વે અડધા ટકા જેવા સુધારામાં ૩૩૧ હતી. ન્યુજેન સૉફ્ટવેરનો નફો ૧૩ ટકા વધી ૮૨ કરોડ થયો છે. એમાં શૅર ૧૫ ગણા કામકાજે ઉપરમાં ૧૦૧૫ બતાવી સવાદસ ટકા ઊછળી ૯૮૯ બંધ રહ્યો છે. તાતા ઇન્વેસ્ટમેન્ટ બે ટકાની નરમાઈમાં ૮૨૦ થઈ છે. શ્રી સિમેન્ટ્સનો નફો ૭૬ કરોડથી વધી ૩૦૮ કરોડ વટાવી ગયો છે. શૅર પરિણામ પૂર્વે નજીવા ઘટાડામાં ૨૮૫૩૪ રૂપિયા બંધ હતો.

ટેક્નિકલ ગ્લિચ MCXનો પીછો છોડતી નથી, શૅર ખરડાયો

કેરલા સૉલ્વન્ટ એક્સ્ટ્રેક્શન્સ અર્થાત્ KSE લિમિટેડ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ગઈ કાલે ઉપરમાં ૨૭૪ બતાવી ૨.૮ ટકાના ઘટાડે ૨૬૨ બંધ આવ્યો છે. અદાણી એનર્જીની આવક ૭ ટકા વધી ૬૫૬૬ કરોડ થઈ છે, પરંતુ નેટ નફો ૨૧ ટકા જેવો ઘટી ૫૩૪ કરોડ આવ્યો છે. શૅર નીચામાં ૯૧૯ થઈ ૨.૪ ટકા ગગડી ૯૨૩ બંધ રહ્યો છે મહિન્દ્ર લૉજિસ્ટિક્સની આવક ૧૦.૮ ટકા વધી ૧૬૮૫ કરોડ થઈ છે. ચોખ્ખી ખોટ ૧૦૮૦ લાખથી નજીવી ઘટી ૧૦૪૦ લાખ રહી છે. શૅર નીચામાં ૩૪૪ થઈ ૨.૮ ટકા ઘટી ૩૪૪ હતો.

ઇન્ડિયન ઑઇલ દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ચાર ટકાના વધારામાં ૨.૦૩ લાખ કરોડ રૂપિયાની આવક પર અગાઉના ૧૮૦ કરોડ સામે ૪૧૨૮ ટકાના જંગી ઉછાળામાં ૭૬૧૦ કરોડ નેટ પ્રોફિટ દર્શાવાયો છે. શૅર ૩ ગણા કામકાજે ૧૫૭ ઉપર વર્ષની ટૉપ બનાવી અડધો ટકો ઘટીને ૧૫૪ બંધ થયો છે. રિઝલ્ટનો કરન્ટ જાળવી રાખતાં ચેન્નઈ પેટ્રોલિયમ ઉપરમાં ૮૫૪ બતાવી ૯.૫ ટકાની આગેકૂચમાં ૯૪૩ હતી. MRPL ૨.૨ ટકા વધી ૧૫૩ રહી છે. સોના BLW કે સોના કૉમસ્ટાર ૨૦ ટકાના વધારામાં ૧૭૩ કરોડના નેટ નફા પાછળ પ્રારંભિક મજબૂતીમાં ઉપરમાં ૫૦૩ થયા બાદ છેવટે નહીંવત્ સુધારામાં ૪૮૫ હતી. MCXમાં ટેક્નિકલ ગ્લિચ પીછો છોડતી નથી. ગઈ કાલે પણ આવી જ કોઈક ટેક્નિકલ ક્ષતિ ઊભી થતાં કામકાજ થંભાવી દેવાની ફરજ પડી છે. છાશવારે થતા આ ધાંધિયાથી કંટાળી ગયેલા બ્રોકરો તરફથી MCXના ચૅરપર્સનને ખાસ મીટિંગ બોલાવવાની માગણી કરાઈ છે. MCXનો શૅર ગઈ કાલે ૯૩૬૦ની ઇન્ટ્રા-ડે હાઈથી ગગડી ૯૦૭૧ થયા બાદ બે ટકા બગડી ૯૧૧૭ રહ્યો છે. BSE લિમિટેડ નીચામાં ૨૪૦૫ બતાવી ૩.૬ ટકા ખરડાઈ ૨૪૧૯ બંધ આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

29 October, 2025 08:22 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK