Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > વિશ્વબજારોના તાલે ઘરઆંગણે સેન્સેક્સ ૫૬૭ પૉઇન્ટ મજૂબત, માર્કેટકૅપ નવા શિખરે

વિશ્વબજારોના તાલે ઘરઆંગણે સેન્સેક્સ ૫૬૭ પૉઇન્ટ મજૂબત, માર્કેટકૅપ નવા શિખરે

Published : 28 October, 2025 08:19 AM | IST | Mumbai
Anil Patel

કોફોર્જનો નફો ૭૭ ટકા વધીને ૩૭૬ કરોડ આવતાં બ્રોકરેજ હાઉસિસ દ્વારા ૨૨૫૦થી માંડી ૨૫૦૦ સુધીની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જાહેર થયા છે.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


જૅપનીઝ શૅરબજાર સર્વોચ્ચ સપાટી સાથે પ્રથમ વાર ૫૦,૦૦૦ને પાર, સાઉથ કોરિયા, તાઇવાન અને ચાઇનીઝ માર્કેટમાં નવાં શિખર: પરિણામ પાછળ કોટક મહિન્દ્ર બૅન્ક બન્ને બજારમાં ટૉપ લૂઝર : બુલિયનમાં ઑપ્શન કૉન્ટ્રૅક્ટ લૉન્ચ થતાં MCX ૨૯૧ રૂપિયાની તેજીમાં બંધ ઃ કોફોર્જ અને ઇક્લેરેક્સમાં પરિણામ પાછળ બ્રોકરેજ હાઉસિંગના બુલિશ વ્યુ જાહેર: તાતા કૅપિટલ પરિણામની પૂર્વસંધ્યાએ સુધારામાં: સુપ્રીમ કોર્ટની AGR ડ્યુ સંબંધે હમદર્દીમાં વોડાફોન ૧૩ મહિનાની ટોચે

અમેરિકા-ચાઇના વચ્ચે ટ્રેડ-ડીલનો તખ્તો ગોઠવાતાં તંગદિલી હળવી બની છે. અમેરિકન ફેડની પૉલિસી મીટિંગ બુધવારે છે. ફેડ રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો નક્કી મનાય છે. જપાન ખાતે પ્રથમ મહિલા વડાં પ્રધાને સત્તા સંભાળી લીધી છે. વિકાસનો વેગ આપવા મોટું ફિસ્કલ પૅકેજ આવશે એવો આશાવાદ શરૂ થયો છે. શુક્રવારની મોડી રાત્રે અમેરિકન ડાઉ ૪૭૩૨૭ નજીક ઑલટાઇમ હાઈ બનાવી એક ટકો વધીને ૪૭૨૦૭ના શિખરે બંધ થયો હતો. નૅસ્ડૅક ઇન્ડેક્સ પણ ૨૩૨૬૧ના બેસ્ટ લેવલે જઈ ૧.૨ ટકા વધી ૨૩૨૦૫ નજીક રહ્યો હતો. એની પાછળ સોમવારે તમામ અગ્રણી એશિયન બજાર મૂડમાં જોવા મળ્યાં છે. જૅપનીઝ નિક્કી ૫૦૪૯૧ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ૨.૩ ટકા કે ૧૧૪૮ પૉઇન્ટ ઊંચકાઈ ૫૦૪૪૮ બંધ થયો છે. સાઉથ કોરિયન માર્કેટ અઢી ટકાની આગેકૂચમાં ૪૦૪૩ની નવી ટોચે ગયું છે. ચાલુ કૅલેન્ડર વર્ષમાં અહીં ૬૮ ટકા નજીકની તેજી થઈ ચૂકી છે. તાઇવાન ૨૮૧૯૬ની નવી વિક્રમી સપાટી બતાવી ૧.૭ ટકાની મજબૂતીમાં ૨૭૯૯૪ થયું છે. ચાઇનાનો શાંઘાઈ કૉમ્પોઝિટ ઇન્ડેક્સ ૩૯૯૮ની ઑગસ્ટ ૨૦૧૫ પછીની ઊંચી સપાટી નોંધાવી સવા ટકો વધી ૩૯૯૭ હતો. સિંગાપોર અડધો ટકો અને હૉન્ગકૉન્ગ એક ટકા અપ હતું. યુરોપ રનિંગમાં બહુધા પૉઝિટિવ બાયસમાં હતું. બિટકૉઇન ૧૧૫૮૦ ડૉલર ચાલતો હતો. બ્રેન્ટ ક્રૂડ ૬૬ ડૉલર પર ટકેલું છે. સોનું પોણાથી એક ટકાના ઘટાડે હાજરમાં ૪૦૮૪ તથા વાયદામાં ૪૦૯૯ ડૉલર દેખાતું હતું. લંડન ધાતુબજારમાં કૉપર વાયદો નવી ઑલટાઇમ હાઈ બનાવવાની તૈયારીમાં છે. એશિયા ખાતે એકમાત્ર ઇન્ડોનેશિયા પોણાત્રણ ટકા ગગડ્યું છે. થાઇલૅન્ડ સવા ટકો પ્લસ હતું.



ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૮૫ પૉઇન્ટ જેવો સામાન્ય સુધરી, ૮૪૨૯૭ ખૂલ્યા બાદ છેવટે ૫૬૭ પૉઇન્ટની મજબૂતીમાં ૮૪૭૭૯ તથા નિફ્ટી ૧૭૧ પૉઇન્ટ વધી ૨૫૯૬૬ બંધ થયો છે. આરંભથી અંત સુધી મક્કમ રહેલી માર્કેટમાં શૅરઆંક નીચામાં ૮૪૨૯૪ તથા ઉપરમાં ૮૪૯૩૨ દેખાયો હતો. નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં ૨૬૦૦૬ની ટોચે ગયો હતો. બન્ને બજાર ખાતે જૂજ અપવાદ સિવાય તમામ ઇન્ડાઇસિસ વધ્યાં છે. મેઇન બેન્ચમાર્કના ૦.૭ ટકા સામે રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૪ ટકા, ઑઇલ-ગૅસ દોઢ ટકરો, ટેલિકૉમ ૨.૪ ટકા, એનર્જી ૧.૪ ટકા, મેટલ ૧.૧ ટકા, ટેક્નૉલૉજી ૦.૯ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી ૨.૨ ટકા મજબૂત હતો. બૅન્ક નિફ્ટી પોણો ટકો તથા ફાઇનૅન્સ ઇન્ડેક્સ અડધો ટકો વધ્યો છે. આઇટી બેન્ચમાર્ક ૯૪ પૉઇન્ટ જેવો નહીંવત્ સુધર્યો હતો. નિફ્ટી ડિફેન્સ ૦.૭ ટકો ઘટ્યો છે. હેલ્થકૅર તેમ જ નિફ્ટી ફાર્મા નહીંવત્ ઢીલા હતા. થોડી પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૬૩૮ શૅરની સામે ૧૫૦૭ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૨.૯૫ લાખ કરોડ વધીને ૪૭૧.૯૨ લાખ કરોડ રૂપિયાની વર્ષની નવી ટોચે પહોંચ્યું છે.


પ્રાઇમરી માર્કેટમાં સંવત ૨૦૮૨ના પ્રથમ IPO તરીકે કલકત્તાની જયેશ લૉજિસ્ટિક્સ ૧૦ના શૅરદીઠ ૧૨૨ની અપરબૅન્ડ સાથે ૨૮૬૩ લાખના NSE SME ઇશ્યુ સામે મૂડીબજારમાં આવી છે. ભરણું પ્રથમ દિવસે કુલ સવાચાર ગણું ભરાયું છે. ગ્રેમાર્કેટમાં ૪થી શરૂ થયેલું પ્રીમિયમ સુધરીને હાલ પાંચ રૂપિયા બોલાય છે. આજે મંગળવારે નવી દિલ્હીની ગેમ ચેન્જર્સ ટેક્સફૅબ ૧૦ના શૅરદીઠ ૧૦૨ની અપરબૅન્ડમાં ૫૪૮૪ લાખનો BSE SME IPO કરવાની છે. પ્રીમિયમ શરૂ થયું નથી. બુધવારે મેઇન બોર્ડમાં MTR ફૂડ્સવાળી ઓર્કલા એકના શૅરદીઠ ૭૩૦ની અપરબૅન્ડમાં ૧૬૬૭ કરોડનો ઇશ્યુ કરશે. પ્રીમિયમ ૧૧૨ ચાલે છે.

ભારત રસાયણ શૅરદીઠ એક બોનસ જાહેર ભાવ ૯૨૪ રૂપિયા તૂટ્યો


ડૉ. લાલ પૅથલૅબ્સની બોર્ડ-મીટિંગ શુક્રવારે મળશે. એમાં પરિણામ ઉપરાંત બોનસ વિશે વિચારણા કરવામાં આવશે. શૅર ગઈ કાલે ઉપરમાં ૩૧૯૪ બતાવી ત્રણ ટકા વધી ૩૧૩૯ બંધ થયો છે. SBI કાર્ડ્‍સ તરફથી સવાબાર ટકાના વધારામાં ૪૯૬૦ કરોડની આવક પર ૧૦ ટકા વૃદ્ધિદરથી ૪૪૫ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. શૅર નીચામાં ૮૯૦ થઈ ૩.૨ ટકા ગગડી ૯૦૦ રહ્યો છે. સુપ્રીમ પેટ્રોકેમિકલ્સ ૬૩ ટકાના વધારામાં ૧૪૮ કરોડના નેટ પ્રૉફિટ દર્શાવતાં ગઈ કાલે ઉપરમાં ૮૧૦ બનાવી અડધો ટકો ઘટી ૮૦૧ થઈ છે.

ઓલા ઇલેક્ટ્રિક તરફથી ઇક્વિટી શૅર, કન્વર્ટિબલ સિક્યૉરિટીઝ અગર વૉરન્ટ્સને રાઇટ ઇશ્યુ કે ક્વિપરૂટ અગર પ્રાઇવેટ પ્લેસમેન્ટ મારફત ઇશ્યુ કરી ૧૫૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાનું નક્કી થયું છે. મૂળ યોજના આ માર્ગે ૧૭૦૦ કરોડ ઊભા કરવાની હતી. શૅર ગઈ કાલે બે ટકા ઘટી ૫૧.૭૬ બંધ થયો છે.

મૂળ કેરલા સૉલ્વવન્ટ એક્સ્ટ્રેક્શન્સ તરીકે ઓળખાતી KSE લિમિટેડ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટની પૂર્વસંધ્યાએ અડધો ટકો સુધરી ૨૬૯૮ રહી છે. હાલમાં બુકવૅલ્યુ ૭૭૮ રૂપિયા ઉપર છે. મેઇડન બોનસ બાકી છે. ભારત રસાયણ દ્વારા

શૅરદીઠ એક બોનસ તથા ૧૦ના શૅરનું પાંચ રૂપિયામાં વિભાજન જાહેર થયું છે. શૅર નીચામાં ૧૦૬૬૨ની અંદર જઈને સાત ટકા તૂટી ૧૦૯૫૦ બંધ થયો છે. સેશાસાયીની આવક ૧૩ ટકા ઘટી છે. નફો ૨૧.૩ ટકા ઘટીને ૨૨૪૦ લાખ થયો છે. શૅર ગઈ કાલે નીચામાં ૨૫૦ થઈ સવા ટકો વધી ૨૫૫ રહ્યો છે. ફેસવૅલ્યુ બેની છે.

ચેન્નઈ પેટ્રોલિયમ ૬૩૪ કરોડની નેટ લૉસમાંથી ૭૧૯ કરોડના નેટ નફામાં આવતાં ભાવ ૧૧ ગણા કામકાજે ઉપરમાં ૮૩૦ નજીક જઈ છેવટે સામાન્ય ઘટાડે ૭૬૯ બંધ આવ્યો છે ઇન્ડિયન ઑઇલ પરિણામ પૂર્વે પોણાબે ગણા કામકાજે સવાત્રણ ટકા વધીને ૧૫૫ વટાવી ગઈ છે. ભારત પેટ્રો ૪ ટકા નજીક તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ સવાત્રણ ટકા પ્લસ હતી.

ચંદ્રબાબુ નાયડુની હેટસન ઍગ્રો પરિણામ પાછળ ૨૦ ટકા ઊછળી

તેલુગુ દેસમવાળા ચંદ્રબાબુ નાયડુની હેટસન ઍગ્રો પ્રોડક્ટ્સે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૭ ટકા વધારામાં ૨૪૨૭ કરોડની આવક પર ૭૩ ટકા વૃદ્ધિદરથી ૧૧૦ કરોડ જેવો નેટ નફો કરતાં શૅર ૪૮ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૦૮૧ વટાવી ૧૮૦ રૂપિયા ઊછળી ત્યાં જ બંધ થયો છે. પરાગ મિલ્ક પણ અઢી ગણા કામકાજે ૩૧૯ના બેસ્ટ લેવલે જઈ સવાપાંચ ટકાના જમ્પમાં ૩૧૭ થઈ છે. દૂડલા ડેરી સાડાત્રણ ટકા મજબૂત હતી. ફર્સ્ટ સોર્સ સૉલ્યુશન્સનાં રિઝલ્ટ ૪ નવેમ્બરે છે. શૅર ગઈ કાલે ૨૨ ગણા કામકાજે આઠ ટકાના ઉછાળે ૩૫૩ થઈ છે. ઇક્લેરેક્સ લિમિટેડ ૩૧ ટકાના વધારામાં ૧૮૩ કરોડ પ્લસના નેટ નફામાં ૧૪ ગણા કામકાજમાં ૪૮૨૫ની નવી ઊંચી સપાટી નોંધાવી ૭.૭ ટકા કે ૩૪૩ રૂપિયાની મજબૂતીમાં ૪૭૪૮ રહી છે. વારિ રિન્યુએબલ ૭.૫ ટકા ઊંચકાઈ ૧૩૩૦ હતી. IIFL કૅપિટલ અઢી ગણા વૉલ્યુમે સાડાછ ટકા વધી ૩૮૨ થઈ છે. ધાની સર્વિસિસ ૪ ગણા વૉલ્યુમે સાડાઆઠ ટકા જેવી તૂટી ૫૧ ઉપરના બંધમાં એ-ગ્રુપ ખાતે ટૉપ લૂઝર બની છે. ઝેન ટેક્નૉલૉજી નફામાં ઘટાડા સાથે નબળાં પરિણામમાં સાત ગણા કામકાજે નીચામાં ૧૩૦૫ બતાવી ચાર ટકા બગડી ૧૩૩૯ રહી છે. ગરવારે હાઈ-ટેક ૩.૯ ટકા કે ૧૪૩ રૂપિયા અને પર્લ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ ચાર ટકા જેવી ગગડી છે.

સુપ્રીમ કોર્ટ તરફથી AGR પેટેના સરકારી લેણના બોજને લઈ ફેરવિચારણા કરવા અનુરોધ થતાં વોડાફોન ચારેક ગણા કામકાજે ૧૦.૫૭ની ૧૩ મહિનાની ટૉપ બનાવી પોણાચાર ટકા વધી ૧૦ રૂપિયા નજીક બંધ થઈ છે. MCX દ્વારા બુલિયનમાં ઑપ્શન કૉન્ટ્રૅક્ટ લૉન્ચ કરવામાં આવતાં ભાવ સવાત્રણ ટકા કે ૨૯૧ના ઉછાળે ૯૩૦૮ થયો છે. BSE લિમિટેડ દોઢ ટકો વધી ૨૫૧૦ વટાવી ગઈ છે. તાતા કૅપિટલ પરિણામની પૂર્વસંધ્યાએ દોઢ ટકો સુધરી ૩૨૯ નજીક રહી છે.

કોફોર્જનો નફો ૭૭ ટકા વધીને ૩૭૬ કરોડ આવતાં બ્રોકરેજ હાઉસિસ દ્વારા ૨૨૫૦થી માંડી ૨૫૦૦ સુધીની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જાહેર થયા છે. શૅર ઉપરમાં ૧૮૬૬ થઈ ૪ ટકા ઊંચકાઈ ૧૮૩૦ વટાવી ગયો છે. સિગાચી ઇન્ડસ્ટ્રીઝનો નફો ૫૦ ટકા ડૂલ થતાં શૅર નીચામાં ૩૭.૩૯ થઈ અઢી ટકા બગડી ૩૮ ઉપર બંધ હતો. તાજેતરમાં IPO લાવનારી કૅનેરા રોબેકો AMCનો નેટ નફો ૩ ટકા ઘટી ૪૮૭૧ લાખ આવ્યો છે. શૅર રિઝલ્ટ પૂર્વે ૩૫૩ના બેસ્ટ લેવલે જઈ ચાર ટકા વધીને ૩૫૦ બંધ થયો હતો. SRF લિમિટેડનો ત્રિમાસિક નફો ૯૩ ટકા વધી ૩૮૮ કરોડ આવ્યો છે, પણ શૅર ૩૧૨૮ની ઇન્ટ્રા-ડે હાઈથી રિઝલ્ટ બાદ નીચામાં ૨૯૮૫ થઈ બે ટકા ઘટી ૩૦૨૦ બંધ થયો છે. તાતા ઇન્વેસ્ટમેન્ટનો નફો ૨૦ ટકા વધી ૧૪૮ કરોડ થયો છે. શૅર જોકે ૮૩૭ના લેવલે ફ્લૅટ બંધ હતો.

ભારતી ઍરટેલ, ગ્રાસિમ, SBI લાઇફ, તાતા સ્ટીલમાં નવાં શિખર

કોટક મહિન્દ્ર બૅન્ક દ્વારા ૧૧.૪ ટકાના ઘટાડામાં ૪૪૬૮ કરોડ ત્રિમાસિક નેટ નફો દર્શાવાયો છે. સંભવિત બૅડ લોન પેટે પ્રોવિઝનિંગની જોગવાઈ ૪૩ ટકા વધીને ૯૪૭ કરોડ થવાના પગલે નફામાં માર પડ્યો છે. શૅર સોમવારે નીચામાં ૨૧૨૫ થઈ પોણાબે ટકા ગગડી ૨૧૪૯ નજીક બંધ થયો છે. ડૉ. રેડ્ડીઝ લૅબનો ત્રિમાસિક નફો સવાસાત ટકા વધીને ૧૩૪૭ કરોડ આવ્યો છે. જોકે ધારણા ૧૪૦૪ કરોડ જેવી હતી. આવક પોણાદસ ટકા વધીને ૮૮૨૮ કરોડ થઈ છે, જે ૮૫૯૫ કરોડની એકંદર અપેક્ષા કરતાં વધુ છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૨૯૪ થઈ ૧૨૮૪ના લેવલે ફ્લૅટ બંધ રહ્યો છે. ભારતી ઍરટેલ સાત ગણા વૉલ્યુમે ૨૦૯૪ની વિક્રમી સપાટી નોંધાવી અઢી ટકા વધી ૨૦૮૧ બંધમાં સેન્સેક્સ ખાતે ઝળકી છે. એનાં રિઝલ્ટ ૩ નવેમ્બરે છે. બ્રોકરેજ હાઉસિંગ ૨૩૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ છે.

SBI લાઇફ ઇન્શ્યૉરન્સનો નફો સાડાછ ટકા ઘટીને ૪૯૪ કરોડ આવ્યો છે, પણ બ્રોકરેજ હાઉસ તરફથી ૨૩૨૦થી માંડી ૨૫૫૦ સુધીની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જારી થયા છે. શૅર ૧૯૨૪ની ૧૩ મહિનાની ટૉપ બનાવી ૩.૪ ટકાની તેજીમાં ૧૯૦૩ બંધ આપી નિફ્ટીમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. ગ્રાસિમનાં પરિણામ પાંચમી નવેમ્બરે છે. શૅર ૨૯૨૪ની વિક્રમી સપાટી દેખાડી ત્રણેક ટકા વધી ૨૯૨૪ બંધ આવી છે. રિલાયન્સ તરફથી એની પૂર્ણ માલિકીની સબસિડિયરી મારફત મેટા પ્લૅટફૉર્મ સાથે ૮૫૫ કરોડના રોકાણથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે સંયુક્ત સાહસ સ્થાપવાની જાહેરાત થઈ છે જેમાં શૅર ઉપરમાં ૧૪૮૫ થઈ સવાબે ટકા વધી ૧૪૮૪ બંધમાં બજારને સર્વાધિક ૧૮૬ પૉઇન્ટ ફળ્યો છે. જિયો ફાઇનૅન્સ નહીંવત્ નરમ હતી. પરિણામ બાદની ખરાબી બાદ એટર્નલ ૨.૨ ટકા વધી ગઈ કાલે ૩૩૪ હતી. હરીફ સ્વિગીનાં પરિણામ ૩૦મીએ છે. ભાવ ગઈ કાલે સામાન્ય વધીને ૪૨૬ રહ્યો છે.

સ્ટેટ બૅન્ક ૯૨૮નું નવું શિખર બનાવી બે ટકા વધી ૯૨૩ હતી. ઍક્સિસ બૅન્ક એક ટકો તો HDFC બૅન્ક પોણો ટકો સુધરી હતી. ICICI બૅન્ક નજીવી પ્લસ હતી. તાતા સ્ટીલ ૧૭૮ના બેસ્ટ લેવલે જઈ સવા ટકો વધીને ૧૭૬ રહી છે. હિન્દાલ્કો ૮૪૫નું નવું શિખર નોંધાવી બે ટકા વધી ૮૪૧ થઈ છે. JSW સ્ટીલ અડધો ટકો વધી ૧૧૪૭ હતી. અન્ય મેટલ શૅરમાં વેદાન્તા ૧.૯ ટકા, નાલ્કો પોણો ટકો, હિન્દુસ્તાન કૉપર દોઢ ટકો, જિન્દલ સ્ટીલ ૨.૨ ટકા પ્લસ હતા. તાતા મોટર્સ બ્રોકરેજ હાઉસિસના ડી-રેટિંગ વચ્ચે ૧.૬ ટકા સુધરી ૪૧૦ થઈ છે. તાતા કન્ઝ્‍યુમર, ઇન્ડિગો, ITC એકાદ ટકો વધી છે. ઇન્ફી ૧.૪ ટકાની નરમાઈમાં ૧૫૦૫ બંધ આપી બજારને ૬૨ પૉઇન્ટ નડી છે. TCS પોણો ટકો, ટેક મહિન્દ્ર ૦.૭ ટકા, વિપ્રો સાધારણ તથા લાટિમ દોઢ ટકો પ્લસ હતી.

Whatsapp-channel Whatsapp-channel

28 October, 2025 08:19 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK