ગયા સપ્તાહમાં શૅરબજારમાં સતત H-1Bનો મામલો છવાયેલો રહ્યો, સપ્તાહના અંતિમ દિવસે દવાઓની નિકાસ પર ટૅરિફનું આક્રમણ થતાં ફાર્મા સ્ટૉક્સની તબિયત કથળી હતી. એની અસરે માર્કેટનો માહોલ અને માનસ બન્ને વધુ નિરાશાજનક રહ્યાં, પાંચેય દિવસ કરેક્શનમાં ઘણી સફાઈ થઈ ગઈ
ફાઇલ તસવીર
માનો કે ન માનો અત્યારના સમયમાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ભારતીય શૅરબજારના ચાલકબળ અને ઘાતકબળ બન્ને રહેશે એવું લાગે છે. ભારત સામેના વેપાર-વ્યવહારનું તેમનું લગભગ દરેક પગલું શૅરબજારને ડાઉન કરે છે, નિરાશ કરે છે અથવા અનિશ્ચિતતામાં મૂકી રહ્યું છે. એને કારણે માર્કેટની દશા સતત ઘટાડાતરફી બની છે. આ હજી કેટલું લાંબું ચાલશે એવું કહેવાય નહીં. જોકે આ સંજોગોમાં પણ ભારતીય ઇકૉનૉમીની આંતરિક મજબૂતીને ધ્યાનમાં રાખી રોકાણકારોનો ચોક્કસ વર્ગ આ કરેક્શનને ખરીદીની તક માની દરેક ઘટાડે ખરીદી કરવામાં માને છે.
માર્કેટના ઘટાડા પાછળનાં કારણોમાં તાજેતરમાં ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO)નો એકધારો પ્રવાહ પણ પરિબળ છે. એને કારણે પણ શૅરબજારમાંથી રોકાણ છૂટું થઈને પ્રાઇમરી માર્કેટમાં વળી રહ્યું છે. હાલ સંખ્યાબંધ પબ્લિક ઇશ્યુઓ રોકાણકારોનાં નાણાં આકર્ષી રહ્યા છે. આ ઉપરાંત કંઈક અંશે પ્રૉફિટ-બુકિંગ પણ બજારના કરેક્શનમાં ભાગ ભજવી ગયું છે અને હા, ગ્લોબલ તથા અમેરિકાની અનિશ્ચિતતા તો ખરી જ. હાલ વીઝા-ઇશ્યુને કારણે IT કંપનીઓ અમેરિકાના પડકારોનો સામનો કરી રહી છે. એની અસર શૅરબજાર પર થયા વિના રહે નહીં. એની સેન્ટિમેન્ટલ અસર ઓવરઑલ માર્કેટ પર પણ થવી સહજ છે, પરંતુ આ તબક્કો ટૂંકા ગાળાનો રહેશે એવું ધારવામાં આવે છે. બીજી તરફ કન્ઝમ્પ્શન માર્કેટને વેગ મળતાં માર્કેટનું માનસ સુધરશે પણ ખરું. આ સમયમાં રોકાણકારોએ સાવચેત અને સ્માર્ટ બનીને રોકાણ કરવાનું રહેશે. ખાસ કરીને અમેરિકા સાથેના વિવાદના મુદા ઊભા છે ત્યાં સુધી માર્કેટને નિશ્ચિત સ્થિરતા મળવી કઠિન છે.
ADVERTISEMENT
સ્થાનિક-સ્વદેશી રોકાણની શક્તિ
આપણે ગયા સપ્તાહમાં વાત કરી હતી કે ભારતીય શૅરબજારમાં ફૉરેન ઇન્વેસ્ટર્સના ઘટતા નેટ-રોકાણ સામે ભારતીય રીટેલ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ-સંસ્થાકીય રોકાણકારો સક્રિય થયા છે અને બજારને મજબૂત ટેકો પણ પૂરો પાડી રહ્યા છે. ૨૦૨૫ના આંકડાઓ આ વાતને સમર્થન આપી રહ્યા છે. ૨૦૨૫ પૂરું થવામાં હજી એક ક્વૉર્ટર બાકી છે ત્યાં જ ૨૦૨૪ના રોકાણ કરતાં ૨૦૨૫માં સ્થાનિક રોકાણ વધી ગયું છે. ૨૦૨૫ના અત્યાર સુધીના ગાળામાં સંસ્થાકીય રોકાણકારો (મ્યુચ્યુઅલ ફન્ડ્સ, વીમા-કંપનીઓ, બૅન્કો, પેન્શન ફન્ડ્સ સહિત)એ ભારતીય ઇક્વિટીઝમાં ૫.૩ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે જે ગયા આખા વરસમાં ૫.૨૨ લાખ કરોડ રૂપિયા હતું. આમાં પણ મ્યુચ્યુઅલ ફન્ડ્સનો હિસ્સો સૌથી મોટો છે, એનું રોકાણ ૩.૬૫ લાખ કરોડ રૂપિયાનું છે. આમાં પણ વળી દર મહિને ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનો SIPનો ફાળો છે. આ સાથે ઇન્શ્યૉરન્સ કંપનીઓ અને પેન્શન ફન્ડ્સ તરફથી એક લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે. બાકી બૅન્કો, પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસ અને અૉલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ્સ માર્ગે રોકાણ આવતું રહ્યું છે. દરમ્યાન ફૉરેન ઇન્વેસ્ટર્સ ૨૦૨૫માં નેટ સેલર્સ રહ્યા છે, તેમનું ભારતીય ઇક્વિટીઝમાં શૅરહોલ્ડિંગ ૨૦૧૯માં બાવીસ ટકા હતું એ ૨૦૨૫માં ૧૬ ટકા થઈ ગયું છે.
જોકે આ રોકાણપ્રવાહ પછી પણ ગ્લોબલ સંજોગો અને અમેરિકન પરિબળને લીધે માર્કેટ બહુ વધ્યું નહીં, કારણ કે વૅલ્યુએશન સામે સવાલો ઊભા હતા અને છે. એનું કારણ નબળાં અર્નિંગ્સ રહ્યું હતું. ભારતીય એક્સચેન્જની સામે શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ, હૅન્ગસેન્ગ અને ડો જોન્સ તથા એસ ઍન્ડ પી ૫૦૦ ઇન્ડેક્સ, યુરોપના એફટીએસઆઇ-૧૦૦ ઇન્ડેક્સ નોંધનીય વધ્યા હતા.
દરમ્યાન મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગના ડેટા મુજબ જુલાઈમાં ૪૨,૭૦૨ કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું હતું, જે ઑગસ્ટમાં ઘટીને ૩૩,૪૩૦ કરોડ રૂપિયા આવ્યું. અહીં એ નોંધવામાં આવ્યું કે રોકાણકારો સ્મૉલકૅપ અને થિમેટિક ફન્ડ્સમાંથી પ્રૉફિટ-બુકિંગ કરી બહાર નીકળતા હતા. બીજી તરફ હાલ લોકો GSTના ઘટાડાને પગલે ખરીદી પાછળ નાણાં વાપરી રહ્યા હોવાનું જણાય છે, એને લીધે ઇક્વિટી રોકાણથી દૂર રહેશે. હાલ હાઉસહોલ્ડ બજેટનો મોટો હિસ્સો હોમ રિનોવેશન તથા અન્ય ખર્ચાઓમાં જઈ રહ્યો છે. આ સંજોગોમાં બચતનાં નાણાં વપરાશ પાછળ જઈ રહ્યાં છે એટલું જ નહીં, રોકાણકારોનો નાણાપ્રવાહ IPO તરફ પણ જઈ રહ્યો છે.
કંપનીઓનાં અર્નિગ્સ વધવાની આશા
આદિત્ય બિરલા ગ્રુપની ઍસેટ મૅનેજમેન્ટ કંપની બિરલા સનલાઇફના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઑફિસર મહેશ પાટીલના કહેવા મુજબ હાલના સંજોગોમાં ગ્લોબલ સિચુએશનની અસર રહ્યા કરશે. જોકે GST સમાન સ્થાનિક રિફૉર્મ્સની અસર પણ જોવા મળશે.
હાલ ભારતીય શૅરબજાર અન્ય શૅરબજારોથી પાછળ જણાય છે, કેમ કે વિદેશી માર્કેટ્સનાં વૅલ્યુએશન બહેતર છે, જ્યારે કે ભારતીય કંપનીઓનાં અર્નિગ્સની વૃદ્ધિ ધીમી છે. જોકે હવે GST સુધારાને પરિણામે વપરાશ વધવાની અને એને પગલે કંપનીઓની આવક પણ વધવાની આશા છે. ભારત ટેક્નૉલૉજીમાં પણ સતત આગળ વધી રહ્યું છે. સેમિકન્ડક્ટરની સફળતા એમાં સારો પ્રભાવ પાડશે. દરમ્યાન આ વરસે સોનાના ભાવ ૪૦ ટકા ઊંચા ગયા છે, સોનાના વધેલા ભાવ લોકોનું અલગ માનસ દર્શાવે છે. રોકાણકારો ઍસેટ્સ ડાઇવર્સિફિકેશન તરફ વધુ વળી રહ્યા છે. ૨૦૨૬માં કંપનીઓનાં અર્નિગ્સ વધુ સુધારો દર્શાવશે એવી આશા રાખી શકાય.
સતત પાંચ દિવસનાં કરેક્શન બાદ તક?
ગયા સપ્તાહના પ્રથમ દિવસે બજાર પર ટ્રમ્પના વીઝા-બૉમ્બની IT શૅરો પર નેગેટિવ અસરની ધારણા હતી, પરંતુ શરૂમાં એમ થયું નહીં. જોકે બજાર બંધ થવાના સમયે એકદમથી કરેક્શન આવતાં સેન્સેક્સ અને નિફટી બન્ને ડાઉન ગયા હતા. મંગળવારે બજાર કરેક્શન બાદ રિકવર થયું અને સામાન્ય માઇનસ બંધ રહ્યું હતું. કરેક્શનનું કારણ અમેરિકા-વીઝા ઇશ્યુ હતું. બુધવારે અને ગુરુવારે પણ કરેક્શન જ ચાલુ રહ્યું, જ્યારે કે શુક્રવારે સતત પાંચમા દિવસે કરેક્શન ચાલુ રહેવા સાથે બ્રૅન્ડેડ દવાઓ પરના ટ્રમ્પની ૧૦૦ ટકા ટૅરિફના નવા ફતવાને પગલે કડાકા બોલાયા. ફાર્મા કંપનીઓના સ્ટૉક્સ સાથે સ્મૉલકૅપ અને મિડકૅપ ઇન્ડેક્સમાં પણ મોટાં ગાબડાં પડ્યાં હતાં. હાલ તો ટ્રમ્પે બજારની દશા બેસાડી દીધી છે. જોકે આ ઘટાડાને બાઇંગ ઑપોર્ચ્યુનિટી બનાવવા માગતો વર્ગ પણ મોટો છે. એથી દરેક મોટા ઘટાડા બાદ સિલેક્ટિવ ખરીદી આવતી રહેશે એમ લાગે છે. યસ, આ સમય તકનો ગણાય, પરંતુ લાંબા ગાળાની તૈયારી રાખવાની શરતે.
સેન્સેક્સ ૨૦૨૬ના અંત સુધીમાં ૯૪,૦૦૦
ગ્લોબલ રિસર્ચ કંપની HSBCએ ભારતીય ઇક્વિટીઝને ન્યુટ્રલથી ઓવરવેઇટ કૅટેગરીમાં મૂકી છે, એનું કારણ સપોર્ટિવ સરકારી નીતિઓ, સુધરતાં વૅલ્યુએશન અને સ્થાનિક રોકાણકારોનો સતત મજબૂત ટેકાને કારણ ગણાવ્યાં છે. આ સાથે એણે ૨૦૨૬ના અંત સુધીમાં સેન્સેક્સ ૯૪,૦૦૦ થવાની ધારણા પણ મૂકી છે. એનો રીજનલ ઇક્વિટી સ્ટ્રૅટેજીનો અભ્યાસ કહે છે કે ભારતીય માર્કેટ એશિયાની વૉલેટિલિટીમાં આકર્ષક રહેશે. ભારત હાલ વિવિધ પડકારોથી ઘેરાયેલું હોવા છતાં ભારત જે રીતે એનો સામનો કરી રહ્યું છે એને ધ્યાનમાં રાખતાં અને સ્થાનિક રોકાણનો સપોર્ટ, આર્થિક ક્ષેત્રે સુધારા વગેરેને ગણતરીમાં લેતાં ભારત માટે આશાવાદ ઊંચો રાખી શકાય.


