ભારતની ડ્રગ એક્સપોર્ટને ડિસ્ટર્બ કરીને ડોનલ્ડ ટ્રમ્પ પોતાના જ પગમાં કુહાડી મારી રહ્યા છે
ભારતની ડ્રગ એક્સપોર્ટને ડિસ્ટર્બ કરીને ડોનલ્ડ ટ્રમ્પ પોતાના જ પગમાં કુહાડી મારી રહ્યા છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે ફાર્માસ્યુટિકલ ડ્રગ્સ પર ૧૦૦ ટકા ટૅરિફની જાહેરાત કરી હતી, જેનાથી ભારતના ફાર્મા સેક્ટરમાં ફફડાટ ફેલાયો હતો. અત્યારની જાહેરાત પ્રમાણે પેટન્ટ થયેલાં અને મોટી કંપનીઓનાં બ્રૅન્ડેડ ડ્રગ્સ પર ૧૦૦ ટકા ટૅરિફ લાગુ થવાનું લખ્યું છે, પણ સ્પેશ્યલ મેડિસિન્સ અને જેનરિક ડ્રગ્સ પણ એના હેઠળ આવરી લેવામાં આવશે કે કેમ એ વિશે ફાર્મા કંપનીઓમાં ફફડાટ ફેલાયેલો છે.
બીજી તરફ નિષ્ણાતો અમેરિકાના આ પગલાને પગ પર કુહાડી મારવા સમાન ગણાવે છે, કારણ કે જો ભારતીય કંપનીઓ અમેરિકામાં સસ્તી દવાઓની સપ્લાય બંધ કરી દે તો ત્યાં દવાઓની ભારે અછત સર્જાઈ શકે એમ છે. અંદાજ પ્રમાણે ભારતની ડ્રગ-સપ્લાયને લીધે અમેરિકા દર વર્ષે ૨૦૦ બિલ્યન ડૉલર જેટલી બચત કરે છે અને આ સપ્લાય બંધ થાય તો એને ભાર નુકસાન થઈ શકે છે એટલું જ નહીં, સપ્લાય પૂરી પાડવા માટે પણ અમેરિકાને બેથી પાંચ વર્ષ જેટલો સમય લાગી શકે છે. જો અમેરિકા ભારતની ડ્રગ-સપ્લાય લેવાનું બંધ કરે તો જીવનજરૂરી દવાઓ માટે તેમની પાસે ચીન પર આધાર રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, જેને નિષ્ણાતો અમેરિકાની પોતાની સુરક્ષા માટે જોખમી ગણાવી રહ્યા છે.
ADVERTISEMENT
વિદેશની જે કંપનીઓ અમેરિકામાં પ્લાન્ટ સ્થાપીને ડ્રગ્સ બનાવતી હશે એમને ટૅરિફમાં રાહત આપવામાં આવશે એવી પણ ડોનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી. અગાઉ ડોનલ્ડ ટ્રમ્પે એવા સંકેત આપ્યા હતા કે ફાર્મા કંપનીઓને અમેરિકામાં પ્લાન્ટ શરૂ કરવા અને પ્રોડક્શન મૅનેજમેન્ટ માટે ટાઇમ આપવામાં આવશે, પણ ફાર્મા પરની નવી ટૅરિફની જાહેરાત ધાર્યા કરતાં ઘણી વહેલી આવી ગઈ હોવાથી કંપનીઓ અવઢવમાં મુકાઈ ગઈ હોવાના અહેવાલો છે.
ભારતનું મજબૂત ફાર્મા સેક્ટર
ભારત દવાઓના વ્યાપક ઉત્પાદનને કારણે ફાર્મસી ઑફ ધ વર્લ્ડ તરીકે ઓળખાય છે
વૈશ્વિક જેનરિક મેડિસિન સપ્લાયમાં ભારતનો હિસ્સો ૨૦ ટકા છે
વિશ્વમાં જતી કુલ વૅક્સિન્સમાંથી ૬૦ ટકા ભારતમાં નિર્માણ પામે છે
અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની માન્યતા ધરાવતા સૌથી વધુ પ્લાન્ટ અમેરિકા પછી બીજા નંબરે ભારતમાં જ છે.
ગયા વર્ષે ભારતનો વાર્ષિક ગ્લોબલ ફાર્મા એક્સપોર્ટ
૩૦ બિલ્યન ડૉલર જેટલો રહ્યો હતો.
ભારતની ફાર્મા પ્રોડક્ટ્સનો સૌથી મોટો ગ્રાહક છે અમેરિકા
ભારતની ફાર્મા પ્રોડક્ટ્સનો સૌથી મોટો ગ્રાહક અમેરિકા છે. ભારતની કુલ ફાર્મા પ્રોડ્ક્ટ્સમાંથી ૩૧ ટકા અમેરિકામાં નિકાસ થાય છે. ૨૦૪માં ભારતે ૩.૬ બિલ્યન ડૉલર જેટલી કિંમતનાં
ડ્રગ્સ અમેરિકા મોકલ્યાં હતાં. ૨૦૨૫ના પહેલા છ મહિનામાં જ ભારત અમેરિકાને ૩.૭ બિલ્યન ડૉલર જેટલી કિંમતનાં ડ્રગ્સ મોકલી ચૂક્યું છે.


