સેન્સેક્સ આગલા બંધથી ૩૮૧ પૉઇન્ટ ઉપર, ૭૮,૩૩૯ ખૂલી છેવટે ૧૧૪ પૉઇન્ટ ઘટીને ૭૭,૮૪૪ તથા નિફ્ટી ચાર પૉઇન્ટ ઘટીને ૨૪,૩૨૭ ગઈ કાલે બંધ થયો છે
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા-ઈરાન વચ્ચે બિનઅધિકારિક કે અવિધિસરની વાટાઘાટો ચાલુ છે. શાંતિ-સમજૂતી તૈયાર થઈ રહી છે. ૧૪ મુદ્દાનો એક પાનાનો ડ્રાફ્ટ ફાઇનલ થયો છે. ઈરાન હોર્મુઝ ખાડી ખોલવા સહમત થયું છે. યુદ્ધના ખંતની કે શાંતિ-સમજૂતીની સત્તાવાર જાહેરાત ટૂંકમાં થઈ જશે. આ પ્રકારના અનેકવિધ અહેવાલોનો છેલ્લા કેટલાક દિવસથી જબરો મારો ચાલી રહ્યો છે. આને લઈને પ્રચારતંત્ર ભારે ફૉર્મમાં છે. મીડિયામાં ભારે ઉત્સાહથી આ અહેવાલ સતત ફરતા રહે છે. આ ફારસ વચ્ચે ઈરાનિયન પાર્લમેન્ટના સ્પીકર મોહમ્મદ ગાલિબ તરફથી એક નવો શબ્દપ્રયોગ ચલણમાં આવ્યો છે. ઑપરેશન ફૉક્સિયસ... અર્થાત્ તદ્દન ખોટા, ભરમાવનારા, જૂઠાણાંથી ભરેલા અહેવાલ વહેતા કરવાની પદ્ધતિસરની રમત. મોહમ્મદ ગાલિબે આ શબ્દપ્રયોગ અમેરિકન મીડિયા, મિલિટરી અને ઍડ્મિનિસ્ટ્રેશન માટે કર્યો છે. વૉરના મામલે કે શાંતિ-પ્રસ્તાવને લઈને હાલમાં ખરેખર શું હાલત છે એનું આ નક્કર બયાન છે. તમારે જે સમજવું હોય એ સમજી લેજો.
હૉપ ફૅક્ટર ગણો કે ઑપરેશન ફૉક્સિયસની અસર ગણો એ જે હોય એ પરંતુ હાલ બ્રેન્ટ-ક્રૂડ ઘટીને ૧૦૦ ડૉલરની અંદર આવી ગયું છે. સોનું ૪૭૩૦-૪૭૪૦ ડૉલર અને ચાંદી વધીને ૮૦ ડૉલર થઈ ગઈ છે. બિટકૉઇન ૮૧-૮૨ હજાર ડૉલર વચ્ચે રમે છે. ડૉલર સામે રૂપિયો ૯૪.૬૨ના આગલા બંધ સામે મજબૂતી આગળ વધારતાં ૯૪.૦૭ થઈને ૯૪.૨૫ આસપાસ ચાલી રહ્યો છે. એશિયન બજાર વધુ મજબૂત થયાં છે. જપાન ૬૩,૨૦૦ની વિક્રમી સપાટી બનાવી ૬ ટકા કે ૩૫૫૧ પૉઇન્ટ ઊછળીને ૬૩,૦૬૪ બંધ થયું છે. સાઉથ કોરિયા દોઢેક ટકા તો તાઇવાન બે ટકા નજીકની તેજીમાં નવા શિખરે પહોંચ્યાં છે. હૉન્ગકૉન્ગ ૧.૬ ટકા તો ઇન્ડોનેશિયા એક ટકો અને ચાઇના અડધો ટકો પ્લસ હતું. સિંગાપોર પણ અડધા ટકા નજીક વધ્યું છે.
ADVERTISEMENT
સેન્સેક્સ આગલા બંધથી ૩૮૧ પૉઇન્ટ ઉપર, ૭૮,૩૩૯ ખૂલી છેવટે ૧૧૪ પૉઇન્ટ ઘટીને ૭૭,૮૪૪ તથા નિફ્ટી ચાર પૉઇન્ટ ઘટીને ૨૪,૩૨૭ ગઈ કાલે બંધ થયો છે. શૅરઆંક ઉપરમાં ૭૮,૩૮૫ અને નીચામાં ૭૭,૭૧૩ થયો હતો. માર્કેટકૅપ ૨.૨૨ લાખ કરોડ વધીને ૪૭૫.૦૨ લાખ કરોડ થયું છે. બેતરફી વધ-ઘટ વચ્ચે ઑટો ઇન્ડેક્સ ૧.૮ ટકા કે ૧૦૬૯ પૉઇન્ટ વધ્યો છે. હીરો મોટોકૉર્પ સાડાત્રણ ટકા, બજાજ ઑટો ૨.૮ ટકા, TVS મોટર અઢી ટકા, મહિન્દ્ર બે ટકા, અશોક લેલૅન્ડ પોણાબે ટકા, ફોર્સ મોટર્સ અઢી ટકા મજબૂત બની છે. ભારત ફોર્જ ૨૦૨૫ના બેસ્ટ લેવલે જઈ સાડાછ ટકા ઊછળી ૧૯૯૭ થઈ છે. ગ્રાસિમ ૧.૮ ટકા, NTPC સવા ટકો, કોટક બૅન્ક ૧.૨ ટકા વધી હતી. હિન્દુસ્તાન યુનિલીવર ૧.૯ ટકા, ટીસીએસ ૧.૩ ટકા, ટેક મહિન્દ્ર સવા ટકો, ટાઇટન ૧.૧ ટકા, સનફાર્મા એક ટકાના ઘટાડે નરમાઈમાં આગળ હતી. સ્ટેટ બૅન્ક પરિણામની પૂર્વસંધ્યાએ ૦.૪ ટકા ઘટીને ૧૦૯૨ રહી છે. BSE લિમિટેડ રિઝલ્ટ પૂર્વે ૩૯૮૫ના શિખરે જઈ ૨.૯ ટકા વધીને ૩૯૬૩ થઈ છે. MCX પરિણામની પૂર્વસંધ્યાએ ૩૦૫૮ની વિક્રમી સપાટી હાંસલ કરીને ૨.૮ ટકા વધીને ૩૦૫૫ થઈ છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ૨૦૪ કે ૨૦ ટકાની તેજીમાં ૧૨૨૭ હતી.
ટીડી પાવર શૅરવિભાજનની નોટિસ લાગતાં ઑલટાઇમ હાઈ
શ્રી સિમેન્ટ્સની ત્રિમાસિક આવક સવાદસ ટકા વધીને ૬૧૦૧ કરોડ થઈ છે. નેટ નફો સાડાઆઠ ટકા ઘટીને ૫૨૬ કરોડ આવ્યો છે. શૅરદીઠ ૭૦નું ડિવિડન્ડ જાહેર થયું છે. શૅર ઉપરમાં ૨૫,૯૬૨ બતાવી અઢી ટકા કે ૬૪૬ રૂપિયા વધીને ૨૫,૬૦૦ થયો છે. પૉલિસી બાઝાર ફેમ પીબી ફિનટેકની આવક ૩૬.૭ ટકાના વધારામાં ૨૦૬૧ કરોડ તથા નેટ પ્રૉફિટ ૫૩.૫ ટકાના વૃદ્ધિદરમાં ૨૬૧ કરોડ થયો છે. શૅર ૧૪ ગણા કામકાજે ૧૭૩૪ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ એક ટકો ઘટીને ૧૬૮૭ બંધ રહ્યો છે.
એપ કૉટેક્સ ઇન્ડસ્ટ્રીઝે પોણાચૌદ ટકાના વધારામાં ૩૯૮ કરોડ નજીકની આવક પર ૧૦૬ ટકા વૃદ્ધિદરથી ૩૪૭૦ લાખ નેટ નફો મેળવી શૅરદીઠ સાડાપાંચ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ગઈ કાલે ૧૮ ગણા વૉલ્યુમે ૫૧૧ની સવાબે વર્ષની ટૉપ બતાવી ૨૦ ટકા ઊછળી ૫૧૧ થયો છે. હોમફર્સ્ટ ફાઇનૅન્સે ૨૧.૩ ટકા વધારામાં ૫૦૫ કરોડ આવક પર ૪૨.૭ ટકાના વધારામાં ૧૪૯ કરોડ નેટ નફો દર્શાવી ૨૬૦ ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે. ભાવ ૧૨૪૧ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પોણો ટકો ઘટીને ૧૨૧૬ હતો.
રિયલ્ટી કંપની બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસે ૧૪૫૮ કરોડની ફ્લૅટ રેવન્યુ પર ૪૧ ટકાના ઘટાડામાં ૧૪૫ કરોડ નેટ નફો કરીને ત્રણ શૅરદીઠ એક બોનસ જાહેર કર્યું છે. શૅર ૪ ગણા વૉલ્યુમે નીચામાં ૭૬૮ થઈ ૪.૬ ટકા તૂટીને ૭૭૪ હતો. ટીડી પાવર સિસ્ટમ્સમાં શૅરવિભાજન માટે ૧૪મીએ બોર્ડ મીટિંગ નક્કી થતાં ભાવ ૧૨૮૯ની ટોચે જઈ ૭.૨ ટકા ઊછળી ૧૨૪૭ હતો.
સિમ્કા ઍડ્વર્ટાઇઝિંગનો SME ઇશ્યુ આજે ખૂલશે
આજે શુક્રવારે અંધેરી-વેસ્ટની સિમ્કા ઍડ્વર્ટાઇઝિંગ ૧૦ના શૅરદીઠ ૧૮૩ની અપરબૅન્ડમાં કુલ ૫૮૦૪ લાખનો NSE SME ઇશ્યુ કરવાની છે. માર્કેટમેકર માટે ત્રણ કરોડના શૅર ફાળવાશે. જૂન ૨૦૨૨માં સ્થપાયેલી આ કંપની ઍડ્વર્ટાઇઝિંગ સર્વિસિસ ક્ષેત્રે કામકાજ કરે છે. ઇશ્યુના ભંડોળમાંથી ૨૩૫૦ લાખ વર્કિંગ કૅપિટલમાં તથા ૧૨૭૨ લાખ નવા LED સ્ક્રીન્સ વસાવવામાં ખર્ચાશે. કંપનીએ ૨૦૨૪-’૨૫માં ૫૨.૩ ટકા વધારામાં ૭૫૦૯ લાખની આવક પર ૭૨.૭ ટકા વૃદ્ધિદરથી ૯૯૮ લાખ નેટ પ્રૉફિટ કર્યા પછી ગયા વર્ષે પ્રથમ ૯ મહિનામાં ૭૮૧૬ કરોડની આવક તથા ૧૦૬૮ લાખ નેટ નફો બતાવ્યો છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર ૬ પૈસાથી માંડી ૨૪ પૈસા છે. ઇશ્યુ બાદ ૮૮૦ લાખની ઇક્વિટી વધીને ૧૧૯૭ લાખ થશે. ૨૦૨૪-’૨૫ની કમાણીની રીતે ઇશ્યુ પ્રાઇસ બાવીસનો તથા ગયા વર્ષની અર્નિંગ મુજબ ૧૫.૪૦નો PE સૂચવે છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ નથી થયું.
નવી દિલ્હીની રીકોડ સ્ટુડિયોઝનો ૧૦ના શૅરદીઠ ૧૫૮ના ભાવનો ૪૫ કરોડનો BSE SME IPO ગઈ કાલે છેલ્લા દિવસે રીટેલમાં ૨૧૫ ગણા સહિત કુલ ૨૪૦ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. આગલા દિવસનું ૪૪વાળું પ્રીમિયમ હાલમાં ૪૩ બોલાય છે. મેઇનબોર્ડ ખાતે કુર્લા-વેસ્ટની ONEMI ટેક્નૉલૉજીનો એકના શૅરદીઠ ૧૭૧ના ભાવનો ૯૨૬ કરોડનો IPO આજે શુક્રવારે લિસ્ટિંગમાં જશે. ગ્રેમાર્કેટમાં ૭થી શરૂ થઈ નીચામાં દોઢ રૂપિયો થયેલું પ્રીમિયમ બાઉન્સબૅકમાં ૨૧ થઈને અત્યારે ૨૫ બોલાય છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી ૧૩૫ની ઇશ્યુ પ્રાઇસવાળી અંબા ઑટો સેલ્સ ઍન્ડ સર્વિસિસ ગઈ કાલે ઉપર ૧૩૪ બતાવી ૦.૭ ટકા ઘટી ૧૩૦ બંધ આવી છે.
શૅરદીઠ ૧૨,૦૦૦ના ભાવે બાયબૅકમાં બજાજ ઑટો દોઢ વર્ષની ટોચે
બજાજ ઑટોનાં પરિણામ બજારની એકંદર ધારણા મુજબનાં રહ્યાં છે. આવક ૩૧.૮ ટકા વધીને ૧૬૦૦૬ કરોડ તથા નેટ નફો ૩૪ ટકા વધીને ૨૭૪૬ કરોડ થયો છે. કંપનીએ શૅરદીઠ ૧૫૦નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. રેકૉર્ડ ડેટ ૨૯ મે છે. કંપનીએ શૅરદીઠ ૧૨,૦૦૦ સુધીના ભાવે બાયબૅક નક્કી કર્યું છે. શૅર ૧૦,૭૩૮ની દોઢ વર્ષની ટૉપ બનાવી ૨.૮ ટકા વધીને ૧૦,૬૦૩ બંધ હતો. મુથૂટ માઇક્રોફિન તરફથી ૧૧ ટકા વધારામાં ૬૦૫ કરોડની આવક પર અગાઉની ૪૦૧ કરોડની નેટલૉસ સામે ૭૧ કરોડનો ચોખ્ખો નફો દર્શાવાયો છે. શૅર ૨૧૮ની દોઢ વર્ષની ટોચે જઈને અઢી ટકા ઘટીને ૨૦૯ બંધ રહ્યો છે.
પૉલિકૅબ ઇન્ડિયાએ ૨૭ ટકા વધારામાં ૮૮૬૦ કરોડની વિક્રમી ત્રિમાસિક આવક પર ૭ ટકા વધારામાં ૭૮૬ કરોડનો નેટ નફો હાંસલ કરીને શૅરદીઠ ૪૭નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ૯૦૪૦ની ઑલટાઇમ હાઈ નોંધાવી ૭ ટકા કે ૫૮૫ રૂપિયાના જમ્પમાં ૯૦૦૩ બંધ થયો છે. વૉલ્યુમ આઠ ગણું હતું. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૭૪૫ની ઉપર છે. મેઇડન બોનસની રાહ જોવાય છે. અન્ય કેબલ કંપની KEI ઇન્ડસ્ટ્રીઝ પર આવકવેરા ખાતાના વ્યાપક દરોડા પડ્યાના અહેવાલે શૅર ૫૨૪૩ની ઇન્ટ્રા-ડે હાઈથી ગગડીને ૪૯૫૯ થઈને છેવટે પોણો ટકો ઘટીને ૫૧૦૩ થયો છે.
પરિણામનો કરન્ટ જાળવી રાખતાં મહિન્દ્ર સુધારાની હૅટ-ટ્રિકમાં ૩૩૯૯ થઈ બે ટકા વધીને ૩૩૬૭ થઈ છે. આઇશર મોટર્સ ૭૪૭૧ થઈ નહીંવત્ વધીને ૭૩૨૯ હતી. HDFC લાઇફ ૬૨૯ બતાવી ૩.૧ ટકાની મજબૂતીમાં ૬૨૫ બંધ આપીને નિફ્ટીમાં મોખરે હતી. SBI લાઇફ પોણા ટકાના સુધારે ૧૮૭૨ રહી છે.
સારાં ત્રિમાસિક પરિણામ વચ્ચે ગોદરેજ કન્ઝ્યુમર ગગડી
FMCG કંપની ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની માર્ચ ક્વૉર્ટરની આવક ૧૧ ટકા વધીને ૩૯૦૦ કરોડ તથા નેટ નફો પોણાદસ ટકા વધી ૪૫૨ કરોડ આવ્યો છે. શૅરદીઠ પાંચનું ઇન્ટરિમ જાહેર કર્યું છે. ભાવ ગઈ કાલે નીચે ૧૦૩૩ થઈ ૫.૪ ટકા ઘટીને ૧૦૩૬ હતો. મિશો લિમિટેડે ૪૪ ટકા વધારામાં ૩૮૦૭ કરોડની આવક પર અગાઉની ૧૩૯૧ કરોડની નેટ લૉસ સામે ૧૬૬ કરોડ ચોખ્ખી ખોટ કરતાં શૅર ૨૧૧ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી એક ટકો સુધરીને ૧૯૮ થયો છે. Paytm તરફથી ત્રિમાસિક ગાળામાં ૧૮ ટકાના વધારામાં ૨૨૬૪ કરોડની આવક પર ૫૪૫ કરોડની ચોખ્ખી ખોટ સામે આ વેળા ૧૮૩ કરોડ નેટ નફો હાંસલ થયો છે. કંપનીએ એના ઇતિહાસમાં પ્રથમ વાર સમગ્ર વર્ષમાં નફો કર્યો છે. તો વાર્ષિક નફો ૫૫૨ કરોડ રહ્યો છે. શૅર પાંચ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૨૦૪ થઈ ૮ ટકાની મજબૂતીમાં ૧૧૯૯ હતો.
ગ્રીવ્ઝ કૉટનની આવક ૨૧.૫ ટકા વધીને ૧૦૦૦ કરોડ થઈ છે, પણ નેટ પ્રૉફિટ સવાછ ટકાના ઘટાડામાં ૨૨૫૦ લાખ આવ્યો છે. શૅર નીચે ૧૬૫ થઈ અઢી ટકા ઘટીને ૧૬૯ હતો. બ્લુસ્ટારની આવક સવા ટકાના વધારામાં ૪૦૭૨ કરોડ થઈ છે, નેટ નફો સવાસત્તર ટકા વધીને ૨૨૭ કરોડ નોંધાયો છે. શૅરદીઠ સાડાઆઠનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ભાવ ઉપરમાં ૧૮૨૭ થઈ ૩.૩ ટકા ગગડીને ૧૭૪૮ હતો. કન્સાઇ નેરોલેકની ત્રિમાસિક આવક સાડાસાત ટકા વધીને ૧૯૫૪ કરોડ તથા ચોખ્ખો નફો સાડાત્રણ ટકા વધીને ૧૧૨ કરોડ થયો છે. ગ્રોસ માર્જિન બે ટકા વધીને ૧૧ ટકા વટાવી ગયું છે. એમાં ભાવ ૨૮ ગણા વૉલ્યુમે ૨૨૩ વટાવીને પાંચ ટકા વધીને ૨૧૧ બંધ થયો છે.
