Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > પૉઝિટિવ ઓપનિંગ બાદ ઑલરાઉન્ડ ખરાબીમાં બજાર ૮૨૩ પૉઇન્ટ ડૂલ

પૉઝિટિવ ઓપનિંગ બાદ ઑલરાઉન્ડ ખરાબીમાં બજાર ૮૨૩ પૉઇન્ટ ડૂલ

Published : 13 June, 2025 09:18 AM | Modified : 17 June, 2025 06:51 AM | IST | Mumbai
Anil Patel

સેન્સેક્સ આગલા બંધથી ૬૧ પૉઇન્ટ જેવા પરચૂરણ સુધારામાં ૮૨,૫૭૨ નજીક ખૂલી છેવટે ૮૨૩ પૉઇન્ટ બગડીને ગઈ કાલે ૮૧,૬૯૨ બંધ થયો છે.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


નિફ્ટી ફ્યુચર્સનો ૨૬મા વર્ષમાં પ્રવેશ ૩૦૨ પૉઇન્ટની નબળાઈ સાથે થયો : રિયલ્ટી, પાવર, ઑટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના તમામ શૅર ડાઉન : પીએસયુ બૅન્ક નિફ્ટી, એનર્જી અને યુટિલિટીઝ ઇન્ડેક્સમાં માત્ર એક શૅર પ્લસ : ફોનપેની એક્ઝિટના પગલે મૅપમાય ઇન્ડિયામાં ૧૮૩ રૂપિયાનું ગાબડું, હબટાઉન તથા ઝૉડિઍક-જેઆરડીમાં ૨૦-૨૦ ટકાની તેજીની સર્કિટ : પાકિસ્તાની શૅરબજાર ઑપરેશન સિંદૂરના નીચલા લેવલથી સવા મહિનામાં ૨૫,૧૧૯ પૉઇન્ટ ઊછળીને ૧,૨૬,૭૧૮ની વિક્રમી સપાટીએ પહોંચી ગયું

પાકિસ્તાની શૅરબજારને સીઝફાયર ગજબનું ફળ્યું છે. કરાચી બજાર ગઈ કાલના ગુરુવારે ૧,૨૬,૭૧૮ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી રનિંગમાં ૨૨૮ પૉઇન્ટ કે ૦.૨ ટકાની પીછેહઠમાં ૧,૨૪,૧૨૪ દેખાયો છે. ઑપરેશન સિંદૂરના આરંભ પૂર્વે, ૬ મેએ પાકિસ્તાની શૅરબજાર ઉપરમાં ૧,૧૫,૦૯૩ થઈ ૧,૧૩,૫૬૮ બંધ થયું હતું એ ઑપરેશન સિંદૂરના પગલે ૮ મેએ ગગડી નીચામાં ૧,૦૧,૫૯૯ બતાવી ૧,૦૩,૫૨૭ બંધ રહ્યું હતું અને ત્યાર પછી સીઝફાયરમાં કરાચી બજાર બે જ દિવસમાં જબ્બર બાઉન્સબૅક સાથે ૧૨ મેએ ૧,૧૭,૨૯૮ બંધ આવ્યું હતું. હવે એ ૧,૨૬,૭૧૮ થઈ ગયું છે. મતલબ કે ઑપરેશન સિંદૂર દરમ્યાન જે બૉટમ ત્યાં બન્યું હતું એની સામે માંડ સવા મહિનામાં પાકિસ્તાનની શૅરબજાર ૨૫,૧૧૯ પૉઇન્ટ વધી ચૂક્યું છે. આની સામે આપણો સેન્સેક્સ આ ગાળામાં માંડ ૧૨૦૦ પૉઇન્ટ પ્લસ થયો છે. તમે માનો યા ન માનો, પરંતુ ઑપરેશન સિંદૂર અને સીઝફાયર ભારતીય શૅરબજારના મુકાબલે પાકિસ્તાની માર્કેટને બહુ ગજબના લાભદાયી નીવડ્યાં છે.



સેન્સેક્સ આગલા બંધથી ૬૧ પૉઇન્ટ જેવા પરચૂરણ સુધારામાં ૮૨,૫૭૨ નજીક ખૂલી છેવટે ૮૨૩ પૉઇન્ટ બગડીને ગઈ કાલે ૮૧,૬૯૨ બંધ થયો છે. નિફ્ટી ૨૫૩ પૉઇન્ટ ઘટી ૨૪,૮૮૮ રહ્યો છે. માંડ અડધો કલાક ટકેલા પ્રારંભિક સુધારામાં શૅરઆંક ઉપરમાં ૮૨,૬૬૧ બતાવી માઇનસ ઝોનમાં સરી પડ્યો હતો જેમાં ૮૧,૫૨૩ની ઇન્ટ્રા-ડે બૉટમ બની હતી. સેન્સેક્સ નિફ્ટીની એકાદ ટકા જેવી નબળાઈ સામે મિડકૅપ દોઢ ટકા, સ્મૉલકૅપ ૧.૪ ટકા અને બ્રૉડર માર્કેટ સવા ટકા ડાઉન હતું. કંગાળ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૭૮૩ શૅરની સામે ૨૧૧૨ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૫.૩૮ લાખ કરોડ ખરડાઈ ૪૫૦.૧૯ લાખ કરોડ રૂપિયા જોવાયું છે. તમામ સેક્ટોરલ લાલ થયાં હતાં. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ બે ટકા, પાવર અને યુટિલ‌િટીઝ સવાબે ટકા આસપાસ, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક બે ટકા કે ૧૩૮૬ પૉઇન્ટ, રિયલ્ટી બે ટકા, એનર્જી ઇન્ડેક્સ ૧.૮ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બે ટકા, FMCG ૧.૨ ટકા, બૅન્કેક્સ પોણો ટકો કે ૫૨૦ પૉઇન્ટ, ઑટો ઇન્ડેક્સ ૧.૭ ટકા, નિફ્ટી મેટલ દોઢ ટકો બગડ્યા છે. બૅન્ક નિફ્ટી પોણો ટકો તો પીએસયુ બૅન્ક નિફ્ટી સવા ટકો ડાઉન હતો. ડિફેન્સ બેન્ચમાર્ક વધુ પોણાબે ટકા ડૂલ થયો છે.


વિશ્વબજારોનો ગુરુવાર પણ વત્તે-ઓછે અંશે ભારે નીવડ્યો છે. એશિયા ખાતે સાઉથ કોરિયા અડધા ટકા નજીક પ્લસ હતું. સામે હૉન્ગકૉન્ગ ૧.૪ ટકા, થાઇલૅન્ડ ૧.૨ ટકા, તાઇવાન ૦.૮ ટકો, જપાન ૦.૭ ટકા માઇનસ થયું છે. યુરોપ નબળા ઓપનિંગ બાદ રનિંગમાં પોણાથી સવા ટકો કટ થયું હતું. લંડન ફુત્સી નહીંવત્ નરમ દેખાયો છે. બ્રેન્ટ ક્રૂડ ઉપરમાં ૭૦ ડૉલર નજીક ગયા બાદ રનિંગમાં એકાદ ટકો ઘટી ૬૯ ડૉલર નજીક ચાલતું હતું. બિટકૉઇન પોણા ટકાની પીછેહઠમાં ૧,૦૭,૭૯૨ ડૉલર ચાલતો હતો.

મેઇન બોર્ડમાં ઓસવાલ પમ્પ્સનો એકના શૅરદીઠ ૬૧૪ની અપર બૅન્ડ સાથે ૧૩૮૭ કરોડનો ઇશ્યુ આજે, શુક્રવારે ખૂલવાનો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઘટી હાલ ૭૩ જેવું છે. SME સેગમેન્ટમાં મોનોલિથીક ઇન્ડિયાનો શૅરદીઠ ૧૪૩ના ભાવનો ૮૨૦૨ લાખનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ સવાબે ગણો ભરાયો છે. ગ્રે માર્કેટમાં ૪૫નું પ્રીમિયમ સંભળાય છે. જૈનિક પાવરનો શૅરદીઠ ૧૧૦ના ભાવનો ૫૧૩૦ લાખનો ઇશ્યુ કુલ ૧.૬ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ગગડીને ૩ થઈ ગયું છે.


ASMની સાંકળ લાગી જતાં BSE લિમિટેડની નબળાઈ વધી

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૩ અને નિફ્ટીના ૫૦માંથી ૭ શૅર પ્લસ હતા. બજાજ ફીનસર્વ પોણો ટકો વધી ૨૦૧૭ના બંધમાં મોખરે હતી. એશિયન પેઇન્ટ્સ ૦.૪ ટકા, અપોલો હૉસ્પિટલ એક ટકો, ટેક મહિન્દ્ર અને વિપ્રો સાધારણ સુધર્યા છે. તાતા મોટર્સ સવાયા કામકાજે ૨.૯ ટકા બગડી બન્ને બજારમાં ટૉપ લૂઝર બની છે. લાર્સન સરેરાશ કરતાં ૪૦ ટકા વૉલ્યુમે સવાબે ટકા બગડી ૩૬૦૪ બંધમાં બજારને સર્વાધિક ૮૨ પૉઇન્ટ નડી હતી. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સની ૧૩૮૬ પૉઇન્ટની ખરાબીમાં પણ એનું પ્રદાન ૫૩૯ પૉઇન્ટનું જોવાયું છે. અન્યમાં ટાઇટન અઢી ટકા, તાતા સ્ટીલ ૨.૨ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર પોણાબે ટકા, પાવર ગ્રીડ સવાબે ટકા, ઝોમાટો ફેમ એટર્નલ ૨.૩ ટકા, મહિન્દ્ર બે ટકા, કૉલ ઇન્ડિયા ૨.૩ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૨.૬ ટકા, જિયો ફાઇનૅન્સ સવાબે ટકા, ટ્રેન્ટ અઢી ટકા, તાતા કન્ઝ્યુમર ૧.૭ ટકા, SBI લાઇફ ૧.૯ ટકા, નેસ્લે ૧.૩ ટકા, સિપ્લા સવા ટકો, બજાજ ઑટો ૧.૭ ટકા ડૂલ થઈ છે. આઇટીમાં HCL ટેક્નૉ ૧.૧ ટકા, ઇન્ફોસિસ ૧.૪ ટકા, TCS ૧.૧ ટકા માઇનસ હતી. રિલાયન્સ અડધો ટકો ઘટી ૧૪૪૦ રહી છે.

ASM પ્લૅટફૉર્મમાં સામેલ થતાં આગલા દિવસે ૪ ટકા ગગડેલી BSE લિમિટેડ ગઈ કાલે નીચામાં ૨૭૪૮ થઈ સાડાચાર ટકા કે ૧૨૮ રૂપિયા વધુ ખરડાઈ ૨૭૫૪ રહી છે. એની સબસિડિયરી CDSL પણ ૫.૫ ટકા લથડી ૧૬૪૪ હતી. MCX ૨.૨ ટકો ઘટી છે. આગલા દિવસના પોણાઆઠ ટકાના ધબડકા બાદ ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ ૧.૮ ટકા ઘટી ૧૯૦ હતી. રેટિંગ એજન્સી ક્રિસિલ ૫.૪ ટકા અને કૅર રેટિંગ્સ ૪.૮ ટકા ડૂલ થઈ છે. યુપીઆઇ ટ્રાન્ઝેકશન્સ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ કરવાનો સરકારે ઇનકાર કરતાં પેટીએમ ત્રણ ગણા વૉલ્યુમે નીચામાં ૮૬૪ બતાવી પોણાસાત ટકાની ખરાબીમાં ૮૯૫ બંધ આવી છે. નિફ્ટી ફ્યુચર્સ ૩૦૨ પૉઇન્ટ ગગડી ૨૪,૯૦૯ બંધ થયો છે.

નિફ્ટી ફ્યુચર્સનાં પચીસ વર્ષ પૂરાં, કુલ ૧૬૨૫ ટકાનો વધારો

ગુરુવારે નિફ્ટી ફ્યુચર્સ ૨૬મા વર્ષમાં પ્રવેશ્યો છે. નિફ્ટી ફ્યુચર્સનો આરંભ ૨૦૦૦ની ૧૨ જૂને થયો હતો. ત્યારે લોન્ચિંગ વખતે નિફ્ટી ફ્યુચર્સ ૧૪૬૧ ખૂલ્યો હતો. એની સામે ૨૦૨૫ની ૧૧ જૂને એ ૨૫,૨૦૪ બંધ થયો છે. મતલબ કે પચીસ વર્ષમાં નિફ્ટી ફ્યુચર્સ સવાસત્તર ગણો થયો છે કે પછી એમાં ૧૬૨૫ ટકાનો વધારો નોંધાયો છે. વિમતા લૅબ્સ શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ અઢી ટકા વધી ૯૯૮ બંધ થયો છે. જીના સીખો લાઇફ કૅર ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ૪૬૦ ખૂલી ઉપરમાં ૪૯૦ નજીક જઈ ૪૩૦ બંધ થયો છે. બજાજ ફાઇનૅન્સ સોમવારે એક્સ-બોનસ તથા એક્સ-સ્પ્લિટ થશે. ભાવ અડધો ટકો ઘટીને ૯૩૭૩ બંધ થયો છે.

ઑટો ઇન્ડેક્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર, રિયલ્ટી જેવા સેક્ટોરલના તમામ શૅર લાલ થયા છે. પીએસયુ બૅન્ક નિફ્ટી, એનર્જી અને યુટિલિટીઝ ઇન્ડેક્સ ખાતે એક-એક શૅર સુધર્યો હતો. આઇટી બેન્ચમાર્ક ૫૯માંથી ૪૬ શૅરની નરમાઈમાં એક ટકા ડાઉન થયો છે. એક્સપ્લીઓ સૉલ્યુશન્સ ૩૨ ગણા વૉલ્યુમે સવાબાર ટકા કે ૧૩૫ના ઉછાળે ૧૨૩૫ બંધ આપી સામા પ્રવાહે હતો. બૅન્કિંગના ૪૧માંથી ૩૫ શૅર ઘટ્યા છે. સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, યુકો બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક ત્રણથી સવાચાર ટકા બગડી છે. RBL બૅન્ક સર્વાધિક સવા ટકો સુધરી હતી.

ડિફેન્સ અને રેલવે શૅરમાં વ્યાપક વેચવાલી જોવા મળી

સ્ટરલાઇટ ટેક્નૉલૉજીઝને BSNL તરફથી ૨૬૦૦ કરોડ પ્લસનો ઑર્ડર મળતાં શૅર ૪૨ ગણા જંગી વૉલ્યુમે ૧૧.૨ ટકા ઊછળી ૮૬ બંધ થયો છે. તાન્લા પ્લૅટફૉર્મમાં શૅરના બાયબૅક માટે ૧૬મીએ બોર્ડ મીટિંગની નોટિસ વાગતાં ભાવ ૧૩ ગણા કામકાજે ઉપરમાં ૭૦૨ વટાવી સવાનવ ટકા ઊચકાઈ ૬૭૯ રહ્યો છે. આરએચઆઇ મેગ્નેસિટા ૩૩ ગણા વૉલ્યુમે ૫૧૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પોણાછ ટકાની મજબૂતીમાં ૪૮૭ થઈ છે. જ્વેલરી કંપની ઝૉડિઍક–જેઆરડી મકનજી ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૬૬ વટાવી ત્યાં જ બંધ રહી છે. રિયલ્ટી કંપની હબટાઉન ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૨૨૮ નજીક જઈ ત્યાં જ બંધ આવી છે. વૉલ્યુમ ત્રણ ગણું હતું. અદ્વૈત એનર્જી ૧૬ ટકા કે ૨૬૭ રૂપિયાના ઉછાળે ૧૯૩૦ હતી.

મૅપમાય ઇન્ડિયાવાળી સીઈ ઇન્ફો સિસ્ટમ્સમાં ફોનપે તરફથી બ્લૉક ડીલ મારફત સવાપાંચ ટકા હોલ્ડિંગ વેચવામાં આવતાં શૅર જંગી વૉલ્યુમે નીચામાં ૧૭૬૦ બતાવી સાડાનવ ટકા કે ૧૮૩ રૂપિયા ગગડી ૧૭૬૯ બંધ આપી ‘એ’ ગ્રુપ ખાતે વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. રેટન પાવર ૭.૯ ટકા ડૂલ થઈ છે તો રેટન ઇન્ડિયા સાત ટકા ડાઉન હતી. રેલવે શૅર ટેક્સમાકો રેલ સાડાછ ટકા ગગડી ૧૬૭ હતી. ટીટાગર રેલ અઢી ટકા, જ્યુપિટર વૅગન્સ ત્રણ ટકા, રેલ વિકાસ નિગમ ૩.૪ ટકા, રાઇટસ પાંચ ટકા, આઇઆરએફસી સાડાત્રણ ટકા, ઇરકોન ઇન્ટરપ્રાઇઝ સવાચાર ટકા, કાર્નેક્સ માઇક્રો ૩.૩ ટકા માઇનસ થઈ છે.

ડિફેન્સ બેન્ચમાર્ક ૧૮માંથી ૧૬ શૅરના ઘટાડે ૧.૭ ટકો વધુ કપાયો છે. યુનિમેક ઍરોસ્પેસ ૪.૨ ટકા, ગાર્ડનરિચ ચારેક ટકા, હિન્દુસ્તાન ઍરોનોટિક્સ ૧.૭ ટકા, ભારત ડાયનેમિક્સ સવા ટકો, માઝગાવ ડૉક ત્રણ ટકા, કોચીન શિપયાર્ડ ત્રણ ટકા, આઇડિયા ફોર્જ ૩.૪ ટકા, સિકા ઇન્ટર પ્લાન્ટ પાંચ ટકા, પારસ ડિફેન્સ બે ટકા, ડેટા પેટર્ન્સ ૩.૩ ટકા, એમટાર ટેક્નૉ બે ટકા, ઝેન ટેક્નૉ પોણાત્રણ ટકા, પ્રીમિયર એક્સ્પ્લોસિવ્ઝ અઢી ટકા, GOCL કૉર્પ સવાત્રણ ટકા ઘટી છે.

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2025 06:51 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK