Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઇન્ફી, રિલાયન્સ, હિન્દુ. યુનિલીવરના ભારમાં શૅરબજાર ૨૨૩ પૉઇન્ટ ડાઉન, ઑટો અને એફએમસીજીમાં પીછેહઠ

ઇન્ફી, રિલાયન્સ, હિન્દુ. યુનિલીવરના ભારમાં શૅરબજાર ૨૨૩ પૉઇન્ટ ડાઉન, ઑટો અને એફએમસીજીમાં પીછેહઠ

10 June, 2023 12:27 PM IST | Mumbai
Anil Patel

શૉર્ટેજના વરતારામાં ખાંડ ઉદ્યોગના ૩૬માંથી ૩૩ શૅર પ્લસ, એક શૅર યથાવત્ : એક્સ્પ્લીઓ સોલ્યુ. ૧૨૨ રૂપિયાના જમ્પમાં નવા બેસ્ટ લેવલે બંધ

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક


વીકલી ધોરણે સેન્સેક્સ નિફ્ટીના પોણા ટકા નજીકના સુધારા સામે આઇટી બેન્ચમાર્ક પાંચ ટકા કટ થયોઃ ઈકેઆઇ એનર્જી ઇન્ટ્રા-ડેમાં ૧૮૩ રૂપિયાનો કડાકો દાખવી એ-ગ્રુપમાં ટૉપ લૂઝર બન્યો : ઇન્ડસઇન્ડ બૅન્ક તથા ઍ​ક્સિસ બૅન્ક નવી વિક્રમી સપાટીએ, સ્ટેટ બૅન્ક દોઢ ટકાથી વધુ ડૂલ થયો : ઇન્ડિયન એનર્જી એક્સ.માં ખરાબી આગળ વધી, એનજીએલ ફાઇનકેમમાં ૩૦૬ રૂપિયાની તેજી : નિફ્ટી ખાતે હીરો મોટોકૉર્પ અને આઇશર ટૉપ લૂઝર બન્યા, બ્રિટાનિયા નવા બેસ્ટ લેવલે : શૉર્ટેજના વરતારામાં ખાંડ ઉદ્યોગના ૩૬માંથી ૩૩ શૅર પ્લસ, એક શૅર યથાવત્ : એક્સ્પ્લીઓ સોલ્યુ. ૧૨૨ રૂપિયાના જમ્પમાં નવા બેસ્ટ લેવલે બંધ

ચાઇનીઝ રેટ-કટ અને ​સ્ટિમ્યુલસ ડોઝનો આશાવાદ પ્રબળ બનતાં એશિયન બજારોમાં શુક્રવાર સારો ગયો છે. જૅપનીઝ નિક્કેઈ ૬૨૪ પૉઇન્ટ કે લગભગ બે ટકા ઊંચકાઈ ૩૨,૨૬૫ બંધ થયો છે. સાઉથ કોરિયા ૧.૨ ટકા, તાઇવાન એક ટકાની નજીક, ચાઇના અને હૉન્ગકૉન્ગ અડધો ટકો તો ઇન્ડોનેશિયા ૦.૪ ટકા વધ્યું છે. સિંગાપોર તથા થાઇલૅન્ડ નહીંવત્ નરમ હતા. એશિયાથી વિપરીત ચાલમાં યુરોપનું ઓપનિંગ કમજોર હતું, પરંતુ પાછળથી ત્યાંનાં મોટા ભાગનાં બજારો રનિંગમાં પૉઝિટિવ ઝોનમાં દેખાતાં હતાં. બ્રેન્ટ ક્રૂડ ૭૬ ડૉલર ઉપર ટકેલું હતું. 



ઘરઆંગણે મૉન્સૂનના શ્રીગણેશ થઈ ચૂક્યા છે, પરંતુ અલ નીનોનો હાઉ ઊભો છે એટલે આગળ ચોમાસું કેવું જાય છે એ હાલ કહી શકાય નહીં. સેન્સેક્સ નજીવો નરમ ખૂલી છેવટે ૨૨૩ પૉઇન્ટની વધુ પીછેહઠમાં ૬૨,૬૨૬ નજીક બંધ થયો છે. નિફ્ટી ૭૧ પૉઇન્ટ ઘટી ૧૮,૫૬૩ રહ્યો છે. બજાર ખૂલ્યા પછી તરત ૬૨,૯૯૨ની ઇન્ટ્રા-ડે ટોડે ગયું હતું અને ત્યાર પછી દિવસનો મોટો ભાગ માઇનસ ઝોનમાં ગયો હતો. એનએસઈમાં વધેલા ૯૧૪ શૅરની સામે ૧૧૫૩ જાતો નરમ હતી. બન્ને બજારોના મોટા ભાગના ઇન્ડાસિસ ઘટ્યા છે, પણ કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક તેજીની આગેકૂચમાં ૩૯,૪૫૧ની સર્વોચ્ચ સપાટી બનાવી ૪૪૮ પૉઇન્ટ કે ૧.૨ ટકા વધીને ૩૯,૪૫૧ની સર્વોચ્ચ સપાટી બનાવી ૪૪૮ પૉઇન્ટ કે ૧.૨ ટકા વધીને ૩૯,૪૧૨ બંધ રહ્યો છે. ટેલિકૉમ ઇન્ડેક્સ ૦.૭ ટકા અને પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૦.૩ ટકા પ્લસ હતા. સામે પીએસયુ બૅન્ક નિફ્ટી સવા ટકો, એફએમસીજી આંક ૦.૮ ટકા, આઇટી અને ટૅક્નૉલૉજી બેન્ચમાર્ક પોણો ટકો, મેટલ ઇન્ડેક્સ ૦.૭ ટકા નરમ હતા. 


આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૦.૭ ટકા કે ૪૩૭ પૉઇન્ટ અને નિફ્ટી ૦.૭ ટકા કે ૧૨૮ પૉઇન્ટ વધ્યા છે. આઇટી ઇન્ડેક્સ સપ્તાહમાં ૧૪૫૭ પૉઇન્ટ કે પાંચ ટકા કપાયો છે. બૅન્ક નિફ્ટી ૧૩૭ પૉઇન્ટ જેવો સામાન્ય સુધર્યો છે.

ગઈ કાલે રોકડામાં એનજીએલ ફાઇનકૅમ પાંચ ગણા કામકાજે ૨૦ ટકાના ઉછાળે ૩૦૬ રૂપિયાની તેજીમાં ૧૮૩૫ બંધ થયો છે. હ્યુબૅક કલરન્ટ્સ ઇન્ડિયા પણ ૨૮ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩૮૫ થયો છે. ઊર્જા ગ્લોબલે અમેરિકન ટેસ્લા સાથે બૅટરીઝ ઉત્પાદન અને સપ્લાય કરવાના કરાર કરતાં ભાવ ૨૦ ટકાની તેજીમાં સાડાદસ રૂપિયા વટાવી ગયો છે, ફેસવૅલ્યુ એકની છે. આ ઉપરાંત મેઇડન ફોર્જિંગ્સ તથા ઑર્ટિન લૅબ પણ ૨૦-૨૦ ટકાની ઉપલી સર્કિટે બંધ હતી. તાજેતરના ઉછાળા બાદ ઇકેઆઇ એનર્જી ગઈ કાલે ૬૭૯ની ઇન્ટ્રા-ડે હાઇ બાદ નીચામાં ૪૯૬ થઈ ૧૫.૩ ટકાના કડાકામાં ૫૧૦ બંધ આવ્યો છે. કામકાજ પાંચ ગણું હતું. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ વધુ ૧૦.૨ ટકા ખરડાઈને ૧૨૩ થયો છે. 


સેન્સેક્સ-નિફ્ટી ખાતે ઇન્ડસઇન્ડ બૅન્ક અને ઍ​ક્સિસ બૅન્ક ઝળક્યા

સેન્સેક્સના ૩૦માંથી ૧૧ અને નિફ્ટીના ૫૦માંથી ૧૭ શૅર વધ્યા છે. ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૧૩૩૬ની વિક્રમી સપાટીએ જઈ ૨.૧ ટકા વધીને ૧૩૩૧ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ ગેઇનર હતી. ઍક્સિસ  બૅન્ક ૯૮૨ નજીક ઑલટાઇમ હાઇ બતાવીને સવા ટકો વધી ૯૭૪ રહી છે. લાર્સન એક ટકાના સુધારામાં ૨૩૬૪ હતો. પાવરગ્રીડ એકાદ ટકો વધી ૨૪૪ રહ્યો છે. અલ્ટ્રા ટેક સિમેન્ટ ૮૨૧૫ના નવા બેસ્ટ લેવલ બાદ પોણો ટકો વધી ૮૧૫૪ હતો. બ્રિટાનિયા ૪૯૮૦ની સર્વોચ્ચ સપાટી બનાવી સાધારણ સુધારામાં ૪૮૯૨ હતો. સિપ્લા તથા ગ્રાસિમ અડધા ટકાની નજીક પ્લસ હતા. રિલાયન્સ પોણો ટકો ઘટીને ૨૪૮૨ થયો છે. સેન્સેક્સ ખાતે તાતા સ્ટીલ બે ટકા નજીક, સ્ટેટ બૅન્ક દોઢ ટકાથી વધુ, હિન્દુ. યુનિલીવર દોઢ ટકો, એચસીએલ ટેક્નૉ દોઢ ટકાની નજીક, ઇન્ફી સવા ટકાથી વધુ માઇનસ હતા. એશિયન પેઇન્ટસ ૧.૧ ટકા ઘટ્યો છે. ઇન્ફી અને રિલાયન્સ બજારને ૧૦૮ પૉઇન્ટ નડ્યા છે. 

નિફ્ટી ખાતે હીરો મોટોકૉર્પ સવાબે ટકા ખરડાઈ ૨૮૯૯ના બંધમાં ટૉપ લૂઝર બન્યો છે. આઇશર બે ટકાથી વધુ, એચડીએફસી લાઇફ તથા ડિવીઝ લૅબ બે-બે ટકા કટ થયા હતા. યુપીએલ ૧.૪ ટકા, બજાજ ઑટો સવા ટકો, ઓએનજીસી ૧.૨ ટકા, આઇટીસી એક ટકો અત્રે ડાઉન થયા છે. અદાણી એન્ટર એકાદ ટકો વધી ૨૪૫૧ નજીક બંધ હતો. અદાણી પાવર એક ટકા, અદાણી ગ્રીન સવા ટકો, અદાણી વિલ્મર એકાદ ટકો ઘટ્યા છે. અંબુજા સિમેન્ટ પોણા ટકાની નજીક સુધર્યો હતો. ગ્રુપના અન્ય શૅરમાં વધઘટ અતિ સાંકડી હતી. મોનાર્ક નેટવર્થ આગલા દિવસના ઉછાળાને પચાવતાં નહીંવત્ સુધરીને ૨૨૭ બંધ થયો છે. ​ક્વિન્ટ ડિજિટલ પોણાત્રણ ટકા ગગડી ૧૬૨ની અંદર ગયો છે. પતંજલિ ફૂડ્સ ધીમા ઘટાડાને આગળ વધારતાં ૧૦૨૨ હતો. 

ફ્રન્ટલાઇનની આગેવાની હેઠળ આઇટી ઇન્ડેક્સમાં નબળાઈ 

આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૩૦ શૅરની નરમાઈમાં ૧૯૫ પૉઇન્ટ કે ૦.૭ ટકા કટ થયો છે. ફ્રન્ટલાઇનમાં ઇન્ફોસિસ સવા ટકાથી વધુ, એચસીએલ ટેક્નૉ દોઢ ટકો, ટીસીએસ પોણા ટકાથી અને ટેક મહિન્દ્ર અડધા ટકાથી વધુ, વિપ્રો ૦.૪ ટકા માઇનસ હતા. એક્સ્પ્લીઓ સોલ્યુશન્સ ૧૭૧૯ની વિક્રમી સપાટીએ જઈ આઠ ટકા કે ૧૨૨ રૂપિયાની તેજીમાં ૧૬૪૮ થયો છે. મૉસ્ચિપ ૬ ટકા, બ્રાઇટકૉમ પાંચ ટકા, ​ક્વિક હોલ સાડાચાર ટકા, સોનાટા સૉફ્ટવેર ૪ ટકા, રામકો સિસ્ટમ્સ પોણાચાર ટકા મજબૂત હતા. ટેલિકૉમમાં તાતા કમ્યુ. સવાચાર ટકા રણકીને ૧૪૭૩ થયો છે. એચએફસીએલ બે ટકા અને તાતા ટેલિ એક ટકો સુધર્યા હતા. સામે એમટીએનએલ ત્રણેક ટકા, ઑ​​પ્ટિમસ અને સ્ટરલાઇટ ટેક્નૉ દોઢ ટકા, આઇટીઆઇ એક ટકો કટ થયા છે. ટેક્નૉ સ્પેસમાં જસ્ટ ડાયલ ચારેક ટકા ઊંચકાઈને ૭૫૧ રહ્યો છે. સનટીવી, ઝી એન્ટર અને ટીવી-૧૮ એકથી દોઢેક ટકો નરમ હતા. 

ઑટો ઇન્ડેક્સમાં એમઆરએફ ઉપરમાં ૯૮,૬૦૦ થઈ સવા ટકો કે ૧૨૭૩ રૂપિયાના જમ્પમાં ૯૮,૩૩૨ હતો. અપોલો ટાયર્સ ૨.૨ ટકા અને જેકે ટાયર્સ એક ટકો વધ્યા છે. તાતા મોટર્સ અડધો અને ટીવીએસ મોટર્સ પોણો ટકો સુધર્યા છે. સામે હીરો મોટોકૉર્પ સવાબે ટકા, આઇશર બે ટકા, બજાજ ઑટો સવા ટકો, મહિન્દ્ર પોણા ટકાથી વધુ, અશોક લેલૅન્ડ અડધો ટકો અને મારુતિ સાધારણ ઘટતાં ઇન્ડેક્સ ૧૪૧ પૉઇન્ટ કે ૦.૪ ટકા ઢીલો થયો છે. ઑટો પાર્ટસમાં સિમોન્ડ માર્શલ સવાઅગિયાર ટકાની તેજીમાં ૬૦ નજીક ગયો છે. ફેડરલ મુગલ ગોએત્ઝ ૧૦.૭ ટકા ઊછળી ૩૬૮ તો એચબીએલ પાવર ૭ ટકાની આગેકૂચમાં ૧૪૦ હતો. કાઇનેટિક એન્જી. પાંચ ટકા તૂટીને ૧૧૮ થયો છે. 

શૅર-વિભાજનની નોટિસ મળતાં હિન્દુ. ઍરોનોટિક્સ તગડા ઉછાળે નવી ટોચે 

અલ નીનોના આગમનને કારણે શૉર્ટેજ ઊભી થવાની આશંકાથી અમેરિકા ખાતે ખાંડ-વાયદામાં કરન્ટ આવ્યો છે અને એની અસરમાં આપણે ત્યાં પણ શુગર શૅરોમાં શુક્રવારે મીઠાશ વધી છે. ઉદ્યોગના ૩૬માંથી ૩૨ શૅર પ્લસ હતા, એક શૅર યથાવત્ રહ્યો છે. ગઈ કાલે સિમ્ભોલી શુગર સાડાબાર ટકા, ઉત્તમ શુગર સાડાદસ ટકા અને બજાજ હિન્દુ. સાડાઆઠ ટકા ઊછળ્યો છે. અવધ શુગર, રાણા શુગર, મગધ શુગર, પિકાડૅલી શુગર, ઉગર શુગર, કેસર એન્ટર., બન્નારી શુગર, કેસીપી શુગર, ડીસીએમ શ્રીરામ, શક્તિ શુગર, રાજશ્રી શુગર, મવાણા શુગર જેવી જાતો ૪થી ૬ ટકા વધી હતી. સરશાદીલાલ દોઢ ટકા અને ધરણી શુગર સવા ટકો નરમ હતા. 

દરમ્યાન હિન્દુસ્તાન ઍરોનોટિક્સ દ્વારા શૅર-વિભાજન માટે ૨૭ જૂનની બોર્ડ મીટિંગ નક્કી થઈ છે. ભાવ ૩૭૮૫ની નવી વિક્રમી સપાટી બતાવી ૨૦૭ રૂપિયા કે ૫.૯ ટકાની તેજીમાં ૩૭૩૫ નજીક બંધ આવ્યો છે. માર્ચ ૨૦૨૦માં આ શૅરમાં ૪૪૮ની બૉટમ દેખાઈ હતી. એઆઇએ એન્જિનિયરિંગ ૩૨૩૪ના નવા શિખરે જઈ ત્રણ ટકા વધી ૩૨૨૨ રહ્યો છે. ઝોમૅટો સુધારાની ચાલમાં ૭૮ની વર્ષની ટૉપ બનાવી સવાબે ટકા વધીને ૭૭ ઉપર બંધ થયો છે. નાયકા સવાબે ટકા વધીને ૧૩૯ નજીક સરક્યો છે. કન્ઝ્યુમર ગુડ્સમાં વોલ્ટાસ સવાત્રણ ટકાની નબળાઈમાં ૭૭૮ થયો છે. 

પેટીએમની આગેકૂચ, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર સાડાછ ટકા ખરડાયો 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરની નબળાઈમાં સવાછ પૉઇન્ટ જેવા પરચૂરણ ઘટાડે ફલૅટ રહ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના ઘટાડામાં સવા ટકો ડાઉન હતો. અત્રે એકમાત્ર ઇન્ડિયન બૅન્ક અડધો ટકો પ્લસ થઈ છે. બૅ​​ન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૧૧ શૅર સુધર્યા છે. ઇન્ડ્સઇન્ડ ૨.૧ ટકા, સીએસબી બૅન્ક ૧.૬ ટકા, ઍક્સિસ બૅન્ક સવા ટકો, ફિનો પેમેન્ટ બૅન્ક અને એયુ બૅન્ક એક ટકો વધ્યા છે. સામે સૂર્યોદય બૅન્ક, આઇઓબી, સ્ટેટ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, પંજાબ-સિંઘ બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, જેકે બૅન્ક, આઇડીબીઆઇ બૅન્ક દોઢથી સવા બે ટકા તથા બૅન્ક ઑફ મહારાષ્ટ્ર સાડાછ ટકા ખરડાયા છે. ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૪૦માંથી ૮૪ શૅરના ઘટાડા વચ્ચે નજીવો નરમ હતો. બ્રોકરેજ હાઉસ બોફાના બુલિશ વ્યુ પાછળ કરન્ટ આગળ વધારતાં પેટીએમ સાડાપાંચ ટકા ઊંચકાઈ ૮૧૪ વટાવી ગયો છે. મનપ્પુરમ ફાઇ. ચાર ટકા તથા ટ્રુકૅપ ફાઇ. સવાત્રણ ટકા મજબૂત હતા. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ ખરાબીમાં ૧૧૬ની ઐતિહાસિક બૉટમ બનાવી સવાદસ ટકા તૂટી ૧૨૩ની અંદર બંધ હતો. વૉલ્યુમ ૧૭ ગણું હતું. 

હિન્દુ. યુનિલીવર, નેસ્લે, આઇટીસી, કોલગેટ, મારિકો, ગોદરેજ કન્ઝ્યુમર, તાતા કન્ઝ્યુમર, ઇમામી, ડાબર ઇત્યાદિની નબળાઈમાં એફએમસીજી ઇન્ડેક્સ પોણા ટકાથી વધુ કટ થયો છે. એપીએલ અપોલોના સવાબે ટકાના સુધારાને અપવાદ ગણતાં મેટલ ઇન્ડેક્સ બાકીના ૯ શૅરના ઘટાડે ૦.૭ ટકા પીગળ્યો છે. તાતા સ્ટીલ સર્વાધિક બે ટકા બગડ્યો છે. એનર્જીમાં જિંદાલ ડ્રિલિંગ ૧૧ ટકાના જમ્પમાં ૩૪૪ નજીક ગયો છે. કેપીઆઇ ગ્રીન એનર્જી ૫૭૫ના શિખરે જઈ પાંચ ટકા ઊંચકાઈ ૫૬૪ હતો. હેલ્થકૅરમાં એનજીએલ ફાઇન ૧૬.૩ ટકા, આરપીજી લાઇફ ૧૨ ટકા, અનુહ ફાર્મા ૮.૪ ટકાની તેજીમાં રહ્યા છે. 

Whatsapp-channel Whatsapp-channel

10 June, 2023 12:27 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK