ઊર્જા, નાણાકીય સેવાઓ અને સૉફ્ટવેર સંબંધિત કંપનીઓ એમના બિઝનેસ અને સંપત્તિમાં વધારો કરી રહી છે. ભારતના ટોચના ૧૦ સૌથી મૂલ્યવાન કૌટુંબિક વ્યવસાયો પર એક નજર કરીએ
મુકેશ અંબાણી, કુમાર મંગલમ બિરલા, સજ્જન જિંદલ, સંજીવ બજાજ, આનંદ મહિન્દ્ર, રોશની નાડર મલ્હોત્રા, વેલ્લાયન સુબ્બીયા, રિષદ પ્રેમજી, અનિલ અગ્રવાલ, આર. શેષાસાયી
રિસર્ચ દ્વારા ઉદ્યોગપતિઓનું, ધનાઢ્યોનું, સ્ટાર્ટઅપ્સનું લિસ્ટ બનાવતા હુરુન નામના ગ્રુપ દ્વારા ભારતના સૌથી મૂલ્યવાન પારિવારિક વ્યવસાયોની લેટેસ્ટ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં સમાવિષ્ટ દેશના ટોચના ૧૦ પરિવાર આધારિત ઉદ્યોગોનું મૂલ્ય ૨૦૨૫માં ૬૬.૭ લાખ કરોડ રૂપિયા થયું છે, જે ગયા વર્ષના ૫૯.૫ લાખ કરોડથી વધારે છે. આ રૅન્કિંગ પરિવાર દ્વારા સંચાલિત કંપનીઓના વધતા પ્રભાવને ઉજાગર કરે છે જેમાં ઊર્જા, નાણાકીય સેવાઓ અને સૉફ્ટવેર સંબંધિત કંપનીઓ એમના બિઝનેસ અને સંપત્તિમાં વધારો કરી રહી છે. ભારતના ટોચના ૧૦ સૌથી મૂલ્યવાન કૌટુંબિક વ્યવસાયો પર એક નજર કરીએ
અદાણી પરિવાર સતત બીજા વર્ષે ફર્સ્ટ જનરેશન ફૅમિલી બિઝનેસમાં ટોચના સ્થાને
ADVERTISEMENT
હુરુન ઇન્ડિયા મોસ્ટ વૅલ્યુએબલ ફૅમિલી બિઝનેસ-લિસ્ટમાં (ફર્સ્ટ જનરેશન (પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકોનો સમાવેશ થાય છે જેમણે બિઝનેસ સામ્રાજ્ય બનાવ્યું છે. સતત બીજા વર્ષે અદાણી પરિવાર ૨૦ મોસ્ટ વૅલ્યુએબલ ફર્સ્ટ-જનરેશન ઇન્ડિયન ફૅમિલી બિઝનેસની યાદીમાં ટોચ પર છે જેનો વ્યવસાય ૧૪ લાખ કરોડ રૂપિયાનો છે.
અદાણી પરિવારનું નેતૃત્વ ગૌતમ અદાણી કરે છે અને તેમના વ્યવસાયનું ૧૪ લાખ કરોડ રૂપિયાનું મૂલ્યાંકન અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ અને અન્ય ગ્રુપ કંપનીઓના સંયુક્ત મૂલ્યાંકનમાંથી આવે છે. આનાથી આ વ્યવસાય ભારતનો સૌથી મૂલ્યવાન પ્રથમ પેઢીનો વ્યવસાય બને છે.
આ લિસ્ટમાં બીજા સ્થાને પૂનાવાલા પરિવાર છે જેનું નેતૃત્વ સાયરસ પૂનાવાલા કરે છે, જે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાનું સંચાલન કરે છે. આ વ્યવસાયનું મૂલ્ય ૨.૩ લાખ કરોડ રૂપિયા છે. દિવી પરિવારના મુરલી કે. દિવીની ફાર્માસ્યુટિકલ કંપની દિવી’સ લૅબોરેટરીઝનું મૂલ્ય ૧.૮ લાખ કરોડ રૂપિયા છે જે ત્રીજા સ્થાને આવે છે.
ટોચના ત્રણ પરિવારના વ્યવસાયોનું મૂલ્ય ૪૭૧ બિલ્યન ડૉલર અથવા તો ૪૦.૪ લાખ કરોડ રૂપિયા છે. આ સંયુક્ત મૂલ્ય ૪.૬ લાખ કરોડ રૂપિયા જેટલું વધ્યું છે.
૧. અંબાણી પરિવાર
આ પરિવારનું મૂલ્યાંકન ૨૮.૨ લાખ કરોડ રૂપિયા છે. મુકેશ અંબાણીનું નેતૃત્વ ધરાવતી અને ૧૯૫૭માં સ્થપાયેલી અને હવે બીજી પેઢી દ્વારા સંચાલિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતના ઔદ્યોગિક વિકાસમાં એક પ્રબળ શક્તિ છે. આ કંપનીનાં મૂળ ઊર્જા ક્ષેત્રમાં છે ત્યારે રિલાયન્સે રીટેલ અને ડિજિટલ સર્વિસિસમાં એનો પ્રભાવ વિસ્તાર્યો છે, જેનાથી દેશની ઇકૉનૉમિક સ્ટોરીના કેન્દ્રમાં અંબાણી પરિવારનું સ્થાન મજબૂત બન્યું છે.
૨. કુમાર મંગલમ બિરલા પરિવાર
કુમાર મંગલમ બિરલા પરિવાર ૬.૫ લાખ કરોડ રૂપિયાનું મૂલ્યાંકન ધરાવે છે. સિમેન્ટ અને સિમેન્ટ ઉત્પાદનોમાં વૈશ્વિક પાવરહાઉસ એવા આદિત્ય બિરલા ગ્રુપનું નેતૃત્વ કુમાર મંગલમ બિરલા કરી રહ્યા છે. ૧૮૫૦ના દાયકામાં શરૂ થયેલી અને હવે એની ચોથી પેઢીના નેતૃત્વ સાથે પરિવારનો વારસો પરંપરાને નવીનતા સાથે મિશ્રિત કરે છે, જે ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વિસ્તરણને વેગ આપે છે.
૩. જિંદલ પરિવાર
જિંદલ પરિવારનું મૂલ્યાંકન ૫.૭ લાખ કરોડ રૂપિયા છે. સજ્જન જિંદલના નેતૃત્વમાં JSW સ્ટીલ ધાતુઓ અને ખાણકામ ક્ષેત્રમાં જૂથનો ગઢ મનાય છે. હવે એની બીજી પેઢીના નેતૃત્વમાં પરિવાર ભારતના સૌથી મોટા
સ્ટીલ-ઉત્પાદકોમાંનો એક બન્યો છે, જે દેશની માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિસ્તરણને આગળ ધપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
૪. બજાજ પરિવાર
બજાજ પરિવાર ૫.૬ લાખ કરોડ રૂપિયાનું મૂલ્યાંકન ધરાવે છે. સંજીવ બજાજના નેતૃત્વ હેઠળ આ જૂથે ભારતના નાણાકીય સર્વિસના ક્ષેત્રમાં અગ્રણી તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. ૧૯૨૬માં સ્થપાયેલી અને હવે એની ચોથી પેઢીમાં બજાજ જૂથ નવીનતા, વૈવિધ્યકરણ અને ભારતના નાણાકીય લૅન્ડસ્કેપને આકાર આપવા માટે ઊંડાં મૂળવાળી પ્રતિબદ્ધતા દ્વારા એની હાજરીને મજબૂત કરવાનું ચાલુ રાખે છે.
૫. મહિન્દ્ર પરિવાર
મહિન્દ્ર પરિવાર ૫.૪ લાખ કરોડ રૂપિયાનું મૂલ્યાંકન ધરાવે છે. ત્રીજી પેઢીના ઉદ્યોગસાહસિક આનંદ મહિન્દ્રના નેતૃત્વ હેઠળ મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર (M&M) ઑટોમોબાઇલ, ઑટો ઘટકો અને અન્ય ક્ષેત્રોમાં ફેલાયેલા વૈવિધ્યસભર સમૂહમાં વિકસી છે. ૧૯૪૫માં સ્થપાયેલા જૂથનો વારસો સ્થિતિસ્થાપકતા, નવીનતા અને ટકાઉ વિકાસ માટે ભવિષ્ય-કેન્દ્રિત અભિગમ દ્વારા વ્યાખ્યાયિત થયેલો છે.
૬. નાડર પરિવાર
૪.૭ લાખ કરોડ રૂપિયાના મૂલ્યાંકન સાથે છઠ્ઠા ક્રમે નાડર પરિવારનું નેતૃત્વ HCL ટેક્નૉલૉજીઝ દ્વારા રોશની નાડર મલ્હોત્રા કરે છે. ૧૯૭૬માં સ્થપાયેલી અને હવે એની બીજી પેઢીમાં કંપની ભારતની ટોચની IT સર્વિસ કંપનીઓમાંની એક બની ગઈ છે, જે વૈશ્વિક પહોંચને મજબૂત ટેક્નૉલૉજી ક્ષમતાઓ સાથે જોડે છે.
૭. મુરુગપ્પા પરિવાર
૨.૯ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સાતમા સ્થાને મુરુગપ્પા પરિવારનું નેતૃત્વ વેલ્લાયન સુબ્બીયા કરે છે. મુખ્યત્વે ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ ફાઇનૅન્સ કંપની દ્વારા કાર્યરત આ જૂથ ૧૯૦૦માં સ્થાપિત છે અને હવે ચોથી પેઢી દ્વારા ચલાવવામાં આવે છે. નાણાકીય સેવાઓ અને એનાથી આગળને એની વિશ્વસનીય હાજરી માટે જાણીતું છે.
૮. પ્રેમજી પરિવાર
૨.૮ લાખ કરોડ રૂપિયાના મૂલ્ય સાથે આઠમા સ્થાને પ્રેમજી પરિવાર છે અને વિપ્રોનું સુકાન રિષદ પ્રેમજીના હાથમાં છે. ૧૯૪૫માં સ્થપાયેલી અને ત્રીજી પેઢી દ્વારા સંચાલિત આ કંપની વૈશ્વિક સૉફ્ટવેર અને સેવાઓમાં અગ્રણી છે, જેણે વૈશ્વિક ટેક ક્ષેત્રમાં ભારતનું સ્થાન વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
૯. અનિલ અગ્રવાલ પરિવાર
૨.૬ લાખ કરોડ રૂપિયાના મૂલ્યાંકન સાથે નવમા સ્થાને પદાર્પણ કરનારો અનિલ અગ્રવાલ પરિવાર ધાતુઓ અને ખાણકામ ક્ષેત્રમાં હિન્દુસ્તાન ઝિન્કનું નેતૃત્વ કરે છે. ઝડપથી વિકસતું પ્રથમ પેઢીનું આ સાહસ છે, જે ભારતના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક કાચા માલના પુરવઠામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
૧૦. દાણી, ચોકસી અને વકીલ પરિવારો
૨.૨ લાખ કરોડ રૂપિયાના મૂલ્યાંકન સાથે દસમા સ્થાને દાણી, ચોકસી અને વકીલ પરિવારોનું પ્રતિનિધિત્વ એશિયન પેઇન્ટ્સ દ્વારા કરવામાં આવે છે. જોકે હવે એનું નેતૃત્વ વ્યાવસાયિક ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) આર. શેષાસાયી દ્વારા કરવામાં આવે છે. રસાયણો અને પેટ્રોકેમિકલ્સમાં અગ્રણી સ્થાન ધરાવતી કંપની વ્યાવસાયિક મૅનેજમેન્ટ દ્વારા સમર્થિત પરિવાર-પ્રમોટેડ વ્યવસાયોની મજબૂતાઈનો પુરાવો છે.


