ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં વધારો સારો સંકેત
પ્રતીકાત્મક તસવીર
આ નાણાકીય વર્ષની શરૂઆતથી 8 ઑક્ટોબર, 2022 સુધી કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (Direct Tax Collection) રૂા. 8.98 લાખ કરોડને પાર કરી ગયું છે. ગયા વર્ષની સરખામણીમાં તેમાં 23.8 ટકાનો વધારો નોંધાયો છે. નાણાં મંત્રાલયે રવિવારે આ માહિતી આપી હતી.
નેટ ટેક્સ કલેક્શનમાં 16.3%ની વૃદ્ધિ નોંધાઈ છે અને તે 7.45 લાખ કરોડના આંકડાને વટાવી ગઈ છે. આ આંકડો નાણાકીય વર્ષ 2022-23 માટે કુલ કર સંગ્રહના અંદાજના 52.46% છે. આવી સ્થિતિમાં, તે ખૂબ સારું માનવામાં આવે છે.
ADVERTISEMENT
વ્યક્તિગત અને કૉર્પોરેટ ટેક્સમાં નોંધાયો વધારો
ચાલુ નાણાકીય વર્ષ 2022-2023માં એપ્રિલથી અત્યાર સુધીમાં કૉર્પોરેટ આવકવેરામાં 16.73%નો વધારો નોંધવામાં આવ્યો છે. તે જ સમયે, વ્યક્તિગત આવકવેરામાં 32.30%નો વધારો થયો છે. રિફંડ પછી પણ, નાણાકીય વર્ષ 2022-23 માટે ચોખ્ખી કૉર્પોરેટ આવકવેરા સંગ્રહમાં 16.29% અને વ્યક્તિગત આવકવેરા સંગ્રહમાં 16.25%નો વધારો થયો છે.
ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં વધારો સારો સંકેત
ઉચ્ચ કર વસૂલાત દર્શાવે છે કે દેશમાં આર્થિક પ્રવૃત્તિમાં તેજી આવી છે. ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદન અને નિકાસમાં મંદી હોવા છતાં, કર વસૂલાતમાં મજબૂતી જોવા મળી છે. આવી સ્થિતિમાં, કેટલાક નિષ્ણાતો માને છે કે દેશની આર્થિક વૃદ્ધિની ગતિ ઘટી ગઈ છે, પરંતુ આ આંકડા કંપનીઓના નફાને કારણે બહાર આવી રહ્યા છે. અગાઉ, ભારતીય રિઝર્વ બેન્કે ભારતના જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) અંદાજને 7.2%થી ઘટાડીને 7% કર્યો હતો. આ સાથે અન્ય ઘણી વૈશ્વિક એજન્સીઓએ પણ ભારતના જીડીપીના અંદાજમાં ઘટાડો કર્યો છે.
આટલા કરોડના રિફંડ આપ્યા
સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ અનુસાર, 1 એપ્રિલથી 8 ઑક્ટોબર, 2022 દરમિયાન આવકવેરા વિભાગે 1.53 લાખ કરોડ રૂપિયા રિફંડ આપ્યા છે, જે પાછલા વર્ષ કરતાં 81% વધુ છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધી નિકાસમાં 3.5%નો ઘટાડો નોંધાયો છે અને આ સાથે ચાલુ નાણાકીય વર્ષમાં વેપાર બમણો થયો છે. આ સાથે ઑગસ્ટમાં બેઝિક ઈન્ડસ્ટ્રીનો ગ્રોથ ઘટીને 3.3 ટકાના નવ મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે.


