ચીનમાં વધેલા કોરોના કેરની અસરે સ્ટિમ્યુલેસ પૅકેજ આવવાની ચર્ચાથી સોનામાં લૉન્ગ ટર્મ તેજીના ચાન્સ
પ્રતીકાત્મક તસવીર
રશિયા-યુક્રેન વચ્ચે લંબાઈ રહેલા યુદ્ધની સેફ હેવન ડિમાન્ડ અને ફેડના સ્ટ્રૉન્ગ સ્ટૅન્ડથી ડૉલરની તેજીથી વધી રહેલા પ્રૉફિટ બુકિંગને કારણે સોનું સતત સાતમા દિવસે રેન્જબાઉન્ડ રહ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૧૨ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૦૦ રૂપિયા વધી હતી.
વિદેશી પ્રવાહ
રશિયાએ ઈસ્ટર્ન યુક્રેન પર કબજો જમાવવા નવી સ્ટ્રેટેજી અપનાવી હોઈ બન્ને દેશો વચ્ચેનું યુદ્ધ નવા તબક્કામાં પહોંચ્યું છે તેની સાથે અમેરિકા અને યુરોપિયન યુનિયને રશિયા પર વધુ પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. અમેરિકન ફેડની મીટિંગની મિનિટ્સમાં મોટા ભાગના મેમ્બર્સ આગામી મીટિંગમાં ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારવાના મતના હોઇ ડૉલર અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ વધ્યા હતા. આમ રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ લંબાતું જતું હોઈ એક તરફ સેફ હેવન ડિમાન્ડ છે અને બીજી તરફ ડૉલર-યીલ્ડની તેજીથી પ્રૉફિટ બુકિંગ પણ વધી રહ્યું છે. બેતરફી કારણોથી સોનું સતત સાત ટ્રેડિંગ સેશનથી રેન્જબાઉન્ડ રહે છે જે ગુરુવારે પણ રેન્જબાઉન્ડ હતું. સોનું રેન્જબાઉન્ડ રહેતાં ચાંદી અને પ્લેટિનમ પણ રેન્જબાઉન્ડ હતાં પણ પેલેડિયમમાં ભાવ સુધર્યા હતા.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
યુરો એરિયાના રીટેલ સેલ્સમાં ફેબ્રુઆરીમાં ૦.૩ ટકાનો વધારો થયો હતો જેમાં જાન્યુઆરીમાં ૦.૨ ટકાનો વધારો હતો અને માર્કેટની ધારણા ૦.૬ ટકાની હતી. ચીનની ફૉરેન એક્સચેન્જ રિઝર્વ માર્ચમાં સતત ત્રીજે મહિને ઘટી હતી જે ઘટીને એક વર્ષની નીચી સપાટીએ ૩.૧૮૮ ટ્રિલ્યન ડૉલર રહી હતી, માર્કેટની ધારણા ૩.૨ ટ્રિલ્યન ડૉલર રહેવાની હતી. અમેરિકાની મૉર્ગેજ અૅપ્લિકેશન ૧ એપ્રિલે પૂરા થયેલા સપ્તાહના અંતે સતત ચોથા સપ્તાહે ઘટી હતી જે ૬.૩ ટકા ઘટીને બે વર્ષની નીચી સપાટીએ પહોંચી હતી. ઑસ્ટ્રેલિયાની એક્સપોર્ટ ફેબ્રુઆરીમાં ૦.૨ ટકા વધીને ૪૮.૭૭ અબજ ડૉલરે પહોંચી હતી જ્યારે ઇમ્પોર્ટ ૧૨ ટકા વધીને ૪૧.૩૧ અબજ ડૉલરે પહોંચી હતી, જેને કારણે ટ્રેડ સરપ્લસ ઘટીને ૧૧ મહિનાની નીચી સપાટીએ ૭.૪૬ અબજ ડૉલર જ રહી હતી જે અગાઉના મહિને ૧૧.૭૯ અબજ ડૉલર હતી. નેધરલૅન્ડનું ઇન્ફ્લેશન માર્ચમાં વધીને ૪૭ વર્ષની ઊંચાઈએ ૯.૭ ટકાએ પહોંચ્યું હતું જે ફેબ્રુઆરીમાં ૬.૨ ટકા હતું, માર્ચમાં એનર્જી પ્રાઇસમાં ૧૫૭.૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો જ્યારે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ૧૬.૬ ટકા માર્ચમાં વધ્યો હતો. મેક્સિકોનું ઇન્ફ્લેશન માર્ચમાં વધીને ૨૧ વર્ષની ઊંચાઈએ ૭.૪૫ ટકા હતું જે ફેબ્રુઆરીમાં ૭.૨૮ ટકા હતું. સાયપ્રસનું ઇન્ફ્લેશન માર્ચમાં વધીને ૩૦ વર્ષની ઊંચાઈએ ૭.૧ ટકાએ પહોંચ્યું હતું જે ફેબ્રુઆરીમાં ૬.૬ ટકા હતું. આર્યલૅન્ડનું ઇન્ફ્લેશન માર્ચમાં વધીને ૨૧ વર્ષની ઊંચાઈએ ૬.૭ ટકાએ પહોંચ્યું હતું જે ફેબ્રુઆરીમાં ૫.૭ ટકા હતું. મિશ્ર ઇકૉનૉમિક ઇન્ડિકેટર્સથી સોનાની તેજી-મંદીને કોઈ નિશ્ચિત દિશા મળી નહોતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ચીનમાં લાંબા સમયથી કોરોનાના કેસ એકધારા વધી રહ્યા હોઈ હવે ચાઇનીઝ ઇકૉનૉમિક ગ્રોથને અસર થવાની શરૂઆત થઈ ચૂકી છે. શાંઘાઇમાં ૨.૬ કરોડ લોકો હાલ લૉકડાઉન હેઠળ છે. શાંઘાઇમાં નવા કેસ ૧૭થી ૧૯ હજાર આવ્યાના ખબર જુદા-જુદા મીડિયામાં આવ્યા હતા જે એક નવો રેકૉર્ડ હશે. ચીનમાં રિયલ એસ્ટેટ ડેવલપર કંપનીઓની સ્થિતિ બગડ્યા બાદ સેન્ટ્રલ બૅન્ક દ્વારા વારંવાર ફાઇનૅન્શિયલ મદદ બૅન્કિંગ ચૅનલ દ્વારા મળી રહી છે પણ હવે કોરોનાની સ્થિતિ ઝડપથી વકરી રહી હોઈ ઇકૉનૉમિક ગ્રોથને અસર ન થાય તે માટે સ્ટિમ્યુલેસ પૅકેજ લઈ આવવું પડે તેવું ચીનના મોટા ભાગના ઇકૉનૉમિસ્ટો માની રહ્યા છે. અમેરિકન ફેડ એક તરફથી ઇન્ટરેસ્ટ રેટ વધારીને બેલેન્સશીટ સંકોચી રહ્યું છે ત્યારે બીજી તરફ ચાઇનીઝ ગવર્નમેન્ટ સ્ટિમ્યુલેસ પૅકેજ લઈ આવવા તૈયારી કરી રહ્યું છે. સ્ટિમ્યુલેસ પૅકેજ આવવાથી સિસ્ટમમાં ઇઝી મનીનો ફ્લો વધશે જે સોના સહિત તમામ ફાઇનૅન્શિયલ અૅસેટમાં તેજી લાવી શકે છે. ઇઝી મનીનો ફ્લો અને ઇન્ફ્લેશનનો વધારો જો બન્ને સમાંતર ચાલશે તો સોનામાં આગામી દિવસોમાં નવી તેજી જોવા મળી શકે છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૧,૭૯૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૧,૫૮૩
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૬,૦૧૯
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

