Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ફેડના આક્રમક ઇન્ટરેસ્ટ રેટ વધારાથી તેજી અને મંદીની બેતરફી શક્યતાથી સોનું રેન્જબાઉન્ડ

ફેડના આક્રમક ઇન્ટરેસ્ટ રેટ વધારાથી તેજી અને મંદીની બેતરફી શક્યતાથી સોનું રેન્જબાઉન્ડ

21 June, 2022 02:50 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

ફેડ જુલાઈમાં પણ ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી ચર્ચા શરૂ થતાં સોના-ચાંદીમાં સાવચેતી

પ્રતીકાત્મક તસવીર

કૉમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક તસવીર


અમેરિકન ફેડ હવે ઇન્ફ્લેશનના વધારાને ખાળવા ગમે એ હદે જવા તૈયાર થઈ ચૂક્યું હોવાથી રિસેશનો ભય પણ વધી શકે છે, પરંતુ આક્રમક ઇન્ટરેસ્ટ રેટ વધારાથી ડૉલરની મજબૂતી વધશે. આમ, સોના-ચાંદીમાં તેજી-મંદીની બંને શક્યતા ઊભી થતાં ભાવ રેન્જબાઉન્ડ રહ્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૬૪ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૫૯૭  રૂપિયા ઘટી હતી. 

વિદેશી પ્રવાહ 
અમેરિકન ફેડ જુલાઈ મહિનામાં ૭૫ બેસિસ પૉઇન્ટ વધારશે એવી ચર્ચાએ જોર પકડતાં ડૉલર વધુ મજબૂત થશે એવી શક્યતાએ સોનામાં અનિશ્ચિતતા વધી હતી. સોનામાં હાલ બેતરફી કારણો અસર કરી રહ્યાં હોવાથી લેવાલી-વેચવાલી સમાન સ્તરે આગળ વધી રહી છે. ફેડ આક્રમક રીતે ઇન્ટરેસ્ટ રેટ વધારે તો ડૉલરની મજબૂતીથી સોનું ઘટી શકે, પણ આક્રમક ઇન્ટરેસ્ટ રેટ વધારાથી રિસેશનનો ભય વધતાં સોનામાં આગળ જતાં તેજીના ચાન્સિસ પણ મજબૂત બને છે. સોનું-ચાંદી સોમવારે વધ-ઘટે ફ્લૅટ રહ્યાં હતાં, જ્યારે પ્લૅટિનમ અને પૅલેડિયમ સુધર્યાં હતાં. 



ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનું મૅન્યુફૅક્ચરિંગ પ્રોડક્શન મે મહિનામાં ૦.૧ ટકા ઘટ્યું હતું જે છેલ્લા ચાર મહિનામાં પહેલો ઘટાડો હતો તેમ જ માર્કેટની ૦.૩ ટકા વધારાની ધારણાથી વિપરીત ઘટ્યું હતું. ખાસ કરીને ડ્યુરેબલ ગુડ્સનું આઉટપુટ ૦.૨ ટકા ઘટ્યું હતું. અમેરિકાનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન મે મહિનામાં ૦.૨ ટકા વધ્યું હતું પણ છેલ્લા એક વર્ષનો સૌથી ઓછો ગ્રોથ હતો. એપ્રિલમાં ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ૧.૪ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૪ ટકા વધારાની હતી. જર્મનીનું પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન ફરી એક વખત ઑલટાઇમ હાઈ સપાટીએ મે મહિનામાં ૩૩.૬ ટકા રહ્યું હતું જે સતત છઠ્ઠે મહિને વધીને નવી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. એપ્રિલમાં ઇન્ફ્લેશન ૩૩.૫ ટકા હતું. કૅનેડાનું ઇન્ફ્લેશન પણ મે મહિનામાં ૧.૭ ટકા વધ્યું હતુ જે સતત નવમા મહિને વધ્યું હતું, એપ્રિલ મહિનમાં કૅનેડાનું ઇન્ફ્લેશન ૦.૮ ટકા વધ્યું હતું. યુરો એરિયાનો કન્સ્ટ્રક્શન્સ ગ્રોથ એપ્રિલમાં ત્રણ ટકા જોવા મળ્યો હતો, પણ છેલ્લા ચાર મહિનાનો સૌથી નીચો ગ્રોથ હતો. માર્ચ મહિનામાં કન્સ્ટ્રક્શન્સ ગ્રોથ ૩.૪ ટકા રહ્યો હતો. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ એક વર્ષની લોનના પ્રાઇમ રેટ ૩.૭ ટકા અને પાંચ વર્ષની લોનના પ્રાઇમ રેટ ૪.૪૫ ટકા જાળવી રાખવાની જાહેરાત પૉલિસી મીટિંગમાં કરી હતી. રશિયાનો ફર્સ્ટ ક્વૉર્ટરનો ગ્રોથ રેટ ઘટીને એક વર્ષની નીચી સપાટીએ ૩.૫ ટકા રહ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં પાંચ ટકા રહ્યો હતો. ઇકૉનૉમિક ઇન્ડિકેટર રિસેશનના હળવા સંકેતો આપી રહ્યા હોવાથી સોનાના લૉન્ગ ટર્મ તેજીના ચાન્સિસ ધીમે-ધીમે મજબૂત બની રહ્યા છે. 


શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
અમેરિકન ફેડરલ રિઝર્વે જૂન મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ ૭૫ બેસિસ પૉઇન્ટ વધાર્યા બાદ જુલાઈમાં પણ ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારવા પહેલાંનું વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે. ગયા સપ્તાહના અંતે ફેડના ગવર્નર ક્રિષ્ટોફર વોલર સહિત ત્રણ પ્રોવિન્સના ફેડ ગવર્નરે ૭૫ બેસિસ પૉઇન્ટના વધારાને સમર્થન આપ્યું હતું. ફેડ ગવર્નરે જણાવ્યું હતું કે જુલાઈ મીટિંગમાં ૭૫ બેસિસ પૉઇન્ટના વધારાને પૂરેપૂરો સપોર્ટ રહેશે. અટલાન્ટા ફેડ પ્રેસિડન્ટ રાફેલ બાસ્ટિકે જણાવ્યું હતું કે અમેરિકાની પ્રજાની મુસીબતમાં ફેડ ઇન્ફ્લેશન પર અટૅક કરવા આક્રમક પગલાં લેવા તત્પર છે, ગમે એ ભોગે ઇન્ફ્લેશનને ફેડના બે ટકાના ટાર્ગેટ સુધી જવા સુધી ઇન્ટરેસ્ટ રેટમાં મોટો વધારો કરવા તૈયારી રાખવી પડશે. સેન્ટ લ્યુસના ફેડ પ્રેસિડન્ટ જેમ્સ બુલાર્ડે બાર્સલોનામાં જણાવ્યું હતું કે ઇન્ફ્લેશનનો વધારો ફેડ અને ઈસીબી (યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક)ના ક્રેડિબિલિટીને અસર કરે છે. મિનિયોપોલ્સના ફેડ પ્રેસિડન્ટ નિશ કાશકરીએ જણાવ્યું હતું કે ૧૯૮૦માં તત્કાલીન ફેડ ચૅરમૅન નિલ કાશકરીએ જે રીતે ઇન્ફ્લેશનમાં વધારો કરીને ક્રેડિબિલિટીની લડાઈ જીતી હતી એ જ રીતે ફેડરલ રિઝર્વે પણ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરીને ક્રેડિબિલિટીની લડાઈ જીતવી પડશે. આમ, ફેડના ગવર્નર સહિત મોટા ભાગના ફેડ મેમ્બર્સ જુલાઈમાં ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટેનું ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છે. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલ અમેરિકાના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ સમક્ષ ઇકૉનૉમિક રિપોર્ટ રજૂ કરવા તૈયાર છે. એ પહેલાં તેઓ સેનેટની બૅન્કિંગ કમિટી અને હાઉસની ફાઇનૅન્શિયલ સર્વિસ કમિટી સમક્ષ ચાલુ સપ્તાહે બુધવારે અને ગુરુવારે ઇકૉનૉમિક કન્ડિશનનો રિપોર્ટ રજૂ કરશે, જેમાં સાડાચાલીસ વર્ષની ઊંચાઈએ પહોંચેલા ઇન્ફ્લેશનના વધારાને રોકવા ફેડની રણનીતિ શું હશે? એનું બ્યાન રજૂ કરશે. આમ, અમેરિકામાં જુલાઈમાં ૭૫ બેસિસ પૉઇન્ટ વધારા માટે ગ્રાઉન્ડ તૈયાર થાય તો ડૉલરની મજબૂતીને પગલે સોનામાં કટકે-કટકે ઘટાડો જોવા મળશે.

ભાવ તાલ


સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૧,૦૦૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૦,૮૦૧
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૦,૯૭૯
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Whatsapp-channel Whatsapp-channel

21 June, 2022 02:50 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK