અમેરિકન ડેબ્ટ સીલિંગની મડાગાંઠ સતત લંબાતી જતી હોવાથી ડૉલરમાં સતત બે સેશનથી ઘટાડો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે ઇન્ટરેસ્ટ રેટમાં વધુ વધારો જોખમી હોવાની કમેન્ટ કરતાં તેમ જ અમેરિકાની ડેબ્ટ સીલિંગની મડાગાંઠ યથાવત્ રહેતાં ડૉલરની નબળાઈથી સોનામાં નવેસરથી વધારો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૫૫૪ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૭૩૭ રૂપિયા વધ્યાં હતાં.
વિદેશી પ્રવાહ
ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવા વિશે ફરી ઢીલો ટોન બતાવતાં ઇન્ટરેસ્ટ રેટ વધવા વિશેની શક્યતા ઘટી હતી. સી.એમ.ઈ. ફેડ વૉચના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ફેડ જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારે એની શક્યતા વધીને ૮૭.૩ ટકાએ પહોંચી છે જે ગયા સપ્તાહે ઘટીને ૬૦ ટકા થઈ હતી. ફેડ ચૅરમૅનના ઢીલા ટોનને કારણે સોનું વધીને ૧૯૮૪ ડૉલર સુધી વધ્યું હતું જે ગયા સપ્તાહે ઘટીને ૧૯૫૬.૯૦ ડૉલર હતું. સોનું વધતાં પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં. જોકે ચાંદી સ્ટેડી હતી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ સોમવારે સતત બીજા સેશનમાં ઘટીને ૧૦૩ના લેવલે પહોંચ્યો હતો. અમેરિકન ડેબ્ટ સીલિંગની લિમિટ વધારવાની મડાગાંઠ હજી ઉકેલાઈ નથી. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન સતત ચેતવણી આપી રહ્યા છે કે ડેબ્ટ સીલિંગની મડાગાંઠ નહીં ઉકેલાઈ તો અમેરિકન ગવર્નમેન્ટ ૧ જૂન પછી ડિફૉલ્ટ થશે. આ વિશે હજી મંત્રણાઓનો દોર ચાલુ છે. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે જણાવ્યું હતું કે ઇન્ફ્લેશન ફેડના બે ટકાના ટાર્ગેટથી ઘણો ઊંચો છે, પણ બૅન્કિંગ સેક્ટરોની હેલ્થ માટે હવે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવો જોખમી બની શકે છે. ઉપરાંત હાલની સ્થિતિમાં ઇન્ટરેસ્ટ રેટનો બે ટકાનો ટાર્ગેટ હાંસલ કરવો ઘણો મુશ્કેલ છે. હાલ માર્કેટ એવું માની રહી છે કે ફેડ જૂનમાં પચીસ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે, પણ હવે જેરોમ પૉવેલની કમેન્ટ બાદ ફરી અનિશ્ચિતતા સર્જાઈ છે.
પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ મહત્ત્વના લૅન્ડિંગ રેટને સતત નવમા મહિને જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. એક વર્ષના લોન પ્રાઇમ રેટને ૩.૬૫ ટકા અને પાંચ વર્ષના લોન પ્રાઇમ રેટને ૪.૩ ટકાએ જાળવી રાખ્યા હતા. ગયા સપ્તાહે પીપલ્સ બૅન્કે મિડિયમ ટર્મ પૉલિસી રેટને ૨.૭૫ ટકાએ જાળવી રાખવાનો નિર્ણય લીધા બાદ લૅન્ડિંગ રેટને પણ જાળવી રાખવાનો નિર્ણય લેવાયો હતો.
ચાલુ સપ્તાહે અમેરિકાના ડેબ્ટ સીલિંગ લિમિટના નિર્ણય પર બધાની નજર રહેશે. આ ઉપરાંત ફેડની મે મહિનાના આરંભે યોજાયેલી મીટિંગની મિનિટ્સ જાહેર થશે. આ ઉપરાંત અમેરિકાના પર્સનલ ઇન્કમ અને સ્પેન્ડિંગ તથા ફર્સ્ટ ક્વૉર્ટરના ગ્રોથરેટનું સેકન્ડ એસ્ટિમેટ જાહેર થશે. ફર્સ્ટ ક્વૉર્ટરનો ઍડ્વાન્સ ગ્રોથરેટ ૧.૧ ટકા રહ્યો હતો જેને વિશે ધારણા ૨.૩ ટકાની હતી. ૨૦૨૨ના ચોથા ક્વૉર્ટરનો ગ્રોથરેટ પણ ૨.૬ ટકા રહ્યો હતો. ફર્સ્ટ ક્વૉર્ટરના ગ્રોથરેટનો સેકન્ડ એસ્ટિમેટ ૧.૧ ટકા આવવાની ધારણા છે. અમેરિકાના કૉર્પોરેટ પ્રૉફિટ, ડ્યુરેબલ ગુડ્ઝ ઑર્ડર અને મૅન્યુફૅક્ચરિંગ-સર્વિસ સેક્ટરના મે મહિનાના પ્રિલિમિનરી ડેટા ચાલુ સપ્તાહે જાહેર થશે. આમ ચાલુ સપ્તાહે મહત્ત્વના ડેટા જાહેર થવાના હોવાથી સપ્તાહના અંતે એ નક્કી થઈ જશે કે ફેડ જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ વધારશે કે કેમ? બ્રિટન, યુરો એરિયા, ઑસ્ટ્રેલિયા, જપાન, ફ્રાન્સ, જર્મની વગેરેના પણ મૅન્યુફૅક્ચરિંગ-સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ડેટા ચાલુ સપ્તાહે જાહેર થશે.
પૉલ્યુશનના લેવલને બતાવતી યુરોપિયન યુનિયન કાર્બન પરમિટ વધીને ચાર સપ્તાહની ઊંચાઈએ ૯૫ યુરો પ્રતિ ટને પહોંચી હતી જે ફેબ્રુઆરીમાં ૧૦૫ યુરો હતી. પૉલ્યુશન એમિશનને કન્ટ્રોલ કરવા માટે ફૅક્ટરીઓ, પ્લાન્ટો દ્વારા ખરીદાતી પાવર ક્રેડિટની ડિમાન્ડ વધતાં ભાવ વધ્યા હતા. યુરોપિયન પાર્લમેન્ટે ૨૦૩૦ સુધીમાં ગ્રીનહાઉસ એમિશનને ઘટાડીને ૬૨ ટકા સુધી લઈ જવાનું પ્રોજેક્શન મૂક્યું હોવાથી દરેક પ્લાન્ટ હાલ કાર્બન પરમિટ ખરીદી રહી છે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ચીનનો ઇકૉનૉમિક ગ્રોથ ધારણા કરતાં ઝડપથી સુધરી રહ્યો હોવાનો રિપોર્ટ ચાઇનીઝ સ્ટુડન્ટ અને ઑફિશ્યલ્સ દ્વારા સરકારને સુપરત કરાયો છે. ચીનમાં ગયા સપ્તાહના અંતે યોજાયેલી એક હાઈ લેવલની કૉન્ફરન્સમાં ચાઇનીઝ ઇકૉનૉમિક ગ્રોથ વિશે દરેક ઍન્ગલથી ચર્ચા થઈ હતી, જેમાં શૉર્ટ ટર્મ ચૅલેન્જ વિશે પણ ચર્ચા થઈ હતી અને સરકાર દ્વારા આ ચૅલેન્જને ઍડ્રેસ કરવા માટે શું પગલાં લેવાવાં જોઈએ એનો રિપોર્ટ તૈયાર કરાયો હતો. ચીનના સેન્ટર ફોર ઇકૉનૉમિક એક્સચેન્જના ડેપ્યુટી હેડે જણાવ્યું હતું કે ચીન હવે ફાસ્ટ લૅન ઇકૉનૉમિક રિકવરીમાં પ્રવેશી ચૂક્યું છે, કારણ કે એક્સપોર્ટ ડેટા, રીટેલ સેલ્સ અને અનએમ્પ્લૉયમેન્ટ ડેટા ધારણાથી વધુ સ્ટ્રૉન્ગ આવી રહ્યા છે. કોરોનાનાં નિયંત્રણો દૂર થયા બાદ ચાઇનીઝ માર્કેટમાં ડિમાન્ડ ધારણા કરતાં ઝડપથી વધી છે. ચાઇનીઝ ઇકૉનૉમિસ્ટોએ ૨૦૨૩ના ગ્રોથરેટનું પ્રોજેક્શન ૫.૭ ટકા રાખ્યું હતુ. યુનાઇડેટ નેશન્સે ૪.૮થી ૫.૩ ટકા સુધીનું પ્રોજેક્શન રાખ્યું હતું. ચીનનો ઇકૉનૉમિક ગ્રોથ ૨૦૨૨માં ત્રણ ટકા રહ્યો હતો. ચીન વર્લ્ડમાં હાલ સોનાનું સૌથી મોટું કન્ઝ્યુમર અને ઇમ્પોર્ટર હોવાથી ચીનની ઇકૉનૉમિક રિકવરી સોનાની ડિમાન્ડ અને ઇમ્પોર્ટ બન્નેને વધારશે. ખાસ કરીને ચાઇનીઝ ગવર્નમેન્ટ ગોલ્ડ રિઝર્વ વધારવા પર વધુ ધ્યાન આપશે. આમ ચીનનાં તમામ કારણો સોનાની તેજીને બૂસ્ટ કરનારાં બની રહ્યાં છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૬૦,૮૨૯
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૬૦,૫૮૫
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૨,૫૨૧
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)